Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દિવાળીની છુટ્ટીમાં પૂરીએ સ્મરણોના સાથિયા અને પ્રગટાવીએ કાવ્ય કોડિયાં

દિવાળીની છુટ્ટીમાં પૂરીએ સ્મરણોના સાથિયા અને પ્રગટાવીએ કાવ્ય કોડિયાં

26 October, 2019 03:51 PM IST | મુંબઈ
ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા

દિવાળીની છુટ્ટીમાં પૂરીએ સ્મરણોના સાથિયા અને પ્રગટાવીએ કાવ્ય કોડિયાં

દિવાળી

દિવાળી


બાળપણમાં બાળગીતો તો ઘણાં શીખવા મળેલાં, પણ જો કોઈ ગીત સૌથી વધુ ગમતું હોય તો તે આ હતું:

દિવાળીની છુટ્ટી, દિવાળીની છુટ્ટી,



મળી આજે દિવાળીની છુટ્ટી.


જઈએ ચાલોને ઘેર, થઈ ગઈ લીલાલહેર

મળી આજે દિવાળીની છુટ્ટી, છુટ્ટી, છુટ્ટી.


નામ નહીં ભણવાનું, કામ બસ રમવાનું

આખો દિન છુટ્ટમ છુટ્ટી.

ન્યુ ઈરા સ્કૂલમાં જે ભણ્યા એમાંનું ઘણું આજે ભુલાઈ ગયું છે, પણ નથી ભુલાયું અમારા ગુરુ પિનાકિન ત્રિવેદીનું આ બાળગીત.

તો ચાલો, આજે ઊજવીએ દિવાળીની છુટ્ટી, શબ્દોના સાથિયા પૂરીને અને કવિતાનાં કોડિયાં પ્રગટાવીને.

ગુજરાતી ભાષાની અનેક અવનવી છટાઓ જેમના ગદ્યમાં સતત ઊઘડતી રહે છે એવા આપણા અનોખા લેખક સ્વામી આનંદ પાસેથી સાંભળીએ ૧૯મી સદીનાં પાછલાં વર્ષોમાં મુંબઈના એક પ્રતિષ્ઠિત ખાનદાન કુટુંબમાં ઊજવાતી દિવાળીની વાત. મોરારજી ગોકુળદાસનું ખાનદાન એટલે એ જમાનાનું એક અગ્રણી, પ્રતિષ્ઠિત કુટુંબ. મોરારજીશેઠના અકાળ અવસાન પછી કુટુંબનો બધો ભાર તેમનાં વિધવા ધનીમાને માથે. કુટુંબનું રહેઠાણ ચીનાબાગ. આજે જ્યાં સિક્કાનગરની અને મૉડર્ન સ્કૂલની ઇમારતો ઊભી છે એ જગ્યાએ આવેલો મસમોટો બંગલો. એ બંગલામાં ઊજવાતી દિવાળીનાં સંભારણાં સ્વામી આનંદ આ રીતે રજૂ કરે છે:

fireworks

ચીનાબાગની લાઇટો જોવા આખું મુંબઈ ઊમટે

જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે. દિવાળી ટાણે ચીનાબાગની લાઇટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઊમટે. ચીનાબાગમાં જમણ હોય. ગીરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારાં પાંચ-સાત દખણી ગુજરાતી કુટુંબોને સાગટમે નોતરાં હોય. જમણ પછી નાના શેઠિયાઓને હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બૈરાંઓની નવાજેશ થાય. બંગલાના કીમતી પર્શિયન ગાલીચા બિછાવેલા મોટા હૉલમાં મખમલ મશરૂથી મઢેલાં કોચ ગાદીતકિયા પર, કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂરદમામથી બેસે અને અમારા મહેતા-કારકુન કુટુંબોના વડીલો બધા બેઉ બાજુ ધોળી ફૂલ ખોળો ચડાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશમાં મળેલાં પાઘડી, અંગરખા, ઉપરણાં ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારના નાગપુરી ધોતિયામાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂર્વક બેસીએ.

પછી એકેક કુટુંબનો વડીલ ઊઠીને એકેક છોકરાને આગળ કરે. લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે એ ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછે પગે પોતાની જગાએ જઈને કેમ બેસવું, એવી એકેક બાબતની દિવસોના દિવસો અગાઉથી અમારાં ઘરોમાં તાલીમ અપાઈ હોય, ને રિહર્સલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ એ મુજબ જ બધું કરવાનું.

