Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનમાં આવે એ ખાવાનું કામ ચીને કર્યું, હાથ ધોવાનું કામ જગતના શિરે આવ્યું

મનમાં આવે એ ખાવાનું કામ ચીને કર્યું, હાથ ધોવાનું કામ જગતના શિરે આવ્યું

22 March, 2020 04:36 PM IST | Mumbai Desk
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

મનમાં આવે એ ખાવાનું કામ ચીને કર્યું, હાથ ધોવાનું કામ જગતના શિરે આવ્યું

મનમાં આવે એ ખાવાનું કામ ચીને કર્યું, હાથ ધોવાનું કામ જગતના શિરે આવ્યું


તમે, હું અને આખી દુનિયા.
આપણે બધા એક મહામારી સામે અત્યારે લડી રહ્યા છીએ. કોઈ એમાંથી બાકાત નથી. મહામારી દિવસે-દિવસે વધારે મોટી અને વિકરાળ બની રહી છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે આ બધાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ? આમ તો મોટા ભાગના લોકોને હવે એની ખબર છે, પણ એમ છતાં સહેજ યાદ દેવડાવી દેવા માટે કહી દઉં કે ચાઇનાના વુહાન નામની સિટીથી એની શરૂઆત થઈ. ડિસેમ્બરના ફર્સ્ટ વીકની આ વાત છે. એક અજાણ્યો કહેવાય એવો વાઇરસ જોવા મળ્યો. જે વાઇરસ જોવા મળ્યો એના કુલ ૬ પ્રકાર છે, એ ૬માં જે સૌથી ખતરનાક વાઇરસ છે એ આ કોરોના, જેનું મેડિકલ ટર્મિનોલૉજી મુજબ નામ છે કોવિડ-૧૯. કહેવાય છે કે આજના સમયનો આ સૌથી ખતરનાક વાઇરસ જો કોઈ હોય તો એ આ જ છે. મૂળ આ વાઇરસ ચામાચીડિયામાં જોવા મળે છે. કહેવાય છે એ રીતે ચામાચીડિયામાંથી આ વાઇરસ કોબ્રામાં આવ્યો અને કોબ્રામાં એનું રૂપ બદલાયું. એ વધારે આકરો થયો અને એ પછી કોબ્રામાંથી માણસમાં આવ્યો. ડિસેમ્બરમાં પહેલી વાર દેખાયા પછી ચાઇનામાં વાઇરસના કેસ દેખાવાનું શરૂ થયું અને જોતજોતામાં આ વાઇરસ વુહાનમાં એટલી હદે ફેલાયો કે દર ત્રીજી વ્યક્તિ એનો શિકાર બની ગઈ. એક ખાસ વાત મને અત્યારે તમને યાદ કરાવવી છે. નૉર્મલ એટલે કે માણસના શરીરમાં અગાઉ પ્રવેશી ચૂક્યો હોય એવો વાઇરસ જ્યારે બૉડીમાં આવે ત્યારે એની સામે બૉડી રીઍક્ટ કરે જેને લીધે તાવ આવે. આ વાઇરસના સિમ્ટમ્સ પણ એવાં જ છે. એને લીધે તાવ આવે છે અને એ બૉડી-ટેમ્પરેચર વધ્યા પછી જેવું બૉડી એની સામે લડવાનું શરૂ કરે કે તરત જ વાઇરસ જગ્યા બદલીને એ સીધો તમારા લંગ્સ પર અટૅક કરે છે, જેને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પછી તમારી રેસ્પિટરી સિસ્ટમ વાઇરસ સામે ટકી શકતી નથી.
આપણી પાસે હવે ઇન્ટરનેટ છે, ન્યુઝ-ચૅનલ છે, જે આપણને સતત અપડેટ કરવાનું કામ કરતાં રહે છે એટલે વધારે કોઈ વાત કરવાની થતી નથી, પણ હવે શું કરવું એની વાત તો થઈ શકે એમ છે. મુંબઈમાં અત્યારે લૉકડાઉન એટલે કે આખું સિટી બંધ કરી દેવામાં આવ્યું છે. અનિવાર્ય કહેવાય એવી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી છે. મુંબઈ જ નહીં, પોણી દુનિયામાં આ જ અવસ્થા છે અત્યારે. હજારો અને લાખો લોકો સંક્રમિત થઈ ગયા છે. દુનિયાભરનાં સ્ટૉક માર્કેટ ડાઉન છે. બૉલીવુડ, હૉલીવુડ અને ટેલીવુડનાં બધાં શૂટિંગ બંધ થઈ ગયાં છે. અનેક ફિલ્મો બનીને તૈયાર છે. વેકેશન નજીક હતું એટલે બધાએ પ્લાન કરીને રાખ્યો હતો, પણ હવે એ આખો પ્લાન કોરોનાએ વેરવિખેર કરી નાખ્યો છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની કોઈને ખબર નથી. રેલવે, ફ્લાઇટ અને બસ સર્વિસ જે ચાલુ હતી એ હવે ધીમે-ધીમે બંધ થવા પર આવી ગઈ છે. ઍક્ટર ટૉમ હૅન્ક્સ અને તેની વાઇફને પણ કોરોનાનો ચેપ લાગી ગયો છે.
શરૂઆત ચીનની એક વ્યક્તિથી થઈ અને એ પછી વાઇરસનો ચેપ જગતઆખામાં ફેલાયો અને હવે આખા વિશ્વની મહામારી બનીને કોરોનાએ કાળો કેર વર્તાવી દીધો છે. શરૂઆતના પંદરેક દિવસ તો લોકોને આ વાઇરસ ઓળખવામાં જ પસાર થયો. કોઈને ખબર નહોતી કે આવો કોઈ વાઇરસ છે અને એટલે જ પ્રિકોશનના ભાગરૂપે કોઈ તૈયારી આપણી પાસે હતી નહીં. કૅનેડાના પીએમ અત્યારે આ વાઇરસથી સંક્રમિત છે, ઈરાનના કૅબિનેટ મિનિસ્ટરને પણ કોરોના છે. ભારતમાં શરૂઆત ૧૭ કેસથી થઈ, પણ એ પછી એક જ વીકમાં ૧૦૦થી વધારે કેસ નોંધાઈ ગયા. મહારાષ્ટ્રમાં પહેલાં ૧૧ કેસ હતા અને અત્યારે પંચાવનથી વધારે કેસ સાથે દેશભરમાં એ બીજા નંબરે છે. ગુજરાતમાં ગુરુવાર સુધી કશું નહોતું, પણ શુક્રવારે એકસાથે બે કેસ આવ્યા અને ગઈ કાલે એ આંકડો વધીને ૭ થઈ ગયો. હવે કોરોનાની ચિંતા એકેએક વ્યક્તિને થવા લાગી છે. એક સમય હતો કે કોઈને કશી પડી જ નહોતી. એવો જ ઍટિટ્યુડ જાણે કોઈને કશું થવાનું જ નથી. લોકો જાહેરમાં એમ જ ફરે. જાહેરમાં થૂંકે, છીંક ખાય તો ધ્યાન ન રાખે. ટ્રેનમાં એવી રીતે ટ્રાવેલ કરતા હોય જાણે મોઢામાંથી કોરોના બીજાના સીધા મોઢામાં જ જાય. યુટ્યુબ પર એક વિડિયો છે, જેમાં કઈ રીતે છીંક ખાવાથી એ વાઇરસ આખી રૂમમાં ફેલાઈ જાય છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક વિડિયો જાહેર કર્યો છે જેમાં એક માણસ કેવી રીતે અજાણતાં જ અડધા કલાકમાં આખા શહેરમાં કોરોના ફેલાવી શકે છે. મને પણ પહેલાં ખબર નહોતી ત્યાં સુધી હું પણ એમ જ ફરતો અને બહાર નીકળતો હતો, પણ હવે નહીં. હમણાંની વાત કહું તો છેલ્લા ત્રણ દિવસમાં હું માત્ર બે વખત બહાર ગયો છું અને બન્ને વખતે સૅનિટાઇઝર લેવા પૂરતો જ બહાર ગયો છું. સૅનિટાઇઝર લાવીને તરત જ પાછો ઘરે અને ઘરે પાછા આવીને હાથ-પગ અને મોઢું બધું બરાબર સાફ કરીને પછી જ બીજી કોઈ વસ્તુને ટચ કરવાનું.
મનમાંથી કાઢી જ નાખજો એ વાત કે આપણને કશું થશે નહીં. આપણે એવું જ માનીએ છીએ કે સૌથી સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી આપણી છે. માન્યું, કબૂલ કે તમારામાં ઉસેન બોલ્ટ જેવી ઇમ્યુનિટી છે અને તમને કશું થવાનું નથી, પણ તમને એ પણ ખબર છે કે આ વાઇરસ સ્પર્શથી પણ ફેલાય છે. ફોન, ડોરનું હૅન્ડલ, લિફ્ટ સ્વિચ બોર્ડ, ટૅક્સી કોઈ ને કોઈ જગ્યાએ એ વાઇરસ હોઈ શકે છે. વાઇરસ તમને કશું નથી કરતો, પણ તમારે લીધે બીજા કેટલા લોકોને એનું ઇન્ફેક્શન લાગી શકે છે એટલી દરકાર તો હોવી જ જોઈએ. બધાએ સમજવાની જરૂર છે કે એ વાઇરસ અત્યંત ચેપી છે. માન્યું કે તમે આયર્નમૅન કે સ્પાઇડરમૅન હોઈ શકો, પણ સામેની વ્યક્તિ તો નૉર્મલ હ્યુમન બીઇંગ જ છે એટલે તેને ઇન્ફેક્શન ન લાગે એને માટે પણ સોશ્યલ ડિસ્ટન્સ ઊભું કરવાની જરૂર છે. જો કોઈ નાનું બાળક હોય અને તેને તમારી સાથે ખૂબ ગમતું હોય તો તેને ખુશ રાખવા માટે તેની સાથે રહેવાને બદલે એક ડિસ્ટન્સ રાખો. તેના ભલા માટે, તેના હિત માટે, તેના બેનિફિટ માટે આટલું તો કરી શકો. જો તમે તમારા હાથે મર્ડરર બનવા માગતા હો, તમારા ગમતા વ્યક્તિને હેરાન કરવા માગતા હો તો જ કૅરલેસ રહેજો.
તમને એક વાત કહું. કોરોનાની ભારતમાં ગંભીરતાથી જોવાની શરૂઆત થઈ એ પછી ચાઇનાથી આવેલા ૩૦૦ પૅસેન્જર એવા છે જેમનું આજ સુધી ટ્રેસિંગ નથી થયું. આ ન્યુઝ કોઈ ફાલતુ નહીં, પણ સારા ડેઇલી પેપરમાં મેં વાંચ્યા હતા. એ ૩૦૦ લોકો કેવા લાઇવ બૉમ્બ જેવા હશે, હજી સુધી કોઈ મોટો આંકડો બહાર નથી આવ્યો એટલી ઈશ્વરની મહેરબાની, પણ હકીકત તો એ જ છે કે એ લોકોને જો શોધવામાં ન આવે તો આપણે જોખમ પર જ બેઠા છીએ. મને અત્યારે પીયૂષ મિશ્રાની એક ગીતની પંક્તિ યાદ આવે છે...
આલીમ યે કહેતા વહાં ઈશ્વર હૈ, ફાઝીલ યે કહેતા વહાં અલ્લાહ હૈ, 
કાબિલ યે કહેતા વહાં ઈસા હે,
મંઝિલ યે કહેતી તબ, ઇન્સાનિયત તુમ્હારી હૈ, તુમ હી સંભાલો યે દુનિયા.
બહુ સરસ વાત કહેવાઈ છે આ પંક્તિમાં. આજે ભગવાન, અલ્લાહ, ઈસુ સહિતના સૌકોઈ એક જ વાત કહેતા હશે કે અમારી બનાવેલી દુનિયા આ નથી. આ તો તમારી બનાવેલી દુનિયા છે. હવે તમે જ એને સંભાળો, આ દુનિયા માટે અમે હવે તમારી સાથે નથી. વી આર સૉરી.
ખરેખર બહુ શરમજનક વાત છે. આપણે આ સૃષ્ટિને એવી કરી નાખી છે. કોઈ નિયમો રાખ્યા નથી, કોઈ લક્ષ્મણરેખા જીવનમાં રાખી નથી. કર્મની વ્યાખ્યાને આપણે આપણી રીતે તોડીમરોડીને વાપરીએ છીએ. આવું તો ભગવદ્ગીતા સાંભળતી વખતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને પણ નહોતું કર્યું, પણ આપણે એ કરીએ છીએ. કર્મના સિદ્ધાંતો ભૂલી ગયા છીએ અને એ પણ ભૂલી ગયા છીએ કે કર્મા વિલ રિટર્ન.
જો હવે ભૂલ કરી તો જવાબદારી આપણી છે અને ભૂતકાળમાં જે ભૂલ કરી છે એ બધાની જવાબદારી પણ હવે આપણા પક્ષે જ છે. તમે જુઓ, ચાઇનાએ મન ફાવે એ ખાવાનું કામ કર્યું અને હાથ ધોવાનું કામ આજે આખું જગત કરી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 04:36 PM IST | Mumbai Desk | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK