નવી મુંબઈના ડીસીપી સામે ચીટિંગનો ગુનો

Published: 8th December, 2011 08:04 IST

ખારઘરના એક ટાવરમાં નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસમાં હાઈ ર્કોટના આદેશને પગલે બિલ્ડર, સિડકો અને મહાવિતરણના ટોચના અધિકારીઓ વિરુદ્ધ પણ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતોસિડકો (ધ સિટી ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડ), એમએસઈબી (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ)ના ટોચના અધિકારીઓ, ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) દત્તાત્રેય શિંદે અને અભિષેક બિલ્ડર વિરુદ્ધ ખારઘર પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓ પર ૨૧ માળના બિલ્ડિંગની એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) ચોરી કરી બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવવાનો અને સરકાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.

મુંબઈ હાઈ કોર્ટે આપેલા આદેશ મુજબ ખારઘર પોલીસે નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ-કમિશનર દત્તાત્રેય શિંદે, સિડકો, એમએસઈબીના અધિકારીઓ, અભિષેક બિલ્ડર તથા અન્ય એક બિલ્ડર વિરુદ્ધ આઇપીસી (ઇન્ડિયન પીનલ કોડ) સેક્શન હેઠળ ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્રસ્ટ, ચીટિંગ, બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવી છેતરપિંડી કરવી જેવા આરોપ લગાવ્યા હતા. આ લોકો પર બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવવાનો અને સરકાર સાથે ચીટિંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ૪૨ વર્ષના એસ્ટેટ એજન્ટ પ્રમોદ નારાયણ મિત્તલની ફરિયાદને આધારે સોમવારે સાંજે પોલીસે એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રર્પિોટ) નોંધ્યો હતો. ખારઘર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશોક સાતપુતેએ કહ્યું હતું કે હાઈ કોર્ટે આપેલા આદેશ અનુસાર અમે ફરિયાદ નોંધી હતી જેમાં ડીસીપી દત્તાત્રેય શિંદે, સિડકો, એમએસઈબી અને બિલ્ડરોનો સમાવેશ થાય છે.

પરમિશન કરતાં વધુ બાંધકામ

‘મિડ-ડે’ને મળેલી કૉપીને આધારે અભિષેક બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સે ખારઘરમાં ગ્રીન હેરિટેજ નામનું ૨૧ માળનું બિલ્ડિંગ બનાવ્યું હતું અને સિડકો પાસેથી ૯૭ ફ્લૅટ, ૨૦ દુકાનો અને બે ઑફિસો બનાવવાની પરમિશન લીધી હતી; પરંતુ ડેવલપરે ૧૬૦ ફલૅટ, ૩૮ દુકાનો અને આઠ ઑફિસો બનાવી હતી. એમાં એફએસઆઇના નિયમોનો ભંગ

કરવામાં આવ્યો હતો અને ૩૬૦૦ સ્ક્વેરમીટર એક્સ્ટ્રા જગ્યા બિલ્ડરે કવર કરી લીધી હતી. ૨૦૦૯ની સાલમાં સિડકોએ ઓસી (ઑક્યુપેશન સર્ટિફિકેટ) આપવાની ડેવલપરને ના પાડી હતી, પરંતુ ડેવલપરે આગળ વધીને ૧૦૪ જેટલા ફ્લૅટનો કબજો માલિકોને આપી દીધો હતો.

એજન્ટ સાણસામાં

ફ્લૅટના માલિકોને આ અનિયમિતતાની જાણ થઈ ત્યારે તેમણે એસ્ટેટ એજન્ટ પ્રમોદ મિત્તલને પકડ્યો હતો, જેના દ્વારા તેમણે ફ્લૅટ ખરીદ્યા હતા. પ્રમોદ મિત્તલ બિલ્ડરનો ઑથોરાઇઝ્ડ એજન્ટ હતો. ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૯ની સાલમાં આઇટી (ઇન્કમ-ટૅક્સ)એ બિલ્ડરની ઑફિસ પર છાપો માર્યો ત્યારે ખબર પડી હતી કે બિલ્ડર ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન પ્રમોદ મિત્તલના બૅન્ક-અકાઉન્ટ દ્વારા કરે છે. ત્યાર બાદ આઇટી ડિપાર્ટમેન્ટે પ્રમોદને ૫ કરોડ ૬૦ લાખ રૂપિયા ભરવાની નોટિસ આપી હતી. પ્રમોદે બિલ્ડરને અપ્રોચ કર્યો હતો. ડેવલપરે પીછેહઠ કરી હતી અને પ્રમોદને એ રકમ પોતાની રીતે ભરવાનું જણાવ્યું હતું. પ્રમોદ મિત્તલે નવી મુંબઈના પોલીસ-કમિશનર અહમદ જાવેદનો ૨૫ ઑગસ્ટે સંપર્ક કર્યો હતો જેમણે ડીસીપી દત્તાત્રેયને આ કેસ સોંપ્યો હતો. ૬ સપ્ટેમ્બરે પ્રમોદે ફરિયાદ નોંધાવી હતી.

હાઈ ર્કોટમાં મેટર

પ્રમોદ મિત્તલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલ્ડરની વિરુદ્ધમાં જરૂરી એવાં ડૉક્યુમેન્ટ્સ હોવા છતાં પોલીસ અને સિડકોએ મારી ફરિયાદ ગંભીર રીતે નહોતી લીધી. પોલીસના લૉ-ડિપાર્ટમેન્ટ દ્વારા પણ રિપોર્ટમાં ક્રિમિનલ જણાવ્યું હોવા છતાં ડીસીપી આ કેસને ક્રિમિનલમાંથી સિવિલ કેસમાં કન્વર્ટ કરવા માગતા હતા. ૩૦ નવેમ્બરે મેં હાઈ કોર્ટનો અપ્રોચ કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે આ કેસમાં એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.’

સિડકોના વાઇસ પ્રેસિડન્ટ તાનાજી સત્રેએ કહ્યું હતું કે ‘મને એફઆઇઆર નોંધવામાં આવી હોવાનો ખ્યાલ છે. હાલમાં સિડકો ઑથોરિટી ડેવલપર વિરુદ્ધ એમઆરટીપી (મોનોપોલીઝ ઍન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રૅક્ટિસ) ઍક્ટ હેઠળ પગલાં લેવાની છે.’

સિડકોના પ્રેસિડન્ટ પ્રમોદ હિન્દુરાવે કહ્યું હતું કે ‘મારી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે એની મને ખબર નથી. મારે એ બાબતે તપાસ કરવી પડશે. મને ખબર છે ત્યાં સુધી આ મૅટર ખૂબ જ જૂની છે અને લાગે છે ત્યાં સુધી હું એમાં ઇન્વૉલ્વ નથી.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK