આપણી બાળકી સ્કૂલમાં કેટલી સલામત? પેરન્ટ્સને અધિકાર છે આ સવાલ પૂછવાનો

Published: 23rd December, 2014 03:28 IST

બાળક સ્કૂલમાં હોય ત્યારે કોઈ પણ વ્યક્તિના વર્તન કે વાણીથી તેનાં તન-મન પર કોઈ જખમ કે ઉઝરડા ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ સ્કૂલની છે
સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ગયું અઠવાડિયું કેવા વિરોધાભાસોનું રહ્યું! એક તરફ ૨૦૧૨માં તાલિબાની ત્રાસવાદીઓની ગોળીનો શિકાર બનવા છતાં પણ બહાદુરીથી પોતાની વિદ્યાસાધનાને વળગી રહેલી મલાલાને દુનિયાનો સૌથી સર્વોચ્ચ એવો નોબેલ પીસ પુરસ્કાર એનાયત થયો તો બીજી તરફ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એ જ તાલિબાની ત્રાસવાદીઓએ આર્મી સ્કૂલ પર હુમલો કરીને દોઢસોથી પણ વધુ વિદ્યાર્થીઓની હત્યા કરી નાખી! જોગાનુજોગ એ દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો સોળ ડિસેમ્બરનો. બે વર્ષ પહેલાં એ જ દિવસે ભારતમાં દિલ્હીમાં એક બસમાં યુવતી પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મોત સામે તે બહાદુર યુવતીએ ખાસ્સી ઝીંક ઝીલી, પરંતુ આખરે મૃત્યુ સામેની લડતમાં તે હારી ગઈ હતી. હા, આપણે સૌ આજે તેને નિર્ભયા તરીકે યાદ કરીએ છીએ.

નિર્ભયા સાથે થયેલી એ ભયંકર ઘટનાને બે વર્ષ થઈ ગયાં છે ત્યારે ચોફેર એ જ સવાલ પુછાય છે કે શું દેશમાં સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ સુધારો થયો છે? કમનસીબે આ સવાલના જવાબમાં મોટા ભાગના લોકોએ કહ્યું છે, ના! એ ઘટના પછી દેશભરમાં સ્ત્રીઓની સલામતી વિશે ખૂબ જાગૃતિ આવી હતી. દિવસો સુધી લોકો નિર્ભયા પ્રત્યે સહાનુભૂતિ અને બળાત્કારીઓ પ્રત્યે તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા રહેલા. પરંતુ આજે બે વર્ષ પછી પણ નિર્ભયાના ગુનેગારોને સજા નથી થઈ. નિર્ભયાના પપ્પાએ એક ઠેકાણે કહ્યું કે મને સપનામાં આવીને મારી દીકરી પૂછે છે કે તેં પેલા લોકોને સજા અપાવી કે નહીં? આપણા દેશમાં આટલાબધા કાયદાઓ હોવા છતાં ગુનાઓની સંખ્યા ઘટવાને બદલે વધતી રહે છે એનું એક મુખ્ય કારણ ગુનેગારને સજા થવામાં નીકળી જતો ખાસ્સો લાંબો સમયગાળો છે. ગુનેગાર ગુનો કરતાં અચકાતો નથી, કેમ કે તેને ખબર છે કે તેને કંઈ થવાનું નથી.

આ જ કારણ છે કે નવા-નવા ગુનાઓ થતા રહે છે. હવે તો કૉલેજ કે સ્કૂલની છોકરીઓ જ નહીં, નર્સરી અને પ્લે-ગ્રુપ સુધ્ધાંમાં જતી બાળકીઓ સલામત નથી. બહાર ગાર્ડન કે જાહેર સ્થળોમાં જ નહીં, ઘરમાં કે પાડોશમાં રમતી બાળકીઓ પર પણ જાતીય શોષણનું જોખમ ઝળૂંબી રહ્યું છે. બૅન્ગલોરની સ્કૂલમાં ઑક્ટોબર મહિનામાં ત્રણ વર્ષની બાળકી સાથે સ્કૂલના જ એક ઑફિસ-સ્ટાફે દુર્વ્યવહાર કર્યો હતો. બૅન્ગલોરમાં ત્રણ મહિનામાં ચાઇલ્ડ અબ્યુઝનો એ ત્રીજો કિસ્સો હતો! સ્કૂલના સ્ટાફથી લઈને બસના ડ્રાઇવરો કે ક્લીનરો સુધીના લોકો નર્દિોષ બાળકીઓનું જાતીય શોષણ કરી રહ્યા છે. આમાં આપણી દીકરીઓ ક્યાં સલામત છે? થોડા સમય પહેલાં મુંબઈની એક સ્કૂલની બસના ક્લીનરે પાંચ વર્ષની બાળકી સાથે આવું અભદ્ર વર્તન કર્યું હતું ત્યારે મોટો હોબાળો મચ્યો હતો.

આ મહિનાના પહેલા અઠવાડિયે કાંદિવલીમાં મહાવીરનગરની એક પૉશ પબ્લિક સ્કૂલમાં પાંચ વર્ષની છોકરી પોતાના બર્થ-ડે પર ચૉકલેટ આપવા ગઈ તો તેના ડાન્સ-ટીચરે તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું એવી ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. સ્કૂલના પ્રિન્સિપાલ પાસે ફરિયાદ પહોંચી તો તેમણે છોકરીના પેરન્ટ્સને સહકાર આપ્યો અને પોલીસ-ફરિયાદ પણ થઈ. પરંતુ તેમણે સાથે જ એમ પણ કહ્યું કે આ ટીચર તો અમારા સ્ટુડન્ટ્સમાં બહુ પૉપ્યુલર છે અને તેની સામે આવી કોઈ ફરિયાદ આવી નથી! આ ટકોર સાંભળીને વિચાર આવ્યો કે ખરેખર એ ટીચરના બૅકગ્રાઉન્ડ વિશે પૂરી તપાસ સ્કૂલ-ઑથોરિટી દ્વારા થઈ હશે? આ કિસ્સામાં ટીચર હજી કસ્ટડીમાં છે ત્યાં ભાંડુપની એક સ્કૂલનો ચાઇલ્ડ અબ્યુઝનો કિસ્સો પોલીસ-ચોપડે નોંધાયો છે. ચાર વર્ષની બાળકી પર ટૉઇલેટમાં બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે અને એમાં સ્કૂલનો નૉન-ટીચિંગ સ્ટાફ સંડોવાયો છે. આ પ્રકારની ઘટનાઓ જે ઝડપથી વધી રહી છે એ જોતાં આજે નાનાં બચ્ચાં અને ખાસ તો નાની દીકરીઓ ધરાવતા પરિવારોમાં એક અકથ્ય ભય ઘૂમરાઈ રહ્યો છે. પ્લે-ગ્રુપ કે નર્સરીમાં જતી પોતાની દીકરી હસતી-રમતી ઘરે ન પહોંચે ત્યાં સુધી મા-બાપ કે દાદા-દાદીનો જીવ ઊચક રહે છે. આવાં દરેક મા-બાપના મનમાં એક છૂપો ડર જાણે ઘર કરી ગયો છે. તેમના હોઠ પર એક વણબોલાયેલો સવાલ રમી રહ્યો છે : આનો શું ઉકેલ? આવી અસલામતી હેઠળ કેમ રહેવાનું?

સ્ત્રીઓની સલામતીના નામે સંસ્થાઓ કે સરકારી સ્તરે કંઈક ને કંઈક થઈ રહ્યું છે, પણ આમાં તો લાગે છે કે પેરન્ટ્સે જ થોડું પ્રો-ઍક્ટિવ થવું પડશે; કેમ કે પોતાનાં બાળકોને સારી સ્કૂલોમાં મૂકવા માટે તેમણે જ અનેક કસોટીઓમાંથી પસાર થવું પડે છે. સ્કૂલોની ઊંચી ફી અને બીજી પણ કેટલી જરૂરિયાતો હોય છે! એ બધી જો આપણે પૂરી કરતા હોઈએ તો આપણું બાળક સ્કૂલમાં સો ટકા સલામત રહે એવી અપેક્ષા સ્કૂલ પાસેથી રાખવાનો પણ આપણને પૂરો અધિકાર છે. અને બાળક સ્કૂલમાં હોય ત્યારે કોઈ પણ વ્યક્તિના વર્તન કે વાણીથી તેનાં તન-મન પર એવા કોઈ જખમ કે ઉઝરડા ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ સ્કૂલની છે. પરંતુ કેટલી સ્કૂલો આ બાબત વિશે જાગ્રત છે? માત્ર ડિગ્રી-સર્ટિફિકેટ્સને આધારે ટીચર્સની પસંદગી કરવાને બદલે તેમનાં ફૅમિલી-બૅકગ્રાઉન્ડ, તેમના શોખ, તેમની આદતો ઇત્યાદિની પણ ચકાસણી થવી ઘટે. માત્ર ટીચર્સ જ નહીં, સ્કૂલ સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિના કૅરૅક્ટર માટે સ્કૂલ-ઑથોરિટીએ આવી જ ચોકસાઈ કરવી જરૂરી છે. ઈવન તેમને નોકરીએ રાખતાં પહેલાં જ આ બાબત વિશે તેમને સ્પક્ટ અને કડક શબ્દોમાં ચેતવણી અપાવી જોઈએ. અને એમાં કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક અક્ષમ્ય જ ગણાશે એ કહેવું જોઈએ.

આ પ્રકારની ઘટનાઓને પરિણામે પેરન્ટ્સના મનમાં જન્મેલી અસલામતીને દૂર કરવા સ્કૂલના પ્રિન્સિપાલ કે મૅનેજમેન્ટે સામેથી તેમને બોલાવીને મીટિંગ યોજવી જોઈએ. પેરન્ટ્સની ચિંતા અને ભયનું સમાધાન થાય એવાં અને એકમેક પર વિશ્વાસ વધે એવાં પગલાં ભરવાં જોઈએ. એ માટે મહિને કે બે મહિને એક વાર પેરન્ટ્સ-ટીચર્સ વચ્ચે ઓપન હાઉસ જેવી જોગવાઈ થવી જોઈએ જેમાં કોઈ પણ ડર વિના પેરન્ટ્સ પોતાના મનની વાત રજૂ કરી શકે. જેમ કે ટીચર્સ, નૉન-ટીચિંગ સ્ટાફ, બસના ડ્રાઇવરો કે ક્લીનરોના બૅકગ્રાઉન્ડ ચેક વિશે તેઓ સવાલ કરી શકે. સ્કૂલમાં સલામતી માટે કેવી વ્યવસ્થા છે અને એ પૂરી પાડનારા લોકો કેટલા વિશ્વાસપાત્ર છે એ બાબતે પણ મા-બાપ તપાસ કરી શકે. સ્કૂલના પ્રતિનિધિઓએ પેરન્ટ્સની ચિંતા અને કાળજીનો આદર કરીને તેમને સંતોષ થાય એમ શક્ય એટલી માહિતી પૂરી પાડવી જોઈએ. આવા ઇન્ટરેક્શનનો એક લાભ એ પણ થશે કે સ્કૂલ-મૅનેજમેન્ટ પેરન્ટ્સના દ્રષ્ટિકોણને બહેતર રીતે સમજી શકશે અને શક્ય છે કે ધીમે-ધીમે સ્ટુડન્ટ્સને તેઓ પોતાના પરિવારના બાળક તરીકે જોતા થઈ જશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK