બીજેપીની આપવીતી: ચૂંટણીની હાર, વિચારધારાની જીત

Published: Feb 16, 2020, 14:52 IST | Mumbai

બીજેપીએ દિલ્હી ગુમાવીને બિહાર અને બંગાળ જીતવાની તૈયારી આદરી દીધી છે

અમિત શાહ
અમિત શાહ

દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (એએપી-આપ)ની તોતિંગ જીતના એક દિવસ પછી અમેરિકાના સમાચારપત્ર ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં એ સામચારનું મથાળું હતું ઃ Modi Lost The Delhi. It Doesn’t Matter (મોદીએ દિલ્હી ગુમાવ્યું, પણ વાંધો નહીં). એમાં એ લખે છે, ‘મોદી અને તેમની પાર્ટીએ ભલે ચૂંટણી ગુમાવી હોય, પણ વિચારધારાની લડાઈ તેઓ જીત્યા છે. ભારતમાં ચૂંટણી જીતવી હોય તો ભારતના મુસ્લિમો માટે સમાન નાગરિકત્વ અને રાજકીય અધિકારો વિશે કે તેમના પરના અત્યાચાર વિશે બોલવું હવે સ્વીકાર્ય નથી.’

ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના બીજા દિવસે ગૃહપ્રધાન અમિત શાહે પણ આ જ વિચારને અનુમોદન આપ્યું હતું. મારી ગણતરી ઊંધી પડી છે એવો સ્વીકાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમે હાર-જીત માટે ચૂંટણી લડતા નથી. બીજેપી એની વિચારધારાનો વિસ્તાર કરનારી પાર્ટી છે.’ ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસોમાં બીજેપી મતદાન સાથે શાહીનબાગનાં ટેભાં (દેશ કે ગદ્દારોં કો... ગોલી મારો...) સીવવાના પ્રયાસ કરતી હતી ત્યારે કેજરીવાલ હનુમાન ચાલીસા અને ‘ભારત માતા કી જય’ બોલવામાં વ્યસ્ત હતા. કેજરીવાલ બીજેપી સામે બોલવાને બદલે બીજેપીની ભાષા બોલતા હતા અને એમાં બીજેપી માર ખાઈ ગઈ.

સાત મહિના પહેલાં બીજેપીએ જ્યાં રાજધાનીની લોકસભાની ૭ બેઠકો અંકે કરી હતી ત્યાં વિધાનસભાની ૭૦ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ ૬૨ બેઠકો કબજે કરીને બીજેપીને ૮ બેઠક પર સીમિત કરી દીધી એ ઘણા લોકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર (અમિત શાહ એમ વાંચો)ના મહત્ત્વાકાંક્ષી CAA, NRC અને NPR યોજનાઓ સામે ભારતના શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા વ્યાપક વિરોધ વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી, જેનું કેન્દ્રબિંદુ દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર છે. બીજેપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને શાહીનબાગ પર જનમતનો મુદ્દો બનાવી દીધો હતો (મિત્રો, એટલા ગુસ્સાથી બટન દબાવજો કે શાહીનબાગમાં કરન્ટ લાગે - અમિત શાહ). એટલા માટે દિલ્હીમાં બીજેપીનો પરાજય રાષ્ટ્રીય સ્તરે મહત્વનો છે.

કેજરીવાલ કેવી રીતે મોદી-શાહ અને પૂરી બીજેપી સરકારની ફોજને ખાળી શક્યા એ સમજવા થોડી વાર માટે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરવો જરૂરી છે (જેમની કૉન્ગ્રેસ પાર્ટી દિલ્હીમાં ઝીરોમાં આઉટ થઈ છે અને એ મતો આપના ખિસ્સામાં પડ્યા છે). તમે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તાજેતરનાં ભાષણો સાંભળ્યાં હોય તો તેઓ રાહુલ ગાંધીનો નામોલ્લેખ પણ કરતા નથી.

રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચાના અંતે હમણાં મોદીએ ‘કૉન્ગ્રેસ કે એક નેતા’ કહીને રાહુલના વિધાનનો ઉલ્લેખ કર્યો હતો. એ જ ભાષણમાં મોદીએ રાહુલને ‘ટ્યુબલાઇટ’ની ઉપમા આપી હતી. મોદી ગુજરાતમાં હતા ત્યારે રાહુલને ‘શહેઝાદા’ કહેતા હતા. ૨૦૧૩માં બીજેપીના પ્રચારતંત્રએ તેમનું નામ ‘પપ્પુ’ પાડ્યું હતું. આનું કારણ એ છે કે મોદી ‘રાહુલ ગાંધી’ એવું સીધું બોલીને રાહુલને તેમની સમકક્ષ મૂકવા માગતા નથી અને ઉપનામ બોલીને તેઓ રાહુલના સ્થાનને બે વેંત નીચે સાબિત કરે છે. એની સામે રાહુલ ગાંધી સીધા જ મોદીના નામે હુમલો કરે છે. એ વખતે શ્રોતાઓ તાળીઓ તો પાડે છે, પરંતુ મોદી અને બીજેપીને ચાનક ચડે છે અને તેઓ જનસાધારણના મુદ્દાઓ બાજુએ મૂકીને ‘મોદીને ગાળ’ અને ‘ભારત માતાનું અપમાન’ અને ‘હિન્દુત્વનું અપમાન’ એવા નવા જ મુદ્દા રચે છે.

ટૂંકમાં, વિરોધીઓ જેટલા મોદીને (અને બીજેપીને) નિશાન બનાવે એટલો ફાયદો મોદીને જ રહે છે. ઇન ફૅક્ટ, મોદીને તો તેમના પર હુમલો થાય એ ગમે છે, કારણ કે મોદી ખુદ ‘મોદી’નો ઉલ્લેખ કરતાં થાકતા નથી. તેમનાં ભાષણોમાં તેઓ ત્રીજા પુરુષ એકવચનમાં ‘મોદી’નો ઉલ્લેખ કરતા રહે છે એટલે આખી ચર્ચા, હુમલા, વિવાદ ‘મોદી’ના નામની આસપાસ થાય તો તેમને ખુદને ‘દુખિયારા’ સાબિત કરવાનું આસાન રહે છે. મોદીનો એટલો સશક્ત ચાહકવર્ગ છે જે મોદીના અપમાનને પોતાના અપમાન તરીકે લે છે.

દિલ્હી વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં બીજેપીએ શાહીનબાગને કેન્દ્રમાં રાખીને એની આસપાસ સુરંગો બિછાવી હતી. સૅમ્પલ ઃ કેજરીવાલ આતંકવાદી છે, દિલ્હીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ છે, દેશ કે ગદ્દારોં કો, શાહીનબાગના લોકો ઘરમાં ઘૂસીને બહેન-બેટીઓને ઉઠાવી જશે, આમ આદમી પાર્ટી શાહીનબાગમાં બિરયાની ખવડાવે છે, શાહીનબાગમાં આત્મઘાતી બૉમ્બરો તૈયાર થઈ રહ્યા છે અને શાહીનબાગને કરન્ટ લગાડો. ક્રિકેટની ભાષામાં આને પિચ બિછાવવી કહેવાય. આમ આદમી પાર્ટી (અને કૉન્ગ્રેસે) એના પર આવીને રમવાની હતી. બીજેપીએ બૉલ તો એવા ફેંક્યા હતા કે ચોક્કા-છક્કા મારવાનું મન થાય. એ ઉપરાંત દિલ્હીમાં ગોળીબારની બે ઘટનાઓ તો અલગ જ મુદ્દો છે. એમાં કોમી તોફાન થઈ ગયાં હોત.

kejriwal

ટૂંકમાં, રાષ્ટ્રવાદના નામે ધ્રુવીકરણ કરવાની બોલિંગ થઈ હતી. કૉન્ગ્રેસ જે ભૂલ કરતી આવી હતી એ કેજરીવાલે ન દોહરાવી. ઉશ્કેરણી જબરદસ્ત હતી. કેજરીવાલે બધા જ બૉલ જવા દીધા. ‘કેજરીવાલ અરાજકતાવાદી છે અને તેમણે નક્સલીઓ સાથે જોડાઈ જવું જોઈએ’ એવા વડા પ્રધાનના અને ‘કેજરીવાલ આતંકવાદી છે’ એવા પ્રધાન પ્રકાશ જાવડેકરના તદ્દન અંગત અને નિમ્ન કક્ષાના આરોપનો જવાબ આપવાની લાગણીને કેજરીવાલ સિફતથી ગળી ગયા અને ઊલટાનું તેમણે એ બૉલને પકડીને મતદારો વચ્ચે નાખી દીધો, ‘મતદાન વખતે તમે નક્કી કરજો કે હું તમારો દીકરો કે ભાઈ છું કે આતંકવાદી છું.’

આવી રીતે બૉલ પકડી લેવાની શૈલી મોદીની છે. ગુજરાતની ચૂંટણી વખતે સોનિયા ગાંધીએ ‘મૌત કા સૌદાગર’ના લેબલને મોદીએ ગુજરાતના મતદારોના અપમાન તરીકે ખપાવી દીધું હતું અને અનુરાગ ઠાકુરના ‘દેશ કે ગદ્દારોં કો...’ સ્લોગનની જેમ મોદીએ પણ સોહરાબુદ્દીન-એન્કાઉન્ટરને ચૂંટણીસભામાં મુદ્દો બનાવીને લોકો પાસે જ બોલાવ્યું હતું કે આતંકવાદીઓનું શું કરવું જોઈએ.

કેજરીવાલ આ ટ્રૅપમાં ન આવ્યા. જે મતદારોએ ૭ મહિના પહેલાં લોકસભામાં બીજેપીના હિન્દુત્વને ખોબલે-ખોબલે મત આપ્યા હતા એ જ મતદારો સામે ઊભા રહીને બીજેપીના એ જ હિન્દુત્વ અને ઉગ્ર રાષ્ટ્રવાદને ભાંડવું એ કેટલું આત્મઘાતી છે એ કેજરીવાલને બરાબર સમજાયું હતું એટલે તેઓએ એ તમામ મુદ્દાઓ પર ચુપ્પી સાધી રાખીને એક રીતે એમાં હામી જ ભરી દીધી. કેજરીવાલે બીજેપીનાં જ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ અપનાવી લીધાં અને એને આપના પાંચ વર્ષના ગવર્નન્સ સાથે સીવી લીધાં. 

બીજેપીએ જેટલી વખત આક્રમક રાષ્ટ્રવાદી મુદ્દા ઉછાળ્યા એટલી વખત કેજરીવાલે ‘કામની રાજનીતિ’ (સ્કૂલ, વીજળી બિલ, આરોગ્ય યોજનાઓ)ની વાત કરી. ચૂંટણીનાં પરિણામો પછી વિજય-સંબોધન કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીવાસીઓએ એક નવા પ્રકારની રાજનીતિને જન્મ આપ્યો છે; કામ કી રાજનીતિ.’ મીડિયા સાથે ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘આ અસલી દેશભક્તિ છે.’ બીજેપીની દેશભક્તિ નકલી છે એવું કહીને ટ્રૅપમાં આવી જવાને બદલે કેજરીવાલે ખુદને જ અસલી દેશભક્ત (અને હનુમાનભક્ત) બતાવીને મતદારોને છંછેડવાનું ટાળ્યું. જે ગોળી બીજેપી કૉન્ગ્રેસને ગળાવતી હતી એ આપે બીજેપીને ગળાવી!

લિબરલ લોકો દિલ્હીનાં પરિણામોનું આકલન એવી રીતે કરે છે કે અંતે તો સામાન્ય મતદારોની રોટી-કપડાં-મકાનની બાબતો જ ચૂંટણીમાં મહત્વની હોય છે અને ધાર્મિક ધ્રુવીકરણની આવરદા બહુ લાંબી છે નહીં. આમ આદમી પાર્ટી જો કામની વાત કરીને બીજેપીનો રથ રોકી શકતી હોય તો એનો અર્થ એ થયો કે લોકોને તેમની આર્થિક સ્થિતિ સિવાય કશામાં રસ નથી.

kejriwal-07

એ સાચું કે આપનો ટ્રૅક-રેકૉર્ડ સારો હતો (અને એટલે જ બીજેપીએ એનો સામનો હિન્દુત્વ અને રાષ્ટ્રવાદથી કર્યો હતો), નહીં તો લોકોએ માત્ર ભાષણો સાંભળીને મત ન આપ્યા હોત, પણ સાથે-સાથે કેજરીવાલે મતદારો જે મુદ્દાઓથી લોકસભામાં બીજેપી પ્રત્યે આકર્ષાયા હતા એ મુદ્દાઓને તેમના કામ સાથે જોડી દીધા હતા. કેજરીવાલે માત્ર જવાબી હુમલો કર્યો હોત તો બન્ને પક્ષે ધ્રુવીકરણની જ મૅચ રમાઈ હોત. શાહીનબાગની જવાબદારી અમિત શાહની જ છે (દિલ્હી પોલીસ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે) એમ કહીને કેજરીવાલે એ મુદ્દાથી ચીલો તો ચાતરી જ લીધો અને સાથે પોતાનો રોટલો પણ શેકી લીધો, ‘હું સ્કૂલ કહું છું તો તેઓ શાહીનબાગ કહે છે. હું રોડ કહું છું તો તેઓ શાહીનબાગ કહે છે, હું હૉસ્પિટલ કહું છું તો તેઓ શાહીનબાગ કહે છે.’

અગાઉ આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે થોડાં અઠવાડિયાં પહેલાં જ લખ્યું હતું કે ‘આપને સમજ પડી ગઈ છે કે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ બીજેપીનું મૌલિક વિચારબીજ છે અને જો એ પિચ પર બીજેપીને રમવા દીધી તો આપ એમાં ફસાઈ જશે.’ થોડા મહિના પહેલાં કેજરીવાલે એટલા માટે જ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ કરવાના બીજેપીના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. પાંચ વર્ષની આપની યોજનામાં પણ કેજરીવાલે ચતુરાઈથી નવા વિવાદાસ્પદ નાગરિક ધારાનો કોઈ ઉલ્લેખ કર્યા વગર આરોગ્ય, શિક્ષણ, વીજળી અને પાણી જેવા મુદ્દાઓ પર જ ફોકસ કર્યું હતું. કેજરીવાલ શાહીનબાગ, નાગરિક ધારો, જેએનયુ અને જામિયાની હિંસા જેવા સળગતા મુદ્દાઓ પર ચૂપ જ રહ્યા છે.

આ જ કારણ હતું કે જે મતદારોએ લોકસભામાં બીજેપીને મત આપ્યા હતા એ જ મતદારોએ વિધાનસભામાં આપને મત આપ્યા!

આમાં બીજેપી માટે કોઈ લેશન ખરું? ના. ઉપર ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ લખે છે એમ બીજેપીએ વિચારધારાની લડાઈ તો જીતી જ લીધી છે. હિન્દુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવું એ બીજેપીના ડીએનએમાં છે. વર્ષના અંતે બિહારમાં અને આવતા વર્ષે આસામ તેમ જ પશ્ચિમ બંગાળમાં આવી રહેલી (બીજેપી માટે અત્યંત મહત્વની) ચૂંટણીમાં દિલ્હીનો પાઠ ભણીને એ ધ્રુવીકરણને બાજુએ મૂકીને કેજરીવાલની જેમ ‘કામની રાજનીતિ’ કરવા લાગી જશે એવું માનવું નાદાની છે.

દિલ્હીમાં બીજેપીએ ત્રણ બેઠકોમાંથી આઠ બેઠકો અને ૩૨.૭ ટકા વોટશૅર વધારીને ૩૮.૭ ટકા કર્યો છે. આ નાનકડી પ્રગતિ છે. બીજેપીને ખબર હતી કે દિલ્હીમાં એનો ગજ વાગવાનો નથી, પણ છેલ્લી ઘડીએ ‘ટુકડે-ટુકડે’ ગૅન્ગને મુદ્દો બનાવીને બીજેપીએ અંધારામાં જ તીર માર્યું હતું. તીર ભલે નિષ્ફળ ગયું હોય પણ તુક્કો ચાલી ગયો. દિલ્હી વિધાનસભામાં બીજેપીએ ફરીથી ખીલો ઠોકયો છે કે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ એનો મૌલિક અધિકાર છે અને કેજરીવાલ જેવાએ પણ એને અનુસરવું પડે છે. ભલે બીજેપીને નફો ન થયો હોય, પણ નુકસાનેય થયું નથી. આજે જો દિલ્હીમાં લોકસભાની ચૂંટણી યોજાય તો મોદી ફરીથી બધી બેઠકો લઈ જાય!

prashant

પ્રશાંત કિશોર : હવે બિહાર અને બંગાળ નિશાના પર

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની જીતથી વ્યક્તિગત રીતે જો કોઈ સૌથી વધુ ખુશ હોય તો એ છે પ્રશાંત કિશોર. કેજરીવાલની ચૂંટણીની રણનીતિ પ્રશાંત કિશોરે તૈયાર કરી હતી. આમ આદમી પાર્ટીનો વિજય જોઈને પ્રશાંતે ટ્વીટ કરી હતી, ‘ભારતનો આત્મા બચાવવાની લડાઈમાં સાથ આપવા બદલ દિલ્હીવાસીઓનો આભાર.’ પ્રશાંત કિશોર માટે કહેવાય છે કે ચટ ભી મેરી ઔર પટ ભી મેરી. મતલબ કે જે જીતે તે આવું માનવા લાગી જાય કે પ્રશાંત કિશોરે જ જીત અપાવી છે અને જે હારે તેને એવું ઠસાવી દેવામાં આવે કે તું તો હતો જ હારને લાયક.

પ્રશાંત કિશોરના ટીકાકારો આ વાત જુદી રીતે કહે છે. પ્રશાંત હંમેશાં જે ઘોડો જીતવાનો હોય એના પર જ દાવ લગાવે છે. જોકે સવાલ એ છે કે જે ઘોડો જીતવાનો હોય એને પ્રશાંતની જરૂર જ શું કામ પડે? આ પ્રશ્નના જવાબમાં આધુનિક ભારતીય રાજનીતિમાં પ્રશાંત કિશોરના મહત્વનું રહસ્ય છુપાયેલું છે.

પ્રશાંત કિશોરની ઇન્ડિયન પૉલિટિકલ ઍક્શન કમિટી (આઇ-પૅક) અલગ-અલગ રાજકીય પાર્ટીઓના ચૂંટણીપ્રચાર માટે કામ કરતી આવી છે. ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે નીતીશ કુમારની જેડીયુ સાથે કામ કરી ચૂકી છે. ૨૦૧૨માં પ્રશાંત કિશોરે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના પ્રચારની કમાન સંભાળી હતી. મુખ્ય પ્રધાન તરીકે મોદીની એ ત્રીજી જીત હતી.

હમણાં સુધી તેઓ જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, પરંતુ ‘બિનસાંપ્રદાયિક’ નીતીશ કુમારનાં બીજેપીને લઈને બેવડાં ધોરણોને લઈને પ્રશાંત નારાજ હતા અને પાર્ટીવિરોધી ગતિવિધિ માટે તેમને જેડીયુમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. નાગરિક ધારાને લઈને નીતેશ કુમારે બીજેપીના કરેલા સમર્થનની પ્રશાંતે ટીકા કરી હતી અને તેમણે નીતીશ કુમાર સાથેની એક ખાનગી ‘ચૅટ’ પણ જાહેર કરી હતી, જેમાં નીતીશે બીજેપીને પેટ ભરીને ગાળો આપી હતી.

લોકસભાની ચૂંટણીમાં હાર પછી કેજરીવાલ અને પ્રશાંત કિશોર વચ્ચે અનૌપચારિક બેઠક થઈ હતી અને એમાં એવી સમજૂતી થઈ હતી કે ચૂંટણીમાં જીતવું હોય તો નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય. એટલા માટે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે આમ આદમી પાર્ટીએ કેજરીવાલની વિકાસપુરુષની છબિ મજબૂત કરવા એક રિપોર્ટ-કાર્ડ બનાવવામાં આવ્યું હતું અને દિલ્હીના મતદારોને એ પહોંચાડવામાં આવ્યું હતું.

આઇ-પૅક ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે સત્તારૂઢ તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે કામ કરી રહી છે. એ પહેલાં બિહારમાં એ આપ અને કૉન્ગ્રેસ સાથે કામ કરે એવી સંભાવના છે. દિલ્હીમાં જીત પછી આપની મહત્ત્વાકાંક્ષા વધી છે, પરંતુ દિલ્હી બહાર આપનું કોઈ સંગઠન નથી. શક્ય છે પ્રશાંત કિશોર બિહારમાં આપ અને કૉન્ગ્રેસને એક મંચ પર લાવે. એમાં લાલુ પ્રસાદની પાર્ટી પણ સહયોગ આપે તો બિહારમાં બીજેપી અને જેડીયુ સામે તોતિંગ મોરચો ઊભો થાય એમ છે. બિહાર કૉન્ગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કૉન્ગ્રેસનો સંપર્ક કર્યો નથી અને જ્યારે કરશે ત્યારે જવાબ આપીશું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK