દાંડીયાત્રામાં જોડાવા માટે ગાંધીજીએ કેવી-કેવી શરતો મૂકેલી ખબર છે?

Published: Mar 12, 2020, 14:55 IST | Shailesh Nayak | Mumbai

સ્વતંત્રતાની ચળવળ માટે જનસામાન્યમાં દેશપ્રેમનો જુવાળ ફેલાવનારી ઘટનામાં બહુ મહત્વનો ફાળો ભજવ્યો હતો મીઠાના કાનૂનના સવિનય ભંગે અને એ માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરેલી.

દાંડીયાત્રા
દાંડીયાત્રા

ભારતને આઝાદી મળી ૧૯૪૭માં, પરંતુ એ માટેની લડાઈનાં મૂળિયાં બહુ વહેલાં નખાઈ ચૂકેલાં. સ્વતંત્રતાની ચળવળ માટે જનસામાન્યમાં દેશપ્રેમનો જુવાળ ફેલાવનારી ઘટનામાં બહુ મહત્વનો ફાળો ભજવ્યો હતો મીઠાના કાનૂનના સવિનય ભંગે અને એ માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરેલી. આજે આ દાંડીયાત્રાને ૯૦ વર્ષ થયાં છે ત્યારે દેશની આઝાદીમાં મહત્વનો પડાવ બનેલી દાંડીયાત્રા સાથે સંકળાયેલી કેટલીક જાણી-અજાણી વાતોનાં સંભારણાં વાગોળીએ.

૧૨ માર્ચ, ૧૯૩૦ના દેશને સ્વરાજ અપાવવા માટે મીઠાના કાયદાનો ભંગ કરીને સત્યાગ્રહ શરૂ કરવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી ૭૮ સ્વયંસેવકો સાથે દાંડી જવા માટે મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમ છોડ્યો હતો અને મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ગાંધીબાપુએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પગપાળા કૂચ કરી હતી અને છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ના દાંડીના દરિયાકિનારે ચપટીભર કુદરતી મીઠું ઉઠાવીને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને દેશભરમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.

આ પહેલાં ૧૯૩૦ની બીજી માર્ચે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટેનાં પોતાના કારણો દર્શાવતો પત્ર વાઇસરૉયને લખ્યો હતો અને ૧૯૩૦ની પાંચમી માર્ચે સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પછી દાંડીકૂચ કરવાની જાહેરાત કરી હતી. દાંડીકૂચ માટે કાર્ય કરી રહેલા સરદાર વલ્લભભાઈ પટેલની ૭ માર્ચ, ૧૯૩૦ના રાસમાં ધરપકડ કરાઈ હતી અને તેમને ત્રણ મહિનાની કેદ તેમ જ ૫૦૦ રૂપિયાના દંડની સજા કરવામાં આવી હતી.

દાંડીયાત્રા પહેલાં, દાંડીયાત્રા દરમ્યાન અને દાંડીયાત્રા બાદની આ બધી વાતો અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમમાં બેસીને ગાંધીવાદી અને ગાંધી વિચારસરણી ધરાવતા અમૃતભાઈ મોદી અને ગણદેવીના લક્ષ્મીચંદ શાહે ‘મિડ-ડે’ સાથે વાગોળી હતી એ જાણીએ.

સરદાર પટેલનો સહયોગ

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના સેક્રેટરી અમૃતભાઈ મોદી દાંડીયાત્રાની વાતો કરતાં કહે છે, ‘દાંડીયાત્રા ક્યાં કરવી એનાં બેત્રણ જગ્યાઓનાં નામોમાંથી સરદાર પટેલે જગ્યાઓ નક્કી કરી હતી. તેમને જગ્યા અને બધી વ્યવસ્થા કરવાની હતી, કારણ કે ૧૯૨૨થી ગાંધીજીની બધી પ્રવૃત્તિઓમાં લડતોના આગેવાન સરદાર પટેલ જ રહેતા હતા કેમ કે તેમનામાં નેતૃત્વના ગુણો હતા. ગાંધીજી સાથે તેમને મતભેદ હોય તો એની સારીએવી ચર્ચા ગાંધીજી સાથે કરી શકતા હતા, ખુલ્લા દિલે જેટલું કહેવું હોય એ કહેતા અને ગાંધીજીની સાથે ગમ્મત પણ કરતા હતા એટલે એ ક્વૉલિટી સરદાર પટેલમાં હતી.’

૭૮ યાત્રીઓની પસંદગી કેવી રીતે કરી?

ગાંધીબાપુની દાંડીયાત્રામાં કોઈ પણ વ્યક્તિ એમ જ જોડાઈ શકે એવું નહોતું. તેમણે બહુ પસંદગીપૂર્વક તેમના પદયાત્રીઓને પસંદ કર્યા હતા એ વિશે વાત કરતાં અમૃતભાઈ મોદી કહે છે, ‘સત્ય, અહિંસાનું પાલન કરનારા અને આશ્રમમાં જે ૧૧ વ્રતો સારી રીતે પાળતા હોય એવા લોકોને ગાંધીજીએ પસંદ કર્યા હતા અને બધા આશ્રમમાં રહેલા હોય એ મહત્વનું હતું. ગાંધીજીએ દાંડીકૂચ માટે બહારથી કોઈને લીધા નહોતા, પણ જે લોકો બે-પાંચ વર્ષ કે છ–બાર મહિના આશ્રમમાં રહ્યા હોય તેમને જ કૂચમાં સાથે લીધા હતા. બીજું એવું વાતાવરણ હતું કે કદાચ સરકાર દાંડીયાત્રા શરૂ જ નહીં થવા દે અને અહીંથી જ બધાને પકડી લેશે. પછી ગોળીબાર થાય, સરકાર બળપ્રયોગ કરી શકે એવું વાતાવરણ હતું. સરકાર સામે વિરોધ કરવા માટે સંયમ હોય તેવા માણસોને બાપુએ યાત્રામાં લીધા હતા. ગાંધીજીએ એ વખતે બધી લડતો ચલાવી એમાં લડતમાં ભાગ લેનારા માટે કોડ ઑફ કન્ડક્ટ રાખતા હતા. એટલે આ યાત્રામાં શિસ્ત પાળતા હોય તેવા ટકોરાબંધ ૭૮ માણસો પસંદ કરવાના હતા. દાંડીયાત્રાની અસર કેમ થઈ એની પાછળ શિસ્ત બરાબર પળાવી એ હતું. સરકારે ઉશ્કેરવાનો બહુ પ્રયત્ન કરતી હતી પણ કોઈ ઉશ્કેરાયા નહીં અને શાંતિથી બધા રહ્યા અને દાંડી પહોંચ્યા હતા.’

yatra

મોતીલાલ નેહરુનો ગાંધીજીને છ પાનાંનો પત્ર

દાંડીયાત્રા પહેલાં મોતીલાલ નેહરુએ ગાંધીબાપુને લખેલા પત્રની વાત કરતાં અમૃતભાઈ મોદી કહે છે કે ‘મોતીલાલ નેહરુએ દાંડીયાત્રા પહેલાં ગાંધીજીને છ પાનાંનો પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે આવી રીતે યાત્રા કરશો એનાથી શું થવાનું છે? ગાંધીજીએ એ કાગળનો જવાબ એક પોસ્ટકાર્ડમાં આપ્યો અને માત્ર એટલું લખ્યું કે ‘તમારો પત્ર મળ્યો, કર કે દેખો’. એટલે કે તમે કરીને જુઓ. ગાંધીબાપુએ સવિનય કાનૂન ભંગ કર્યો એની અસર આખા દેશમાં થઈ હતી. દેશમાં નાગરિકો મોટા તાવડામાં પાણી નાખી એમાં મીઠુ નાખે અને મીઠાનું પાણી ઉકાળીને જાહેરમાં કાયદાનો ભંગ કરવા લાગ્યા હતા. આખા દેશની સાથે એ વખતે અલાહાબાદમાં મોતીલાલ નેહરુએ પણ જાહેરમાં મીઠુ પકવ્યું અને જાહેરમાં કાયદાનો ભંગ કર્યો, જેના કારણે તેમને પોલીસે પકડ્યા હતા અને જેલમાં લઈ ગયા હતા. પછી મોતીલાલ નેહરુએ ગાંધીજીને પોસ્ટકાર્ડ લખ્યું કે અબ મૈંને કર કે દેખ લિયા ક્યા હોતા હૈ. એ વખતે દેશભરના નાગરિકોએ મીઠું પકવ્યું હતું અને લડત પ્રબળ બની હતી અને અંદાજે ૬૦ હજાર નાગરિકોને જેલમાં ધકેલ્યા હતા.’

જવાહરલાલ ગાંધીજીને મળવા આવ્યા હતા

જવાહરલાલ નેહરુ આશ્રમમાં રહ્યા નહીં હોવાના કારણે તેઓ દાંડીયાત્રામાં જોડાઈ શક્યા નહોતા એ વિશેની વાતને વાગોળતાં તેમણે કહ્યું હતું કે ‘દાંડીયાત્રા વખતે જવાહરલાલ નેહરુ ગાંધીજીને મળવા આવ્યા હતા, પણ દાંડીયાત્રામાં તેમને લીધા નહોતા કેમ કે તેઓ આશ્રમમાં રહ્યા નહોતા. જવાહરલાલ નેહરુ ભરૂચ જિલ્લામાં આમોદ પાસે આવ્યા હતા. નર્મદાનું પાણી ઓળંગીને કાદવમાં થઈને તેઓ ગાંધીજીને મળવા આવ્યા હતા.’

યાત્રિકો પાસે લખાવ્યો સ્વેચ્છા-પત્ર

દાંડીયાત્રામાં જશે તેઓ પાછા આવશે કે કેમ એવો ભય નાગરિકોમાં ફેલાયો હતો એની વાત કરતાં અમૃતભાઈ મોદીએ કહ્યું હતું કે ‘દાંડીયાત્રામાં ભાઈઓ માર ખાવાના અને બધું સહન કરવાની તૈયારી સાથે ગયા હતા. ગાંધીજીએ એ વખતે બધાની પાસે લખાવી લેતા હતા કે હું આ મારી સ્વેચ્છાથી યાત્રામાં જોડાઉં છું અને મારા પર કંઈ બળપ્રયોગ થશે અથવા તો મારું મૃત્યુ થશે તો પણ મને કંઈ વાંધો નથી અને તેમના કુટુંબીજનોની સહી લેતા હતા. એટલે એ વખતે બધાને એવો ભય હતો કે દાંડીયાત્રામાં જે જશે તે પાછા આવશે કે કેમ? પણ એવું કંઈ બન્યું નહીં.’

જ્યારે ગાંધીબાપુ નારાજ થઈ ગયા...

વહેલી સવારે બાપુ તેમના ૭૮ સાથીઓ સાથે દાંડી તરફ કૂચ કરતા હતા. સવારે અંધારું હોવાથી યાત્રીઓને કંઈ મુશ્કેલી ન પડે એ માટે સુરત જિલ્લાના આગેવાન કલ્યાણજી મહેતાએ પેટ્રોમૅક્સની સગવડ કરી હતી અને બે માણસોના માથે પેટ્રોમૅક્સ મુકાવી હતી એને લઈને ગાંધીજી નારાજ થઈ ગયા હતા. અમતૃભાઈ મોદીએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘દાંડીયાત્રા વખતે સવારે સુરત જિલ્લામાં નવસારી બાજુ જતા ત્યારે કલ્યાણજી મહેતાએ પેટ્રોમૅક્સની સગવડ કરી હતી અને બે માણસોએ માથે પેટ્રોમૅક્સ મૂકી હતી તેમને ઉતાવળે ચાલવા કહ્યું હતું. આથી ગાંધીબાપુ નારાજ થયા હતા અને કોઈને હેરાન નહીં કરવા એવું કહીને પેટ્રોમૅક્સ બંધ કરાવી હતી, કેમ કે માણસો પર દમન નહીં કરવાની લાગણી બાપુમાં હતી. યાત્રામાં જોડાયેલા માણસો માટેનું સન્માન, તેમના પ્રત્યે પ્રેમ ગાંધીજીના જીવનમાં કાયમ હતો.’

સોમવારે બાપુ મૌન પાળતા

દાંડીયાત્રા દરમ્યાન પણ ગાંધીબાપુએ તેમના નિયમો પાળવાનું છોડ્યું નહોતું. દાંડીયાત્રા દરમ્યાન ગાંધીબાપુ સોમવારે મૌન પાળતા હતા. યાત્રામાં જોડાયેલા કાર્યકરોએ રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું. આ ઉપરાંત સાદું જમવાનું રહેતું. મિષ્ટાન્ન કે તળેલું નહીં બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

પોલીસે ૬૦ હજાર જેટલા નાગરિકોને પકડ્યા હતા

દાંડીયાત્રાનું મહત્વ શું બની રહ્યું એ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘દાંડીયાત્રાનું મહત્વ એ હતું કે ત્યાર બાદ દેશમાં ઠેર ઠેર નાગરિકોએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો અને દેશભરમાંથી ૬૦ હજાર જેટલા નાગરિકોને પકડ્યા હતા. દાંડીમાં ચપટી મીઠું ઉપાડીને ગાંધીબાપુએ કાનૂન ભંગ કર્યો હતો અને એ પછી ગાંધીજી કરાડી ગામે તળાવના કિનારે એક ઝૂંપડી બાંધીને રહ્યા હતા. બાપુ ઇચ્છતા હતા કે સરકાર તેમની ધરપકડ કરે, પણ તરત તેમ થયું નહીં. સરકારે ગામેગામના આગેવાનોને પકડીને ગાંધીજીની પાંખો કાપી નાખી હતી. એ પછી ધારાસણામાં સરકારનાં મીઠું પકવવાના અગરો હતા ત્યાં ગાંધીજીએ રોજેરોજ સત્યાગ્રહીઓને મોકલતા. દાંડીયાત્રા પછી અહીં બહેનોને આગેવાની સોંપી હતી. સરોજિની નાયડુને આગેવાની કરાવી હતી. ધારાસણાનો સત્યાગ્રહ લગભગ દોઢ મહિનો ચાલ્યો હતો.’

દેશની આઝાદીની લડતમાં મહત્વની બની રહેલી દાંડીયાત્રાનાં આવાં તો કંઈ કેટલાંય સંભારણાંથી ઇતિહાસ ભરેલો છે ત્યારે આ ઇતિહાસને વાગોળીને દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપનાર તમામ નામી-અનામી શહીદો અને કાર્યકરોને યાદ કરીને તેમને સલામ કરીને આપણે અંજલિ અર્પીએ.

દાંડીયાત્રામાં એક પણ સ્ત્રી સામેલ નહોતી.

દાંડીયાત્રાની અચરજ પમાડે એવી બાબત એ બની રહી કે આ યાત્રામાં સામેલ ૭૮ સ્વયંસેવકોમાંથી એક પણ મહિલા નહોતી, બધા જ પુરુષો હતા. દાંડીયાત્રા પહેલાં સાબરમતી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થનાસભાના પ્રવચનમાં ગાંધીજીએ એવું કહ્યું હતું કે ‘આપણે પુરુષોને જ સાથે રાખીશું. સ્ત્રીઓ અને બાળકોને આશ્રમમાં રાખીશું’

- અમૃતભાઈ મોદી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK