પતિ અને કરિઅર વચ્ચેના સમીકરણો હવે બદલાયા છે

Published: 29th December, 2011 06:23 IST

સદીઓ સુધી પરમેશ્વરનો હોદ્દો ભોગવનારા પતિદેવો તમે આઘા ખસો. આજના જમાનામાં પત્નીઓના જીવનમાં પતિ પરમેશ્વરનું સ્થાન પ્રથમ નંબરે નથી. સ્ત્રીઓ માટે આજે પતિ કરતાં કારકર્દિનું મહત્વ વધારે છે(ગુરુવારની ગુફ્તગો-નીલા સંઘવી)

થોડા દાયકા પહેલાં ભારતીય મહિલાઓ માટે પતિ પરમેશ્વર હતો. મહિલાઓ પતિને પરમેશ્વર માનીને પૂજતી અને તેનો પડ્યો બોલ ઝીલતી, પરંતુ શિક્ષણ વધવાની સાથે મહિલાઓ પણ મસમોટી કારકર્દિ અને મસમોટું પે-પૅકેટ મેળવવા લાગી છે. આજની મહિલાઓ માટે કારકર્દિનું મહત્વ તેના ટૉપ લિસ્ટમાં છે. ભારતીય સ્ત્રી એટલે તેની દુનિયા પતિ, પરિવાર અને સંતાન. બીજી બધી બાબતો પછી સ્ત્રી માટે કારકર્દિ અને ‘સ્વ’ માટે જીવવાની વાત એક જમાનામાં કોઈની પણ સમજ બહારની વાત હતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. પતિ, પરિવારને  પ્રાધાન્ય આપવામાં તેને અવગણી શકાય નહીં.

પતિનું સ્થાન ટૉપ પર નથી

પૅપ્સી કંપનીના સીઈઓ(ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) ઇન્દ્રા નુયીએ એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘હું સૌપ્રથમ માતા છું, પછી સીઈઓ અને પછી પત્ની.’

મિસિસ ઇન્દ્રા નુયીની આ કમેન્ટ જ સ્ત્રીઓના જીવનમાં બદલાતી પ્રાથમિકતાને ઉજાગર કરે છે. હવે સ્ત્રીઓના ત્રાજવાને સમતોલ રાખવા માટે બે મહત્વની ચીજ છે : પરિવાર અને કારકર્દિ. પતિ અને રોમૅન્ટિક રિલેશનશિપ ત્રીજા નંબરે આવે છે. આને તમે ગર્લપાવર કહો, સ્ત્રીઓનો બદલાયેલો રોલ કહો કે પુરુષો માટે બૅડ ન્યુઝ કહો; પણ આજની તારીખમાં હકીકત એ છે કે સ્ત્રીના જીવનના પ્રાયોરિટી લિસ્ટમાં પતિદેવ ટૉપ
સ્થાન પર નથી જ નથી.

અવલંબન પસંદ નથી

જાણીતી ચેસ-ચૅમ્પિયન તાન્યા સચદેવ કહે છે, ‘મારે એક જ બૉયફ્રેન્ડ છે અને હું તેના વિના રહી ન શકું. એ છે ચેસ.’  મતલબ કે સ્ત્રીઓ હવે પુરુષ પર અવલંબન રાખતી નથી.

સ્ટ્રૅટેજી ઍનલિસ્ટ સીમા શાહ કહે છે, ‘અમે અમારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે એટલાં બધાં વ્યસ્ત છીએ કે રિલેશનશિપ માટે સમય કોને છે?’

આ સ્ત્રીઓને એક ખૂબ સારો મિત્ર છે. તેને પણ સરસ નોકરી છે. સીમા બૉયફ્રેન્ડ બદલી શકે છે, પણ કારકર્દિ નહીં અને તેનો બૉયફ્રેન્ડ એ વાત સારી રીતે જાણે છે કે તેની ગર્લફ્રેન્ડના લિસ્ટમાં તેનું સ્થાન ટૉપ પર નથી જ.

કરીઅરનું અદકેરું મહત્વ


એક મોટી કંપનીની ચીફ એક્ઝિક્યુટિવ નિશિતા કાપડિયા કહે છે, ‘અમે પતિ-પત્ની ભાગ્યે જ મળી શકીએ છીએ. એક જ ઘરમાં રહેવા છતાં આવું બને છે. કોઈ વાર મને મોડું થાય છે ત્યારે તે ઊંઘી ગયો હોય છે અને કોઈ વાર તેને મોડું થાય ત્યારે હું ઊંઘી ગઈ હોઉં છું. સવારે પણ બેમાંથી એક જણ વહેલું ચાલ્યું જાય છે. તેથી વર્ષમાં બે વાર અમે બે-ત્રણ દિવસની રજા લઈને ફરવા ચાલ્યા જઈએ છીએ જેથી સાથે સમય વિતાવી શકાય. 

અલબત્ત, ત્યાં પણ સેલફોન રણકતો રહે છે એટલે મારો પતિ ચિડાઈ જાય છે, પણ શું થઈ શકે? મોટું પદ, પ્રતિષ્ઠા, મોટું પે-પૅકેટ એ બધું છોડીને ઘરમાં થોડું બેસી જવાય છે? મોટો વેલફર્નિશ્ડ ફ્લૅટ, મોંઘાંદાટ વસ્ત્રો, મોટી ઍરકન્ડિશન્ડ કાર બધું વસાવવામાં તેનું જેટલું યોગદાન છે એના કરતાં મારું યોગદાન વધારે છે. તમે જ કહો કે જો હું ઘરમાં રહેતી હોત અને તે એકલો બિઝી રહેતો હોત અને જો હું તેને કામ છોડવાનું અથવા ઓછું કરવાનું કહેત તો તે માનત? નહીંને? તો પછી હું શા માટે?’

પુરુષોની પ્રાયોરિટી

સ્ત્રીઓ બધી જ વસ્તુ સારી રીતે હૅન્ડલ કરી શકે છે. હોમમેકર માત્ર હોમમેકર નથી રહી. સમયનો તકાજો છે કે તેઓ પણ કામ કરે. તમે કોઈ પુરુષની પ્રાયોરિટી પૂછશો તો તેઓ પણ કહેશે, ‘પરિવાર, કામ અને પછી પત્ની.’

આ વિષય પર જાણીતાં લેખિકા સોનલ શુક્લ સાથે વાત કરતાં તેઓ કહે છે, ‘આ પ્રશ્ન પુછાય છે એનો અર્થ જ એ છે કે આપણે માનીએ છીએ કે આવો પ્રશ્ન સ્ત્રીઓ માટે જ પુછાય છે, પુરુષોને નહીં. સરદાર પટેલ એક કેસ લડવા જઈ રહ્યા હતા એ વખતે તેમને એક તાર મળ્યો. તેમણે એ વાંચીને ખિસ્સામાં મૂકી દીધો અને કેસ લડવા ગયા. એ તાર તેમનાં પત્નીના મૃત્યુનો હતો. એ વખતે તો તેઓ દેશસેવામાં પણ નહોતા. પ્રશ્ન
હતો તેમની કરીઅરનો. ત્યારથી આજ સુધી કોઈએ પુરુષોને આ પ્રશ્ન પૂછ્યો જ છે કે કરીઅર પહેલાં કે પત્ની?’

પુરુષોને આવું ન ગમે

સ્ત્રીનો આ ઍટિટ્યુડ પુરુષોના પલ્લે નથી પડતો. તેમના ઇગોને ઠેસ પહોંચે એ સ્વાભાવિક જ છે. કાંદીવલીના વેપારી મિતેશ કાપડિયા કહે છે, ‘આજે બધી જગ્યાએ આમ બની રહ્યું છે. મારી સ્ત્રીમિત્રો પણ રોમૅન્ટિક સંબંધો પર ધ્યાન આપવાને બદલે કરીઅર પર વધુ ધ્યાન આપે છે. પતિ અથવા તો બૉયફ્રેન્ડ તેમના માટે ટેકન ફૉર ગ્રાન્ટેડ છે. એમ ન હોવું જોઈએ. તમે રિલેશનશિપમાં હો તો સ્વતંત્ર નથી. તમે ક્યાં છો અને શું કરો છો એ વિશે જવાબ આપવા તમે બંધાયેલા છો.’

જમાનો બદલાયો

આ તો આખો જમાનો જ બદલાઈ ગયો. ક્યાં પતિને પરમેશ્વર માનીને પૂજા કરતી સતીઓ ને ક્યાં પતિના અસ્તિત્વ વિના પોતાનું જીવન સ્વમાનભેર જીવી જતી આજની માનુનીઓ. તેમના માટે પતિનું સ્થાન ટૉપ લિસ્ટમાં નથી. કદાચ એ આજની તાસીર છે.

સ્ત્રી સૌ પ્રથમ માતા છે

સ્ત્રી પોતાના જીવનમાં પતિને ભલે પ્રથમ સ્થાન ન આપતી હોય, પણ માતૃત્વને પ્રથમ સ્થાન આપે છે એ આનંદની વાત છે. ઇન્દ્રા નુયીએ પણ પોતે પ્રથમ માતા હોવાનું સ્વીકાર્યું છે. ટીવી-ઍક્ટ્રેસ માનિની ડે કહે છે, ‘પાંચ વર્ષ સુધી હું સિંગલ મધર અને વર્કિંગ વુમન હતી. લગ્ન કર્યા બાદ પણ હું મારા મંતવ્ય પર કાયમ છું કે હું પહેલાં માતા છું, પછી વર્કિંગ વુમન અને પછી પત્ની. મારું બાળક મારા માટે સૌપ્રથમ છે અને હું બહુ જ મહત્વાકાક્ષી છું.’

આ બાબતે તાન્યા કહે છે, ‘આ કંઈ નારીવાદી વાત નથી. આ હકારાત્મક બાબત છે. સ્ત્રીઓ વધુ મહત્વાકાંક્ષી બની છે. પહેલાં સ્ત્રીઓ પોતાની કારકર્દિ પર ધ્યાન આપે છે, પછી લગ્ન કરે છે અને પછી બાળકનો વિચાર કરે છે. સિનારિયો બદલાયો છે એ સારી બાબત છે.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK