છત્તીસગઢમાં નસબંધીકાંડ : દવાઓમાં ઉંદર મારવામાં વપરાતું કેમિકલ મળ્યું

Published: Nov 16, 2014, 05:52 IST

છત્તીસગઢમાં બિલાસપુર જિલ્લામાં નસબંધી ઑપરેશનના કૅમ્પ વખતે ૧૫ મહિલાનાં મોતના કેસમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઑપરેશન બાદ મહિલાઓને જે ઍન્ટિ-બાયોટિક આપવામાં આવી હતી એમાં ઉંદર મારવા માટે વાપરવામાં આવતા ઝિન્ક ફૉસ્ફેટ નામના કેમિકલના અંશ મળ્યા છે. ઑપરેશન બાદ મહિલાઓને આ દવા આપવામાં આવી હતી. આ દવા બનાવતી કંપનીને બે વર્ષ પહેલાં બ્લૅક-લિસ્ટ કરવામાં આવી હોવા છતાં સરકાર એની પાસેથી જ દવા ખરીદતી હતી.
૪૩ લાખ ગોળી જપ્ત


ઍન્ટિ-બાયોટિક સિપ્રોફ્લોક્સિન-૫૦૦ નામની આ દવામાં ઝિન્ક ફૉસ્ફેટ મળી આવતાં એને કેમિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. આ કેમિકલ ઉંદરો મારવા માટેની દવામાં વપરાય છે. સરકારે આખા રાજ્યમાંથી આ દવાની ૪૩ લાખ ટૅબ્લેટ જપ્ત કરી હતી જેમાંથી ૧૩ લાખ ટૅબ્લેટ માત્ર સરકારી હૉસ્પિટલોમાંથી જપ્ત કરવામાં આવી હતી. આ દવા રાયપુરની મહાવર ફાર્મા નામની કંપની બનાવે છે. કંપનીના પરિસરમાં આ દવાનો મોટો જથ્થો બળેલી હાલતમાં મળ્યો હતો. રાયપુર પોલીસે આ કંપનીના ડિરેક્ટર રમેશ મહાવર અને તેના પુત્ર સુમિતને પકડી લીધો છે.

મૃત્યુનું કારણ આ કેમિકલ

ડૉક્ટરોએ કહ્યું હતું કે સર્જરી બાદ આ દવા આપવામાં આવતાં મહિલાઓના હાર્ટની ગતિ અટકી જતી હતી, તેમને પેટમાં ચૂંક આવતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમની કિડની પણ ફેલ થઈ ગઈ હતી.

રાજ્ય સરકાર જવાબદાર : રાહુલ ગાંધી

નસબંધીકાંડમાં ૧૫ મહિલાઓએ જાન ગુમાવ્યાના પાંચ દિવસ બાદ કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી ગઈ કાલે બિલાસપુર પહોંચ્યા હતા અને તેમણે મહિલાઓના પરિવારજનો અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાઓની મુલાકાત લીધી હતી. એ પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે આ ઘટના નકલી દવાઓને કારણે થઈ છે અને એના માટે રાજ્ય સરકારની લાપરવાહી, ભ્રષ્ટાચાર અને હેલ્થપ્રધાન જવાબદાર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK