તમારું બાળક કાયર-કમજોર ન બને એની ખૂબ કાળજી કરો

Published: 8th October, 2014 05:05 IST

સાહસિકતા-નીડરતા વગેરે મોટી ઉંમરે આવનારા ગુણો નથી; બાળપણથી જ એ માટે રાઇડિંગ, સ્વિમિંગ, કરાટે વગેરેની બાળકને પૂરતી ટ્રેઇનિંગ આપવી જરૂરી છે




સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

કાયર અને કમજોર વ્યક્તિની યશગાથાઓ કદી ક્યાંય ગવાતી નથી. કથાઓ હંમેશાં તાકતવર અને તંદુરસ્ત લોકોની જ રચાય છે. એમાંય વીરતાની સાથે ચારિત્ર્યશુદ્ધિ  જોડાયેલી હશે તો યુગો-યુગો સુધી એનો ઇતિહાસ ધબકતો રહેશે. શિવાજી મહારાજની વીરતા સાથે તેમની ચારિત્ર્યશુદ્ધિ જોડાયેલી હતી. શત્રુઓ પર વિજય મેળવ્યા પછીયે તેમની બહેનો-દીકરીઓ અને વિધવાઓ, માતાઓનું પૂરું સન્માન તેઓ જાળવતા. ચારિત્ર્યશુદ્ધિ વગરની તાકાત વ્યક્તિને ગુંડો, મવાલી કે દુરાચારી જ બનાવે છે; પરંતુ તાકાત અને ચારિત્ર્ય ભેગાં મળે તો એમાંથી કોઈ છત્રપતિ શિવાજી પેદા થાય, કોઈ રાણા પ્રતાપ પેદા થાય.

અહિંસા ગમે તેટલી આદરણીય અને મહાન હોય તો પણ એનો ઓવરડોઝ ન અપાવો જોઈએ. વાતે-વાતે અહિંસાની વાતો કરનારા લોકોની બીજી-ત્રીજી પેઢી કમજોર અને કાયર જ પાકશે. બાળકોને શૂરવીરતાના પાઠ ભણાવવાના બદલે જો તેને અહિંસા-અહિંસા-અહિંસાનું જ રટણ કરાવ્યા કરશો તો ભવિષ્યમાં તે દુષ્ટ લોકો સામે સરેન્ડર થઈ જનારો ડરપોક માણસ જ બનશે.

ક્ષમા અને અહિંસા કાયરને કદીયે પરવડતાં નથી, કારણ કે તેના ચારિત્ર્યમાં આ બે ચીજો હોતી જ નથી. જો તમારા સંતાનને મહાન ક્ષમાવાન અને અહિંસાનો આરાધક બનાવવો હોય તો તેને અત્યારે કસરત કરવાની ટેવ પાડો. દરરોજ જિમમાં મોકલો. સ્વિમિંગ, રાઇડિંગ, કરાટે જેવી દરેક પ્રકારની તાલીમ તેને આપો. નવરાત્રિમાં તે ભલે ગરબા ગાવા જાય, પણ લાઇફમાં અગત્યના પ્રશ્નો સૉલ્વ કરવાના હોય કે રાષ્ટ્ર માટે સમર્પિત થવાની ક્ષણ આવે ત્યારે તે ગરબા ગાવા ન લાગી જાય એવી માનસિકતા તેને તાલીમ દ્વારા આપવી જોઈએ.

આપણને આપણા પડોશીઓ પજવતા હોય, બસ કે ટ્રેનમાં સહપ્રવાસીઓ ત્રાસ આપતા હોય, આપણા વ્યવસાયના સ્થળે લુખ્ખાઓ આવીને આપણને લૂંટતા હોય-દબડાવતા હોય અને આપણે દરેક વખતે નપુંસકતા બતાવતા હોઈએ તો સમજવું કે આપણે જીવતું મડદું જ છીએ. કશાય કારણ વગર કોઈ આપણને ત્રાસ આપ્યા કરતું હોય અને આપણે તેને રોકી શકતા ન હોઈએ, તેનાથી ડરતા હોઈએ તો જીવવાનો અર્થ શો? કાયરતા અને વીરતા મોટી ઉંમરે કેળવાતા ગુણ નથી, એ તો બાળપણથી જ સિંચાવા જોઈએ. બાળક ભવિષ્યમાં ભીરુ અને ભયભીત ન રહે એ માટે તેને વ્યાયામશાળામાં અવશ્ય મોકલતા રહો.

સાતેક વર્ષ પહેલાંની ઘટના છે. લૉન્ગ રૂટની ટ્રેનમાં પ્રવાસ માટે એક સજ્જને પોતાની ફૅમિલીનું રિઝર્વેશન કરાવી રાખ્યું હતું, પણ ટ્રેન ઊપડવાના સમયે કેટલાક જુવાનિયા તેમના કમ્પાર્ટમેન્ટમાં ઘૂસી ગયા. પેલા સજ્જનની રિઝર્વેશન કરેલી સીટ પર બેસવા માટે તે દાદાગીરી કરવા લાગ્યા. સજ્જને તેમને કહ્યું કે તમે આ રીતે રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં કાયદેસર પ્રવેશી જ ન શકો; છતાં ઠીક છે, તમને ઊતરી જવાનું હું નથી કહેતો; પણ તમે મારી ફૅમિલીને પજવવાનું બંધ કરો.

સજ્જનની વિનંતીથી પેલા યુવાનિયાઓના ટોળાને વધુ શૂરાતન ચડ્યું. તમે માર્ક કરજો, કાયર લોકો ટોળામાં હોય ત્યારે પોતાની ઓકાત ભૂલી જઈને વધારે પડતું જોખમ વહોરી લેતા હોય છે. તેઓ એમ સમજતા હોય છે કે અમે તો કેટલા બધા છીએ! સામેની વ્યક્તિને ડરાવી-ધમકાવી શકાશે અને જરૂર પડશે તો ફટકારી પણ શકાશે, અમારું સંખ્યાબળ વધુ છે એટલે અમે પહોંચી વળીશું. અહીં પણ એવું જ થયું. યુવાનિયાઓ તીખાં તેવર બતાવવા માંડ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા. પેલા સજ્જન હજી રિક્વેસ્ટ કરે છે કે હું ફૅમિલી સાથે નીકળ્યોછું, અમારી સાથે લેડીઝ પણ છે, તમે આવી ગાળાગાળી કરો છો એ તમને શોભતું નથી. એ સાંભળીને એક જુવાનિયો બોલ્યો, ‘અમને પૂછીને તમે ફૅમિલી સાથે નીકળ્યા’તા? અને લેડીઝની ચિંતા હોય તો એ અમને સોંપી દો...’

બસ, પેલા સજ્જનનો પિત્તો છટક્યો. તેણે એકલા હાથે દસ જુવાનિયાઓની ભયંકર ધોલાઈ કરી. બે જણ તો લોહીલુહાણ થઈ ગયા. વારંવાર માફી માગવા લાગ્યા. કાલાવાલા કરવા લાગ્યા. પછી ખબર પડી કે એ સજ્જન કોઈ રિટાયર્ડ આર્મીમૅન હતા. એ જુવાનિયાઓને ભાન થઈ ગયું કે સંખ્યાબળના આધારે કદી જોર ન કરવું. જંગલમાં પાંચસો હરણાં હોય તોય એક સિંહ સામે ઝઝૂમી શકતાં નથી.

બાળકને અહિંસાનો એક શબ્દ ભણાવો ત્યારે નીડરતાના પાંચ શબ્દો સાથે-સાથે અચૂક ભણાવો. કોઈના પર જુલમ કરવો એ પાપ છે તો કોઈનો જુલમ વેઠવો એ મહાપાપ છે. સંસારમાં કાયરતા અને કમજોરીથી ચડિયાતાં બીજાં કોઈ પાપ નથી. કાયર અને કમજોર લોકોએ ડગલે ને પગલે બીજાઓથી દબાઈને, રિબાઈને જીવવું પડે છે. બાળકને હિંસક બનવા નથી કહેવાનું; પણ નીડર બનવા કહેવાનું છે, તાકતવર બનવા કહેવાનું છે, ખડતલ- મજબૂત બનવા પ્રેરણા આપવાની છે જેથી કોઈ દુષ્ટ-દુરાચારીને તે પડકારી શકે, અટકાવી શકે અને રક્ષણ કરી શકે.

બાયલાપણું કે નમાલાપણું મોટી ઉંમરે નથી આવતું, એ પણ પેલાં ખમીર-ખુમારીની જેમ બાળપણથી જ વ્યક્તિના ઘડતર સાથે જોડાયેલાં હોય છે. તમે બાળક સામે અહિંસાની તર્કહીન વાહિયાત વાર્તાઓ વારંવાર કહ્યા કરશો તો નીડર નહીં બને. વ્રત-તપ દ્વારા બાળકને શરીરથી જો કમજોર કરશો તો તે અન્યાય સામે લડી-ઝઝૂમી નહીં શકે. હમણાં એક સ્નેહી કહેતા હતા કે તેમના સાત વર્ષના દીકરાએ સોળ દિવસની તપસ્યા કરી. મેં તેમને કહ્યું, ‘ઝવેરચંદ મેઘાણીએ જે ચારણ કન્યાની કવિતા લખી છે તે સાત વર્ષની છોકરી હાથમાં ડાંગ લઈને સિંહને મારવા ડુંગર પર દોડતી હતી અને પોતાની ભેંસોને તેણે બચાવી હતી. સિંહ જેવો સિંહ પણ દુમ દબાવીને ભાગ્યો હતો. સાત વર્ષની ઉંમર તપ કરવાની નથી, પરાક્રમના પાઠ ભણવાની છે.’

તે સ્નેહીનો હરખ ઠંડો પડી ગયો.

ભૂખ્યા રહેવામાં શી ધાડ મારી?

ફિટનેસ માટે ટ્રેઇનિંગ

કાયરતા કોઈને શોભતી નથી. માયકાંગલા અને લથડી ગયેલા શરીર સાથે જીવવું  એ તો અભિશાપ ગણાય. તનથી અને મનથી મજબૂત બનવાની જરૂર છે. કોઈને દબાવવા કે ડરાવવા માટે નહીં, પણ લુખ્ખાઓ અને લંપટોની દાદાગીરીનો જવાબ આપવા માટે સામથ્ર્યવાન બનવાનું છે. સામથ્ર્ય કદી કદરૂપું નથી હોતું, કાયરતા કદી રૂપાળી નથી હોતી. બાળકને તમામ પ્રકારની ફિટનેસ માટે ભરપૂર ટ્રેઇનિંગ અપાવજો. તે કાયર-કમજોર નહીં હોય તો જે ક્ષેત્રમાં જશે ત્યાં ફતેહ મેળવીને આવશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK