જીવ્યાં ત્યાં સુધી કોયડો બની રહ્યાં ચૂંદડીવાળાં માતાજી

Published: May 31, 2020, 23:31 IST | Shailesh Nayak | Mumbai Desk

હિમાલય, આબુ પર્વત, ગિરનાર સહિતના પર્વતો અને જંગલોમાં જઈને તપ, સાધના કરી આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી છેલ્લે અરવલ્લીના ડુંગરો વચ્ચે ગુફામાં સ્થાયી થયેલા પ્રહ્‍લાદ જાની ઉર્ફે ચૂંદડીવાળાં માતાજીએ અન્નજળ લીધા વગર સ્વસ્થ જીવન જીવ્યા.

ચૂંદડીવાળા માતાજી
ચૂંદડીવાળા માતાજી

શૈલેષ નાયક
‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે,
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી...’
ગુજરાતના ગૌરવ સમા શાયર જલન માતરીની આ પંક્તિઓ ‘ચૂંદડીવાળાં માતાજી’ના કિસ્સામાં પણ યથાર્થ ઠરે છે.
આદ્યશક્તિ જગદ જનની અંબે માતાજીના પરમ ઉપાસક પ્રહ્‍લાદભાઈ મગનભાઈ જાનીનું નામ લોકજીભે ‘ચૂંદડીવાળાં માતાજી’ તરીકે જાણીતું બન્યું છે. એક દિવ્ય પરમ આત્મા જેમણે અરવલ્લીના ડુંગરો વચ્ચે ગુફામાં બેસીને તેમ જ હિમાલય, આબુ પર્વત, ગિરનાર સહિતના પર્વતો, જંગલોમાં જઈને મંત્રો, તપ, સાધના કરીને આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી; એટલું જ નહીં, અલૌકિક શક્તિના બળે વર્ષો સુધી અન્નજળ લીધા વગર પણ સ્વસ્થ જીવન જીવીને ડૉક્ટરો તેમ જ વૈજ્ઞાનિકો માટે અચરજભરી સ્થિતિ સર્જી. એક તપસ્વી જેવું જીવન જીવીને તાજેતરમાં તેઓ બ્રહ્મલીન થયા.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા માતાજીના ગબ્બરની સામે દસકાઓ પહેલાં એક યુવાને જંગલની વચ્ચે સાધના–તપ માટે જગ્યા શોધીને ત્યાં જ ધામા નાખ્યા. એક ગુફામાં રહીને તપ કર્યું. પ્રહ્‍લાદ જાની હંમેશાં નારીશ્રૃંગારમાં રહેતા હોવાથી તેમને લોકો માતાજી કહેતા અને માતાજીની ચૂંદડી હંમેશાં તેમની પાસે રહેતી એટલે તેમનું નામ લોકોના મોઢે ચડી ગયું ચૂંદડીવાળાં માતાજી. અંબાજી પાસેની ગુફા આજે ‘ચૂંદડીવાળાં માતાજી’ના સ્થાનક તરીકે દેશ અને દુનિયામાં જાણીતી બની છે.
૧૯૨૮ની ૧૩ ઑગસ્ટે દુર્ગાષ્ટમીના દિવસે માણસા પાસે ચરાડામાં મગનભાઈને ત્યાં પ્રહ્‍લાદભાઈનો જન્મ થયો હતો. તેમના પરમસેવક જશુભાઈ પટેલના કહેવા મુજબ, ‘૧૧ વર્ષની ઉંમરમાં બાળપ્રહ્‍લાદે ઘર છોડી દીધું. તેઓ કૈલાશમાં રહ્યા, હિમાલયમાં રહ્યા, મહાબળેશ્વરમાં રહ્યા, આબુમાં ગુરુશિખર પર રહ્યા, નર્મદાની પરિક્રમા કરી, આસામનાં જંગલોમાં રહ્યા અને આવી તો અનેક જગ્યાઓ, જંગલો, પર્વતો પર રહીને તેમણે મંત્ર, તપ, જાપ કર્યાં. તેમણે ગિરનારમાં સવાત્રણ વર્ષ સુધી તપની સિદ્ધિ મેળવી અને તેમને લાલ ચૂંદડી મળી જેને તેઓ હંમેશાં સાથે રાખતા. પ્રહ્‍લાદભાઈ ફરતાં-ફરતાં અંબાજી ગબ્બર પાસે આવ્યા. ગબ્બરની સામેની બાજુએ જંગલમાં અંદર ગુફાની જગ્યા પસંદ આવી. અરવલ્લીના ડુંગરો વચ્ચે ગુફા પાસે બેસીને તેમણે તેમના પિતાજી અને ભાઈને કહ્યું હતું કે હવે હું અહીં રહીશ. એ ગુફા પાસે અનેક રાફડા હતા ત્યાં અંબામાતાની મૂર્તિ લાવીને સ્થાપના કરી અને ગુફામાં તપશ્ચર્યા કરવા લાગ્યા.’
અન્નજળ વિના જીવ્યો આ યોગસાધક
દેશવિદેશમાં પ્રહ્‍લાદ જાની ‍દાયકાઓ સુધી ખાધા-પીધા વિના જીવનાર યોગી તરીકેની નામના ધરાવતા હતા. જોકે તેઓ કઈ રીતે તપસ્વી જીવન તરફ વળ્યા એ વિશેની રસપ્રદ વાત કરતાં તેમના પરમસેવક જશુભાઈ પટેલ કહે છે, ‘પુણેમાં રહેતા એક વૈષ્ણવના ઘરે શ્રીનાથજીની પુજા માટે પ્રહ્‍લાદભાઈને તેમના પિતાજી લઈ ગયા હતા. એક દિવસ તેઓ મૂર્છિત થઈને પડી ગયા અને આખા ઘરમાં અજવાળું થયું. શેઠને થયું કે આ અલૌકિક છોકરો છે. પ્રહ્‍લાદભાઈને એ સમયે પૂછવામાં આવતાં તેઓએ કહ્યું કે સાધુના ડ્રેસમાં માતાજી આવ્યાં હતાં, પણ હું તેમની સાથે ડરનો માર્યો ગયો નહીં. એ પછી પ્રહ્‍લાદભાઈને મહાલક્ષ્મી, સરસ્વતી અને મહાકાળી માતાજીએ દર્શન આપ્યાં અને કહ્યું કે અમારી સાથે ચાલ. ત્યારે પ્રહ્‍લાદભાઈએ કહ્યું કે મારા પેટનું શું? ત્યારે માતાજીએ તેમને માથે હાથ મૂક્યો અને તાળવા પર બે આંગળી મૂકીને કહ્યું કે તારે હવે ખાવા-પીવાની જરૂર નહીં પડે. એ દિવસથી બાળપ્રહ્‍લાદનાં અન્નજળ છૂટી ગયાં.’
એવો દાવો થઈ રહ્યો છે કે એ પછી પ્રહ્‍લાદભાઈએ અન્નજળનો દાણો-છાંટો પણ લીધો નથી. સ્વાભાવિક સવાલ થાય છે કે માણસ ખાય-પીએ નહીં તો જીવન કેવી રીતે ટકે? શું આ તેમનો દાવો સાચો છે? એ માટે અનેક સંશોધકોએ રાતદિવસ એક કર્યાં હતાં. માતાજી ખાતાં–પીતાં ન હોવાથી તેમનું પરીક્ષણ કરવા માટે અમદાવાદમાં આવેલી સ્ટર્લિંગ હૉસ્પિટલમાં તેમની તપાસ કરવા માટે રાખવામાં આવ્યા હતા. તેમની તપાસ થઈ હતી, પરંતુ ત્યારે તેઓ એક મિરૅકલ હોવાનું બહાર આવ્યું હતું. લગભગ ૧૫ દિવસ સુધી તેમની સાથે જ ગુફામાં ધામા નાખીને તેમનાં અન્નજળત્યાગના દાવાનો અભ્યાસ કર્યો હતો. જોકે મોટા ભાગનાં સંશોધનોમાં ડૉક્ટરોને કાંઈ હાથ લાગ્યું નહોતું. તેઓ કઈ રીતે પાણી વિના માત્ર હવા પર જીવી રહ્યા છે એવું કોઈ તેમને પૂછતું તો તેઓ કહેતા કે તેમના તાળવામાંથી અમૃત ઝરે છે જે તેમને અજીબ શક્તિ પૂરી પાડે છે.
અંબાજી ગબ્બર સામેની ગુફા
અંબાજીના ગબ્બર સામે સ્થાયી થયેલા પ્રહ્‍લાદભાઈ જાની વિશે જસુભાઈ પટેલ તેમ જ ચૂંદડીવાળાં માતાજીના ભત્રીજા મેહુલ જાની કહે છે કે ‘અંબાજી ગબ્બરની સામેની બાજુએ માતાજી લગભગ ૬૫–૭૦ વર્ષથી સ્થાયી થયાં હતાં. જંગલ વિસ્તાર હતો, વાઘની બોડ પણ અહીં હતી. તેઓ ગુફામાં રહેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. આ જંગલમાં દાંતાના રાજા શિકાર કરવા આવતા ત્યારે તેમણે જોયું કે જંગલમાં કોઈ સાધુ રહે છે. રાજા સાથે ચૂંદડીવાળાં માતાજીનો પરિચય થયો. દાંતાના રાજવીએ જોયું કે આ મહાત્મા અહીં તપ કરી રહ્યા છે એટલે તેમણે આ જગ્યા માતાજીને લખીને આપી કે આ જગ્યા તમારી છે.’
જશુભાઈ પટેલે અચરજભરી વાત કરતાં કહ્યું કે ‘માતાજી જ્યાં રહે છે એ પર્વત–ગુફા પાસે લગભગ ૨૦૦૩–’૦૪ના વર્ષમાં હવન રાખ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા હતા, પણ કોઈને યુરિન કે શૌચક્રિયા થઈ નોતી. દવાબજારના એક વેપારીએ મને એ સમયે કહ્યું હતું કે કેમ મને યુરિન ન આવ્યું? એ સમયે મને માતાજીએ કહ્યું હતું કે હું આ જગ્યાને બાંધી દઉં છું. કોઈને યુરિન કે શૌચક્રિયા નહીં થાય. એ રાતે ગરબા થયા અને માથે ગરબો મૂકીને માતાજી ગરબે ઘૂમ્યાં હતાં અને તેમના હાથમાંથી કંકુની ધારા વહી હતી. આ મારી જિંદગીનો ચમત્કાર હતો.’
માતાજીની મૂર્તિ સ્થાપિત થશે
માતાજીનું કોઈ ટ્રસ્ટ નથી. કોઈ તેમના ગુરુ નથી કે કોઈ તેમના ચેલા નથી એમ જણાવતાં જશુભાઈ કહે છે, ‘જે ગણો તે અમારો સેવકગણ છે. ૨૦૦૪–’૦૫ પછી માતાજીની જગ્યા ડેવલપ થઈ હતી. એ પહેલાં તેઓ ગુફામાં બેસીને તપશ્ચર્યા કરતા હતા, પરંતુ અહીં ભાવિકો શ્રદ્ધાથી રવિવાર અને પૂનમ ભરવા આવતા હતા એટલે આ જગ્યાને થોડી ડેવલપ કરવામાં આવી હતી. માતાજી રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જતાં, કચરા–પોતું જાતે કરતાં હતાં કેમ કે તેઓ ચોખ્ખાઈમાં માનતાં હતાં. તેઓ હીંચકા પર બેસતાં. વ્યસનીઓને વ્યસનમુક્ત કરાવતા હતા. આ આદિવાસી વિસ્તાર હતો અને તેઓએ આદિવાસી સમાજનાં બાળકોને ભણાવ્યાં છે અને દીકરીઓનાં લગ્ન પણ કરાવ્યાં છે. સ્વભાવે કડક હતા, પણ અંદરથી બહુ ભોળા હતા. કાયમ અન્નદાન અને વિદ્યાદાન આપવાનું કહેતા હતા.’
આજે એ જગ્યાએ હવે ચૂંદડીવાળાં માતાજી શરીરરૂપે નથી, પણ બ્રહ્મરૂપે માતાજી કાયમ એ જગ્યાએ રહેવાનાં છે એમ જણાવતાં જશુભાઈ પટેલે કહ્યું કે ‘ચૂંદડીવાળાં માતાજીની મૂર્તિ બનાવી ત્યારે માતાજીએ કહ્યું હતું કે મારી ગેરહાજરી હશે ત્યારે આ મૂર્તિ બધાં જ કામ કરશે. આ પહેલા એવા સંત છે જેઓ જીવતા હતા ત્યારે તેમની મૂર્તિ બની હોય. ચૂંદડીવાળાં માતાજી બ્રહ્મલીન થયાં એના ૬ દિવસ પહેલાં જ કહ્યું હતું કે મારી ઇચ્છા પૂરી થઈ ગઈ છે. મારો દેહ પડી જાય તો અંબાજી લઈ જજો.’
એક ઓલિયો ફકીર જે પોતાની તપશ્ચર્યા અને આધ્યામિકતાની સાથે સમાજોપયોગી કાર્યોથી દેશ-વિદેશમાં નામાંકિત થયા. ૧૧ વર્ષની ઉંમરે જેમને અલૌકિક અનુભવ થયો અને જેમનું જીવન બદલાઈ ગયું એવા ઋષિમુનિ ચૂંદડીવાળાં માતાજી હવે આપણી વચ્ચે શરીરરૂપે નથી રહ્યાં, પણ અલૌકિક રૂપે કાયમ રહેશે અને ભાવિકો પર તેમની કૃપા બની રહેશે.

ચૂંદડીવાળાં માતાજી હંમેશાં માતાજીના પરિધાનમાં એટલે કે નારીશ્રૃંગારમાં રહેતાં હતાં. નાકમાં નથણી, કાનમાં બુટ્ટી, પગમાં પાયલ, હાથમાં ચૂડા, ગળામાં માળા પહેરતાં, માથામાં સિંદુર પૂરતાં હતાં અને લાલ ચૂંદડી પહેરતાં હતાં. હાથમાં મેંદી મૂકતાં તેમ જ નેઇલ-પૉલિશ પણ લગાવતાં હતાં. 

અનેક ભાવિકોનાં અરમાન માતાજીના દ્વારે પૂર્ણ થયાં છે

આપણા ગુજરાતીમાં ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ એવી કહેવત છે. અર્જુન ભોજકના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું. અંબાજી કેળવણી મંડળના સેક્રેટરી તેમ જ રોટરી ક્લબ ઑફ અંબાજીના જૉઇન્ટ સેક્રેટરી અર્જુન ભોજક કહે છે, ‘ચૂંદડીવાળાં માતાજીને ત્યાં શ્રદ્ધાથી કંઈકેટલાય લોકો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હિમાચલ સહિતના પ્રદેશોમાંથી આવતા. તેમના દ્વારેથી ભાવિકો હસતાં-હસતાં ગયા છે. કંઈકેટલાયના ઘરે પારણાં બંધાયાં છે, કૅન્સરના દુઃખ દૂર કર્યાં છે. કેટલાય ભાવિકોની આસ્થા ચૂંદડીવાળાં માતાજીના દ્વારે પૂરી થઈ છે અને ખુશી ફેલાઈ છે.’
અર્જુન ભોજકની વાતમાં સુર પુરાવતાં જશુ પટેલ કહે છે કે ‘ડૉક્ટરોએ ના કહી દીધી હોય કે તમારે સંતાન નહીં થાય એ પછી ચૂંદડીવાળાં માતાજીના આશીર્વાદથી ૩૯ કપલને ત્યાં દીકરીનો જન્મ થયો હોય એવા કિસ્સા મારા ધ્યાનમાં છે. આ ઉપરાંત મારા બે દીકરાઓનુ રિઝલ્ટ સારું નહોતું આવતું એટલે મારાં વાઇફ પૂનમ ભરતાં હતાં તે પછી મારા બે દીકરાઓ બીફાર્મ થયા અને એમબીએ ઇન ફાર્મા સુધીનો અભ્યાસ કર્યો. આ હું ૯૦ના દાયકાની વાત કરું છું. એ પછી મને લાગ્યું કે આ જગ્યામાં કંઈક એવી તાકાત છે અને હું એ સમયથી માતાજીની સાથે છું.’

બાળ ઠાકરેના ઘરે માતાજીની પધરામણી થઈ હતી

ચૂંદડીવાળાં માતાજી અને મુંબઈના ભાવિકોને વર્ષોથી નાતો રહ્યો છે, એટલું જ નહીં, ખુદ બાળ ઠાકરેએ માતાજીને તેમના ઘરે પધરામણી કરાવી છે.
મેહુલ જાની એ વિશે કહે છે કે ‘મુંબઈમાં માતાજી સાયનમાં ઠાકોરભાઇ દેસાઈને ત્યાં પધરામણી કરતાં હતાં. તેમની બેઠક ત્યાં હતી. આ ઉપરાંત કૈલાશ જોષીને ત્યાં પણ તેઓ રોકાતા હતા. મુંબઇમાં માતાજીનું વિશાળ ભક્ત મંડળ છે. મુંબઈમાં એક વખત જ્યારે તેઓ આવ્યાં છે એની ખબર બાળ ઠાકરેને પડી એટલે તેમણે માતાજીની પધરામણી તેમના ઘરે કરાવી હતી. માતાજી તેમના બંગલે ગયાં હતાં અને પરિવારે તેમના આશીર્વાદ લીધા હતા.’

દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે તેમનાં તપ-સિદ્ધિ વિશે જાણ્યું એ પછી તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે માતાજી જે યોગસાધના કરે છે એનું જ્ઞાન આપણી મિલિટરીને પણ આપવું જોઈએ. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK