ભારત કોરોનાગ્રસ્ત ચીનને મદદ કરવા તૈયાર, પરંતુ વિમાનને મંજૂરી નહીં

Published: Feb 23, 2020, 12:42 IST | New Delhi

ચીનમાં કુલ મૃત્યુ આંક ૨૩૪૫ થયો, ૭૬,૨૮૮ કેસ પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કારણે ચીનની સ્થિતિ હજી સુધી સામાન્ય થઈ શકી નથી. ભારતે વુહાનથી ભારતીયોને લાવવા માટે વાયુસેનાનું વિમાન મોકલ્યું હતું, પરંતુ હજી સુધી ચીન ઑફિસર્સ તરફથી વિમાનને ક્લિયરન્સ નથી મળ્યું. ભારતીય ઑફિસરોનું કહેવું છે કે દુનિયાના ઘણા દેશો ચીનને મદદ અને તેમના નાગરિકો લાવવા માટે ફ્લાઇટ્સ મોકલી રહ્યા છે. દરેક દેશને ચીન મંજૂરી આપી રહ્યું છે, પરંતુ ભારતીય રિલીફ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવતી નથી. તેમની આ હરકતોથી લાગે છે કે તેઓ ભારત પાસેથી મદદ લેવા માગતા નથી. ભારતીય ઑફિસરોનું એવું પણ કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને ઇમર્જન્સીમાં ચીન સરકાર અને લોકોની સાથે રહેવા અને દરેક સમયે મદદ કરવાની વાત કરી હતી.

કોરોના વાઇરસના કારણે ચીનમાં વધુ ૧૦૯નાં મોત સાથે મૃત્યુ આંક ૨૩૪૫ થયો છે. અત્યાર સુધીમાં કુલ પૉઝિટિવ કેસ ૭૬,૨૮૮ થયા છે. લેબનૉન અને ઇઝરાયેલમાં કોરોના વાઇરસના પ્રથમ કેસ નોંધાયા છે. ઈરાનમાં વધુ બે લોકોનાં મોત સાથે મૃત્યુ આંક ચાર થયો છે અને ૧૮ પૉઝિટિવ કેસ નોંધાયા છે. ઇટલીમાં પણ આ વાઇરસના કારણે પ્રથમ મોત થયું છે. સાઉથ કોરિયામાં ૧૪૨ નવા કેસ સાથે કુલ કેસ ૩૪૬ થયા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ૧૨ સભ્યોની ટીમ ચીન પહોંચી ગઈ છે. તેઓ અહીં કોરોના વાઇરસની તપાસ કરશે. ટીમ એ પણ તપાસ કરશે કે વાઇરસ કેવી રીતે ફેલાયો છે. માનવામાં આવે છે કે ટીમ વાઇરસથી સૌથી પ્રભાવિત શહેર વુહાનની પણ મુલાકાત લેશે. શરૂઆતમાં ટીમ માત્ર બીજિંગ, ગુઆંગડોન્ગ અને સિચુઆનમાં જવાની હતી. હુબેઈ અને એનું પાટનગર વુહાન યાદીમાં નહોતું. ચીનમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી ઇન્ફેક્ટેડ ૨૮,૬૫૯ લોકોને હૉસ્પિટલથી ઘરે જવાની મંજૂરી આપી દેવાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK