ચકાચક બોરીવલી યોજના આડે સુધરાઈ અને એમએમઆરડીએ

Published: 21st October, 2011 19:18 IST

મુંબઈના ધમધમતા પરા બોરીવલીના વિકાસના મહત્વાકાંક્ષી ચકાચક બોરીવલી પ્રકલ્પ પર ચર્ચા કરવા માટે આયોજિત એક બેઠકમાં સુધરાઈ અને એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના અધિકારીઓ સાથે બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના બોરીવલીના વિધાનસભ્ય ગોપાલ શટ્ટીને ભારે તડાફડી થઈ ગઈ હતી.(જગદીશચંદ્ર ભટ્ટ)

આ બેઠકમાં તેમણે સુધરાઈ અને એમએમઆરડીએ પ્રકલ્પના વિલંબ માટે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગોપાલ શેટ્ટીએ મંગળવારે મહાનગરપાલિકાના ડેપ્યુટી-કમિશનર ભારત મરાઠે સહિત અન્ય અધિકારીઓ સાથેની મીટિંગમાં ભારે નારાજી સાથે જણાવ્યું હતું કે ચકાચક બોરીવલીના અમલમાં મને મહાનગરપાલિકા તરફથી ઝીરો કો-ઑપરેશન મળ્યું છે. ચકાચક બોરીવલી યોજનાની જાહેરાતને આજે બે મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં રાજમાર્ગ ગણાતા એસ. વી. રોડને પહોળો અને સુશોભિત કરવામાં ભારે અડચણરૂપ બનતી કેટલીક નાની દુકાનો હટાવવામાં નથી આવી એટલું જ નહીં, એ દુકાનોને હટાવવામાં ચોક્કસ કયાં કયાં કારણો આડાં આવે છે એનો ખુલાસો પણ હજી સુધી સુધરાઈએ નથી કર્યો. પરિણામે બોરીવલીની જનતાને ખોટો સંદેશો મળે છે. સાથોસાથ સ્થાનિક લોકોની અને ટ્રાફિકની સરળ અવરજવરમાં ભારે મુશ્કેલી થાય છે.’

ચકાચક બોરીવલી યોજનામાં એસ. વી. રોડને વધારે પહોળો કરીને એને સુશોભિત કરવામાં આવશે. જોકે આ યોજનાના અમલમાં પુષ્પા પાર્કની સામેની, શંકર ભગવાનના મંદિરની બાજુમાંની અને મંદિર સામેની કેટલીક દુકાનો ભારે અડચણરૂપ બની ગઈ છે. આ તમામ દુકાનો હજી સુધી હટાવવામાં નથી આવી. ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘ખરેખર તો આ બધી દુકાનોના માલિકોને રેડી રેકનરના દર કરતાં પણ વધુ ભાવ આપીને એ જગ્યાનો કબજો મેળવી લેવો જરૂરી છે. ખુદ કૉન્ગે્રસપ્રમુખ સોનિયા ગાંધીએ પણ આવી નીતિને આવકારી છે.’   

જોકે હવે મહારાષ્ટ્ર સરકારે એના કાયદા ૩૭ (૧)માં જરૂરી સુધારો કરવાની ગતિવિધિ શરૂ કરી દીધી છે. અને આ સુધારિત કાનૂનને હવે નાગપુરના શિયાળુ અધિવેશનમાં મંજૂરી મળી જશે એટલે વિકાસના કામમાં અવરોધ દૂર કરવાના કામની ઝડપ વધી  જશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK