Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચેમ્બુર આગ: આંખ સામે જોયું મોત

ચેમ્બુર આગ: આંખ સામે જોયું મોત

29 December, 2018 09:59 AM IST | મુંબઈ
રોહિત પરીખ

ચેમ્બુર આગ: આંખ સામે જોયું મોત

આગ ભરખી ગઈ : તરલા ગંગર અને લક્ષ્મી ગંગર.

આગ ભરખી ગઈ : તરલા ગંગર અને લક્ષ્મી ગંગર.


ચેમ્બુરના ટિળકનગરના બિલ્ડિંગ-નંબર ૩૫, સરગમ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની B વિન્ગના ફ્લૅટ-નંબર ૧૧૦૨માં રહેતા કચ્છી જૈન પરિવારની બે મહિલાઓ આગથી બચવા માટે ચિલ્લાતી રહી, આગથી બચવા માટેનો માર્ગ બાજુની તૃપ્તિ સોસાયટીના રહેવાસીઓને સતત ઇશારા કરીને પૂછતી રહી; પણ તેમની નજર સામે જ તેઓ આગમાં ભડથું થઈ ગઈ હતી. આમ તો જૈન પરિવારમાં ત્રણ મહિલાઓ હતી, પણ એક મહિલા થોડી વાર પહેલાં જ કામ માટે નીચે ઊતરી હતી એટલે તે બચી ગઈ હતી. આ કરુણ દૃશ્ય હજીયે તૃપ્તિ સોસાયટીના રહેવાસીઓની નજર સમક્ષ તરી આવતાં તેમની લાચારીને યાદ કરીને તેમની આંખો ભરાઈ આવે છે.

સરગમ સોસાયટીના ફ્લૅટ-નંબર ૧૧૦૧માં રહેતા મેઘપુરિયા પરિવારમાં ક્રિસમિસ ટ્રીમાં શૉર્ટ સર્કિટને આગ લાગી હતી, પરંતુ આ પરિવારને આગની જાણ થાય એ પહેલાં જ એ વિકરાળ બની ગઈ હતી. આથી આ પરિવાર જાન બચાવવા માટે અગિયારમા માળથી નીચે ઊતરી જાય છે એટલે આ પરિવારના ત્રણેય સભ્યો બચી જાય છે. દાદરા ઊતરતાં-ઊતરતાં આ પરિવાર દસમા માળે આવેલા શંકર લંકે પરિવારના ફ્લૅટની બેલ મારીને કહે છે કે અમારા ફ્લૅટમાં આગ લાગી છે, જે આઉટ ઑફ કન્ટ્રોલ હોવાથી અમે નીચે ભાગી રહ્યા છીએ. મેઘપુરિયા પરિવાર તો આગમાં બળતા ફ્લૅટને મૂકીને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો એટલે બચી ગયો હતો, પરંતુ આગને કારણે તેમના ફ્લૅટમાં રહેલું લાકડાનું બધું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. તેમના ગૅસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી ફ્લૅટની દીવાલોને પણ નુકસાન થયું હતું. ઍર-કન્ડિશનર, રેફ્રિજરેટર, ટીવી જેવી વસ્તુઓ સળગી ગઈ હતી.



જોકે મેઘપુરિયાની બાજુમાં જ ફ્લૅટ-નંબર ૧૧૦૩ અને ૧૧૦૪માં રહેતી ગંગર પરિવારની મહિલાઓ આગથી અજાણ હતી. આ બાબતની જાણકારી આપતાં સરગમ સોસાયટીની બાજુમાં આવેલી તૃપ્તિ સોસાયટીના રહેવાસીઓ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે સાંજના ૭.૨૦ વાગ્યે સરગમ સોસાયટીના ફ્લૅટ-નંબર ૧૧૦૧માં એક નાનકડી જ્વાળાથી આગની શરૂઆત થઈ હતી. થોડી વારમાં પવનને લીધે અને ફાયર-બ્રિગેડ સમયસર ન પહોંચતાં આગ વિકરાળ બની હતી. એની જ્વાળાઓ એટલી ગરમ હતી કે એણે ગંગર પરિવારના ફ્લૅટના મેઇન ગેટને ક્ષણભરમાં બાળીને ભસ્મ કરી નાખ્યો હતો. આ સમયે ફ્લૅટમાં બાવન વર્ષનાં તરલા સુરેશ ગંગર અને ૮૩ વર્ષના લક્ષ્મી ગંગર સાસુ-વહુ એકલાં જ હતાં. તરલાબહેનની પુત્રવધૂ રુચિ આગ લાગી એના થોડી વાર પહેલાં જ માર્કેટમાં કામ હોવાથી નીચે ઊતરી હતી. આગની જ્વાળાઓને સામે જોઈને તરલાબહેન અને લક્ષ્મીબહેનને નજર સામે જ મોત દેખાયું હતું.’


તરલાબહેન બચાવો-બચાવોની ચીસો પાડતા હતા અને તેમના ફ્લૅટની બારીઓમાંથી અમને ઇશારો કરીને કેવી રીતે બચીને બહાર આવવું એમ પૂછી રહ્યાં હતાં, પરંતુ અમે લાચાર હતા એમ જણાવીને તૃપ્તિ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમે દૂરથી તરલાબહેનને ઇશારાથી આગથી વિરુદ્ધ દિશામાં જવાનું કહેતા હતા જે તેઓ નહોતા સમજી શક્યા. આગની જ્વાળાઓથી તેમના ફ્લૅટની સીલિંગ પણ નબળી પડી ગઈ હતી. એ પણ પડવાની તૈયારીમાં જ હતી. થોડી વારમાં તો આગ તેમના ફ્લૅટમાં ફેલાઈ ગઈ હતી અને તરલાબહેન અને લક્ષ્મીબહેન અમારી નજર સમક્ષ આગમાં ભડથું થઈ ગયા હતા.’

DNA ટેસ્ટ પછી અપાઈ ડેડ-બોડી


તરલાબહેન અને લક્ષ્મીબહેન આગમાં ભડથું થઈ જવાથી ઓળખાય એવી પરિસ્થિતિમાં તેની ડેડ-બૉડીઓ નહોતી. તેમના શરીર પર પહેરેલાં ઘરેણાંથી તેમના પરિવારે તેમને ઓળખી કાઢ્યાં હતાં. જોકે તેમની ભડથું થઈ ગયેલી ડેડ-બૉડીને કારણે પોસ્ટમૉર્ટમ પછી રાજાવાડી હૉસ્પિટલમાં બન્ને સાસુ-વહુની DNA ટેસ્ટ કર્યા પછી તેમની ડેડ-બૉડી પોલીસે ગંગર પરિવારને સોંપવામાં આવી હતી.

બુઝાવવાનો નિષ્ફળ પ્રયાસ

આ જ સોસાયટીમાં દસમા માળે રહેતા શંકર લંકે પરિવારને મેઘપુરિયા પરિવારે આગની જાણ કરી હતી એટલે આ પરિવારના સભ્યો તરત જ પોતાનો જાન બચાવવા માટે નીચે દોડ્યા હતા, પણ શંકર લંકે થોડા સમય પહેલાં જ પગનું ઑપરેશન થયું હોવા છતાં અગિયારમા માળે મેઘપુરિયાના ફ્લૅટમાં લાગેલી આગને બુઝાવવા ઉપર તરફ ગયા હતા. જોકે આગની જ્વાળાઓ જોઈને તેઓ પણ લોકોની બેલ મારતા-મારતા નીચે ઊતરી ગયા હતા અને ફાયર-બ્રિગેડને આગની જાણ કરી હતી.

વૉચમૅન મેઇન સ્વિચથી અજાણ

સોસાયટીમાં આગ લાગતાં તરત જ આગને વધુ ફેલાતી રોકવા માટે ઇલેક્ટ્રિકની મેઇન સ્વિચ બંધ કરવી જરૂરી હતી એમ જણાવીને આગના સમયે ડ્યુટી કરી રહેલા વૉચમૅને ગઈ કાલને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સોસાયટીમાં નવો હોવાથી મને મેઇન સ્વિચની ખબર જ નહોતી. આથી હું મૂંઝાઈ ગયો હતો. આમ છતાં મેં અનેક રહેવાસીઓને બીજી વિન્ગમાં ભાગી જવાની સલાહ આપી હતી.’

માતા-પિતાને ન બચાવી શક્યો

ગુરુવારની આગમાં ૭૨ વર્ષનાં સુનીતા જોશી અને ૭૨ વર્ષના ભાલચંદ્ર જોશી ધુમાડાની ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. જોકે તેમનો પુત્ર સંદીપ, તેની પત્ની અને બાળકો સોસાયટીની ટેરેસમાં પહોંચી જવામાં સફળ થતાં બચી ગયાં હતાં. સંદીપને તેનાં માતા-પિતાને ન બચાવી શક્યો એનો અફસોસ રહી ગયો હતો. આ સંદર્ભમાં સંદીપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ અગિયારમા માળે લાગી હોવાથી બારમા, તેરમા, ચૌદમા અને પંદરમા માળના રહેવાસીઓને નીચેની તરફ લઈ જવાય એમ નહોતું. મારા પરિવારને તથા અન્યોને મેં મોઢા પર રૂમાલ બાંધીને ગૂંગળામણ ન થાય એ રીતે સોસાયટીની ટેરેસ પર જવા માટે કહ્યું હતું. જોકે મારાં માતા-પિતાને જ બચાવવામાં હું સફળ થયો નહોતો. તેઓ વયોવૃદ્ધ હોવાથી અંધારા અને ધુમાડિયા દાદરામાં જ ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં હતાં.’

પોલીસ-અધિકારીના મિલનસાર માતા

વિક્રોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર સંજય જોશીનાં ૮૩ વર્ષનાં માતા સુમન જોશી રોજ સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈને બેસતાં હતાં એમ જણાવીને સોસાયટીની મહિલાઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુમનબહેન એકદમ મિલનસાર સ્વભાવના હતાં. તેઓ ગ્રાઉન્ડમાં બેઠાં હોય ત્યારે સોસાયટીના બધા જ સભ્યોના ખબરઅંતર પૂછવાની તેમની આદત હતી. ગુરુવારે તેમની તબિયત સારી નહોતી એટલે તેઓ તેમના ફ્લૅટમાંથી નીચે ઊતર્યાં નહોતાં. સંજય જોશીનાં પત્ની માર્કેટના કામે નીચે ઊતર્યાં હતાં, જ્યારે સંજય જોશી અને તેમની પુત્રી જૉબ પર હતાં. સુમનબહેનની તબિયત સારી નહોતી તેથી તેઓ ફ્લૅટમાં સૂઈ રહ્યાં હતાં. આગની જ્વાળાઓ તેમને ઊંઘમાં જ ભરખી ગઈ હતી. ગુરુવારની આગમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ ફક્ત સુમન જોશીની ડેડ-બૉડી સોસાયટીમાં લાવવામાં આવી હતી. એ સમયે સોસાયટીમાં ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી.’

કોના ક્યાં અગ્નિસંસ્કાર?

ગુરુવારની ગોઝારી આગમાં સરગમ સોસાયટીના પાંચ સિનિયર સિટિઝનો મૃત્યુ પામ્યા હતા. એમાંથી તરલાબહેન અને લક્ષ્મીબહેનની ડેડ-બૉડીને રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા પછી ટિળકનગરના બિલ્ડિંગ-નંબર ૧૫માં રહેતા સુરેશ ગંગરના ભાઈને ત્યાં લાવવામાં આવી હતી. ત્યાંથી ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી. સુમન જોશીની ડેડ-બૉડી પહેલાં સરગમ સોસાયટીમાં લાવીને પછી મુલુંડ અંતિમક્રિયા માટે લઈ જવામાં આવી હતી, જ્યારે સંદીપનાં માતા-પિતા ભાલચંદ્ર જોશી અને સુનીતા જોશીની ડેડ-બૉડીને થાણે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. સોસાયટીના પરિસરમાં ફક્ત એક જ ડેડ-બૉડી આવી હતી.

ચાલમાંથી બની હતી સોસાયટી

ટિળકનગરમાં પંદર વર્ષ પહેલાં સરગમ સોસાયટીની જગ્યા પર એક ચાલ હતી. એમાં ૩૬ પરિવારો રહેતા હતા. સમય જતાં આ ચાલમાંથી સરગમ સોસાયટી A, B, C બની હતી. એમાં ૧૪૨ પરિવારો રહે છે. જોકે આ સોસાયટીને OC કે ફાયર-બ્રિગેડનું NOC આજ સુધી નથી મળ્યા. આ માટે રહેવાસીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી બિલ્ડર સામે લડી રહ્યા છે, પણ તેઓ OC કે NOC મેળવવામાં સફળ થયા નથી. એને લીધે તેઓ અનેક સુવિધાઓથી વંચિત છે.

ડેવલપર સામે ગુનો નોંધાયો

આ સોસાયટીનું રીડેવલપમેન્ટ મેસર્સ રિલાયન્સ રિયલ્ટર્સના પાર્ટનરો હેમેન્દ્ર માપારા, સુભક માપારા અને કોઠારીએ ૨૦૦૬ની સાલમાં શરૂ કર્યું હતું. તેમણે ૨૦૧૪માં બાંધકામ પૂÊરું કરીને ફ્લૅટધારકોને તેમના ફ્લૅટ આપ્યા હતા. તેમણે ફાયર-બ્રિગેડની પરવાનગી લીધી નહોતી તેમ જ પંદરમા માળની રેફ્યુજ જગ્યા પર પણ કબજો કરીને ઇમર્જન્સી માર્ગ બંધ કરી દીધો હતો જેને કારણે ગુરુવારની આગની દુર્ઘટનામાં પાંચ જણનાં મૃત્યુ થયા હતા. એને કારણે ટિળકનગર પોલીસે રિલાયન્સ રિયલ્ટર્સના પાર્ટનરો હેમેન્દ્ર માપારા, સુભક માપારા અને કોઠારી વિરુદ્ધ કલમ ૩૪૦ (૨), ૩૩૬, ૪૨૭ અને ૩૪ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અનેક પરિવારોનું સ્થળાંતર

આગની દુર્ઘટનાને લીધે સરગમ સોસાયટીમાં પાણી અને ઇલેક્ટ્રિસિટી ગુરુવારે સાંજથી બંધ કરી દેવાયાં હતાં તેમ જ આગને કારણે સોસાયટીના રહેવાસીઓ તેમના ફ્લૅટ છોડીને ગુરુવારે રાતના આઠ વાગ્યાથી ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. ગઈ કાલે સવાર સુધી પાણી અને ઇલેક્ટ્રિસિટી બંધ હોવાથી અનેક રહેવાસીઓ બીજે રહેવા ગયા હતા તો અમુક રહેવાસીઓએ નજીકના ગાર્ડનમાં સામાન સાથે આશરો લીધો હતો.

રાજનેતાઓને જોઈને વિફર્યા

સોસાયટીમાં બનેલી દુર્ઘટના અને પાંચ જણનાં મૃત્યુને કારણે અનેક રાજનેતાઓએ ગઈ કાલે સોસાયટીની મુલાકાત લીધી હતી. તેમને જોઈને અનેક રહેવાસીઓ વિફર્યા હતા. આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમને રાજનેતાઓ સોસાયટીને OC કે ફાયર-બ્રિગેડનું NOC લાવી આપવાની લેખિતમાં ખાતરી આપતા હોય તો જ મળવામાં રસ છે. બાકી અત્યારે તેમને તેમની રાજનીતિની રોટલી શેકવા આવવાની જરૂર નથી. તેમને મળીને અમારું કંઈ જ ભલું થવાનું નથી.’

આ પણ વાંચો : સરગમ સોસાયટીને OC અને ફાયર-બ્રિગેડનું NOC મળ્યું નહોતું

આ રાજનેતાઓની સામે અને પોલીસની સામે રહેવાસીઓએ ડેવલપરની ધરપકડની માગણી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2018 09:59 AM IST | મુંબઈ | રોહિત પરીખ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK