કોલસાની ખાણોની ફાળવણીમાં ફૂ-ઑક્શન અને એન્ડ યુઝરવાળી જોગવાઈ આવકાર્ય છે

Published: 22nd October, 2014 04:59 IST

કેન્દ્ર સરકારે વ્યવસાયિક ધોરણે કોલસા વેચવાના ધંધામાં પ્રાઇવેટ ઑપરેટરોને કાં તો પ્રવેશવા જ ન દેવા જોઈએ અને કાં તો રેગ્યુલેશનની જડબેસલાક વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે રેગ્યુલેટરની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી એ મોટી ઊણપ છે
કારણ-તારણ - રમેશ ઓઝા


સમસ્યા એવી છે કે દેશનો વિકાસ બળતણ, ખનિજ-સંપત્તિ અને કમ્યુનિકેશનનાં માધ્યમો વિના થતો નથી અને એનું અદકેરું મહત્વ હોવાને કારણે ભ્રષ્ટાચાર પણ એમાં બેશુમાર છે. દાયકાઓથી ખનિજ તેલ જે રીતે વિશ્વ-રાજકારણને પ્રભાવિત કરી રહ્યું છે એ આનું પ્રમાણ છે. કેન્દ્ર કરકારે આર્થિક સુધારાઓ કર્યા પછી વિકાસ માટે અનિવાર્ય એવાં આ સેક્ટરો પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી નાખ્યાં હતાં જેણે ભ્રષ્ટાચારને આસમાને પહોંચાડ્યો હતો. વિધિની વક્રતા એવી છે કે જે પક્ષે આર્થિક સુધારાઓ કર્યા હતા અને દેશના વિકાસને સાડાત્રણ ટકાના GDPથી આગળ લઈ જઈને નવ ટકા સુધી પહોંચાડ્યો હતો એ પક્ષ આજે ભ્રષ્ટાચારની કિંમત ચૂકવી રહ્યો છે. કોમવાદ અને પ્રદેશવાદના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલી કૉન્ગ્રેસ વિકાસનો એજન્ડા અપનાવવાને કારણે પાછી બેઠી થઈ હતી જે આજે વિકાસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કારણે ફેંકાઈ ગઈ છે. પ્રામાણિકતા અને પારદર્શકતાના અભાવમાં લૂંટ મચી હતી જેમાં એવી સ્થિતિ પેદા થઈ કે કૉન્ગ્રેસે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો.

સમાજવાદી યુગમાં સાર્વત્રિક વિકાસનો મહિમા હતો અને ત્યારે એમ લાગતું હતું કે ખાણો પ્રાઇવેટ કંપનીઓના હાથમાં હોવાથી દેશનો વિકાસ એકસરખો નથી થતો અને માત્ર ધનપતિઓ વિકાસનો લાભ ઉઠાવે છે. ઇન્દિરા ગાંધીએ ૧૯૭૦ના દાયકામાં કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ૧૯૯૧ પછી ભારતે મૂડીવાદ અપનાવ્યો જેમાં સાર્વત્રિક કરતાં ઝડપી વિકાસનો મહિમા હતો. ત્યારે એમ લાગ્યું હતું કે કોલસાની ખાણો પર સરકારી કંપનીઓની ઇજારાશાહી હોવાથી ઝડપી વિકાસ માટે જરૂરી બળતણ ઉદ્યોગો સુધી સમયસર પહોંચતું નથી. જો ઉદ્યોગોને અમલદારશાહીથી બચાવવામાં નહીં આવે તો ભારત ક્યારેય ઝડપી વિકાસ નહીં કરી શકે. ૧૯૯૧ પછીથી કોલસાની ખાણોમાંથી કોલસો કાઢવાનો કૉન્ટ્રૅક્ટ પ્રાઇવેટ કંપનીઓને અપાવા લાગ્યો.

ખાણોમાંથી કોલસો ઉલેચવાનો કૉન્ટ્રૅક્ટ કોને આપવો જોઈએ અને કઈ રીતે આપવો જોઈએ એ લાખ રૂપિયાનો સવાલ હતો. કેન્દ્ર સરકાર ધારત તો એક જ સમયે વિકાસલક્ષી અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરી શકી હોત, પણ એમાં એને રસ નહોતો. શાસકો ધનપતિઓ સાથે મળી ગયા હતા અને તેમણે ઝડપી વિકાસના નામે સહિયારી લૂંટ ચલાવી હતી. આ લૂંટનું પરિણામ આપણી સામે છે.

સ્પેક્ટ્રમ કૌભાંડ, કોલસાની ખાણોનાં કૌભાંડ અને ગૅસ-ફીલ્ડ કૌભાંડ આ યુગનાં સૌથી મોટાં અને ચોંકાવનારાં કૌભાંડો છે. ક્રોની કૅપિટલિઝમ આખેઆખા રાજ્યને હાઇજૅક કરી જઈ શકે છે એ આમાં જોવા મળ્યું હતું. આ ત્રણમાંથી પહેલી બે લૂંટને સર્વોચ્ચ અદાલતે રોકી છે અને ત્રીજી લૂંટ પર અદાલતનો હથોડો પડવાનો બાકી છે. સર્વોચ્ચ અદાલતે ગયા મહિને ચુકાદો આપીને ખાણોની બધી જ ફાળવણી રદ કરી નાખી હતી અને નવેસરથી પારદર્શક રીતે ખાણોની ફાળવણી કરવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો.

કેન્દ્ર સરકારે e-ઑક્શનનો માર્ગ અપનાવ્યો છે. ભ્રષ્ટાચાર અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કારણે કોલસાનો પુરવઠો અટકી પડ્યો છે અને ઉદ્યોગોને અસર પહોંચી રહી છે એટલે સરકાર સંસદમાં ખરડો પસાર કરવાની જગ્યાએ અત્યારે વટહુકમ બહાર પાડવા માગે છે. વટહુકમ રાષ્ટ્રપતિભવન મોકલી આપવામાં આવ્યો છે જે આજકાલમાં બહાર પડશે. વટહુકમ બહાર પાડીને સરકાર સૌથી પહેલાં તો તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ ઑપરેટરો પાસેથી ખાણો પાછી મેળવશે. એ પછી NTPC, SEB, રાજ્ય સરકારોની વીજળી ઉત્પાદન કરનારી કંપનીઓ વગેરે જાહેર ક્ષેત્રની કંપનીઓને નિશ્ચિત દરે કોલસાની ખાણો ફાળવવામાં આવશે. ખાણોની ફાળવણીના બીજા રાઉન્ડમાં e -ઑક્શન કરવામાં આવશે જેમાં એવી પ્રાઇવેટ કંપનીઓ જ બિડ કરી શકશે જે કોલસો વેચશે નહીં પણ પોતે ઉપયોગ કરશે.

વ્યાવસાયિક ધોરણે કોલસો ઉલેચીને વેચવા માગતા હોય એવા લોકોને ખાણોની ફાળવણી અત્યારે કરવામાં નહીં આવે, પણ ભવિષ્યમાં સરકાર એવી ફાળવણી કરવા માગે છે એમ સરકાર કહે છે. જોખમ અહીં છે. આ એવું છીંડું છે જેમાંથી ક્રોની કૅપિટલિસ્ટો ઘૂસી જાય છે અને પછી છીંડું પહોળું થતું રહે છે. આગલી UPA સરકાર આ છીંડા દ્વારા આખેઆખી હાઇજૅક થઈ ગઈ હતી અને અત્યારે કૉન્ગ્રેસ એટલી બદનામ છે કે લોકસભામાં વિરોધપક્ષનું નેતૃત્વ મેળવી શકે એટલી બેઠકો પણ નથી ધરાવતી. કેન્દ્ર સરકાર કોલસાનો વ્યવસાય કરનારા લોકોને પણ e-ઑક્શન દ્વારા જ ખાણોની ફાળવણી કરવાની છે એટલે એમાં ભ્રષ્ટાચારની કોઈ શક્યતા નથી એવો દાવો કરવામાં આવે છે. વ્યવહારબુદ્ધિ એમ કહે છે કે કોઈ વ્યવસ્થા ફૂલપ્રૂફ હોતી નથી. છીંડાંઓ માટેની જગ્યા દરેક વ્યવસ્થામાં હોય છે. કેટલીક વાર જાણીબૂજીને છીંડાં રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે વ્યવસાયિક ધોરણે કોલસા વેચવાના ધંધામાં પ્રાઇવેટ ઑપરેટરોને કાં તો પ્રવેશવા જ ન દેવાં જોઈએ અને કાં રેગ્યુલેશનની જડબેસલાક વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે  રેગ્યુલેટરની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી એ મોટી ઊણપ છે.

આમ છતાં એન્ડ યુઝર અને e-ઑક્શનનો સરકારે અપનાવેલો માર્ગ પ્રશંસનીય છે. આની ક્રેડિટ અલબત્ત, સરકાર કરતાં અદાલતને વધુ જાય છે. જોકે એકલી કેન્દ્ર સરકારને ક્રેડિટ આપવી પડે એવી પણ એક જોગવાઈ કેન્દ્ર સરકારે કરી છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે કોલસો વેચીને જે પૈસા આવશે એ ખાણો ધરાવતી રાજ્ય સરકારોને આપવામાં આવશે. ખાસ કરીને ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગને આનાથી મોટો લાભ થવાનો છે. આ પછાત રાજ્યોને વિકસવામાં આનાથી મદદ મળશે. બાકી ભારત સરકારે હજી ઝડપથી દોડવું જોઈએ, સુધારાઓ અધૂરા છે, પાછળ રહી જઈશું એવી મતલબી દલીલો સ્થાપિત હિતો અને લૉબિસ્ટો કરતા જ રહેવાના છે. NDA સરકાર જો સાવધાન નહીં રહે તો UPA જેવા હાલ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK