ચીનનો દાવો: બ્રાઝિલથી લાવેલા ચિકનમાં જોવા મળ્યું કોરોનાનું સંક્રમણ

Updated: Aug 13, 2020, 16:10 IST | Gujarati Mid-day Online Correspondent | Beijing

થોડાક દિવસ પહેલાં ચીને ઈક્વાડોરથી મોકલાયેલા ઝીંગામાં પણ સંક્રમણ હોવાનો દાવો કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં ચીને નવો દાવો કર્યો છે. ચીને બ્રાઝીલમાંથી મોકલાયેલ ફ્રોઝન ચિકનમાં કોરોના વાયરસ (COVID-19)નું સંક્રમણ મળ્યું હોવાનો દાવો કર્યો છે. ગત સપ્તાહે અહીં ઈક્વાડોરથી મોકલાયેલા ઝીંગામાં પણ સંક્રમણ મળ્યાનો દાવો કરાયો હતો. ચીને જૂનમાં બ્રાઝીલ સહિત અન્ય દેશોમાંથી મીટ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે પાછળથી તેને હટાવી દેવાયો હતો.

શેજેનના લોકલ ડિસિસ કંટ્રોલ સેન્ટર (સીડીસી)ની તપાસ દરમિયાન બ્રાઝીલથી મોકલાયેલ ચિકનના સેમ્પલ લેવાયા હતાં. તપાસ કરતાં તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું કે, બ્રાઝીલથી ચિકન સાથે મોકલાયેલ બીજા ફૂડ પ્રોડક્ટના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે બ્રાઝીલે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારબાદ શેજન સીડીસીએ બીજા દેશના ફૂડ પ્રોડક્ટ ખાવામાં સાવધાની રાખવાની અપીલ કરી છે. જૂનમાં ચીનની રાજધાની બેઈજિંગના શિનફેડી સીફૂડ માર્કેટમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતાં. ત્યારપછી સરકાર હાલ ફૂડ પ્રોડક્ટના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરી રહી છે.

આપણે સહુ જાણીએ છીએ કે, ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. આશંકા છે કે સંક્રમણ અહીંના સી-ફૂડ માર્કેટથી ફેલાયું હતું. સંક્રમણને લઈને વિવાદ થતા ચીને ઘણા પશુઓના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

બીજી તરફ ચીનમાં મહિના પહેલાં સાજા થયેલા બે વ્યક્તિઓને કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા ચિંતામાં વધારો થયો છે. હુબેઈમાં 68 વર્ષની એક મહિલામાં ડિસેમ્બરમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. રવિવારે તેનો રિપોર્ટ ફરી પૉઝિટિવ આવ્યો છે. બીજો કેસ શાંઘાઈમાં નોંધાયો છે. એક વ્યક્તિ એપ્રિલમાં સંક્રમિત થયો હતો અને સોમવારે ફરી તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જો કે, નવાઈની વાત એ છે કે આ લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK