ઉત્તર ભારતમાં કાતિલ કોલ્ડ વેવને કારણે વધુ ૧૫નાં મોત

Published: 29th December, 2012 07:22 IST

ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી વળેલી કોલ્ડ વેવનો સપાટો કાલે પણ રહ્યો હતો.

કાલે ઠંડીને કારણે વધુ ૧૫ લોકોનાં મોત થયાં હતાં. તમામ મોત ઉત્તર પ્રદેશમાં નોંધાયાં હતાં. આ સાથે ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે અત્યાર સુધી કુલ ૪૯ લોકોનાં મોત થયાં છે. રાજધાની દિલ્હીમાં કાલે લઘુતમ તાપમાન ૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી નીચું હતું. ઉત્તર પ્રદેશમાં ઠંડી સાથે કાતિલ પવનોને કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી. મુઝફફરનગર ૧.૮ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું. રાજ્યના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ૨૦૦ મીટરથી દૂરનું દૃશ્ય જોઈ શકાતું ન હતું. રાજ્યના ગોરખપુર, અલાહાબાદ, આઝમગઢ, બાગપત, મોરાદાબાદ, બરેલી અને મેરઠની આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી હતી.

પંજાબ અને હરિયાણામાં પણ કાલે કોલ્ડ વેવ યથાવત્ રહી હતી. સવારે ૧૧ વાગ્યા સુધીમાં ઠંડીને કારણે અનેક સ્થળે કરફ્યુ જેવી સ્થિતિ રહી હતી. બન્ને રાજ્યોમાં કાલે તાપમાન સામાન્ય કરતાં બેથી ચાર ડિગ્રી નીચું નોંધાયું હતું. કરનાલમાં ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અંબાલા ૫.૮, લુધિયાણા ૬.૭ અને અમૃતસરમાં ૯.૨ ઠંડી નોંધાઈ હતી. રાજસ્થાનમાં પણ કાલે ઠંડીનો સપાટો યથાવત્ રહ્યો હતો. ૪.૩ ડિગ્રી તાપમાન સાથે પિલાની રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું. બિહારમાં પણ ઠંડી અને ધુમ્મસને કારણે ટ્રેનો અને વિમાનોની અવરજવરને અસર પહોંચી હતી. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પણ ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીથી પટના આવી શક્યા નહોતા.

અમેરિકામાં બરફનું તોફાન : મૃત્યુઆંક વધીને ૧૬

અમેરિકાનાં મધ્ય અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં બરફના તોફાનનો મૃત્યુઆંક કાલે ૧૨થી વધીને ૧૬ થયો હતો. પેન્સિલવેનિયા, ન્યુ જર્સી, મૅસેચુસેટ્સ, ન્યુ ઇંગ્લૅન્ડ સહિતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવનને અસર પહોંચી હતી. આર્કાન્સાસ સ્ટેટમાં તોફાનને કારણે બે લાખ ઘરોમાં કલાકો સુધી અંધારપટ છવાયો હતો. કૅનેડાના કેટલાક ભાગોમાં પણ બરફના તોફાનની અસર હતી. અમેરિકામાં ગઈ કાલે પણ ખરાબ હવામાન અને બરફના તોફાનને કારણે સંખ્યાબંધ ફ્લાઇટ કૅન્સલ થતાં હજારો લોકોના રજાઓના પ્લાનિંગ ખોરવાઈ ગયા હતા. ગઈ કાલ ન્યુ યૉર્ક, બોસ્ટન અને ફિલાડેલ્ફિયા શહેરમાં તેજ પવન અને વરસાદ પડ્યો હતો. બરફના તોફાનને કારણે સંખ્યાબંધ સ્કૂલો બંધ રાખવામાં આવી હતી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK