સૈનિક : કામ કરનારા, કામ ન કરનારા અને ઓછા સમયમાં મૅક્સિમમ કામ કરનારા વચ્ચે તફાવત છે

Published: 24th December, 2018 21:15 IST | Manoj Joshi

અમેરિકાએ હમણાં જે શટડાઉનની નીતિ અપનાવી છે એ નીતિ પણ અમુક અંશે તો આ પ્રકારના મુદ્દે જ શરૂ થઈ હતી અને ડોનલ્ડ ટ્રમ્પે એ જ કારણે શટડાઉનનો નિર્ણય લઈને સ્ટાફની છટણી શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં હવે જો કોઈ કામ સૌથી પહેલાં કરવાની જરૂર હોય તો એ કામ છે સરકારી અધિકારીઓની ગણતરીનું અને આ કામ એટલા માટે કરવું જરૂરી છે કે જેથી ખબર પડે કે દેશને વાસ્તવિક રીતે કેટલા અધિકારીઓની જરૂર છે અને એની સામે આપણે કેટલા અધિકારીઓને મફતનો કે પછી ખોટો અને જરૂરિયાત વિનાનો પગાર ચૂકવી રહ્યા છીએ, જેનું ભારણ સરકારી તિજોરી પર આવે છે. આવો સર્વે થવો જોઈએ. આ પ્રકારના સર્વે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં થતા રહ્યા છે અને સર્વેના એ આંકડા આવ્યા પછી એમાં જે દર્શાવવામાં આવ્યું હોય એ મુજબના જરૂરી સુધારાવધારા પણ તંત્રમાં કરવામાં આવ્યા છે.

અમેરિકાએ હમણાં જે શટડાઉનની નીતિ અપનાવી છે એ નીતિ પણ અમુક અંશે તો આ પ્રકારના મુદ્દે જ શરૂ થઈ હતી અને ડોનલ્ડ ટ્રમ્પે એ જ કારણે શટડાઉનનો નિર્ણય લઈને સ્ટાફની છટણી શરૂ કરી. બીજી વાત એ કે સ્ટાફની રિક્વાયરમેન્ટના સાચા આંકડાઓ મળવાથી વાત પૂરી નથી થવાની એ પણ સૌકોઈએ સમજવાની જરૂર છે. કેટલા પ્રમાણમાં સ્ટાફની જરૂરિયાત શું કામ છે અને એક માણસ દિવસના આઠ કલાકની ડ્યુટીમાં કેટલી ફરિયાદને અટેન્ડ કરી શકે કે કેટલા પ્રોજેક્ટ પર એકસાથે કામ આપી શકે એ પણ જોવું જોઈએ. વિકસિત દેશો આ કામ કરે છે. જરૂર લાગે ત્યાં પૉપ્યુલેશન ઓછું હોવા છતાં પણ એ શહેર કે ગામના સિવિક ડિપાર્ટમેન્ટમાં મેં વધારે સ્ટાફ જોયો છે અને એવું શું કામ છે એનું કારણ પણ જાણ્યું છે. એ જે જવાબ મળ્યો છે એ જવાબ સાંભળીને તમને પણ અચરજ થશે કે આ વાત ખરેખર સમજવા જેવી અને અમલ કરવા જેવી છે.

મને કહેવામાં આવ્યું હતું કે આ વિલેજના લોકોમાં એજ્યુકેશન ઓછું છે એટલે તેમને સોસાયટીના નિયમોનું જ્ઞાન આપવાનું કામ અઘરું છે. જ્યાં-ત્યાં કચરો ફેંકવો, ગંદકી કરવી, ડ્રાઇવિંગના રૂલ્સને ફૉલો કરવા એ બધું આમની સમજની બહાર છે. લાંબો સમય સુધી આ બધું જોયા પછી સરકારે એવું નક્કી કર્યું છે કે નવી જનરેશનમાં એજ્યુકેશન અને સિવિલ રૂલ્સનું જ્ઞાન રહે એનું ધ્યાન રાખવું અને એવું થાય ત્યાં સુધી આ વિલેજને સ્વચ્છતા માટે અને બીજી બધી તકલીફોનું નિરાકરણ થાય એ માટે મૅક્સિમમ સ્ટાફ આપવો. સામાન્ય રીતે અમેરિકામાં દર ૪૫૦ લોકોએ એક સફાઈ-કર્મચારી હોય છે; પણ અહીં, આ વિલેજમાં અમેરિકન સરકારે ૨૧૦ વ્યક્તિએ એક સફાઈ-કર્મચારી રાખ્યો છે. બહુ ઉમદા વિચારસરણી સાથે લેવામાં આવેલો નિર્ણય છે. મુંબઈમાં આ અમલ કરી શકીએ છીએ અને એ કરવાની તાતી જરૂરિયાત પણ છે.

સભ્ય સમાજમાં રહેવાનું જેની પાસે જ્ઞાન નથી એમને હવે તમે એ જ્ઞાન આપી શકવાના નથી કે પછી એ પ્રકારનું જ્ઞાન તેઓ ક્યાંયથી પણ લે એવી અપેક્ષા રાખી શકવાના નથી. બહેતર એ જ છે કે આ પ્રકારના લોકોની નવી પેઢીમાં સભ્ય સમાજની વ્યાખ્યા ઘર કરી જાય એ પ્રકારે સરકારે પગલાં લઈને આજની જે પેઢી છે એ પેઢી સ્વસ્થતા સાથે આગળ વધી શકે એ પ્રકારનો ગવર્નમેન્ટ મેનપાવર સરકાર એને આપે અને સમાજને એકસાથે ઉપર લઈ આવવાનું કામ કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK