Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક ચુટકી સિંદૂર કી કીમત...

એક ચુટકી સિંદૂર કી કીમત...

06 March, 2021 08:07 AM IST | Mumbai
Preeti Khuman Thakur

એક ચુટકી સિંદૂર કી કીમત...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈમાં રહેતા ૨૭ વર્ષના સિવિલ એન્જિનિયર નીરજ પાટીલે જે. જે. હૉસ્પિટલમાં  ડૉક્ટર તરીકે કામ કરતી તેની ફિયાન્સે સાથે અચાનક જ લગ્ન તોડી નાખ્યાં હતાં. લગ્ન તોડવાનું આઘાતજનક કારણ ફક્ત એટલું છે કે ૨૮ ફેબ્રુઆરીએ વાડામાં થયેલા તિલકના કાર્યક્રમમાં કંકુની ક્વૉલિટી સારી નહોતી, તેની મમ્મીનું અપમાન થયું હતું અને માનપાન મળ્યાં નહોતાં. આ બધાને કારણે છોકરી અને તેનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો હતો. અંતે તેમણે વાડા પોલીસ-સ્ટેશનમાં આ વિશે ફરિયાદ નોંધાવી હતી. વાડા પોલીસે છોકરો, તેના પેરન્ટ્સ અને પ્રપોઝલ લાવ્યા હતા એ કાકા એમ ચાર જણ વિરુદ્વ ગુનો નોંધ્યો છે.

દરેક લગ્નમાં થાય એ રીતે નીરજના કાકા કમલાકર પાટીલ નીરજનાં લગ્નની વાત વાડામાં ખેડૂત તરીકે કામ કરતા ૫૪ વર્ષના દિલીપ પાટીલની દીકરી માટે લાવ્યા હતા એમ જણાવીને વાડા પોલીસે ફરિયાદ બાબતે કહ્યું હતું કે ‘નીરજનો ફોટો અને બાયોડેટા દેખાડ્યો હોવાથી તેમણે હા પાડી હતી. ત્યાર બાદ નીરજના ઘરવાળાઓ અને છોકરીના ઘરવાળાઓ એકબીજાના ઘરે સુધ્ધાં જઈ આવ્યા હતા. બન્ને જણ મોબાઇલ અને વોટ્સઍપ પર વાતો કરતાં હતાં. બધું બરાબર ચાલતું હોવાથી ૨૮ ફેબ્રુઆરીએ વાડામાં તિલક કાર્યક્રમ યોજાયો હતો. એમાં છોકરી છોકરાને કંકુ (સિંદૂર) લગાડે એમ એકબીજાને કંકુ (સિંદૂર) લગાડે છે.’



છોકરીના પિતાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે ‘કાર્યક્રમમાં છોકરાવાળાઓને વ્યવસ્થિત જમવાનું અને સાડી અપાયાં હતાં જેનો ખર્ચ ૧,૦૦,૦૦૦ રૂપિયા આવ્યો હતો. છોકરાવાળા તરફથી ૪૦-૫૦ લોકો અને અમારા ૪૦-૫૦ લોકો એમ ૧૦૦ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો હતો અને ફોટા પાડ્યા હતા. ત્યાર બાદ વાતચીત કરીને ૧૪ મેએ એન્ગેજમેન્ટ સેરેમનીની તારીખ નક્કી કરવામાં આવી હતી. એક માર્ચે નીરજના કાકાને દિલીપ પાટીલે ફોન કરીને કાર્યક્રમ કેવો રહ્યો અને આગળ લગ્નની તારીખ નક્કી કરવાની વાત કરી હતી. ત્યારે તેમણે કાર્યક્રમ સારી રીતે થયો હોવાની વાત કરી હતી. ત્યાર બાદ બીજી માર્ચે નીરજે મારી દીકરીના મોબાઇલ પર ફોન કરીને કહ્યું કે તારી મમ્મીએ મને તિલકના કાર્યક્રમના સમયે પૂછ્યું પણ નહીં, તેં મારી મમ્મીનું માનપાન કર્યું નહીં, તેનું માન રાખ્યું નહીં એટલે મારી મમ્મી, પપ્પા, કાકા અપમાનિત થયાં હોવાથી મારે તારી સાથે લગ્ન કરવાં નથી. અમે બધા આશ્ચર્યમાં પડી ગયા. દીકરીએ અનેક વખત નીરજને ફોન કર્યો, પરંતુ તે ફોન ઉપાડી રહ્યો નહોતો. ત્યાર બાદ અમે લોકોએ પણ અનેક ફોન કર્યા અને ઘરે સુધ્ધાં ગયા, પરંતુ તેમણે અમને ઘરમાં લીધા નહીં અને બિલ્ડિંગમાંથી બહાર કાઢી મૂક્યા. અમે બધા આઘાતમાં હોવા છતાં ફરી નીરજના પપ્પાને ફોન કરીને વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તમે અમારા દીકરાને તિલકના કાર્યક્રમમાં માનપાન આપ્યાં નહીં અને અમારું બધા સામે માથું નીચું થઈ ગયું એટલે અમે લગ્ન કરવાના નથી. નીરજના સંબંધીઓને કઈ વાતનો ગુસ્સો આવ્યો એ વિશે પૂછવા તેના કાકાને સતત ફોન કરતાં તેમણે પણ ઉપાડ્યો નહીં. આ રીતે મારી દીકરીને લગ્નની લાલચ આપીને લગ્ન કર્યાં નહીં તથા મારી દીકરી અને મારા પરિવારની છબિ ખરાબ કરી હોવાથી અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.’


પોલીસનું શું કહેવું છે?

વાડામાં રહેતી છોકરીના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે એમ જણાવીને સબ-ઇન્સ્પેક્ટર રૂપાલી ગુંડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વસઈમાં રહેતા અને રોડ-કન્સ્ટ્રક્શનનું કામ કરતા નીરજનો વાડામાં રહેતી અને જે. જે. હૉસ્પિટલમાં કામ કરતી એમબીબીએસ ડૉક્ટર સાથે તિલકનો કાર્યક્રમ હતો અને પછી તેમનાં લગ્ન પણ થવાનાં હતાં. કાર્યક્રમ બાદ સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી અને એ પછી લગ્ન તોડ્યાં છે. એથી ફરિયાદના આધારે પોલીસે આઇપીસીની વિવિધ કલમ હેઠળ ચોથી માર્ચે નીરજ, તેનાં પપ્પા-મમ્મી અને કાકા સામે ગુનો નોંધ્યો છે અને કેસની તપાસ થઈ રહી છે. નીરજના પરિવારની પૂછપરછ કરતાં તેમણે અમને કહ્યું કે તિલકના કાર્યક્રમમાં કંકુ (સિંદૂર) સારી ક્વૉલિટીનું નહોવાથી મહેમાનોની સામે તેમની આબરૂ જતાં તેમણે આ સંબંધ તોડી નાખ્યો હોવાનું કહ્યું હતું. તેમણે અમને એમ પણ કહ્યું કે છોકરીના માતા-પિતાએ અમને કહ્યું હોત તો અમે સારી ક્વૉલિટીનું કંકુ લઈ આવ્યા હોત. બન્ને પરિવાર હાલમાં રોષમાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 08:07 AM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK