Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગણેશોત્સવની પ્રથાનું ૯૯ વર્ષોથી જતન કરનારા ચારુબહેન ગાંજાવાલા

ગણેશોત્સવની પ્રથાનું ૯૯ વર્ષોથી જતન કરનારા ચારુબહેન ગાંજાવાલા

11 December, 2019 03:51 PM IST | Mumbai Desk
Bhakti D Desai

ગણેશોત્સવની પ્રથાનું ૯૯ વર્ષોથી જતન કરનારા ચારુબહેન ગાંજાવાલા

ગણેશોત્સવની પ્રથાનું ૯૯ વર્ષોથી જતન કરનારા ચારુબહેન ગાંજાવાલા


બોરીવલી (વેસ્ટ)માં ગાંજાવાલા નામનો પ્રખ્યાત વિસ્તાર જેમની માલિકીનો છે તે ૭૦ વર્ષની ઉંમરનાં ચારુ ગિરીશ ગાંજાવાલાના પરિવારમાં તેમના પતિ ડૉક્ટર ગિરીશ, દીકરો અમર, વહુ શ્રદ્ધા, પૌત્ર દેવ બધાં સંયુક્ત પરિવારમાં રહે છે. ચારુબહેનના પરિવારમાં તેમના બે દિયર અને દેરાણીઓ એક જ બિલ્ડિંગમાં ઉપર-નીચે રહે છે અને આખો પરિવાર અઠવાડિયામાં એક વાર ચારુબહેનના ઘરે ભેગો થાય છે. ચારુબહેનની પુત્રી અમી હિતેશ પટેલ તેમના સાસરે છે. અમીબહેનને એક પુત્રી પરીસા છે.

હસમુખાં અને યુવાન દેખાતાં ચારુબહેન બીએ સુધી ભણ્યાં. પછી ઑલ્ટરનેટિવ મેડિસિનનો તેમણે કોર્સ પણ કર્યો. તેઓ ત્રણસો પ્રકારનાં મેડિટેશન શીખ્યાં છે અને તેમણે રેકીમાં પણ નિપુણતા મેળવી છે. ડૉ. ગિરીશ ઍનૅસ્થેટિસ્ટ છે.
પરિવારમાં સંપનું કારણ
ગાંજાવાલામાં એક બંગલોમાં આ પરિવાર રહે છે. ચારુબહેન જ્યારે લગ્ન કરીને આ પરિવારમાં આવ્યાં ત્યારે તેમના ઘરે તેમના દાદાસસરા, દાદીસાસુ, સાસુ, સસરા, ફોઈજી, બે દિયર આમ આ આખો પરિવાર સાથે રહેતો હતો. ચારુબહેનનાં લગ્નનાં થોડાં વર્ષો પછી બન્ને દિયરનાં લગ્ન થયાં અને પરિવારજનોની સંખ્યામાં વધારો થયો. ચારુબહેન આ વિષે આગળ માહિતી આપતાં કહે છે, ‘હું ગાંજાવાલા પરિવારના મોટા દીકરા સાથે પરણી. ઘણા એવા રીતરિવાજો મેં નિભાવ્યા જે મારા પિયરથી એકદમ અલગ હતા. અમારા પરિવારમાં સભ્યો ઘણા, પણ ક્યારેય કોઈને અવાજ ઊંચો કરીને વાત કરવાનો વારો નથી આવ્યો. જમાના પ્રમાણે આવતા બદલાવની વાત કરીએ તો આજનાં છોકરા-છોકરીઓમાં અને અમારામાં એક મોટો ફરક એ હતો કે અમે અમારા વડીલોને ક્યારેય સામે જવાબ ન આપતાં. તેઓ જે કહે એ ગમે કે ન ગમે, અમે કરતાં. કદાચ આ આખી ઘટનામાં મોટાઓનું માન તો બરકરાર રહેતું, પણ ક્યાંક અમારા મનની વાત મનમાં જ રહી જતી અને આને કારણે પાછળથી એ વાત માટે વિચારો કરવા અથવા અંદર-અંદર પોતાની ઉંમરના લોકો સાથે વડીલો વિષે વાત કરવી એવું બનતું, જે સહજ હતું. જ્યારે આજની પેઢીની એક વાત મને બહુ ગમે છે કે તેઓ સ્પષ્ટવક્તા છે. માતા-પિતા હોય, સાસુ-સસરા હોય કે પછી શિક્ષક હોય; આજનાં બાળકો તેમની વાત સાથે સહમત ન હોય તો તેઓ તેમના મોઢે ચોખ્ખું કહી દે છે. સમય-સમયની વાત છે. એ સમયે ઉંમરમાં નાના હોય તેઓ વડીલો સામે ચૂપ રહેતા એટલે સંપ બની રહેતો અને આજની પેઢી પોતાના ગમા-અણગમા વડીલો પાસે જાહેર કરે છે. આથી મનમાં કુભાવ ન રહેવાથી એકબીજા માટે પ્રેમ બની રહે છે અને દરેક સભ્ય એકસાથે રહી શકે છે. આજનાં બાળકોનાં આખાબોલા સ્વભાવની હું પ્રશંસા જરૂર કરું છું.’
બીજી પેઢી : અહીં ઇન્ટીરિયર ડિઝાઇનર પુત્રવધૂ શ્રદ્ધાબહેન કહે છે, ‘જ્યારે ઘરમાં બે-ત્રણ પેઢીઓ સાથે હોય તો અમુક વાતોને લઈને દરેકના અલગ મત હોય એ સ્વાભાવિક છે, પણ આને મનમાં રાખ્યા વગર પણ વાત ન ગમતી હોય અથવા એના વિષે અણગમો મનમાં ઉદ્ભવતો હોય તો સાસરામાં કે મારાં મમ્મી-પપ્પાના ઘરે હું ખુલાસો કરવામાં માનું છું. પ્રેમથી મારું મંતવ્ય વ્યક્ત કરી દઉં છું. મારાં મમ્મી (સાસુ)નો સ્વભાવ ખૂબ જ સમજદાર અને પ્રેમાળ છે. મારાં લગ્નને ૧૯ વર્ષ થઈ ગયાં, પણ અમારા પરિવારમાં ક્યારેય વાદવિવાદની જરૂર જ નથી પડી. અમે બધાં એકબીજાને સમજીને જ ચાલીએ છીએ.’
રસોડામાં ફરક
એ સમય અને આજના જીવનના ફેરફાર વિષે જણાવતાં ચારુબહેન કહે છે, ‘આજના અને પહેલાંના જમાનાના જીવનમાં ઘણા ફેરફાર આવી ગયા છે. આમાંથી અમુક બદલાવ સકારાત્મક છે, પણ અમુક એવા છે જેની વિપરીત અસર પણ થઈ રહી છે જેમ કે પહેલાંના જમાનામાં બેઠા ઘાટનાં રસોડાં હતાં. આજે જે પ્લૅટફૉર્મ ઉપર બને છે એ નીચે રહેતું અને સ્ત્રીઓ બેસીને રસોઈ બનાવી શકતી. મારી મમ્મીને ત્યાં બગસરામાં જ નહીં, પણ મુંબઈના ઘરમાં પણ બેસીને કામ કરાય એવું રસોડું જોયું છે. રસોઈ કરતી વખતે દિવસમાં વીસેક વાર વસ્તુઓ લેવા-મૂકવા ઊઠ-બેસ કરવી પડે. સાથે જ ગૅસ પર કામ કરવામાં સતત ઊભા રહેવાનો શ્રમ ન પડે અને બેસીને આરામથી રસોઈ કરી શકાય.’
બીજી પેઢી : શ્રદ્ધાબહેન આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, ‘હું જુહુમાં રહી છું. ઇન્ટીરિયર ડિઝાઇનર છું, પણ મારા પિયરમાં અથવા ક્યાંય મેં આવું રસોડું જોયું નથી.’
આગળ ચારુબહેન તેમના જમાનાના રસોઈના રીતરીવાજો વિષે કહે છે, ‘મેં ક્યારેય મારા પિયરમાં પાપડ પણ ભાંગ્યો નહોતો અને મારા આટલા ભર્યા ઘરવાળા સાસરામાં મારાં દાદીસાસુએ મને રસોઈનું કામ શીખવવાની શરૂઆત લગ્ન પહેલાં જ કરી દીધી હતી. એ વખતે લોટ દળવા ઘરમાં ચક્કી હતી. અમારે ઘરની ચક્કીમાં હાથેથી લોટ દળવો પડતો. પછી આટલા મોટા પરિવારમાં અમારે વર્ષ આખા માટે ૩૩ કિલો મરચાની જરૂર પડતી. અમે હાથે આખાં લાલ મરચાંનાં ડીંટાં કાઢી એને મોટી ખાંડણીમાં ખાંડતાં.’
જમવાની પસંદગીમાં સુમેળ
ખાવા-પીવા માટે ચારુબહેન અને ડૉ. ગિરીશભાઈને બધું ભાવે છે. તેઓ કહે છે, ‘અમને દેશી જમવાનું પણ ભાવે અને શ્રદ્ધાને જમવાનું બનાવવાનું ગમે છે. એથી સાંજે શું બનાવવું એ તેનો જ વિષય છે.’
બીજી પેઢી : અહીં અમર કહે છે, ‘અમે રેસ્ટોરાંમાં જઈએ તો શ્રદ્ધા ડાયટ કૉન્શિયસ હોવાથી તેને પ્રશ્ન થાય કે તેણે શું ખાવું, અમે તો બધું ખાઈએ.’
શ્રદ્ધા ચોખવટ કરતાં કહે છે, ‘મને સૅલડ્સ વધારે ભાવે છે. મને તળેલું અને જન્ક ફૂડ નથી ગમતું, પણ મમ્મી બધું થોડું-થોડું ખાય એટલે એ લોકોને ફાસ્ટ ફૂડવાળી રેસ્ટોરાંમાં મજા પડે.’
ત્રીજી પેઢી : દેવ પોતાની દાદી માટે કહે છે, ‘મારાં દાદી મન્ચાઉ સૂપ પીએ, ચીઝની આઇટમ્સ પણ મારી સાથે ખાય, પાંઉભાજી પણ ભાવે. પણ મમ્મી તો મેનુ જોઈને એમ કહે, અહીં ક્યાં કૈં સારું મળે જ છે?’
દેવ અહીં એકમાત્ર જનરેશન ગૅપ બતાવે છે જે છે રાત્રે સૂવાના સમયનો. એ કહે છે, ‘અમે બધાં રાત્રે મોડે સુધી જાગીએ છીએ અને દાદા-દાદી વહેલાં સૂઈને સવારે વહેલાં ઊઠે છે.’



ગણેશોત્સવનો દબદબો
વિસરાતી જતી પરંપરાઓમાંથી એક પરંપરા વિષે ચારુબહેન કહે છે, ‘હવે અમારે ત્યાં બધી પ્રથાઓ બદલાઈ ગઈ પણ આજે પણ એક પ્રથા ચાલી રહી છે એ છે ગણેશોત્સવમાં છેલ્લા ૯૯ વર્ષોથી ગણપતિ બાપ્પાને અમારે ઘરે તેડાવવાની અને એમને માટે હાથેથી વાળીને ૨૧ કિલોનાં લાડવા બનાવવાની પ્રથા. આ વર્ષે ગણપતિ બપ્પાનું અમારે ત્યાં ગણેશોત્સવનું ૧૦૦મું વર્ષ છે.’


ત્રીજી પેઢી : દેવ ૧૫ વર્ષનો છે અને નાનપણથી તેને ગણપતિબાપ્પા બહુ ગમે છે. તે અહીં ઉત્સાહથી કહે છે, ‘અમારા ઘરમાં આવનારા ગણપતિબાપ્પાની મૂર્તિ હું જ પસંદ કરું છું. મને બહુ મજા આવે છે જ્યારે એ પાંચ દિવસોમાં અમારે ત્યાં ખૂબ મહેમાનો આવે છે.’

બીજી પેઢી : અહીં શ્રદ્ધાબહેન પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘મેં આટલા ધામધૂમથી ગણેશોત્સવ અમારા ઘર સિવાય બીજે જોયો નહતો. મને ક્યારેય ચૂરમાના લાડવા આવડતા નહોતા, પણ અહીં આવીને હું એ બનાવવા લાગી. અમારે ત્યાં આશરે ૨૦૦ લાડવા અમે બનાવીએ. એનું પૅકિંગ પણ અમે જ કરીએ. ગણેશોત્સવની બધી તૈયારી અમારે જ કરવાની હોય છે. આ પાંચ દિવસોમાં અમે કોઈ બહાર નથી જતા એ અમારા ઘરની આજના જમાનામાં પણ ખાસિયત છે.’


ક્યુટ લવ-સ્ટોરી
ચારુ ગાંજાવાલા તેમનાં માતા-પિતા માટે તેમની ઢાલ રહ્યાં છે. તેમનાં બધાં ભાઈ-બહેન પરણીને સ્થાયી થયાં, પણ ચારુબહેને પોતાનાં માતા-પિતાને સંભાળવા લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. કારણ આપતા તેઓ કહે છે, ‘આમ તો અમારાં અરેન્જ્ડ મૅરેજ, પણ એને લવ મૅરેજ કહેવામાં પણ વાંધો નહીં. બન્યું એવું કે બીએ થયા પછી સેન્ટ્રલ બૅન્ક, ફોર્ટની બ્રાન્ચમાં નોકરી મળી. થોડા મહિનાઓ પછી મારી ટ્રાન્સફર બોરીવલીની બ્રાન્ચમાં થઈ જ્યાં ડૉ. ગિરીશ તેમના બૅન્કના કામ માટે રોજ આવતા. હું બૅન્કમાં લોકોનાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતી, પણ મને શું ખબર હતી કે ડૉક્ટરસાહેબે તેમના હૃદયમાં મારા લગ્નજીવનનું સેવિંગ્સ અકાઉન્ટ ખોલી નાખ્યું છે, એ પણ મારી સ્વીકૃતિ વગર. તે તો રોજ બૅન્કમાં આવવા લાગ્યા અને મારો દૃષ્ટિકોણ લગ્નનો ન હોવાથી મારા ધ્યાનમાં આ વાત આવી જ નહોતી. પછી તેમણે મને લગ્ન વિષે પૂછ્યું. મેં મારાં માતા-પિતાની સંભાળ રાખવાની શરતે લગ્ન માટે હા પાડી અને ગિરીશે પણ એ વચન બખૂબી પાળ્યું. ગિરીશના પિતાનો સ્વભાવ જરા કડક હતો એથી જ્યારે ગિરીશે મારા પિતા સમક્ષ મારી સાથે લગ્ન કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મારા મુક્ત સ્વભાવવાળા પિતાએ શંકા વ્યક્ત કરી કે હું એ ઘરમાં કેવી રીતે રહીશ જ્યાં મારા ભાવિ સસરાના વિચાર આવા રૂઢિચુસ્ત હોય. પછી તેમણે વચન આપ્યું કે તેઓ મને ખુશ રાખશે અને અમે આ વાત પછી ચાર વર્ષ પછી ગિરીશનું ભણતર પૂરું થયા પછી લગ્ન કર્યાં.’

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 03:51 PM IST | Mumbai Desk | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK