દિલ્હી ઇલેક્શન: મતદાન પ્રત્યેની નીરસતા અને ઓછા મતદાનનો અભિશાપ દેશ પરથી ક્યારે દૂર થશે?

Published: Feb 09, 2020, 13:40 IST | Manoj Joshi | Mumbai

દિલ્હી વિધાનસભાનું વોટિંગ-કાર્ય ગઈ કાલે પૂરું થયું. દિવસ દરમ્યાન નજર સતત ટીવી પર હતી અને આંકડાવારીઓ પણ સતત જોવાઈ રહી હતી.

દિલ્હી ઈલેક્શન
દિલ્હી ઈલેક્શન

દિલ્હી વિધાનસભાનું વોટિંગ-કાર્ય ગઈ કાલે પૂરું થયું. દિવસ દરમ્યાન નજર સતત ટીવી પર હતી અને આંકડાવારીઓ પણ સતત જોવાઈ રહી હતી. બહુ ઓછું મતદાન થયું દિલ્હીમાં. ખાસ કરીને દિલ્હીના ઇલેક્શન મુજબ તો બહુ ઓછું મતદાન કહેવાય. રાજધાની છે તમારા દેશની દિલ્હી અને એવા સમયે પણ દિલ્હીમાં મતદારો બહાર ન આવે એ કેવું કહેવાય?

દિલ્હી વિધાનસભાના ઇલેક્શન આ વખતે રોમાંચક રંગમાં હતું. અરવિંદ કેજરીવાલ અને બીજેપી વચ્ચે આ સીધી ફાઇટ હતી. હા, આ જ રીતે આ ફાઇટ હતી. આમ આદમી પાર્ટી (આપ) અને બીજેપી નહીં, પણ અરવિંદ કેજરીવાલ અને બીજેપી વચ્ચે. આ ફાઇટ રોમાંચક મોડ પર પણ અનેક વાર આવી ગઈ હતી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થયા હતા. લોકો રસપૂર્વક એ બધાને જોતા હતા અને એટલે જ એવું માનવામાં કે ધારવામાં આવતું હતું કે વિધાનસભાના ઇલેક્શનમાં વોટિંગ-પર્સન્ટેજ કદાચ રેકૉર્ડબ્રેક બનશે પણ ના, એવું નથી થયું અને એવું નથી થયું એનું કારણ ફરી એક વાર કહીશ તમને કે આ દિલ્હી હતું તો પણ નથી થયું મતદાન ધાર્યા મુજબ.

ઓછું મતદાન અને મતદાન પ્રત્યેની નીરસતા લોકશાહી માટે શરમજનક છે. લોકોએ બહાર આવવું પડશે. પોતાની ઇચ્છા વ્યક્ત કરવી પડશે. ગાળો આપવી હોય, પ્રશાસનને ભાંડવું હોય તો તમારે એને માટેનું પહેલું પગલું ભરવું પડશે. મતદાન કરવું પડશે અને મતદાન કરવા માટે બહાર આવવાની તથા બીજાને બહાર કાઢવાની નીતિ રાખવી પડશે. મતદાનના દિવસે આ જ કારણે રજા હોય છે કે તમે એક દિવસ લોકશાહીને આપો અને લોકશાહીનું રક્ષણ કરો, પણ ના, આવી કોઈ વાતની અસર નથી થઈ રહી અને એ અસર નથી થતી એટલે જ આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે દેશઆખાના સૌથી મહત્વના એનસીઆર એવા દિલ્હીમાં પણ મતદાન ગરીબી રેખા પર જઈને ઊભું હોય એવું થયું છે.

જાગવું પડશે, દરેકેદરેક વ્યક્તિએ જાગવું પડશે અને જાગીને સૌકોઈએ પુરવાર કરવું પડશે કે લોકશાહી તેમને જોઈએ છે. અભણ નથી રહ્યા તમે. હવે તમારી આવક પણ સામાન્ય સ્તરથી ઉપર છે અને હવે તમે જવાબદાર પણ છો. સોશ્યલ મીડિયાથી માંડીને ઇલેક્ટ્રૉનિક મીડિયા અને પ્રિન્ટમીડિયા સહિતના સૌકોઈ માધ્યમે તમને જગાડવાનું કામ કર્યું અને એ પછી પણ તમારી આંખો બંધ જ રહી.

એક તંદુરસ્ત લોકશાહી માટે બે બાબત અત્યંત મહત્વની છે. એક તો છે સંપૂર્ણપણે હકારાત્મક અને મજબૂત કહેવાય એવો વિરોધ પક્ષ અને બીજું છે મતદાન. દરેકેદરેક મત કીમતી હોય છે લોકશાહીમાં. ઘરમાં પણ જેનો મત લેવામાં નથી આવતો, જેને અભિપ્રાય પૂછવામાં નથી આવતો એ માણસના અભિપ્રાય માટે સરકાર આટલી ગોઠવણ કરે છે, એના મતને પણ આટલો મૂલ્યવાન ગણે છે અને એ પછી પણ એ માણસ બહાર નથી આવતો, શું માનવું આને, શું કહેવું આને?

મતદાન ધર્મથી પણ વધારે અગત્યનું છે. જેટલું મૂલ્યવાન રક્તદાન છે એટલું જ મૂલ્યવાન મતદાન છે. જાગો મતદારો જાગો, તમારા મતનું મૂલ્ય સમજો અને દેશને સમજાવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK