47 વર્ષ પછી યુરોપિયન સંઘમાંથી બ્રિટનની વિદાય સંઘમાંથી કાશી ગયું

Published: Feb 02, 2020, 12:41 IST | Raj Goswami | Mumbai

સાડા ત્રણ વર્ષ પહેલાં, બ્રેક્ઝિટ કરાર પરના સીમાચિહ્‍નરૂપ લોકમત બાદ, શુક્રવારે ૧૧ વાગે, બ્રિટને છેવટે યુરોપિયન સંઘમાંથી વિદાઈ લીધી.

બ્રેક્ઝિટ
બ્રેક્ઝિટ

સાડા ત્રણ વર્ષ પહેલાં, બ્રેક્ઝિટ કરાર પરના સીમાચિહ્‍નરૂપ લોકમત બાદ, શુક્રવારે ૧૧ વાગે, બ્રિટને છેવટે યુરોપિયન સંઘમાંથી વિદાઈ લીધી. ૪૭ વર્ષના આ ‘વિવાહ’નો અંત આવ્યો ત્યારે, યુરોપિયન સંઘની રાજધાની બ્રસેલ્સમાં ત્યારે મધરાત હતી. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સને શુક્રવારે આને ‘નવા યુગની શરૂઆત’ ગણાવી હતી. એક તરફ લંડનમાં બ્રેક્ઝિટ તરફી લોકો જશ્ન માનવતા હતા, તો બીજી તરફ સંઘના તરફદાર લોકો માતમ માનવતા હતા. તેમના મતે આ છૂટાછેડાના કારણે બ્રિટિશ અર્થવ્યવસ્થાની માંદલી કમર પર ૧૫ ટકાનો ફટકો વાગશે. એ સાથે જ બ્રિટન બ્રેક્ઝિટ છોડનારો પ્રથમ દેશ બન્યો છે.

યુરોપિયન સંઘ યુરોપનાં ૨૮ રાષ્ટ્રોનું રાજનૈતિક અને આર્થિક સંગઠન છે. દ્વિતીય મહાયુદ્ધ પછી આર્થિક સહયોગ વધારવા માટે યુરોપિયન સંઘનું નિર્માણ થયું હતું. તેની પાછળ ભાવના એવી હતી કે જે દેશ પરસ્પર વેપાર કરશે, તે એકબીજા સામે યુદ્ધ નહીં કરે. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી, યુરોપિયન સંઘ એક બજારના રૂપમાં વિકસ્યો હતો અને એ હેઠળ આ દેશોમાં માલસામાન અને માણસોની એવી બેરોકટોક અવરજવર થવા લાગી હતી, જાણે ૨૮ રાષ્ટ્રો એક દેશ હોય. સંઘનું પોતાનું ચલણ યુરો છે, જે ૧૯ દેશો વાપરે છે. તેની પોતાની સંસદ છે. પર્યાવરણ, પરિવહન, ગ્રાહક અધિકાર અને મોબાઈલ ફોનની કિંમતો જેવા અનેક વિષયોમાં સંઘ નિયમો બનાવે છે.

બ્રેક્ઝિટનો અર્થ થાય છે બ્રિટન સંઘ છોડે છે, બ્રિટન એક્ઝિટ. જેમ ગ્રીસની સંઘ છોડવાની વાત આવી હતી, ત્યારે ગ્રિક્ઝિટ શબ્દ બન્યો હતો. યુરોપિયન સંઘથી અલગ થવાની વાત ૨૦૦૮માં આવી હતી, જ્યારે બ્રિટન અર્થવ્યવસ્થા મંદીની ઝપટમાં આવી ગયું હતું. દેશમાં મોંઘવારી અને બેરોજગારી વધી ગઈ હતી. તેમાંથી રસ્તો કાઢવાના અને અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યારે યુનાઇટેડ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીએ ૨૦૧૫ની ચૂંટણીઓમાં એવો મુદ્દો ઊભો કર્યો કે બ્રિટનની મંદી ઓછી કરવા માટે યુરોપિયન સંઘ કશું કરતો નથી અને એના કારણે જ બ્રિટનની હાલત ખરાબ થઈ રહી છે. એમાંથી બ્રેક્ઝિટની ચળવળ શરૂ થઈ. અંતે ૨૩ જૂન, ૨૦૧૬ના રોજ બ્રિટનમાં લોકમત લેવામાં આવ્યો કે બ્રિટને યુરોપિયન સંઘમાંથી નીકળી જવું જોઈએ કે  નહીં. બ્રિટનના લોકોએ પક્ષમાં મત આપ્યો હતો.

હવે શું થશે?

શું શુક્રવારથી વેપાર બંધ થશે? બ્રિટનમાં રહેતા યુરોપિયન નાગરિકોને એમના દેશોમાં જવું પડશે?

ના. જૂના સંબંધમાંથી નીકળીને નવા સંબંધમાં ગોઠવાતા વાર લાગશે. શુક્રવારથી બ્રિટન અને યુરોપિયન સંઘ આ વર્ષના અંત સુધી વચગાળાની એક વ્યવસ્થામાં સામેલ થશે, જે દરમિયાન માલસામાન અને માણસોની અવરજવર અગાઉની જેમ જ ચાલુ રહેશે. બ્રિટિશ લોકો સંઘના નાગરિક નહીં ગણાય, પરંતુ તેમને હાલના જેવા જ અધિકારો ચાલુ રહેશે. બ્રિટિશ સાંસદો યુરોપિયન સંઘની સંસદમાં બેસી નહીં શકે. આવતા મહિને બ્રિટન અને યુરોપિયન સંઘ એકબીજા માટે મુક્ત વ્યાપારની સમજૂતી તૈયાર કરવા કવાયત કરશે.

મુક્ત વ્યાપાર સમજૂતી કયારે?

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સન કહે છે કે તેઓ ૧૧ મહિનામાં (૩૧ ડિસેમ્બરથી અમલમાં આવે તે રીતે) યુરોપિયન સંઘ સાથે વ્યાપાર સમજૂતી કરી લેશે,પરંતુ આવી વ્યાપારી વાટાઘાટોની જટિલતાને જાણતા નિષ્ણાતોને ભરોસો નથી. એમાં અમુક શક્યતાઓ છે. જો બ્રિટન સમજૂતી ન સાધી શકે તોવર્ષના અંતે તે સંઘમાંથી હાથ ઊંચા કરી દઈને વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમો મુજબ વ્યાપાર કરશે અને અમુક માલસામાન પર જકાત નાખશે.

આનાથી બ્રિટનના નાગરિકો અને યુરોપિયન સંઘની અર્થવ્યવસ્થાઓને પીડા થશે. બોરિસ જૉન્સન વચગાળાની વ્યવસ્થાની અવધિ વધારવા માટે વિનંતી કરી શકે, પણ એમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીમાં બબાલ થશે. જૉન્સન ફરી ક્યારેય સમયમર્યાદા વધારવાની વિનંતી ના કરે એવું પણ બને.

નવી વ્યાપાર વ્યવસ્થા કેવી હશે?

બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચેની હવેની વ્યાપાર વ્યવસ્થા કેવી હશે? આનો જે જવાબ હશે, તેની સીધી અસર બ્રિટિશ અર્થવ્યવસ્થા પર પડશે. નિષ્ણાતો કહે છે કે બ્રિટન અને યુરોપિયન સંઘના નિયમો વચ્ચે સીધી લીટી નહીં હોય. જેનાથી વ્યાપારી અવરોધો અને નુકસાન વધશે. બ્રિટનના કૃષિ ક્ષેત્ર અને વાહન ક્ષેત્ર પર તેની અસર ગંભીર હશે. દાખલા તરીકે, બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચેના મુકત વ્યાપારનો લાભ લેવા ઘણા વિદેશી ઉત્પાદકોએ બ્રિટનમાં પ્લાન્ટ નાખ્યા છે. જો ભવિષ્યમાં યુરોપિયન સંઘમાં દેશની નિકાસ પર જકાત લાગુ થાય તો વિદેશી રોકાણકારો બ્રિટનમાં આવતા વિચાર કરશે.

૨૦૧૬માં બ્રેક્ઝિટ લોકમત પછી બ્રિટિશ અર્થવ્યવસ્થા ઘણી તાકાતવર સાબિત થઈ છે, પણ તેની સામે પડકારો છે. સંઘમાંથી નીકળી જવા માટે બ્રિટને વોટ આપ્યો, ત્યારથી ગબડેલો પાઉન્ડ હજુ ઊભો થઈ શક્યો નથી. બેરોજગારી ઘણી નીચી છે, વિકાસ લગભગ અટકી ગયો છે અને મંદીનું જોખમ છે.

અમેરિકાને શું અસર થશે?

યુરોપિયન સંઘ જેવું માતબર ‘સાસરું’ હાથમાંથી જશે એટલે બ્રિટનને દુનિયાની સૌથી તગડી અર્થવ્યવસ્થા સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે ‘નાતરું’ કરવાની તાલાવેલી થવાની છે. ટ્રમ્પ બ્રિટનના છૂટાછેડાના પક્ષમાં છે. તે આવા ‘બહુપત્નીત્વ’વાળા સંઘના વિરોધી છે. એમને ખબર છે કે સંઘમાંથી છૂટું થયેલું બ્રિટન વ્યાપારી લેવડદેવડની કિંમતો ઓછી કરવાનું છે એટલે અમેરિકા પણ છેડાછેડી કરવા ઉતાવળું છે.

બ્રિટન અમેરિકાનું બહુ જૂનું પીઠું છે અને રાજકીય બાબતોમાં તે અમેરિકાની ટેકણ લાકડી બનીને રહ્યું છે. અમેરિકાનાં યુરોપમાં જે હિત હતાં (કે છે) તેમાં બ્રિટન ઘણું કામ આવતું હતું, પરંતુ બ્રિટન યુરોપિયન સંઘ છોડી જશે, તે પછી વૉશિંગ્ટન માટે તેની ગરજ ઓછી થશે અને તે યુરોપમાં બીજા કોઈને હાથ ઝાલશે.

સ્કૉટલૅન્ડ અને આયર્લેન્ડનું શું?

બ્રિટનમાં તો બાવાના બેય બગડશે, પણ સ્કોટલૅન્ડ અને ઉત્તરીય આયર્લેન્ડનું શું? સ્કૉટલૅન્ડે યુરોપિયન સંઘમાં રહેવાના પક્ષમાં મત આપ્યો હતો અને તેને બ્રિટનની પ્રજા અને નેતાગીરી સામે ગુસ્સો છે કે તેને ઈચ્છાવિરુદ્ધ બહાર ઢસડી જવામાં આવી રહ્યું છે. બ્રેક્ઝિટના પગલે સ્કૉટલૅન્ડમાં પણ હવે બ્રિટન સાથેનું મીંઢળ ઉતારી ફેંકવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આવતા અઠવાડિએ સ્કૉટલૅન્ડની સંસદ સ્વતંત્રતા માટે નવેસરથી લોકમત લેવાની છે. એમાં બ્રિટન સાથે ટકરાવ વધશે.

બ્રેક્ઝિટે આયર્લૅન્ડના ટાપુઓના એકીકરણની માંગણીને પણ પાણી ચડાવ્યું છે. આયર્લૅન્ડ ગણતંત્રએ યુરોપિયન સંઘમાં રહેવાના પક્ષમાં મત આપ્યો છે, પરંતુ ઉત્તરીય આયર્લૅન્ડ બ્રિટનની આંગળી ઝાલીને સંઘ છોડવાનું છે. બ્રેક્ઝિટના પગલે ગ્રેટ બ્રિટન અને ઉત્તરીય આયર્લેન્ડ વચ્ચે કસ્ટમ ચેક પોસ્ટો બેસશે, જેના કારણે દક્ષિણ આયર્લૅન્ડના અમુક લોકો લાલઘૂમ થયા છે, જે લોકો બ્રિટન સાથે રહેવાના પક્ષમાં છે. તે ઉપરાંત, આયર્લૅન્ડના એકીકરણના માર્ગમાં ઘણાં રોડાં છે, જેમ કે આયર્લેન્ડ ગણતંત્ર ગરીબ દક્ષિણને ઘરમાં રાખવા કિંમત ચૂકવશે.

આ અગ્નિપરીક્ષામાંથી ભણવા જેવો પાઠ

પશ્ચિમના ઘણા મુલ્કોમાં અરસપરસ રાજકીય અને આર્થિક સંબંધોની જે ગોઠવણ છે તેની સામે રાષ્ટ્રીય સર્વોપરિતા અને સ્વતંત્રતાનો જે પવન ફૂંકાયો છે, બ્રેક્ઝિટ તેની સાબિતી છે. વૈશ્વિકરણ વિરુદ્ધ રાષ્ટ્રવાદના યુદ્ધમાં બ્રિટનમાં રાષ્ટ્રવાદનો વિજય થયો છે. ઘણા મુલ્કો પોતાનાં બારણાં બંધ કરી રહ્યાં છે અને પરદેશીઓને ઘરમાંથી કાઢી રહ્યા છે અથવા આવતા રોકી રહ્યા છે.

બ્રિટિશ રાજકારણીઓને યુરોપિયન

સંઘના સભ્યપદ જેવી જટિલ સમસ્યાને લોકોના દરબારમાં લઈ જવાની ભૂલ સમજાઈ છે. સામાન્ય નાગરિકો આવા જટિલ પ્રશ્નોના સાધારણ અને સરળ ઉપાયો શોધે છે અને બ્રેક્ઝિટમાં પણ એ જ થયું છે.

બ્રિટિશ લોકોને કલ્પના ન હતી કે યુરોપિયન સંઘ સાથેના દાયકાઓ જૂના વિવાહની ગૂંચને ઉકેલવા જતાં વધુ લબદાવવાનું આવશે. અમુક બ્રિટિશ લોકોને સમજાયું છે કે ઘરઆંગણે વર્ષોની રાજકીય ઊથલપાથલ અને યુરોપિયન સંઘની રાજધાની બ્રસેલ્સ સાથે માથાફોડ પછી પણ તેમનો દેશ તેમણે ધાર્યું હતું એટલો ના તો તાકાતવર બન્યો છે કે ના તો વગદાર.

ત્રણ મુદ્દામાં સમજો : બ્રેક્ઝિટની ભારત પર શું અસર પડશે?

યુરોપિયન સંઘ સાથે બ્રિટનના છૂટાછેડાથી વિશ્વની અર્થવ્યવસ્થા અછૂતી નથી રહેવાની. ભારતમાં તેની શું અસર પડેશે, તે જાણવું જરૂરી છે. આ એટલા માટે કે માત્ર બ્રિટન સાથે જ નહીં, યુરોપિયન સંઘના બાકીના દેશો સાથે પણ ભારતના મજબૂત વ્યાપારી સંબંધો છે.

બ્રેક્ઝિટ લોકમત પછી તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે ભારત તેની ક્ષમતાના હિસાબે બ્રિટન અને સંઘના તલાક પછીની પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ છે. તે વખતના રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને પણ કહ્યું હતું કે ભારતનો આર્થિક પાયો મજબૂત છે અને દેશ પાસે પૂરતો વિદેશી મુદ્રા ભંડાર છે, એટલે આપણે આસાનીથી એ ઝટકો ખામી શકીશું. આજે ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ છે, તો જેટલી અને રાજન આજે વિશ્વાસ સાથે આ બોલી શક્યા હોત? આર્થિક બાબતોના નિષ્ણાતો કહી રહ્યા છે કે બ્રેક્ઝિટની અસર ભારત પણ નહીં પડે એવો આત્મવિશ્વાસ અસ્થાને છે. આ અસર ત્રણ રીતે સમજી શકાય તેમ છે:

૧. બ્રેક્ઝિટની પહેલી અસર ભારતીય શૅરબજાર પર પડશે. આવનારા દિવસોમાં વિશ્વના શૅરબજારોમાં જે અસ્થિરતા પેદા થશે, તેની અસરમાં ભારત પણ આવશે. બ્રિટન યુરોપિયન સંઘમાંથી અલગ થાય છે એ સમાચારની અસર રૂપિયા પર પણ છે. એમાં પણ વિશ્વનાં ચલણ પર કેવી અસર થાય છે એના છાંટા રૂપિયા પર પણ ઊડશે.

2. બ્રિટનમાં આવનારા સીધા વિદેશી મૂડીરોકાણમાં ભારતનો હિસ્સો સારોએવો છે. બ્રિટનમાં જે દેશોનું સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે, તેમાં ભારત ત્રીજા નંબરે છે. ભારત સાથે બ્રિટનના આર્થિક સંબંધો બહુ જૂના છે, પરંતુ બ્રિટનમાં ભારતની કંપનીઓ એટલા માટે રોકાણ કરતી હતી કારણ કે તેમને ત્યાં બેઠા-બેઠા આખું યુરોપિયન બજાર મળતું હતું.

યુરોપિયન સંઘના સભ્ય હોવાના કારણે બ્રિટનસ્થિત કંપનીઓને એ સુવિધા મળતી હતી કે પૂરા યુરોપમાં મુક્ત વેપાર કરી શકે. તેનો ફાયદો ભારતની એ કંપનીઓને મળતો હતો, જે પાઉન્ડ અને યુરો કમાવવા માટે બ્રિટનમાં રૂપિયા નાખી રહી હતી. હવે આ કંપનીઓ બ્રિટનમાં રૂપિયા દાબવાનું ચાલુ રાખશે કે યુરોપના બીજા કોઈ પાટનગરમાં નજર દોડાવશે? એ ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રમાં બ્રિટનમાં કામ કરતી ભારતની કંપનીઓ પર પણ બ્રેક્ઝિટની અસર પડશે. બૅન્ક ઑફ અમેરિકાનું અનુમાન છે કે આવી કંપનીઓની કમાણી પર ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો આવી શકે છે.

3. યુરોપિયન સંઘ સાથે મુક્ત વ્યાપારની ગોઠવણ કરવા માટે ભારત ઘણાં વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ બ્રસેલ્સમાં ભારત અને સંઘ વચ્ચે મંત્રણા યોજાઈ હતી. નરેન્દ્ર મોદી વ્યાપારના મામલે જે રીતે આક્રમક છે એ જોતાં એવું લાગતું હતું કે ભારત અને યુરોપનો ‘સંઘ’ કાશીએ પહોંચશે, પરંતુ ગાડી આગળ વધી નથી. આ મંત્રણા ચાર વર્ષ પછી થઈ હતી. આ કરાર કરવા માટે થઈને બંને પક્ષોની પોતાની આપસી સમસ્યાઓ છે. આ મંત્રણાના થોડા સમય પછી ભારત સરકારના અધિકારીઓના નામે સમાચાર આવ્યા હતા કે બંને પક્ષો સમજૂતીની દિશામાં આગળ વધી રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે બ્રિટન જ્યાં સુધી યુરોપિયન સંઘમાં છે ત્યાં સુધી આ સમજૂતી કરવામાં ભારતને આસાની રહેશે, પણ હવે બ્રિટન જ સંઘ છોડી ગયું છે ત્યારે બ્રસેલ્સમાં ભારતનાં હિતોની વકીલાત કોણ કરશે?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK