ચિત્કાર એ ગુજરાતી રંગભૂમિનું શોલે છે

Published: Jan 09, 2020, 16:45 IST | Latesh Shah | Mumbai

આજના રંગભૂમિના અને ચલચિત્રના શ્રેષ્ઠ અભિનેતા પરેશ રાવલે આ જાહેરાત આપી હતી.

‘શોલે’ના દિગ્દર્શક રમેશ સિપ્પી સાથે સુજાતા મહેતા અને (જમણે) ‘ચિત્કાર’ નાટકમાં સુજાતાબહેનનો એક લુક.
‘શોલે’ના દિગ્દર્શક રમેશ સિપ્પી સાથે સુજાતા મહેતા અને (જમણે) ‘ચિત્કાર’ નાટકમાં સુજાતાબહેનનો એક લુક.

આજના રંગભૂમિના અને ચલચિત્રના શ્રેષ્ઠ અભિનેતા પરેશ રાવલે આ જાહેરાત આપી હતી. સફળતાના ચકડોળ પર બેસીને ચિત્કાર ચિક્કાર ચગ્યું. ઊડ્યું, ડગ્યું, પડ્યું અને પાછું ચડ્યું. એ જ ‘ચિત્કાર’ના સર્જક તરીકે આપ સૌની સાથે હું ગુજરાતી રંગભૂમિના મહાન સર્જન ‘ચિત્કાર’ના ઇતિહાસની રસલહાણી કરવા આવ્યો છું. ફક્ત ‘ચિત્કાર’થી આ યાત્રા અટકશે નહીં. મારી પચાસ વરસની નાટ્યયાત્રા, એક અજબગજબની યાત્રા, એ પણ તમારી સાથે નિખાલસપણે શૅર કરવાનો છું. મઝા આવશે. થોડી પળો આપની સાથે વિતાવવાનો જલસો માણવા અને કરાવવા આવ્યો છું.

જીવન એક નાટક છે એની પ્રતીતિ કરાવતી સફરમાં ઘણા ચડતીપડતીનાં સ્ટેશનો પસાર થયાં છે.  આપની સાથે અનુભવોનો આફરો વહેંચવાનો આનંદ માણીશ. એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી નાટ્યસર્જનો, શેરી નાટક, સ્લમ નાટક અને જીવનનાટકની સફર તમારી સમક્ષ દિલ ખોલીને  સહર્ષ પ્રસ્તુત કરવા આવ્યો છું.

શરૂઆત ‘ચિત્કાર’થી કરીએ. આ નાટકે આધુનિક રંગભૂમિને નવી દિશા ચીંધી. એ સમયમાં ‘ચિત્કાર’ નાટકે ગુજરાતી રંગભૂમિને નવા દર્શકો આપ્યા. પહેલાં આ નાટક માબાપ જુએ અને પછી પોતાના બાળકોને, કિશોરોને, યુવાન-યુવતીઓને લઈને આવે. આવી ઘટના ગુજરાતી રંગભૂમિ પર પહેલી ને કદાચ છેલ્લી વાર જ ઘટી હશે એવું મારું માનવું છે. આ નાટકનાં મૅજિક સામે કોઈ લૉજિક કામ ન કરે. નસીબની બલિહારી કહેવાય કે પ્રેમનો પાવર કહેવાય કે બળવાખોરીની જીત કહેવાય એ તો વાંચીને તમારે જ નક્કી કરવાનું.

‘ચિત્કાર’ નાટક સત્યઘટના પર આધારિત હતું. આ નાટક  મૌલિક, અલૌકિક નાટક તરીકે ખૂબ પ્રસિદ્ધ થયું. ‘ચિત્કાર’ નાટક ૧૯૮૩થી ૧૯૯૦ સતત ચાલતું રહ્યું.

૧૯૯૦થી ૨૦૧૦ સુધી પણ મુંબઈ, ગુજરાત અને યુએસએમાં ફરીથી હાઉસફુલ શોનાં પાટિયાં ઝૂલતાં રહ્યાં. બેત્રણ વાર રજૂઆત પામ્યું અને દર વખતે ધોધમાર ચાલ્યું, પણ તકદીરનો તકાજો તો જુઓ ૧૯૮૩થી ૨૦૧૦ સુધી જ્યારે પણ રજૂ થયું ત્યારે સુપરહિટ નાટક પુરવાર થયું એ જ નાટક પરથી ૨૦૧૮માં ગુજરાતીમાં ફિલ્મ બનાવી અને ફ્લૉપ થઈ ગઈ. બહુ બધા અવૉર્ડ્‍સ મળ્યા પણ રિવૉર્ડ્‍સ ન મળ્યા. એમ કહી શકાય કે નાટકની કમાણી ફિલ્મમાં સમાણી. અત્યારે પણ યુટ્યુબ ચૅનલ અને એમૅઝૉન પ્રાઇમ પર ચાલી રહી છે, પણ નાટક જેવી નહીં.

સિતાંશુભાઈ (કવિ સિતાંશુ યશશ્ચંદ્ર) હંમેશાં કહેતા કે લતેશ, તારાં લખેલાં બધાં નાટકો પબ્લિશ કરાવ, ભવિષ્યની પેઢીને કામ લાગે. હરીન્દ્ર દવે, હસમુખ ગાંધી, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુક્લ, વિક્રમ  ગોખલે,  ભક્તિ બર્વે,  ગિરીશ કર્નાડ, સાગર સરહદી જેવા કંઈ કેટલાય લેખકો, કવિઓ,  બુદ્ધિજીવીઓએ ધરાઈને ‘ચિત્કાર’ને બિરદાવ્યું. ચંદ્રકાન્ત બક્ષી જેવા મહાન લેખક તો કહેતા લતેશ તું મને નાટક લખતાં શીખવાડ, હું તને નૉવેલ લખતાં શીખવાડું. દોસ્તીનો ઉત્સવ ઊજવવા મને તેમના વરલીના ઘરે લઈ જાય અને મસ્ત પરદેશનો સોમરસ પીવડાવે. ૧૦૦થી વધુ સંસ્થાઓએ  અમારું ખોબલો ભરીને માન-સન્માન કર્યું હશે. આ બધાં માનસન્માન, ઇજ્જત, આબરૂ, ટ્રોફીઓનું શ્રેય ફક્ત ને ફક્ત સુજાતા મહેતાને, ‘ચિત્કાર’ના લખાણને અને મારી પ્રેમઘેલછાને જાય છે.  ગુજરાતી રંગભૂમિ પર શ્રેષ્ઠ પુરવાર થયેલું નાટક બહુ ચડ્યું એથી વધુ પડ્યું અને એથી વધુ ચડ્યું  અને... બહુ જ મેકિંગ, રનિંગ અને બ્રેકિંગની રોચક અને આમરસથી પણ સ્વાદિષ્ટ અને રસપ્રદ કહાણી છે. ખરા અર્થમાં કહી શકાય, ઓહ માય ગૉડ! ઓએમજી!

chitkaar

‘ચિત્કાર’ નાટક ધમધોકાર ફુલ ટુ ચાલ્યું. પાછળના બધા રેકૉર્ડ્સ તોડી નાખ્યા. એ વખતના મહારથીઓ તો ખુલ્લેઆમ કહેતા કે આવું નાટક ન આવ્યું છે ન આવશે. ન ભૂતો ન ભવિષ્યતિ.   આજના સમયે આ વાત કેટલાકને કદાચ અતિશયોક્તિભરી લાગે, પણ ત્યારની હકીકત અને વાસ્તવિકતા હતી. આ નાટકે ૨૫૦થી વધારે કલાકારો રંગભૂમિને આપ્યા. ‘ચિત્કાર’ નાટક ઘણાં વર્ષ ચાલ્યું એટલે ઘણા કલાકારો બદલાયા, સુજાતા મહેતા સિવાય. ‘ચિત્કાર’ ટ્રેન્ડસેટિંગ નાટક  પુરવાર થયું. આ નાટકે ટિકિટબારી પર દેકારો બોલાવી દીધો હતો.

બ્લૅક માર્કેટ કરવાવાળાઓએ એટલાબધા રૂપિયા ભેગા કર્યા કે તેમનાં નવાં ઘર ખરીદાઈ ગયાં. નાટકનો શો અનાઉન્સ થાય ને હાઉસફુલ થઈ જાય. લોકો વારંવાર જોવા આવે.

એક પારસી કપલે આ નાટક  સોથી વધુ વખત જોયું. પાંચથી પંદર વાર તો કંઈ કેટલા લોકોએ જોયું હશે પત્રકારોનું પ્રિય નાટક એ વખતે ‘ચિત્કાર’ હતું. પ્રતિષ્ઠિત પત્રકાર સૌરભ શાહે  ‘ચિત્કાર’ પર જબરદસ્ત લેખ લખ્યો હતો. ઉત્પલ ભાયાણીએ પોતાના વિવેચનમાં પેટ ભરીને વખાણ કર્યાં. સર્વશ્રેષ્ઠ પત્રકાર-કમ-એડિટર  હસમુખ ગાંધીએ ‘ચિત્કાર’ માટે એટલું સરસ લખ્યું હતું કે આજે પણ ભૂલી ન શકાય. અંગ્રેજી પેપરોએ પણ ઉદારતાથી ‘ચિત્કાર’ પર ઘણા આર્ટિકલ્સ લખ્યા.

સુજાતા મહેતાનો ઉત્કૃષ્ટ અભિનય જોઈને લોકોનાં ટોળાંનાં ટોળાં ઊમટવા લાગ્યાં હતાં.  સુજાતા મહેતાની તીવ્રતા, અભિનયક્ષમતા, ઓતપ્રોત થઈ પાત્રને જીવવાની કાબેલિયત પર  દર્શકો આફરીન પોકારી ગયા. લોકોએ જે પેટ ભરીને ચિત્કાર નાટકનાં વખાણ ઘરમાં, પાર્ટીમાં, પ્રસંગોમાં, દેશ-વિદેશમાં કર્યાં કે નાટક બેનમૂન, બેમિસાલ અને જોવા જેવું છે. એ માઉથ પબ્લિસિટીએ નાટક ને ચાર ચાંદ લગાવી દીધા હતા. કોઈ અભિનેત્રીએ આવો અકલ્પનીય અભિનય આજ સુધી ક્યારેય કર્યો નથી એમ પત્રકારો,  પ્રેક્ષકો અને વિવેચકોનું કહેવું હતું. ચિત્કાર રજૂઆત પામ્યું અને સફળતાનાં ડગલાં કૂદકે ને ભૂસકે  મારતું થઈ ગયું. ભાઈદાસ હૉલમાં તો શો અનાઉન્સ થાય ને પ્રેક્ષકોનો મેળો ભરાય. શોની અનાઉન્સમેન્ટ સાથે એક દિવસમાં શો હાઉસફુલ થઈ જાય. ગેટ ક્રૅશ થાય. પરેશ રાવલે એ સમયે પેપરમાં જાહેરાત આપી હતી કે ‘ચિત્કાર’ નાટક ગુજરાતી રંગભૂમિ પરનું ‘શોલે’ છે. એ જ સમયે ચિત્કાર પર એક બૉમ્બ ફૂટ્યો. નાટક જોવા આવેલા અમુક માનસશાસ્ત્રીઓએ કહ્યું કે સુજાતા આ નાટકના વધુ શો કરશે તો તેને માનસિક અસર થશે. એમાંય સુજાતાના ફૅમિલી ડૉક્ટરે સુજાતાનાં માબાપને ગભરાવી દીધાં કે તમારે તમારી દીકરી ગુમાવી દેવી હોય કે પાગલખાનામાં ભરતી કરાવવી હોય તો જ તેને ચિત્કાર નાટક કરવા દેજો. માબાપ રડવા લાગ્યાં અને અમારી કફોડી હાલત થઈ ગઈ. પછી શું થયું એ જાણવા માટે મળીએ આવતા અંકે. શું થયું? સુજાતાનાં માબાપે શું કહ્યું? ડૉક્ટરે શું રિપોર્ટ આપ્યો? ચિત્કારની અને મારી નાટ્યયાત્રા આવતા વખતે.

માણો ને મોજ કરો

મને મજા આવે નાટકની વાતો કરવાની. નાટક એટલે ન અટક અને અટકવું ન હોય તો પોતાની જાતને મોટિવેટ કરતા રહો. એટલે અહીં મોટિવેશનની મસ્તી માણીશું. મોટિવેશનની વાતો કરીશું. એકદમ ઓરિજિનલ, મૌલિક, તાજી-તમતમતી વાતો.

જે આવ્યું એ જવાનું જ છે. જન્મ્યું એ મરવાનું જ છે. શરૂઆત અને અંત જ સત્ય છે. વચ્ચે છે સપનાંની દુનિયા. ગમતાં સપનાં જુઓ અને એમને જીવીને જલસા કરો. જલસાનો સ્વાદ મીઠો હોય તો ક્યારેક તીખો, ક્યારેક ખાટો તો ક્યારેક ખારો, ક્યારેક મોળો તો ક્યારેક કડવો. આ બધા સ્વાદ ક્ષણભંગુર છે. સમય પસાર થતાં પસાર થઈ જાય છે. રમત ધીરજની છે, ગમ્મત  રમવાની છે.  જમવાની છે, પચાવવાની છે. સપનાં માણો, જાણો ને સપનાં પાર પાડો. જલસા કરો. રડતા આવો અને રડાવતા જાઓ. જીવવામાં જલસો છે. એટલે જ જન્મવું, જમનું થવું એ ઉત્સવ છે. સપનાઓને હકીકતની માયાજાળમાં લાવવાની પળોજણને  જ જીવન કહેવાય છે. જીવો, જિવડાવો,  જલસા કરો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK