મુંબઈની ઉપમા ન મળે કહીં રે મુંબઈ જેવી મુંબઈ એક ત્યાં જામી બે કવિની સાઠમારી છેક

Published: Jan 11, 2020, 14:57 IST | Deepak Mehta | Mumbai

મુંબઈની ઉપમા ન મળે કહીં રે મુંબઈ જેવી મુંબઈ એક ત્યાં જામી બે કવિની સાઠમારી છેક

કવીશ્વર દલપતરામ, કવિ નર્મદ, મોહનલાલ ઝવેરી, વાસુદેવ બાબાજી નવરંગે, ડૉક્ટર ભાઈ દાજી અને વિનાયકરાવ વાસુદેવ
કવીશ્વર દલપતરામ, કવિ નર્મદ, મોહનલાલ ઝવેરી, વાસુદેવ બાબાજી નવરંગે, ડૉક્ટર ભાઈ દાજી અને વિનાયકરાવ વાસુદેવ

પોલું છે તે બોલ્યું એમાં કરી તેં શી કારીગરી

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે

***

માખી બોલી મુખ થકી, પ્યારા બચ્ચા પાસ,

જઈ આવું હું જ્યાં સુધી, ઊડીશ માં આકાશ

***

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,

ચચ્ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય

ભગવાનદાસકાકા આમ તો સાત ચોપડી સુધી ભણ્યા હતા અને જે ભણેલા એમાંનું કશું યાદ નહોતું. સિવાય કે આવાં થોડાંક બાળકાવ્યો. ‘હોપ વાંચનમાળા’ તરીકે ઓળખાતી ગુજરાતીની ચોપડીમાં આવાં કાવ્યો આવતાં એ ભગવાનદાસકાકાને આજ સુધી મોઢે રહી ગયાં છે. હોપ વાંચનમાળામાં કોઈ પાઠ કે કવિતા સાથે એના લખનારનું નામ છપાતું નહીં. પણ નિશાળના માસ્તરે કહેલું કે આ કવિતાઓ તો કવીશ્વર દલપતરામે લખ્યાં છે. હા જી. આ એ જ દલપતરામ જેમના જન્મને આ મહિનાની ૨૧ તારીખે ૨૦૦ વર્ષ પૂરાં થશે.

આમ તો મુંબઈમાં કવિવર નર્મદનું નામ ગાજતું અને ગુજરાતમાં કવીશ્વર દલપતરામનો દોરદમામ હતો. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો મુંબઈએ. દલપતરામનો જન્મ કાઠિયાવાડના વઢવાણ શહેરમાં, કર્મભૂમિ અમદાવાદ. દલપતરામે લખ્યું છે:

વડું ખ્યાત વઢવાણ છે, સાગર સરખું શહેર,

ઊપજી એમાં એક દિન, આ આનંદ લહેર

નર્મદનો જન્મ ૧૮૩૩માં એટલે નર્મદ-દલપત વચ્ચે ઉંમરમાં ૧૩ વર્ષનો ફેર. બન્ને એકબીજાને પહેલી વાર મળ્યા મુંબઈમાં. ૧૮૫૯ના મે મહિનાની ૨૮ તારીખે. અલબત્ત, એ પહેલાં બન્ને એકબીજાનાં નામ અને કામથી પરિચિત. એ જ અરસામાં નર્મદે પુણે જવાનું ઠરાવ્યું હતું. પણ કેટલાક મિત્રો તેને ચીડવવા લાગ્યા કે ખરી વાત તો એ છે કે દલપતરામથી ગભરાઈને તમે પુણે ચાલ્યા જવાના છો. બસ, પુણે જવાનું કૅન્સલ!

એ વખતે મુંબઈ-અમદાવાદ વચ્ચે હજી ટ્રેન શરૂ થઈ નહોતી. એટલે મોહનલાલ ઝવેરી સાથે દલપતરામ સુરત ગયા અને ત્યાંથી ૨૪ મેએ ‘ફોલાક્રસ’ નામની આગબોટમાં બેઠા. આ મોહનલાલ ઝવેરીનો જન્મ ૧૮૨૮માં, અવસાન ૧૮૯૬માં. કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે, છેવટે સુરતની મ્યુનિસિપાલિટીના કમિશનર પદે પહોંચ્યા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. બે દિવસ સુધી તો આગબોટ તાપી નદીમાં જ પડી રહી. પછી મુંબઈ જવા ઊપડી અને ૨૭ મેએ સવારે દલપતરામે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો.   

દલપતરામનો પહેલો ઉતારો હતો ભુલેશ્વરમાં આવેલા સ્વામીનારાયણના મંદિરમાં. મુંબઈનું આ સંપ્રદાયનું આ સૌથી જૂનું મંદિર. નર્મદ અને તેના પિતા લાલશંકર નજીકમાં જ રહે. થોડે દૂર મમ્માદેવીનું મંદિર. એની નજીક વાસુદેવ બાબાજી નવરંગેની ચોપડીઓ વેચવાની દુકાન. કોણ હતા આ નવરંગે? તેઓ પુસ્તક વિક્રેતા ઉપરાંત પ્રકાશક, લેખક, સંપાદક અને અનુવાદક પણ ખરા. મહાત્મા જ્યોતિબા ફુલેના ખાસ મિત્ર. ૧૮૬૩માં નવરંગે ઇંગ્લૅન્ડ ગયેલા. તેઓ ધાતુની વસ્તુઓ બનાવવાનાં બીબાંની ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી આ વ્યવસાયમાં તેમણે ફુલેને પોતાના પુણે ખાતેના એજન્ટ નીમેલા. પ્રાર્થના સમાજની પુરોગામી સંસ્થા પરમહંસ સભાના તેઓ સભ્ય હતા. પછીથી તેઓ પ્રાર્થના સમાજ સાથે પણ સંકળાયા હતા. મુંબઈના સમાજસુધારકોના સહાયક હતા. એટલે નર્મદ ત્યાં અવારનવાર જાય. એ દિવસે પણ જઈને દુકાનમાં બેઠો હતો. એવામાં દલપતરામ આવ્યા અને અજાણ્યા નર્મદને પૂછ્યું: વાસુદેવ બાબાજીની દુકાન ક્યાં આવી? એ વખતે દલપતરામને આંખનો રોગ હતો, દૃષ્ટિ આછી અને ઓછી થતી જતી હતી. એની સારવાર કરાવવા તો ખાસ મુંબઈ આવેલા. ધૂંધળી નજરને કારણે દુકાનના નામનું પાટિયું નહીં વાંચી શક્યા હોય એટલે આમ પૂછવું પડ્યું. નર્મદ કહે: આ જ એ દુકાન. દલપતરામ દુકાનમાં આવ્યા, વાસુદેવ બાબાજીને મળ્યા. થોડી વાત થયા પછી વાસુદેવ કહે : અમારા મુંબઈના જાણીતા કવિ નર્મદાશંકર અહીં જ બેઠા છે. ઓળખાણ કરાવી. દલપત-નર્મદ એકબીજાને ભેટ્યા. થોડી વાતો કરીને બન્ને છૂટા પડ્યા ત્યારે દલપતરામે કહ્યું, ‘હું સ્વામીનારાયણના મંદિરમાં ઊતર્યો છું. ત્યાં કાલે તમે આવજો અને ડૉક્ટર ભાઉ દાજીને ત્યાં મને લઈ જજો.’ નર્મદ કહે, સારું.

ભાઉ દાજી એ જમાનાના પ્રખ્યાત ડૉક્ટર. મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં ભણેલા. જાતમેળે આયુર્વેદનો પણ અભ્યાસ કરેલો. સમાજસુધારકોના મિત્ર. સાહિત્ય, સંગીત, નાટકના જાણકાર. ગુજરાતી ભાષા સારી રીતે જાણે. નર્મદ અને બીજા ગુજરાતી લેખકોના મિત્ર. પુરાતત્ત્વવિદ્યાના અભ્યાસી. અંગ્રેજી પદ્ધતિના શિક્ષણના હિમાયતી. રાજકારણમાં પણ રસ. આજે જે જીજામાતા ઉદ્યાન તરીકે ઓળખાય છે એમાં આવેલા મ્યુઝિયમ સાથે ૧૯૭૫માં ભાઉ દાજીનું નામ જોડવામાં આવ્યું.

બીજા દિવસે નર્મદ ગયો ત્યારે દલપતરામ પોતે બનાવેલું ભાઉ દાજી વિશેનું કવિત ગોખી રહ્યા હતા, કારણ કે આંખની મુશ્કેલીને કારણે વાંચી શકે એમ તો હતું નહીં. આ કવિત કેવું છે એમ નર્મદને પૂછ્યું ત્યારે નર્મદે કહ્યું કે ઘણું સારું છે. નર્મદ તેમને લઈને ડૉક્ટરને ત્યાં ગયો અને બન્નેને મેળવ્યા. પછી ૧૩ જૂને નર્મદ-દલપત બુદ્ધિવર્ધક સભામાં ફરી મળી ગયા. આ સભાની સ્થાપના ૧૮૫૧ના એપ્રિલ મહિનામાં થઈ હતી. તેમની બેઠકો નિયમિત રીતે મળતી, જેમાં જુદા-જુદા વિષયો પર ભાષણો અને ચર્ચા થતાં. એ દિવસે અગ્રણી સમાજસુધારક અને સત્યપ્રકાશ સાપ્તાહિકના તંત્રી કરસનદાસ મૂળજી રસાયણશાસ્ત્ર અંગે ભાષણ કરવાના હતા. ભાષણ પછી દલપતરામે સભાનાં વખાણ કરતું કવિત સંભળાવ્યું:

સુણો સહુ સ્વદેશી જ્ઞાન ગર્થના સમર્થકો

બનો બહુ હમેશ બેશ દેશ બુદ્ધિવર્ધકો

સ્વદેશ સુધર્યાની સારી વાત તે વિચારવી

વિશેષ શુદ્ધ બુદ્ધિ બુદ્ધિવર્ધકે વધારવી 

નર્મદ તેની આત્મકથા ‘મારી હકીકત’માં લખે છે કે દલપતરામને મોઢેથી ધ્યાન દઈને સાંભળેલી આ પહેલી કવિતા.

mumbai

૧૯મી સદીનું ભુલેશ્વર

પણ દલપતરામ અને નર્મદ વચ્ચેની સાઠમારીની શરૂઆત થઈ ૧૮ જૂને. એક શેઠે વાલકેશ્વરના પોતાના બંગલે એ બન્નેને કવિતા વાંચવા માટે બોલાવ્યા. બીજા મિત્રોને એ સાંભળવા પણ બોલાવ્યા હતા. શેઠની મુરાદ બન્ને વચ્ચે સ્પર્ધા કરાવવાની જ હતી. નર્મદે શેઠને કહેવડાવ્યું કે આવીશ ખરો, પણ કવિતા વાંચીશ નહીં; દલપતરામની સાંભળીશ. મનમાં એવો વિચાર પણ કર્યો કે કોઈ દિવસ જાહેરમાં દલપતરામની હાજરીમાં મારી કવિતા વાંચવી નહીં, કારણ કે દલપતરામની કવિતા જાહેરમાં નબળી દેખાય એવું મારાથી કરાય નહીં. ઘરેથી નીકળતી વખતે પોતાની કવિતાનાં કાગળિયાં નર્મદે સાથે રાખ્યાં નહોતાં. એ સભામાં દલપતરામે કવિતા વાંચી એ પછી ત્યાં હાજર રહેલા વિનાયકરાવ વાસુદેવે કહ્યું કે હવે આપણે મુંબઈના કવિની કવિતા સાંભળીએ. તેઓ મુંબઈ સરકારમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર તરીકે કામ કરતા હતા અને ગુજરાતી સારી રીતે જાણતા હતા. બીજા બધાએ પણ આગ્રહ કર્યો એટલે નર્મદ ઊભો થયો. પહેલાં કહ્યું કે દલપતરામભાઈ તો સાગર છે ને ઘણાં વરસ થયા કવિતા કરે છે. હું તો ખાબોચિયા જેવો ને નવો શિખાઉ છું. દલપતરામભાઈ જેવું મારી પાસે કંઈ નથી, પણ બધાનો આગ્રહ છે માટે ગાઉં છું. નર્મદે પોતાની કવિતા ગાવા માંડી કે તરત વિનાયકરાવ તેની ભારોભાર ‘વાહ વાહ’ કરવા લાગ્યા અને તેથી દલપતરામ ઝંખવાતા ગયા. બીજા દિવસે સમશેરબહાદુર નામના છાપામાં એ મિજલસનો અહેવાલ છપાયો એમાં પણ નર્મદનાં ભારોભાર વખાણ હતાં.

થોડા દિવસ પછી શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ પોતાના જન્મદિવસની ઉજાણી ગોઠવી હતી એમાં દલપતરામ અને નર્મદને પણ બોલાવેલા. બન્નેને પાદપૂર્તિ કરવાનું કહ્યું. દલપતરામને પાદપૂર્તિ કરવાની ટેવ, નર્મદને નહીં. એટલે દલપતરામ વખણાયા. લક્ષ્મીદાસ શેઠે દલપતરામને ૧૨૫ રૂપિયા બક્ષિસ આપ્યા. છાપાના અહેવાલોમાં પણ દલપતરામનાં વખાણ. પછી તો ગોકુલદાસ તેજપાલ, સર જમશેદજી બૅરનિટ, ડૉક્ટર ભાઉ દાજી, જગન્નાથ શંકરશેટ વગેરેએ પણ દલપતરામ-નર્મદને પોતાને ત્યાં બોલાવ્યા. ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ માસિક શરૂ થયું એના દરેક અંકમાં દલપતરામની કવિતાઓ છપાતી હતી. એટલે પારસી સાહિત્યપ્રેમીઓ તેમના નામથી તો પરિચિત હતા જ. પણ દલપતરામને મોઢેથી કવિતા સાંભળીને પારસીઓ ‘વાહ વાહ’ કરવા લાગ્યા. દલપત-નર્મદ વચ્ચેનો મનભેદ વધતો ગયો.

તો બીજી બાજુ કેટલાક શેઠિયાઓએ દલપતરામ માટે ફન્ડ એકઠું કરવાનો વિચાર કર્યો. આથી નર્મદ અકળાયો અને ડૉક્ટર ભાઉ દાજી પાસે ગયો. ડૉક્ટરે તેને કહ્યું કે ફન્ડ એકલા દલપતરામ માટે નહીં, તમારા બન્ને માટે થશે. આ અંગે કેટલાંક છાપાંમાં પણ ઊહાપોહ થયો એટલે છેવટે ફન્ડનો વિચાર પડતો મુકાયો. પણ દલપતરામના મનમાં વસી ગયું કે નર્મદના આગ્રહને કારણે જ આમ થયું છે. નર્મદ નિખાલસપણે નોંધે છે કે ‘મને દલપતરામની મોટી ધાસ્તી હતી કે તેઓ વીસ વરસ થયાં કવિતા કરે છે માટે તેની પાસે ઘણી કવિતા હશે ને મારી પાસે તો કંઈ નથી માટે નવી કવિતા કરવાના પ્રસંગ ઝડપી હું તે કર્યા કરતો.’

નર્મદે પોતાના લખવા-વાંચવા માટે ઘરથી અલગ લાડની વાડીમાં એક ઓરડી ભાડે રાખી હતી. થોડો વખત સ્વામીનારાયણ મંદિરમાં રહ્યા પછી દલપતરામ પણ લાડની વાડીમાં રહેવા આવ્યા એટલે બન્ને અવારનવાર મળી જતા. નર્મદે એક વાર દલપતરામને પોતાના ઘરે જમવા પણ બોલાવેલા. બાસુંદી-પૂરી જમાડેલાં અને એક પુસ્તક ભેટ આપેલું. ત્યારે દલપતરામે કહ્યું કે તમે જેને કવિતા કહો છો એને હું કવિતા નથી માનતો. મારા-તમારા વિચાર જુદા છે, પણ તમને હું મારા વર્ગી જાણી ચાહું છું. પણ પછી બીજા કોઈને મોઢે દલપતરામ બોલ્યા કે ‘ધૂળ પડી એના બાસુંદી-પૂરી પર’ આ વાત નર્મદને કાને પહોંચી ત્યારે તે ગિન્નાયો.  

ડૉક્ટર ભાઉ દાજીની સારવારથી દલપતરામની આંખની તકલીફ દૂર થઈ એટલું જ નહીં, બન્ને વચ્ચે અંગત સંબંધ બંધાયો. દલપતરામે લખ્યું:

હું દેખતો ઈશ્વરદત્ત આંખે, તે આંખથી દેખી શક્યો ન ઝાંખે

હવે નિહાળું ક્ષિતિભાગ ક્ષેત્રે, એ ભાઉ દાજી નરદત્ત નેત્રે

મુંબઈના પ્રતિષ્ઠિત દફતર આશકારા પ્રેસના બેહરામજી ફરદુનજીએ અને મંગળદાસ નથ્થુભાઈએ પણ મહિને સો રૂપિયાના પગારની નોકરીની દલપતરામને ઑફર કરી, પણ દલપતરામે એ બેમાંથી એકે નોકરી સ્વીકારી નહીં. છેવટે ૧૩ ડિસેમ્બરે દલપતરામ મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા. તેમના ગયા પછી એક છાપાએ તેમની ટીકા કરતાં લખ્યું કે એક ગરબી ભટ્ટ આવ્યો હતો તે ગરબીઓ ગાઈ ગયો. વર્ષો પછી દલપતરામના દીકરા નાનાલાલ લખે છે: મને તો આટઆટલે વર્ષે લાગે છે કે પાંડવ-કૌરવના ઝઘડાના જેવો દલપત-નર્મદનો ઝઘડોયે પરસ્પરના તેજોદ્વેષનો હતો.

મુંબઈની આ પહેલી મુલાકાત પછી દલપતરામે ‘મુંબાઈની ગરબી’ લખી એમાં મુંબઈ વિષે કહ્યું:

વૈભવ દીઠો વૈકુંઠનો રે

નીરખ્યું સુંદર મુંબઈ શહેર

ભાસે છે જેની રચના ભલી રે

લક્ષ્મીની છે લીલા લહેર

ગુણમય રત્નાગર છે ગાજતો રે

વહાણો આવે જાય અનેક

મુંબઈની ઉપમા ન મળે કહીં રે

મુંબઈ જેવી મુંબઈ એક

ઉપમા વિક્રમની ઉજેણીની રે

આપ્યે મુંબઈને ન અપાય

લંકાની શોભા જેવી લખી રે

તે પણ ગણતીમાં ન ગણાય

કવીશ્વર દલપતરામની મુંબઈની બીજી મુલાકાત વિષે વાત હવે પછી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK