Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાળકોના ઑનલાઇન ક્લાસ એટલે પેરન્ટ્સના માથે ઉપાધિ

બાળકોના ઑનલાઇન ક્લાસ એટલે પેરન્ટ્સના માથે ઉપાધિ

17 July, 2020 06:51 AM IST | Mumbai Desk
Darshini Vashi

બાળકોના ઑનલાઇન ક્લાસ એટલે પેરન્ટ્સના માથે ઉપાધિ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉનના લીધે એક તરફ પેરન્ટ્સને બાળકોના ભણતરની ચિંતા છે કે કોરોનાના ચક્કરમાં ક્યાંક બાળકોના એજ્યુકેશનને કોઈ અસર તો નહીં થાયને! તો બીજી તરફ પેરન્ટ્સને સ્કૂલો દ્વારા શરૂ કરવામાં આવેલા ઑનલાઇન શિક્ષણને લઈને પણ અનેક સમસ્યા છે. જોકે સરકારના નિર્દેશ બાદ ઘણી સ્કૂલોના અમુક ધોરણની નીચેના ક્લાસ માટે વર્ચ્યુઅલ સેશન બંધ કરી દેવામાં આવ્યા છે અને એના સ્થાને રોજેરોજ અમુક મિનિટના સ્ટડી-વિડિયો મેઇલ કરવામાં આવે છે. પરંતુ અમુક ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓને તો હજી ઑનલાઇન ક્લાસમાંથી છુટકારો મળ્યો નથી. તેમને તો હજી કલાકો સુધી લૅપટૉપ અથવા મોબાઇલની સામે બેસી રહેવું પડે છે. જોકે આ બધાની વચ્ચે પેરન્ટ્સને સૌથી વધારે વેઠવું પડી રહ્યું છે તો ચાલો જાણીએ પેરન્ટ્સ પાસેથી કે તેમને કઈ-કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

દુબઈથી ડેસ્કટૉપ શૅર કરીને મુંબઈમાં બાળકોને ભણાવવાં પડે છે : બિનિતા મિસ્ત્રી



મૂળ કાંદિવલીના રહેવાસી, પરંતુ વ્યવસાય અર્થે દુબઈ શિફ્ટ થયેલાં બિનિતા મિસ્ત્રીનાં બે સંતાનો લૉકડાઉનમાં તેના મામાના ઘરે જ ચાર મહિનાથી અટકી ગયાં છે. ફ્લાઇટ બંધ હોવાથી નથી કોઈ આવી શકતું કે નથી કોઈ જઈ શકતું એટલે બાળકો મુંબઈમાં જ છે, પરંતુ હવે સ્કૂલો શરૂ થઈ ગઈ છે ત્યારે તેમના માટે ખરેખર મુશ્કેલ પરિસ્થિતિ ઊભી ગઈ છે. આ બાબતે વિસ્તારમાં જણાવતાં બિનિતા મિસ્ત્રી કહે છે, ‘મારી છોકરી પાંચમા ધોરણમાં છે અને મારો છોકરો બીજા ધોરણમાં છે. તેઓ દુબઈની સ્કૂલમાં ભણે છે, પરંતુ અત્યારે તેઓ મુંબઈ મારા ભાઈના ઘરે હોવાથી ત્યાંથી ઑનલાઇન ભણી રહ્યાં છે. મારા ભાઈને પણ બે બાળકો છે, જેમાંનું એક સ્કૂલમાં છે અને તેનું ઑનલાઇન ભણવાનું શરૂ થઈ ગયું છે. મારા ભાઈની જૉબ પણ શરૂ થઈ હોવાથી તે તેનું લૅપટૉપ સાથે લઈ જાય છે. હવે ઘરમાં ભણનારા ત્રણ જણ અને કોઈ લૅપટૉપ કે કમ્પ્યુટર નહીં. છેવટે મારા મામાને ત્યાંથી થોડા સમય માટે ડેસ્કટૉપ ઉછીનું લઈને ઘરે લાવ્યા અને હવે એના પર બાળકોને ભણાવે છે. દુબઈના સમય પ્રમાણે મુંબઈનો સમય સેટ કરીને ઑનલાઇન ક્લાસ પર કનેક્ટ થવું પડે છે. મારાં ભાઈ-ભાભીને થોડું પ્રેશર ઓછું આવે એમ કરીને હું તેમની સ્કૂલના ટાઇમે ડેસ્કટૉપ શૅર કરું છું અને તેમને અહીંથી ભણાવું છું.’


એક જ સમયે બન્ને બાળકોના ઑનલાઇન ક્લાસથી બન્નેના ભણતર પર અસર થાય છે : ટ્વિન્કલ શાહ

કાંદિવલીમાં રહેતાં ટ્વિન્કલ શાહને ટ્વિન્સ છે જેઓ એક જ સ્કૂલમાં અને એક જ સ્ટૅન્ડર્ડમાં ભણે તો છે પરંતુ બન્નેનાં ડિવિઝન અલગ-અલગ છે, જેને લીધે તેમના ઑનલાઇન ક્લાસનો ટાઇમ ક્લૅશ થાય છે. આ બાબતે ટ્વિન્કલ શાહ કહે છે, ‘જૂન મહિનાથી મારા હસબન્ડે પણ ઑફિસ જવાનું શરૂ કરી દીધું છે એટલે લૅપટૉપ તેમની પાસે હોય છે, જ્યારે ઘરમાં મારો એક જ મોબાઇલ પડ્યો હોય છે જેના પર હું સ્કૂલના ઑનલાઇન ક્લાસ એસેસ કરું છું અને બાળકોને ભણાવું છું. પરંતુ સમસ્યા એ છે કે મારાં બન્ને બાળકોના ક્લાસ એક જ સમયે છે એટલે વારાફરતી મારે તેમના ક્લાસ સ્કિપ કરવા પડે છે. અત્યારે તો હું સ્પીકર પર રાખીને તેમને ભણાવું છું એટલે બન્ને જણ ભણી શકે. પરંતુ આમ ક્યાં સુધી ચાલવાનું? મેં આ બાબતે સ્કૂલમાં વાત કરી છે અને બન્નેને એક જ ક્લાસમાં રાખવાની રિકવેસ્ટ કરી છે. અત્યારે તો ટીચર બન્નેની અટેન્ડન્સ પૂરે છે.’


મોબાઇલ સ્ક્રીન પર નથી ફાવતું એટલે લૅપટૉપ લેવાનું વિચારીએ છીએ : સાગર શાહ

નાના છોકરાને રોજેરોજ મોબાઇલ સ્ક્રીન પર ભણાવવા કરતાં એક લૅપટૉપ લઈ લેવાનું જ વિચારું છું એમ મલાડમાં રહેતા સાગર શાહ આગળ કહે છે, ‘મારો છોકરો અત્યારે નર્સરીમાં છે એટલે ભણવાનું વધારે પ્રેશર નથી. તેમ જ સરકારના આદેશ બાદ હવે વર્ચ્યુઅલ ક્લાસ પણ લેવામાં આવતા નથી. પરંતુ સ્કૂલમાંથી ઑનલાઇન વિડિયો રોજ શૅર કરવામાં આવે છે. જોકે અમારી પાસે લૅપટૉપ તો છે, પરંતુ અમે વર્ક ફ્રૉમ હોમ કરીએ છીએ એટલે લૅપટૉપથી ભણાવી શકાતું નથી. અને જ્યારે લૅપટૉપ ફ્રી થાય છે ત્યારે બાળક ભણવા માટે તૈયાર થતું નથી. આટલા નાના બાળક માટે વધુ સમય સુધી મોબાઇલની સ્ક્રીનની સામે બેસી રહેવું પણ સારું નથી. તેમ જ એનાથી તેને મોબાઇલ જોવાની આદત પણ પડી શકે છે એટલે અમે નવું લૅપટૉપ લેવાનું વિચારી રહ્યા છીએ.’

એક નાના બેબીની સાથે બીજા બાળકને ઑનલાઇન ભણવા બેસાડવું મુશ્કેલ પડ્યું એટલે આ વર્ષ સ્કિપ કરાવ્યું : દીપાલી અજમેરા

લૉકડાઉનમાં ઘરમાં કોઈ કામ કરવા આવતા નથી અને એમાં એક દોઢ વર્ષના અને એક સાડાત્રણ વર્ષના બાળકને લઈને ઑનલાઇન ભણાવવું ભારે મુશ્કેલ પડ્યું એટલે પછી આ વર્ષ સ્કૂલમાં સ્કિપ કરવાનો નિર્ણય લીધો એમ જણાવતાં મલાડમાં રહેતાં દીપાલી અજમેરા કહે છે, ‘મારે બે બાળકો છે. એક દોઢેક વર્ષનું છે અને બીજું સાડાત્રણ વર્ષનું છે જેના નર્સરીના ઑનલાઇન ક્લાસ શરૂ થઈ ચૂક્યા છે. એક તો ઘરનું કામ અને એવામાં આ બે નાના છોકરાને સાચવવા. આટલું ઓછું હોય એમ એમાં ઑનલાઇન ક્લાસનો ટાઇમ સાચવવો બહુ કઠિન હતું. એક તો મારા છોકરાના સ્કૂલના ઑનલાઇન ક્લાસનો સમય પણ વિચિત્ર હતો અને થોડો લાંબો હતો. એમાં તે એકલો બેસે નહીં એટલે તેની સાથે બેસવું મારા માટે બહુ મુશ્કેલ હતું. એટલે છેવટે અમે નિર્ણય લીધો કે તેને આ વર્ષ ડ્રૉપ આપીએ એટલે અમે સ્કૂલનો કૉન્ટૅક્ટ કર્યો અને અમારા પ્રૉબ્લેમ વિશે સ્પષ્ટતા કરી અને તેમણે સહકાર પણ આપ્યો અને ભરેલી ફી ઍડ્જસ્ટ કરવા માટેનું આશ્વાસન પણ આપ્યું છે. અમે હવે તેને ઘરે જ ભણાવીએ છીએ. આવતા વર્ષથી તેની સ્કૂલ ચાલુ કરાવીશું.’

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2020 06:51 AM IST | Mumbai Desk | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK