Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ...અને આમ કચ્છ મુંબઈ રાજ્ય સાથે જોડાયું!

...અને આમ કચ્છ મુંબઈ રાજ્ય સાથે જોડાયું!

14 April, 2020 02:36 PM IST | Mumbai
Kishor Vyas

...અને આમ કચ્છ મુંબઈ રાજ્ય સાથે જોડાયું!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બદલાયેલા રાજકીય પવન સાથે ઇતિહાસનું ફરતું ચક્ર પણ બદલાયું! ૧૯૫૬ની ૩૧ ઑક્ટોબરે કચ્છનો ‘ક’ વર્ગનો દરજ્જો કાળમાં વિલીન થયો. એક નાનકડા અને સ્વતંત્ર રાજ્યનો અસ્ત થયો. ૪૩ જિલ્લાનાં ૫૪,૨૮૧ ગામડાંનું વિશાળ મુંબઈ રાજ્ય રચાયું અને એ પૈકી કચ્છ એક જિલ્લો બન્યો. સ્વાભાવિક રીતે જ ચીફ કમિશનરની કચેરી વિખેરાઈ ગઈ. ભુજમાં ઉમેદ ભુવનમાંથી સચિવાલય બંધ થયું. એના કેટલાક અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને મુંબઈ તો કેટલાકને રાજકોટ મોકલી દેવામાં આવ્યા. કલેક્ટર કચેરી પાટવાડી નાકે હતી એ ઉમેદ ભુવનમાં ખસેડવામાં આવી. જુડિશ્યલ કમિશનરની કોર્ટ બંધ કરવામાં આવી. એની જગ્યાએ કચ્છના ન્યાયના વડા ડિસ્ટ્રિકટ ઍન્ડ સેશન્સ જજ બન્યા. મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા બંધ થઈ અને એ હોદ્દો સિવિલ સર્જનને મળ્યો. કચ્છ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન પણ બંધ થયું અને મુંબઈ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન શરૂ થયું. ફાઇલો બધી મુંબઈ પહોંચતી થઈ.

કર્મચારીઓ માટે મોટો સવાલ ઊભો થયો, કારણ કે કચ્છની નોકરીઓમાં દરજ્જા અને પગારનાં ધોરણો અલગ હતાં, જ્યારે હવે મુંબઈ રાજ્યમાં જોડાવાથી તેમને સમકક્ષ રાખવાનો જટિલ પ્રશ્ન ઊભો થયો હતો, પરંતુ ધીરે-ધીરે એ પ્રશ્નોના ઉકેલ પણ સરકારી પ્રણાલિ મુજબ થતા રહ્યા! મુંબઈ રાજ્યમાં કચ્છને મૂકવામાં આવતાં અજાણે અને અચાનક વિધાનસભાનો કચ્છને લાભ મળ્યો! મુંબઈની નવી વિધાનસભામાં કચ્છને કઈ રીતે સ્થાન આપવું, કઈ રીતે પ્રતિનિધિત્વ આપવું એનો ઉકેલ પણ લાવવાનો હતો. ૧૯૫૬ના સ્ટેટ રિઑર્ગેનાઇઝેશન ઍક્ટ મુજબ જે જોગવાઈ કરવામાં આવી એ મુજબ ૧૯૫૭માં થનારી નવી ચૂંટણી સુધી વચગાળાના સમય માટે કચ્છને ૮ બેઠકો વિધાનસભામાં અને ૧ બેઠક વિધાનપરિષદમાં ફાળવવામાં આવી.



લોકપ્રતિનિધિઓને વચગાળાના સમય માટે પસંદ કરવાનો પણ સવાલ જટિલ જ હતો! પરંતુ ‘ક’ વર્ગના રાજ્યની જે ‘ઇલેક્ટોરલ કૉલેજ’ હતી એના ૩૦ સભ્યો મુંબઈની વિધાનસભા માટે અને વિધાનપરિષદ માટે સભ્યોની પસંદગી કરે અથવા ચૂંટે એવો માર્ગ કાઢવામાં આવ્યો અને એ મુજબ જે કચ્છી નેતાઓ મુંબઈ રાજ્યની વિધાનસભામાં મોકલવામાં આવ્યા તેમાં ૧) પ્રેમજી ભવાનજી ઠક્કર, ભુજ; ૨) જમિયતરામ ગુલાબશંકર વૈદ્ય, ભુજ; ૩) પુરુષોત્તમ શામજી વરુ, અંજાર; ૪) જુગતરામ દલપતરામ રાવળ, નખત્રાણા; ૫) મોતીલાલ લક્ષ્મણ શાહ, લાકડીઆ; ૬) શિવજી હરશી શાહ, કોડાય; ૭) વાઘજી સોલંકી, મુંદ્રા; ૮) જાદવજી માનસંગ ઠક્કર, રાપરને વિધાનસભાના પ્રતિનિધિ તરીકે તેમ જ વિધાનપરિષદ માટે અબડાસા વિસ્તારના કૃષ્ણદાસ હીરજી પંજુઆણી, વિંઝાણને પસંદ કરવામાં આવ્યા હતા. આ સૌને કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્ય બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું.


આ રીતે કચ્છમાં શરૂ થયો હતો રાજકીય નેતાગીરીનો ઇતિહાસ. જોકે આમાંના કેટલાક નેતાઓ ‘ક’ વર્ગના રાજ્ય વખતે ચીફ કમિશનરની ઍડ્વાઇઝરી કાઉન્સિલના સભ્યો પણ રહી ચૂક્યા હતા અને સારી કામગીરી પણ બજાવી હતી જેમાં ગુલાબશંકર ધોળકિયા, ભવાનજી અરજણ ખીમજી, પ્રેમજી ભવાનજી ઠક્કર, કાંતિપ્રસાદ અંતાણી, રણછોડ નાથાભાઈ મહેતા, કૃષ્ણદાસ પંજુઆણી અને ખીમજી ભુજપુરિયાનો સમાવેશ થતો હતો. તેમની બેઠક દર બે-ત્રણ મહિને મળતી અને કચ્છના લોકોના ઉત્થાન વિશેની ભલામણો કરતી હતી. વિધાનસભામાં સભ્યો નિયુક્ત થયા પછી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં કચ્છને એક સ્થાન આપવાનું વિચારવામાં આવ્યું. આ દ્વિભાષી રાજ્ય પહેલાં મુંબઈના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ હતા. તે કેન્દ્રમાં નિયુક્ત થયા પછી યશવંતરાય ચવાણ મુખ્ય પ્રધાન બન્યા હતા અને તેમની રાહબરી હેઠળ પ્રધાનમંડળ રચાયું ત્યારે પ્રેમજીભાઈ ઠક્કરના નામની વિચારણા થઈ હતી, પરંતુ તેમના સ્થાને આખરે હિતેન્દ્ર દેસાઈને કૅબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે પ્રેમજીભાઈને રાજ્ય કક્ષાનું પ્રધાનપદ આપવામાં આવ્યું હતું. જોકે પ્રેમજીભાઈ ભારોભાર નારાજ થયા હતા, પણ આખરે તેમણે એનો સ્વીકાર કરી લીધો હતો, પરંતુ તેમને માનસિક આઘાત લાગ્યો હતો. કચ્છ જ્યાં સુધી મુંબઈ રાજ્યમાં રહ્યું ત્યાં સુધી તેમનો એ ઉદ્વેગ ચાલુ રહ્યો હતો. તેમને જાહેર બાંધકામ, રસ્તા અને મકાન વિભાગ તથા બંદર ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

આગામી સામાન્ય ચૂંટણી દ્વિભાષી રાજ્ય રચાયા પછી તરત આવવાની હતી એટલે વચગાળાની સરકાર વધારે મહત્વના નીતિવિષયક નિર્ણયો લઈ શકે એવી સંભાવનાઓ ઓછી હતી. નાના વહીવટી ફેરફારો ચાલુ રહ્યા હતા. મુંબઈ રાજ્ય મોટું હતું અને એની વસ્તી પણ ૪ કરોડ ૮૨ લાખ જેટલી હોવાનો અંદાજ છે. એના કારણે એના છ વહીવટી વિભાગ કરવામાં આવ્યા અને દરેક વિભાગને ડિવિઝનલ કમિશનર હેઠળ મૂકવામાં આવ્યા. એમાં ૧) મુંબઈ, ૨) નાગપુર, ૩) ઔરંગાબાદ, ૪) પુણે, ૫) અમદાવાદ અને છઠ્ઠો વિભાગ બન્યો રાજકોટ. કચ્છને રાજકોટ વિભાગ હેઠળ મૂકવામાં આવ્યું હતું. એની પણ ડિવિઝનલ કાઉન્સિલ રચવામાં આવી અને કચ્છનાં કેટલાંક ખાતાં રાજકોટ ડિવિઝન મારફત મુંબઈના વરિષ્ઠ વહીવટ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.


૧૯૫૭ના વર્ષનો પ્રારંભ થતાં ભારતમાં બીજી સામાન્ય ચૂંટણીના પડધમ વાગવા લાગ્યા હતા. પહેલી ચૂંટણી વખતે કચ્છ માટે લોકસભાની બે બેઠકો હતી એ ઘટાડીને એક કરવામાં આવી અને એમાં પણ વસ્તીના નિયમ મુજબ કચ્છની લોકસંખ્યા ઓછી પડતાં વિરમગામનો કેટલોક ભાગ કચ્છની બેઠક સાથે જોડવામાં આવ્યો. મુંબઈ વિધાનસભામાં કચ્છને ભુજ, અંજાર, વાગડ, માંડવી અને અબડાસા એમ પાંચ વિભાગ ફાળવવામાં આવ્યા એટલે કે પાંચ બેઠકો મળી! એ દિવસોમાં કચ્છમાં વ્યવસ્થિત પક્ષ એક જ હતો અને એ એટલે કૉન્ગ્રેસ!

ભવાનજી અરજણ ખીમજીની બીજી ટર્મ માટે લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતાં ગુલાબશંકર ધોળકિયા નારાજ થયા! ભવાનજીભાઈનું વર્ચસ્વ દિલ્હીમાં સારું હતું અને કચ્છના વિશાળ હિતને ધ્યાનમાં રાખી તેમની પસંદગી મોવડી મંડળે કરી હતી અને તેમણે તેમની પસંદગી યોગ્ય હોવાનું પોતાનાં કાર્યો દ્વારા સાબિત પણ કરી આપ્યું હતું. વિધાનસભામાં કૉન્ગ્રેસના જે પાંચ ઉમેદવારોની જીત થઈ હતી એમાં ભુજની બેઠક પરથી કુંદનલાલ ધોળકિયા, માંડવીની બેઠક પરથી ઝુમખલાલ લક્ષ્મીચંદ મહેતા, અંજારની બેઠક પરથી પ્રેમજી ભવાનજી ઠક્કર, અબડાસાની બેઠક પરથી જમિયતરાય વૈદ્ય અને વાગડની બેઠક પરથી ત્રિલોચનાબહેન ધોળકિયા વિજયી બન્યાં હતાં. અંજારમાં પ્રેમજીભાઈ સામે ઊભેલા બે હરીફ ઉમેદવારો કૃષ્ણલાલ માંકડ અને મોહનલાલ લાલજી વરુએ તો પોતાની ડિપોઝિટ પણ ગુમાવી હતી! નોંધનીય બાબત બીજી એ પણ હતી કે ચૂંટાયેલા પાંચ ઉમેદવારોમાંથી ચાર તો ભુજના હતા!

કચ્છમાં કૉન્ગ્રેસને મળેલી જીતનાં કારણોમાં સૌથી પ્રબળ કારણ એ હતું કે નેહરુને લોકો ગાંધીજીના વારસ તરીકે વ્યાપક રીતે ઓળખતા હતા અને ચાહતા હતા. જોકે આ અસર સમગ્ર દેશમાં પ્રવર્તતી હતી. કચ્છની ખાસ વાત કરીએ તો રાજાશાહીના અંધકાર કહી શકાય એવા યુગમાંથી પ્રકાશ તરફ લઈ જવામાં કૉન્ગ્રેસ, ખેડૂત, ગામડાં તેમ જ કચડાયેલા અને પછાત ગણાતા લોકોના ઉત્કર્ષ માટે જે કામ કરતી હતી એનું પણ પરિણામ હતું! કચ્છમાં કૉન્ગ્રેસ એક સંગઠિત પક્ષ હતો અને એના કાર્યકરો વહીવટી તંત્ર સાથે સહકાર સાધી સમૂહ વિકાસ યોજના સહિતની અન્ય યોજનાઓ મારફત ઊડીને આંખે વળગે એવો વિકાસ સાધતા જોવા મળતા હતા. કચ્છમાં ભવાનજી અરજણ અને પ્રેમજીભાઈનું નેતૃત્વ સબળ સાબિત થયું હતું.

સમગ્ર ચૂંટણીમાં હજી કોમવાદ નહોતો પ્રવેશ્યો અને આજે છે એવી અનામત પણ નહોતી પ્રવેશી. સમગ્ર મુંબઈ રાજ્યમાં વિધાનસભાની ૩૦૬ બેઠકો હતી એમાંથી ૨૩૩ બેઠકો પર કૉન્ગ્રેસનો વિજય થયો હતો. પરિણામો આવી ગયા બાદ નવા પ્રધાન મંડળની રચના થઈ, પરંતુ આ વખતે પણ પ્રેમજીભાઈ ઠક્કરને રાજ્ય કક્ષાના પ્રધાનપદનો જ હોદ્દો મળ્યો. કચ્છમાં કૉન્ગ્રેસે મેળવેલા વિજયને બિરદાવવા મુખ્ય પ્રધાન યશવંતરાય ચવાણ મુંદ્રા તાલુકાના મોખા ગામે યોજાયેલા સમારોહમાં ખાસ પધાર્યા હતા.

જૂન ૧૯૫૭માં મુંબઈ વિધાનસભાની કામગીરીનો પ્રારંભ થયો એ સાથે નૂતન કચ્છ તરફ ફરી શરૂ થઈ અટકી ગયેલી યાત્રા!   

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2020 02:36 PM IST | Mumbai | Kishor Vyas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK