આ આગનું એટલુંબધું ભયંકર સ્વરૂપ હતું કે એ જોઈને સોસાયટીના ૨૮ ફ્લૅટના ૧૫૦થી વધુ રહેવાસીઓ ફફડી ગયા છે. ૨૭ વર્ષ પહેલાં જ બનેલા આ બિલ્ડિંગની હાલત એટલી કથળેલી છે કે રાજેન્દ્ર અવસ્થીના ઘરમાં લાગેલી આગને કારણે સોસાયટીના અનેક ભાગોને નુકસાન પહોંચ્યું છે.
દોઢ કલાક ચાલેલી આગને કારણે રાજેન્દ્ર અવસ્થીના પાડોશના ફ્લૅટનો મેઇન દરવાજો બળી જતાં આ ફલૅટમાં રહેતા કચ્છી લોહાણા કુટુંબના સભ્યો ડરના માર્યા ઘર છોડીને તેમનાં સગાંને ત્યાં રોકાવા જતા રહ્યા છે તો તેમના જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કની છતનો ભાગ આગ લાગવાથી પડી જવાથી તેમણે બૅન્કનું તાત્કાલિક સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે Localને દિવાળીના દિવસે લાગેલી આગની વાત કરતાં જણાવ્યું હતું કે ‘રાજન કેબલવાળા રાજેન્દ્ર અવસ્થી એ દિવસે લક્ષ્મીપૂજન કરી તેમનું ઘર બંધ કરી ૯.૪૫ વાગ્યાની આસપાસ પાછળના મકાનમાં રહેતાં તેમનાં મમ્મી પપ્પાને ત્યાં જમવા ગયા હતા. થોડી વારમાં તેમના ઘરમાંથી આગ દેખાતાં બિલ્ડિંગના અમે બધા ફાયરબ્રિગેડને જાણ કરી બિલ્ડિંગ ખાલી કરી નીચે ઊતરી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાત-સાત ફાયરબ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવામાં લાગી હતી. આખરે દોઢ કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. અમારી દિવાળી તો ભયંકર ડરમાં વીતી હતી. આગની ગરમીને લીધે છઠ્ઠે માળે તો નુકસાન થયું હતું, પણ બિલ્ડિંગના બીજા ભાગોને પણ નુકસાન પહોંચ્યું હતું.’
ચાર વર્ષ પહેલાં જ આ બિલ્ડિંગમાં રહેવા આવેલા રાજન કેબલવાળા રાજેન્દ્ર અવસ્થીએ પોતાના ઘરના નુકસાનની વાત કરતાં કહ્યું હતું કે ‘અમારા ઘરની ખુલ્લી વિન્ડોમાંથી બહારથી આવેલું એક રૉકેટ ઘરમાં ઘૂસી જવાને કારણે આગ લાગી હતી જેમાં ઘરનો બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, બાથરૂમ, ટૉઇલેટ બધું જ બળીને ખાખ થઈ ગયું છે. સદ્ભાગ્યે જાનહાનિ થઈ નથી. અંદાજે ૪૦ લાખ રૂપિયાથી વધારેનું નુકસાન થયું હતું. ઘરમાં પડેલાં સોનાનાં ઘરેણાંમાંથી ૮૦ ટકા ઘરેણાં સારી હાલતમાં હતાં. આમ છતાં જિંદગી બચી ગઈ એ જ ખુશી, ઘર હવે નવેસરથી સજાવીશું.’
આ જ ફ્લોર પર ૨૬ નંબરના ફલૅટમાં રહેતા રાજેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘આગ એટલી ભયંકર હતી કે અમને કોઈ જ આશા નહોતી કે બિલ્ડિંગના બીજા ભાગો બચી શકશે. આમ પણ અમારું બિલ્ડિંગ ૨૭ વર્ષના સમયમાં નબળું પડી ગયું છે જેને લીધે એનું રીડેવલપમેન્ટ કરવાનું અમે નક્કી કર્યું છે. રીડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી થાય એટલે છ-આઠ મહિનામાં અમે બધા જ બિલ્ડિંગ ખાલી કરવાના હતા. ત્યાં બનેલી આ આગની ઘટનાને કારણે રહેવાસીઓમાં ફફડાટ જાગ્યો છે. બિલ્ડિંગની કથળેલી હાલતને કારણે દિવાળીના દિવસે આગ લાગવાથી બિલ્ડિંગના અનેક ભાગોને નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિમાં બિલ્ડિંગના રહેવાસીઓમાં જન્મેલી ફફડાટની લાગણીને લીધે અનેક રહેવાસીઓ હવે વહેલી તકે બિલ્ડિંગ છોડવાનું વિચારી રહ્યા છે. રાજેન્દ્ર અવસ્થીની બરાબર બાજુમાં જ રહેતા ઠક્કર કુટુંબના સભ્યો તેમનું મેઇન ડોર બળી જવાથી ડરી જતાં તેમનાં સગાંને ત્યાં સ્થળાંતર કરી ગયા છે. બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કની છતનો અમુક ભાગ આગ લાગવાથી પડી ગયો હતો. તેમણે કઢાવેલા સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં બિલ્ડિંગ નબળું પડી ગયું હોવાની જાણ થતાં તેમણે તેમની જગ્યા તાત્કાલિક ખાલી કરવાનો નિર્ણય લીધો છે.’
એક નાનકડા રૉકેટે અમારી દિવાળીની હોળી કરી નાખી એમ જણાવતાં આ બિલ્ડિંગમાં રહેતાં એક બુઝુર્ગ બહેને કહ્યું હતું કે ‘અમારી પરિસ્થિતિ જોયા પછી પણ જો લોકોને સમજાય તો અન્યને નુકસાન પહોંચે એવા ફટાકડા ફોડવાના બંધ કરવા જોઈએ એટલું જ નહીં, સરકારે પણ આવા ફટાકડા પર પ્રતિબંધ લાદવો જોઈએ. અમે કોઈએ નવા વર્ષની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી મનાવી નથી. છઠ્ઠા માળના બે ફલૅટમાં તો એટલુંબધું પાણી હતું કે એને સાફ કરતાં જ બે દિવસ લાગ્યા હતા.’
MP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ
16th February, 2021 14:10 ISTMumbai Fire: મુંબઈમાં સિલિન્ડર ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 4 લોકો ઘાયલ
10th February, 2021 15:25 ISTBhiwandi Fire News: ભિવંડીના એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ
28th January, 2021 09:11 ISTFire in Pune: મહારાષ્ટ્રના પૂણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ
21st January, 2021 15:18 IST