પછી ભરજરીના તોરાવાળી નવીનક્કોર લાલ ચણોઠી જેવી પાઘડીઓ અને કોરી કડકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથના ચૂડીદાર ટૂંકા અંગરખા પહેરેલા સાતારા મામલેસરના ધિપાડધિંગા ઘાટીઓને હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય. મોંઘાં અત્તરના મઘમઘાટથી હૉલ બહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓને હાથે સપરમા દિવસની નવાજેશ થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ-ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયા, ને વડીલ વર્ગને મિલના કે નાગપુરી હાથવણાટના કીમતી ધોતીજોટા, લાલ પાઘડીપાગોટા, જગન્નાથીના તાકા એવું-એવું મળે.

પાછલી પરસાળે ધનીમા કુંવારિકા છોકરીઓને ચણિયાઓઢણી અને મોટાને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બૈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપુરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવતીની ઓટી પુરાય. હલદીકંકુના પડા, ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.

(સ્વામી આનંદ કૃત નિબંધ ‘ધનીમા’માંથી)

અને હવે સાંભળીએ મુંબઈવાસી કવિ પ્રહ્‍લાદ પારેખનું એક ગીત ઃ

અંધારું શણગાર્યું

અમે અંધારું શણગાર્યું

આજ અમે અંધારું શણગાર્યું.

હેજી અમે શ્યામલને સોહાવ્યું... હો આજ...

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને,

ધરતીએ મેલીને દીવા,

ફૂલોએ ફોરમને આલી આલીને એનું

અંગેઅંગ મહેકાવ્યું... હો આજ...

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા,

ખળખળ ખળખળ બોલે,

ધરણીના હૈયાના હરખે જાણે આજ

અંધારાનેય નચાવ્યું... હો આજ...

વીતી છે વર્ષા, ને ધરતી છે તૃપ્ત આજ,

આસમાન ખીલી ઊઠ્યું,

ઊડે આનંદરંગ ચોમેર અમારો એમાં,

અંધારું આજે રંગાયું! હો આજ...

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને

ચાંદાનાંયે વ્રત થાતાં,

આનંદઘેલા હૈયે અમારા આજ

અંધારાને એ અપનાવ્યું

હો આજ ભલે અંધારું શણગાર્યું.

પ્રહ્‍લાદ પારેખ

mithai

દિવાળીની રજાઓમાં બહારગામ ફરવા ઊપડી ન જાય તો એ મુંબઈગરો ગુજરાતી શાનો? એટલે હવે બે ઘડી મુંબઈ છોડી જઈએ પાલનપુર. ત્યાં પોતાના ઘરમાં દિવાળી કઈ રીતે ઊજવાતી એની વાત ઉત્તમ નવલકથાકાર, વાર્તાકાર, લેખક અને પત્રકાર ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની આત્મકથા ‘બક્ષીનામા’માં આ રીતે કરી છે ઃ

દિવાળીની રાતે ‘સાલ મુબારક’ કહેવાતું

રાતની બત્તીઓ, મીઠાઈઓ, ફળો, મહેમાનો, પછી શતરંજના ખેલ. પીવાના પાણીમાં કેવડા જળ છાંટવામાં આવતું. મોટા જર્મન સિલ્વરના થાળો ભરીને ખાવા બેસતા. જમવા નહીં, બાકાયદા, ખાવા! પહેલો કોર્સ ફક્ત મીઠાઈઓ. પછી કાયદેસર ભોજન. મને ખબર નથી આ રિવાજ અમારે ત્યાં કેવી રીતે આવ્યો. દિવાળીના પાંચ દિવસો, ધન તેરસથી ભાઈબીજ સુધી, મીઠાઈઓ જ ચાલતી. ગદ્દીમાં રહેતા બધા જ આમંત્રિતો હતા. કદાચ આ કારણસર મીઠાઈ પ્રથમ મુકાતી. અમારે ત્યાં ફરસાણનું બિલકુલ મહત્ત્વ નહોતું. બહારથી દાલમૂઠ મગાવી લેવાતી. ઠંડાઈનો સામાન પીસીને ઠંડાઈ બનાવાતી અને ચાંદીના ગ્લાસમાં અપાતી. આજે વિચાર કરું છું ત્યારે લાગે છે કે ફ્રિજ નામના દૈત્યે આવીને એ રઈસી ખતમ કરી નાખી!

વર્ષની શરૂઆત શારદાપૂજનથી થતી અને ચોપડામાં પૂજાનું પાનું હું બાપાજીની સામે બેસીને ભરતો હતો. સામે ઘી, ચોખા અને અન્ય દ્રવ્યો ચાંદીની થાળીમાં પડ્યાં હતાં. દીપકો, અગરબત્તીઓ જલતાં હતાં. બે મોટા બલ્બ પ્રકાશ ફેંકતા હતા. કિત્તાથી કંકુમાં બોળીને મેં પ્રથમ લીટી લખી હતી ‘શ્રી પરમાત્મયે નમ: શ્રી ગુરુભ્યો નમ: શ્રી સરસ્વત્યૈ નમઃ’ બાપાજીએ સૂચનાઓ આપી હતી. કિત્તાથી આ ત્રણ લીટીઓ લખવાની હતી. પછી શ્રી શબ્દ ચડતા-ઊતરતા ક્રમમાં, ફ્રેન્ચ કવિ લુઈ આરોગોની શિલ્પ કવિતાની જેમ પિરામિડ આકારમાં લખવાનો હતો. પછી રૂપિયા મળતા. હું ધારું છું કે એ દિવસોમાં અમને દસ-દસની નોટ અપાતી. ત્યાં બેઠેલા બીજા એક-બે રૂપિયા આપતા. મારા નાના ખિસ્સામાં રૂપિયાનો ઢગલો થઈ જતો. પચીસ-ત્રીસ રૂપિયા જમા થઈ જતા. પછી સામે પડેલી મીનાકારી કરેલી તશ્તરીઓમાંથી મીઠાઈઓ, સૂકો મેવો અને શુભેચ્છાઓ. એ જ દિવસે, દિવાળીની રાતે જ સાલ મુબારક કહેવાતું.

(ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથા ‘બક્ષીનામા’માંથી સંકલિત)

દિવાળીની રાતે જ પાલનપુરને સાલ મુબારક કહીને હવે જઈએ ગોહિલવાડના મહુવા ગામે. આપણા પ્રકાંડ પંડિત અને ભાષાશાસ્ત્રી ડૉ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ મહુવામાં. બાળપણનાં સ્મરણો રજૂ કરતું એક અફલાતૂન પુસ્તક તેમણે આપણને આપ્યું, ‘તે હિ નો દિવસા:’. એમાંથી એ ગામમાં એ વખતે દિવાળીની ઉજવણી કઈ રીતે થતી એ જોઈએ.

આજ દિવાળી, કાલ દિવાળી

દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરંડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતાં મેરાયાં લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે ઃ

આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી,

મેઘ મેઘ રાજા, દિવાળીના બાજરા તાજા

સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ (કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પુરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો.

ઘી પૂરે એને ઘેટ્ટા, તેલ પૂરે એને ટેટ્ટા

મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!

નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા-પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાયઃ

અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું.

બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવેઃ

અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.

(હરિવલ્લભ ભાયાણી કૃત ‘તે હિ નો દિવસાઃ’માંથી)

અને હવે મહુવાથી સીધા પહોંચીએ અમદાવાદ. ત્યાં આપણા મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીનું કાવ્ય સાંભળીએ...

નવા વર્ષે નવા વર્ષે હર્ષે નવા કો ઉત્કર્ષે,

હૃદય, ચલ ! માંગલ્ય પથ આ નિમંત્રે;

ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.

નવી કો આશાઓ, નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી, મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં!

- ઉમાશંકર જોશી

ગમે એટલું હરીએ-ફરીએ પણ ધરતીનો છેડો તો ઘર. એટલે છેવટે પાછા ચલ મન મુંબઈ નગરી. દીવડાનો દરબાર ભરીને બેઠા છે અલગારી કવિ વેણીભાઈ પુરોહિત. તેમને જ સાંભળીએ ઃ

દીવડાનો દરબાર

નભમાં નવલખ તારલિયા ને

તેજ, તેજ અંબાર

કે ઝગમગ દીવડાનો દરબાર

દીવડા લઈને રાતડી કંઈ

રમવા આવી બહાર

કે ઝગમગ દીવડાનો દરબાર

ઊંચે આભ ગહન ને અદ્ભુત,

વ્યાપક વિશ્વ વિરાટ

નીચે ધરતી પર નયનોના

દીપકનો મલકાટ

અનોખી જ્યોતિર્મય વણજાર

કે ઝગમગ દીવડાનો દરબાર

જમનાજીમાં જલદીવડા કંઈ

ઝબકંતા લહેરાય

હસતા-રમતા તેજ ફુવારા

ટમકંતા હરખાય

મનોરમ શોભા ને શણગાર

કે ઝગમગ દીવડાનો દરબાર

ગોખે ગોખે, ઘરઘરમાં ને

મંદિરમાં મલકંત

પ્રાણ પ્રાણમાં સ્વયં પ્રકાશિત

પ્રકાશના ભાવંત

અલૌકિક ચેતનના ચમકાર

કે ઝગમગ દીવડાનો દરબાર

વેણીભાઈ પુરોહિત

ચલ મન મુંબઈ નગરીના સૌ વાચકોને દિવાળીની શુભેચ્છાઓ અને સાલ મુબારક.

જો જગ્યા હોય તો અલગથી બૉક્સમાં નીચેનું મૅટર મૂકવું.

દિવાળી : તહેવારોનું અજાયબ ઘર

આપણી દિવાળી ખરેખર તહેવારોનું એક અજાય બઘર (મ્યુઝિયમ) છે અથવા એને બધા તહેવારોનું સ્નેહ સંમેલન કહીએ તો પણ ચાલે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો ગણાય છે, પણ સાચું જોતાં છેક નવરાત્રિના ગરબાથી એની શરૂઆત થઈ જાય અને ભાઈબીજની ભેટમાં એનો આનંદ પરિસીમાએ પહોંચે છે. શાસ્ત્રોમાં દરેક તહેવારનું માહાત્મ્ય અને કથા આપેલાં જ હોય છે. દિવાળી વિશે એટલી બધી કથાઓ છે કે ‘દિવાળી માહાત્મ્ય’ લખવા જઈએ તો એક મોટું પુરાણ થઈ જાય. દિવાળી એ ગૃહસ્થાશ્રમી તહેવાર છે, જનતાનો તહેવાર છે. બળેવને દિવસે ધર્મ અને શાસ્ત્ર પ્રધાન હોય છે, દશેરાને દિવસે યુદ્ધ અને શસ્ત્ર પ્રધાન રહે છે. દિવાળીને દિવસે લક્ષ્મી અને મિષ્ટાન્ન પ્રધાનપદ ભોગવે છે અને હોળી તો રમત અને રંગરાગનો તહેવાર છે. જેમ માણસોમાં ચાર વર્ણ છે એમ તહેવારોમાં પણ આમ ચાર વર્ણ પડ્યા છે!

જૂના વખતમાં બળેવને દહાડે આપણા લોકો વહાણવટે નીકળતા અને દરિયાપારના દેશોની સફરે જતા. દશેરાને દિવસે રાજાઓ અને યોદ્ધાઓ પોતાની સરહદના સીમાડા ઓળંગી શત્રુ પર ચડાઈ કરવા નીકળતા અને દિવાળીના દિવસે રાજાઓ અને વેપારીઓ બન્ને સ્વદેશ આવી કૌટુંબિક સુખનો લહાવો લેતા. દિવાળી પછી નવું વરસ બેસે છે અને નવું અનાજ ઘરમાં આવે છે. વેદકાળથી આજ સુધી હિન્દુ ઘરોમાં આ નવાન્નનો વિધિ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે જમતાં પહેલાં એક કડવા ફળનો રસ ચાખવાની પ્રથા છે. એનો ઉદ્દેશ એમ હશે કે કડવી મહેનત કર્યા વગર મિષ્ટાન્ન મળે નહીં. વ્યવહારમાં કડવાશ આવી હોય, વેરવિખવાદ થયા હોય, ગમે તે બની ગયું હોય, પણ દિવાળીના દિવસે બધું મનમાંથી કાઢી નાખી ફરી હેતપ્રીતના સંબંધ જોડવાના. જેમ વેપારી દિવાળી પર કુલ લેણદેણ પતાવી દઈ નવા ચોપડામાં બાકી નથી ખેંચતા એમ દરેક જણ બેસતા વર્ષે હૃદયમાં કશાં વેરઝેર બાકી નથી રાખતા.

(કાકાસાહેબ કાલેલકર, ‘જીવતા તહેવારો’માંથી)

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 03:51 PM IST | મુંબઈ | ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK