અમન : જ્યારે બર્ટ્રાન્ડ રસેલ અને રાજેન્દ્ર કુમાર એક જ ફ્રેમમાં હતા

Updated: 2nd January, 2021 15:57 IST | Raj Goswami | Mumbai

બ્લૉકબસ્ટર- ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

બર્ટ્રાન્ડ રસેલ અને રાજેન્દ્ર કુમાર
બર્ટ્રાન્ડ રસેલ અને રાજેન્દ્ર કુમાર

બર્ટ્રાન્ડ રસેલે કોઈ હિન્દી ફિલ્મમાં દેખા દીધી હોય એવું આ એકમાત્ર ઉદાહરણ છે. ૧૯૬૭માં  દિગ્દર્શક મોહનકુમારે અણુ બૉમ્બમાં તબાહ જપાનને ધ્યાનમાં રાખીને યુદ્ધવિરોધી ફિલોસૉફી પર ‘અમન’ (શાંતિ) ફિલ્મ બનાવી હતી. એટલે શાંતિદૂત બર્ટ્રાન્ડ રસેલ પાસે એમાં કૅમિયો રોલ કરવાનો પ્રસ્તાવ આવ્યો તો તેમણે ઝટ હા પાડી દીધી હતી.

તમારામાંથી ઘણાએ બર્ટ્રાન્ડ રસેલનું નામ સાંભળ્યું હશે. ન સાંભળ્યું હોય તો થોડું રીકૅપ : દર્શનશાસ્ત્ર, ગણિત, રાજનીતિ અને સમાજશાસ્ત્રમાં બર્ટ્રાન્ડ રસેલ વીસમી સદીનું મહાનતમ નામ છે. ૯૭ વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવનાર રસેલે પચાસથી વધુ કિતાબોમાં ગણિતથી લઈને લગ્ન અને યુદ્ધથી લઈને ધર્મ સુધીના અઘરા વિષયો પર ક્રાંતિકારી વિચારો રજૂ કરેલા. રસેલે બ્રિટિશ સામ્રાજ્યના તપતા સૂરજથી લઈને એના પતનને જોયેલું.

રસેલનું જીવન ગતિવિધિઓથી ભરપૂર હતું. ચાર પત્નીઓ (પહેલી 20 વર્ષની ઉંમરે, ચોથી 50 વર્ષે), બે મહાયુદ્ધો, ઇલેક્ટ્રિક લાઇટ, ટેલિફોન, મૂવી, ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, કમ્પ્યુટર અને અવકાશયાનની શોધ જોવા માટે રસેલ નસીબદાર હતા. તેમની પહેલી પત્ની પ્રસિદ્ધ કવિ વાલ્ટ બ્રિટમેનની પત્ર-મૈત્રિણી હતી. છેલ્લી પત્ની બર્ટ્રાન્ડ રસેલના આણ્વિક નિ:શસ્ત્રીકરણ ઝુંબેશમાં બરાબરની ભાગીદાર હતી.

રસેલનો જન્મ જ તોફાની પરિવારમાં થયેલો. તેમની માતા ઘરે છોકરાં ભણાવવા આવતા શિક્ષકના પ્રેમમાં પડેલી અને રસેલના પિતાએ એની રજામંદી પણ આપેલી! રસેલના દાદાને રાણી વિક્ટોરિયાએ બે વખત બ્રિટનના પ્રધાનમંત્રી બનાવેલા અને તેમણે જ ૧૯૩૨માં પહેલી વાર રિફૉર્મ બિલ સંસદમાં રજૂ કરેલું. ચાર્લ્સ દ્વિતીય અને તેના ભાઈને મારી નાખવાનું ષડ્યંત્ર કરવા બદલ રસેલના પરદાદાનો ૧૬૮૩માં શિરચ્છેદ કરવામાં આવેલો.

પ્રતાપી બુદ્ધિના માલિક બર્ટ્રાન્ડ રસેલે ગણિત અને દર્શનશાસ્ત્રની દુનિયાને ‘ધ પ્રિન્સિપલ્સ ઑફ મૅથેમૅટિક્સ’ અને ‘પ્રિન્સિપિયા મેથામેટિકા’ નામના બે અદ્ભુત ગ્રંથ આપ્યા છે. આ યોગદાન માટે જ તેમને 1950માં સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. સશસ્ત્રીકરણ અને સેક્સને લઈને તેમના વિચારો એટલા ક્રાન્તિકારી હતા કે તેમણે ત્રણ વાર નોકરી ગુમાવેલી અને બે વાર જેલ ભોગવેલી.

રસેલના દોસ્તો વિશ્વવ્યાપી હતા. આયરલૅન્ડમાં કવિ લૉર્ડ ટેનિસન હતા તો ફ્રાન્સમાં દર્શનિક સાર્ત્ર હતા. ઑસ્ટ્રિયન ચિંતક લુડવિગ વિટજેઇનસ્ટીન તેમનો ભક્ત હતો તો ડેનિશ ભૌતિકશાસ્ત્રી નીલ બોર તેમનો પત્રમિત્ર હતો. નાટ્યકાર પી. જી. વુડહાઉસ, પૉલિશ લેખક જોસેફ કોર્નાડ, ડી. એચ. લૉરેન્સ, ઈ. એમ. ફોસ્ટર, ટી. એચ. ઇલિયટ, એઝરા પાઉન્ડ, જ્યૉર્જ બર્નાડ શો, મેક્સિમ ગોર્કી અને એચ. જી. વેલ્સ જેવા ધુંઆધાર લેખકો અને હેરોલ્ડ લાસ્કી, લેનિન અને ટ્રોટસ્કી જેવા નેતાઓ સાથે રસેલનો ‘તુંકારે’ સંબંધ હતો.

ભારતમાં રસેલની દોસ્તી વી. કે. કૃષ્ણમેનન સાથે હતી, જે ભારતની આઝાદી માટે બ્રિટનમાં રચાયેલી ઇન્ડિયા લીગના સેક્રેટરી હતા. આ મેનનના કહેવાથી જ ૧૯૩૨માં પૅક્ટ ફાઇન્ડિંગ મિશન પર આવેલા લેબર પાર્ટીના સંસદસભ્ય એલીન વિલ્કિન્સનના અહેવાલની પ્રસ્તાવના બર્ટ્રાન્ડ રસેલે લખી હતી. રસેલ આ ઇન્ડિયા લીગના અધ્યક્ષ હતા અને તેમને ભારતની અહિંસક ચળવળમાં ઘણો રસ પડ્યો હતો. ચીને જ્યારે અંકુશરેખા ઓળંગી ત્યારે રસેલને નેહરુ પરથી ભરોસો ઊઠી ગયેલો અને તેમને ડર લગ્યો હતો કે નેહરુ યુદ્ધ છેડી દેશે. તેમણે નેહરુને રોકવા માટે પત્ર પણ લખ્યો હતો. કહે છે કે રસેલ દર ૩૦ કલાકે તેમના વિશ્વવ્યાપી મિત્રોને પત્ર લખતા હતા.

તો આ બર્ટ્રાન્ડ રસેલ એક હિન્દી ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલા એવી જો તમને ખબર પડે તો? તો તમને કદાચ રસેલનાં ઉપર જે ગુણગાન ગાયાં એ વધુપડતાં લાગે. આટલો મોટો માણસ હિન્દી ફિલ્મમાં કામ કરે? એમાંય પાછી એવી ખબર પડે કે રસેલ સાહેબ દિલીપકુમારની નબળી આવૃત્તિ સમાન રાજેન્દ્રકુમારની ફિલ્મમાં ચમકેલા તો? તો તમને કદાચ રાજેન્દ્રકુમાર માટે માન વધી જાય! જેમ બર્ટ્રાન્ડ રસેલ માટે કહેવાય છે કે તેમણે ‘પ્રિન્સિપલ્સ ઓફ મૅથેમૅટિક્સ’ લખ્યા પછી કશું જ ન કર્યું હોત તો પણ તેમનું નામ ઇતિહાસમાં દર્જ થઈ ગયું હોત એવી રીતે રાજેન્દ્ર ‘રોતલ’ કુમાર માટે પણ એવું કહેવાય કે રસેલ સાહેબ સાથે સ્ક્રીન-શૅર કર્યા પછી તેણે કશું કરવાની જરૂર નહોતી.

બર્ટ્રાન્ડ રસેલે કોઈ હિન્દી ફિલ્મમાં દેખા દીધી હોય એવું આ એકમાત્ર ઉદાહરણ છે. એ ફિલ્મનું નામ ‘અમન’. વર્ષ ૧૯૬૭. રસેલની ઉંમર ત્યારે 95 વર્ષની. ચોથી શાદીમાં તે ઠરીઠામ થઈ ગયેલા. ત્રણ ભાગની આત્મકથામાંથીય તે નવરા થઈ ગયેલા. વિશ્વ શાંતિ અને નિ:શસ્ત્રીકરણ તેમનો ગમતો વિષય એટલે પાછલી ઉંમરે એમાં ફુલટાઇમ ઝંપલાવેલું. નરેન્દ્ર મોદીએ તેમની સફાઈ ઝુંબેશમાં જેમ સેલિબ્રિટી લોકોને જોતર્યા હતા એવી જ રીતે રસેલે પણ તેમની ઍન્ટિ-વૉર ઝુંબેશમાં એ વખતના સુપરસ્ટાર્સ બીટલ્સને જોતરેલા અને બીટલ્સ ગ્રુપે ૧૯૬૯માં વિયેતનામ યુદ્ધના વિરોધમાં આલબમ પ્રગટ કરેલું.

દરેક ફિલ્મોનાં નામ ‘અ’ પરથી રાખવાની જે. ઓમપ્રકાશની અંધશ્રદ્ધાનો પાયો મોહનકુમાર નામના દિગ્દર્શકે નાખેલો. તમે ‘આઇ મિલન કી બેલા’, ‘આપ કી પરછાઇયાં’, ‘અનપઢ’, ‘અમીર ગરીબ’, ‘અવતાર’ અને ‘આપ બીતી’ જેવી ફિલ્મોનાં નામ સાંભળ્યાં હશે. એના દિગ્દર્શક મોહનકુમારે યુદ્ધવિરોધી ફિલોસૉફી પર ‘અમન’ (શાંતિ) ફિલ્મ બનાવી હતી.

એમાં રાજેન્દ્રકુમાર બ્રિટનમાં ભણેલા ડૉ. ગૌતમદાસની ભૂમિકા કરેલી. આ ગૌતમદાસ હિરોશિમા-નાગાસાકી પર બૉમ્બ ઝિંકાયા બાદ જપાનમાં રેડિયેશનની જે તબાહી મચી હતી એમાંથી લોકોને બચાવવા માટે જપાનમાં સ્થળાંતર કરે છે અને ત્યાં ભારતમાં ભણેલી જૅપનીઝ છોકરી મેલોદા (સાયરાબાનુ)ના પ્રેમમાં પડે છે અને પછી હિન્દી ફિલ્મોમાં બને છે એમ થોડાં ગીતો અને થોડો ડ્રામા!

ગૌતમદાસ નામ આમેય રાજેન્દ્રકુમારને કાયમ માટે અનુકૂળ આવે એવું હતું, પરંતુ મોહનકુમારે આ વાર્તામાં ગૌતમ બુદ્ધના અહિંસાના સંદેશના સંદર્ભમાં આ નામ રાખ્યું હતું. જપાન એક તો બુદ્ધનું બીજું ગામ અને પાછું એટમ બૉમ્બનો શિકાર બનેલું. મોહનકુમારે એકદમ પર્ફેક્ટ વિષય પકડેલો. એટલે શાંતિદૂત બર્ટ્રાન્ડ રસેલ પાસે કૅમિયો રોલ કરવાનો પ્રસ્તાવ આવ્યો તો તેમણે ઝટ હા પાડી દીધી.

એટલે એમાં દૃશ્ય એવું છે કે લંડનમાં ડૉક્ટરીનું ભણેલો ગૌતમદાસ જપાન સ્થળાંતર કરવાનું નક્કી કરે છે ત્યારે તે રસેલ સાહેબના આશીર્વાદ લેવા માટે જાય છે. મોહનકુમારે વેલ્સસ્થિત રસેલના ઘરમાં આખો સીન ગોઠવેલો જ્યાં ડૉ. ગૌતમદાસ તેમને મળવા આવે છે. રસેલસાહેબ તેને વિશ્વશાંતિ માટે ચિંતન આપે છે અને હિરોશિમામાં ડૉક્ટરની સફળતા માટે કામના કરે છે. રસેલ જે બોલે છે એ બ્રિટિશ જબાનનું ઇંગ્લિશ છે એટલે મોહનકુમારે એમાં હિન્દી વૉઇસ ઓવર કરાવેલું, જેની ક્વૉલિટી એટલી ખરાબ છે કે દર્શકોને કશુંય પલ્લે ન પડે. ત્રણ વર્ષ પછી રસેલસાહેબનું એ જ ઘરમાં અવસાન થયું હતું .

બર્ટ્રાન્ડ રસેલે આ ફિલ્મ જોઈ હતી? ખબર નથી. જોઈ હોત તો લોહી ઊકળી ઊઠ્યું હોત. રાજેન્દ્રકુમાર તેમને મળવા જાય છે એ પહેલાં મોહનકુમારે દર્શકોને ‘દેવતા’ અને ‘સદીના મહાપુરુષ’ તરીકે રસેલનો પરિચય કરાવીને ઉત્કંઠા જગાવવા પ્રયાસ કરેલો. રાજેન્દ્રકુમારને જ્યારે રસેલની અપૉઇન્ટમેન્ટ માટેનો પત્ર મળે છે ત્યારે તે રસેલના ઘરને ‘તીર્થયાત્રા’ ગણાવે છે. રસેલસાહેબ હાડોહાડ નાસ્તિક હતા. તેમને આ ભગવાનની કક્ષાએ મૂકતી પ્રશંસા સહેજેય ગમી ન હોત.
નસીરુદ્દીન શાહ ૧૬ વર્ષની ઉંમરે ભાગીને મુંબઈ આવ્યા હતા ત્યારે નટરાજ સ્ટુડિયોમાં દિવસના સાડાસાત રૂપિયાના પગારે એક્સ્ટ્રા કલાકાર તરીકે જે પહેલું કામ મળ્યું હતું એ આ ‘અમન’ ફિલ્મનું હતું. એમાં તેમણે રાજેન્દ્રકુમારની અંતિમ યાત્રામાં ડાઘુ તરીકે ચાલવાનું હતું. ડાઘુ બનેલા આ બધા એક્સ્ટ્રાને એમાં એટલીબધી મઝા પડેલી કે એક ફિલ્મ રિવ્યુકારે લખેલું, ‘આટલા ઉત્સાહી ડાઘુઓ પહેલી વાર જોયા.’ મોહનકુમારે પાછળથી કહ્યું હતું, ‘અમન’ ફિલ્મ બહુ ચાલી નહીં, કારણ કે એ સમય પહેલાં બની હતી. અમે એમાં એટમિક વિસ્ફોટ અને બીજી સમસ્યાઓની વાત કરી હતી. મેં બર્ટ્રાન્ડ રસેલને સ્ક્રિપ્ટ બતાવેલી અને તેમને વિચાર ગમેલો.’

રાજેન્દ્રકુમાર અને બર્ટ્રાન્ડ રસેલની મુલાકાતનું આ દૃશ્ય યુટ્યુબ પર ઉપલબ્ધ છે. પ્રૉબ્લેમ એટલો જ છે કે રાજેન્દ્રકુમારનું અંગ્રેજી એટલું ખરાબ છે કે આપણને શંકા જાય કે રસેલસાહેબ લંડનની ઠંડીથી ગભરાયેલા છે કે પછી આપણા આ ‘ગજેન્દ્રકુમાર’થી? લાલ રંગનાં શૂઝ પહેરીને ક્ષુબ્ધ અવસ્થામાં સોફામાં બેઠેલા રસેલ સાહેબનો હિન્દી વૉઇસ ઓવર સાંભળીને કોઈકે મજાક કરેલી કે આ ડબિંગ રાજકુમારના અવાજમાં કરાવ્યું હોત તો (લાલ) રંગ રહી જાત!

કલ્પના કરો કે રાજકુમારના અવાજમાં આ સંવાદ કેવો લાગે : જાની, તુમ મશરૂમ ક્લાઉડ સે જા કે લડો, મૈં ઉપરવાલે સે પ્રાર્થના કરુંગા કે તુમ્હારી વિજય હો!

First Published: 2nd January, 2021 14:00 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK