કંગના સાથે ચાલતા વિવાદ દરમ્યાન બોલ્યા ઉદ્ધવ ઠાકરે...

Published: 14th September, 2020 09:51 IST | Agency | Mumbai

મુખ્ય પ્રધાને પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે મહારાષ્ટ્રની છબિ ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ‘મારા મૌનને મારી નબળાઈ ન સમજતા’

ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

હાલમાં રાજકીય અને અન્ય વિવાદોને કારણે ચારે તરફથી ઘેરાયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાજ્યની જનતાને સંબોધતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની છબિ ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે રાજકીય સંકટો આવશે એનો હું સામનો કરીશ અને કોરાના સામે પણ લડીશ.

રાજ્યમાં કોરોનાના ૧૦ લાખ કેસ થયા છે ત્યારે તેમણે કહ્યું કે સરકાર આ મહામારીનો અસરકારક રીતે સામનો કરી રહી છે અને એને અંકુશમાં રાખવા સતત પ્રયાસ કરી રહી છે. કંગના રનોટની ઑફિસ તોડી પડાઈ એ બદલ અને સુશાંતસિંહ રાજપૂતના કેસ સંદર્ભે તેમની સામે જે રાજકીય સંકટ ઊભું થયું છે એ બદલ તેમણે કહ્યું કે ‘હું એ રાજકીય સંકટનો પણ સામનો કરીશ. જોકે એ માટે મારે મુખ્ય પ્રધાનનો માસ્ક ઉતારવો પડશે. આ પરિસ્થિતિમાં હું કાંઈ બોલતો નથી એનો મતલબ એમ નથી કે હું એનો ઉત્તર આપી શકું એમ નથી. મારા મૌનને મારી નબળાઈ ન સમજતા.’

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે ‘રાજ્ય પ્રશાસને લોકોની સહાયથી કોરોનાનો બહુ સારી રીતે સામનો કર્યો છે, એટલું જ નહીં, તોફાન અને પૂરની પરિસ્થિતિને પણ બહુ સારી રીતે ટેકલ કરી છે. એ જ રીતે પૉલિટિકલ તોફાનને પણ ટેકલ કરી લઈશ.’

ઠાકરેએ કહ્યું કે ‘કોરોના જવાનું નામ નથી લઈ રહ્યો અને ગ્રામીણ ભાગમાં પણ હવે એ ફેલાઈ રહ્યો છે. જોકે એક સારી બાબત એ છે કે એમાંથી સાજા થઈ રહેલા દરદીઓની સંખ્યા પણ વધી રહી છે. હકીકત અને આંકડાઓ એ દર્શાવે છે કે જો વહેલી અને સમયસર ટેસ્ટ કરાવી લઈ નિદાન થાય છે એટલે બધા દરદી જલદી સાજા થઈ રહ્યા છે.

જનતાને કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે ‘માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવો અને ગિરદીવાળી જગ્યાએ જવાનું ટાળો અને જો જવું જરૂરી જ હોય તો એવા સમયે જાઓ કે ભીડ ન હોય કે ઓછી હોય. વળી સામસામે જોઈને બોલવાનું ટાળો. આપણે ધીમે-ધીમે લૉકડાઉન ખોલીને મિશન બિગિન અગેઇન હેઠળ બધું ચાલુ કરી રહ્યા છીએ. કેટલાક લોકો એવું ધારે છે કે તેઓ આમાં પણ રાજકરણ કરી શકે છે. તેઓ રાજ્યની છબિ ખરડવા માગે છે.’

રાજ્ય સરકારે જ્યારે નિસર્ગ વાવાઝોડું આવ્યું ત્યારે કોકણમાં જે રીતે મદદ કરી હતી અને કોલ્હાપુર તથા સાતારામાં પૂરપીડિતોને જે રીતે મદદ કરી હતી એવી જ મદદ હવે પૂર્વ વિદર્ભના પીડિતોની કરવામાં આવશે. તેમને માટે ૧૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સરકારે અત્યાર સુધીના એના સમયગાળામાં ૨.૫ લાખ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી દીધી છે. નિસર્ગ વાવાઝોડાના અસરગ્રસ્તોને પણ ૭૦૦ કરોડ રૂપિયાની સહાય કરી છે.

તેમની સરકાર બધા પડકારોને સારી રીતી પહોંચી વળી રહી છે. તેમણે કોરોના સંદર્ભે સોમવાર ૧૫ સપ્ટેમ્બરથી નવું અભિયાન ‘મારો પરિવાર મારી જવાબદારી’ જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે દરેકે જવાબદારી લેવી પડશે. જો દરેક વ્યક્તિ સારા આશયથી આમાં જોડાઈને એવી જવાબદારી નિભાવશે તો આપણે કોરોના સામેની આ લડાઈ જીતી શકીશું.

મરાઠા અનામત માટે લોકો હવે ફરી આક્રમક બનીને રસ્તા પર ઊતરી આવીને આંદોલન કરવાનું વિચારી રહ્યા છે તેમને મારે એટલું જ કહેવાનું કે રાજ્ય સરકારના બધા જ પક્ષોએ એકમતે મરાઠા અનામત માટે મંજૂરી આપી હતી, પણ એ પછી તેના અમલ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. આપણે આને માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયા છીએ અને વધુ જસ્ટિસોની બેન્ચ સામે આપણા કેસની સુનાવણી થાય એ માટે આપણે પ્રયાસ કરી જ રહ્યા છીએ ત્યારે આ રીતનું આંદોલન કરવું યોગ્ય નથી. આને માટે આપણે ટોચના વકીલો નીમ્યા છે, જે આપણી બાજુ યોગ્ય રીતે મજબૂતાઈથી માંડશે. સરકાર મરાઠા અનામત આપવા પ્રતિબદ્ધ છે, વિરોધ પક્ષોએ પણ એ માટે સમર્થન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિરોધીઓને જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જે લોકો એમ કહે છે કે હું બહાર નથી નીકળતો, તેમને મારે એટલું જ કહેવું છે કે રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં તેઓ નથી પહોંચી શકતા ત્યાં હું ટેક્નૉલૉજીના માધ્યમથી વિડિયો-કૉન્ફરન્સિંગથી પહોચું છું અને ત્યાંની સમસ્યા જાણીને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK