આર્ટ-ડિરેક્ટર ક્રિષ્ણેન્દુ ચૌધરીની હત્યા પાછળ કોઈ કાવતરું છે : ચિન્મય મંડલ

Published: Aug 16, 2019, 11:23 IST | મુંબઈ

પાલઘર પોલીસે ચૌધરીની હત્યાના ત્રણ કથિત શંકાસ્પદ આરોપીઓ અને કાર તેમ જ અન્ય કીમતી ચીજો મેળવી લીધી છે. જોકે ક્રિષ્ણેન્દુનું લૅપટૉપ હજી સુધી મળ્યું નથી

 ક્રિષ્ણેન્દુએ બનાવેલો સેટ, Pic/purplemindgraymatter
ક્રિષ્ણેન્દુએ બનાવેલો સેટ, Pic/purplemindgraymatter

આર્ટ-ડિરેક્ટર ક્રિષ્ણેન્દુ ચૌધરીની હત્યાનું રહસ્ય જેવું દેખાય છે એવું સરળ નથી એવું માનવું છે ક્રિષ્ણેન્દુના નિકટતમ સહયોગી ચિન્મય મંડલનું. ચિન્મય મંડલને શંકા છે કે માત્ર ૮૫,૦૦૦ રૂપિયાની લેવડ-દેવડ અને શાબ્દિક ટપાટપી એ હત્યાનું કારણ નથી. તેમના મતે હત્યાના દિવસે ક્રિષ્ણેન્દુ પાસે જે લૅપટૉપ હતું એમાંની હજારો આર્ટ કન્સેપ્ટ ડિઝાઇન્સ મેળવવા માટે તેમની હત્યા કરવામાં આવી હોઈ શકે છે.
પાલઘર પોલીસે ચૌધરીની હત્યાના ત્રણ કથિત શંકાસ્પદ આરોપીઓ અને કાર તેમ જ અન્ય કીમતી ચીજો મેળવી લીધી છે. જોકે ક્રિષ્ણેન્દુનું લૅપટૉપ હજી સુધી મળ્યું નથી. મંડલે દાવો કર્યો છે કે લૅપટૉપમાં આર્ટ ડિઝાઇન્સની તૈયાર હજારો કન્સેપ્ટ છે જેમાં સહેજ ફેરફાર કરીને કરોડો રૂપિયાની કમાણી કરી શકાય છે. મંડલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં અત્યાર સુધીમાં જેમની સાથે કામ કર્યું છે તેઓમાં ચૌધરી સૌથી ટૅલન્ટેડ હતા. તેમના લૅપટૉપમાંની ડિઝાઇન્સની કિંમત સહેજેય પાંચથી દસ લાખ રૂપિયાની થાય છે. માત્ર ૮૫,૦૦૦ રૂપિયાની લેવડ-દેવડ અને આરોપી મોહમ્મદ ફુરકાન શેખ સાથેની જીભાજોડીને કારણે તેમની હત્યા કરવામાં આવે એ માન્યામાં ન આવે એવી બાબત છે. આ હત્યા કદાચ તેમની ડિઝાઇન મેળવવા માટે જ કરાઈ હોઈ શકે છે. ચૌધરી ક્યારેય તેમના ક્લાયન્ટને મેઇલથી કે વૉટ્સઍપ પર ડિઝાઇન નહોતા મોકલતા. તેઓ હંમેશાં ક્લાયન્ટને અંગત રીતે મળીને પોતાની ડિઝાઇન બતાવવાનું પસંદ કરતા હતા અને હત્યાના દિવસે તેઓ લૅપટૉપ લઈને આરોપી ફુરકાન શેખને મળવા ગયા હતા.’
મંડલની શંકા તેમ જ લૅપટૉપ ન મળવાને લીધે પોલીસ પણ હવે કોઈ ઊંડા કાવતરાની શક્યતા ચકાસી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK