મોદીની મહેરબાની : ચીનની જેલમાંથી સુરતના 13 હીરા વેપારીઓ થયા મુક્ત

Published: 8th December, 2011 04:45 IST

બે વર્ષથી ચીનની જેલમાં સબડતા હીરાના ૨૨ વેપારીઓમાંથી છૂટી ગયેલા ૧૩ જણે ગુજરાતના મુખ્ય પ્રધાનનો આભાર માન્યોછેલ્લા ૨૩ મહિનાથી ૭૩ લાખ ડૉલરના હીરાની સ્મગલિંગના આરોપસર ચીનના શેનઝેન શહેરમાં પકડાયેલા સુરત અને મુંબઈના હીરાના બાવીસ વેપારીઓમાંથી ગઈ કાલે ૧૩ વેપારીઓને ધી શેનઝેન ઇન્ટરમિડિયેટ પીપલ્સ કોટેર્‍ છોડી મૂક્યા છે, જેને કારણે તેમના પરિવારમાં અને ધંધાકીય સર્કલમાં ખુશી ફરી વળી છે. અન્ય ૯ વેપારીઓને ત્રણ વર્ષથી ૬ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. કુલ ત્રણ વેપારીઓને લાખો રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. જોકે ચીનની જેલમાં સબડતા ડાયમન્ડના ગુજરાતી વેપારીઓના છુટકારામાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હાલમાં જ ચીનની મુલાકાતે ગયેલા નરેન્દ્ર મોદીએ ત્યાંની સરકારને આ કેસ ઝડપથી ચલાવવા વિનંતી કરી હતી, જેની ચીનની સરકારે ગંભીર નોંધ લીધી હતી અને તરત જ તેના પર ઍક્શન લઈ આ કેસ ચલાવવામાં આવ્યો હતો.

શું બન્યું હતું?

હૉન્ગકૉન્ગથી ૧૪,૦૦૦ કૅરેટ કરતાં વધુના ડાયમન્ડ લઈને ૨૦૧૦ની ૮ જાન્યુઆરીએ  ચીન ગયેલા ૨૨ વેપારીઓ પર આરોપ મુકાયો હતો કે તેઓ ડાયમન્ડ સ્મગલિંગ કરીને ચાઇનીઝ માર્કે‍ટમાં વેચવા લાવ્યા હતા. તેમના પર હૉન્ગકૉન્ગના સ્મગલર સાથે મળીને સ્મગલિંગ કરવાનો પણ આરોપ હતો.

વિવિધ સ્તરે રજૂઆત

ડાયમન્ડના વેપારીઓના છુટકારા માટે વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષે‍ દિલ્હીમાં ચીનના વડા પ્રધાન આવ્યા હતા ત્યારે વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા આ મુદ્દે ચર્ચા કરી નિવેડો લાવવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇન્ડિયાના એક્સ્ટર્નલ અફેર મિનિસ્ટર એસ. એમ. ક્રિષ્ના દ્વારા પણ ચીનના એક્સ્ટર્નલ અફેર મિનિસ્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે હાલમાં જ ચીનની મુલાકાતે ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી આ વિષયે રજૂઆત કરી હતી. તેમની રજૂઆત ગંભીરતાથી લેવામાં આવી હતી અને તરત જ કેસ ચલાવી ૧૩ જણનો છુટકારો કરવામાં આવ્યો હતો.

પરિવારમાં ખુશી

હીરાના વેપારી પાર્થ શાહના કાકા કિશન શાહે તેના છુટકારાની ખુશીમાં કહ્યું હતું કે ‘અમારા માટે આ બહુ જ ખુશીની ક્ષણ છે. મારો ભત્રીજો પાર્થ બહુ જ હાર્ડવર્કિંગ છે અને તે આમાં અજાણતાં જ ફસાઈ ગયો હતો. જોકે છેવટે અમને ન્યાય મળ્યો છે. હવે હું તેને બહુ જ જલ્દી જોઈ શકીશ.’

કેટલાક વેપારીઓએ નસીબનો આભાર માન્યો હતો, જ્યારે મોટા ભાગના વેપારીઓએ આનું શ્રેય ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની સરકારને કરવામાં આવેલી રજૂઆતને આપ્યું હતું. સુરતના એક વેપારીએ કહ્યું હતું કે ‘અમારા દીકરાના છુટકારા માટે મોદીભાઈએ બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. એક વાર મારો દીકરો પાછો આવી જશે પછી હું તેને મોદીભાઈના આર્શીવાદ લેવા લઈ જઈશ.’

મુંબઈના હીરાના વેપારી સમીર શાહના પિતા અશોક શાહે કહ્યું હતું કે ‘જ્યારથી સમાચાર આવ્યા છે કે સમીર છૂટી ગયો છે ત્યારથી અમને મિત્રો અને સંબંધીઓના ફોન આવી રહ્યા છે. તેના છુટાકારામાં ભાગ ભજવનાર દરેકના અમે •ણી છીએ.’ 

હજી રાહ જોવી પડશે

જોકે સુરત અને મુંબઈની જાણીતી હીરાની પેઢી લક્ષ્મી ડાયમન્ડના કર્મચારીઓનો છુટકારો હજી થયો નથી. લક્ષ્મી ડાયમન્ડના અશોક ગજેરાએ કહ્યું હતું કે ‘ચીનમાં અટવાયેલા ડાયમન્ડના વેપારીઓના છુટકારાના ન્યુઝ અમને પણ મળ્યા હતા, પણ અમારા કર્મચારીઓ હજી છૂટ્યા નથી. કેટલાક વેપારીઓને છોડવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને સજા કરવામાં આવી છે.’  

કોણ છૂટ્યું?

નેહલ નીતિન શાહ, મહેન્દ્ર સ્મિત જગાણી, શ્રીપાલ સુરેશ પરીખ, શ્રેણિક સુરેશ પરીખ, વિશાલ શૈલેશ મહેતા, પ્રતીક નેમચંદ પરીખ, પ્રીતેશ મનસુખલાલ દોશી, અંકિત પ્રકાશચન્દ્ર શાહ, તરલ મનોજ પારેખ, પાર્થ દિનેશચંદ્ર શાહ, વિરલ શાહ, સમીર શાહ અને જિગર પ્રફુલ્લ મહેતાને છોડવામાં આવ્યા છે.  જિગર મહેતાને ૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોને કેટલી સજા?

રાજેશકુમાર જૈનને છ વર્ષ, રાજકુમાર બાવીશીને ૫ાંચ વર્ષ, અમિત અરુણ સોનીને ૫ાંચ વર્ષની કેદ અને ૨૪ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રિશિત મહેશ શાહને સાડાત્રણ વર્ષ, ધરમવીર પટેલને ત્રણ વર્ષ, મિતુલ મફતલાલ છુંછાને ત્રણ વર્ષ, નીતીશ ગિરીશ શાહને ત્રણ વર્ષ અને વિપુલ મનુભાઈ પટેલને ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે. ધવલ પટેલને પણ ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે અને સાથે ૪૦ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK