કર્નાક રોડ ને ક્રૉફર્ડ માર્કેટ, મેટ્રો અને કયાની હતાં ત્યાંના ત્યાં, ત્યારે અને અત્યારે

Published: Dec 28, 2019, 16:04 IST | Deepak Mehta | Mumbai

ગોવિંદ નિવાસ જઈને ભગવાનના ગુણ તો ગાઈ લીધા. હવે? ચાલો પાછા ધોબી તળાવ. ૧૮મી સદીમાં બંધાયેલા અને આજે પણ હયાત એવા જર મહાલ પાસે ફુટપાથ પર ઊભા રહીને ચારે બાજુ નજર ફેરવીએ.

ક્રૉફર્ડ અને તેના નામની માર્કેટ
ક્રૉફર્ડ અને તેના નામની માર્કેટ

ગોવિંદ નિવાસ જઈને ભગવાનના ગુણ તો ગાઈ લીધા. હવે? ચાલો પાછા ધોબી તળાવ. ૧૮મી સદીમાં બંધાયેલા અને આજે પણ હયાત એવા જર મહાલ પાસે ફુટપાથ પર ઊભા રહીને ચારે બાજુ નજર ફેરવીએ. ધોબી તળાવ પર ઘણા રસ્તા ભેગા થાય. ડાબી બાજુ પહેલો છે ક્રૉફર્ડ માર્કેટ તરફ જતો કર્નાક રોડ, આજનો લોકમાન્ય ટિળક માર્ગ. ક્રૉફર્ડ માર્કેટ નામ પડેલું મુંબઈના પહેલવહેલા મ્યુનિસિપલ કમિશનર આર્થર ક્રૉફર્ડના નામ પરથી. તેમનો જન્મ ૧૮૩૫, અવસાન ૧૯૧૧. તેઓ મ્યુનિસિપલ કમિશનર બન્યા ત્યારે મુંબઈમાં પાણીની ખેંચ હતી, રસ્તાઓ પર પડેલો કચરો સડ્યા કરતો અને દુર્ગંધ તથા રોગચાળો ફેલાવતો. અને મૃત્યુદર હતો એક હજારે ૪૦ જેટલો ઊંચો. ક્રૉફર્ડ આવ્યા અને પાણીનો પુરવઠો વધાર્યો, રસ્તાઓ નિયમિત રીતે સાફ થાય એવી વ્યવસ્થા કરી. પરિણામે મૃત્યુદરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો. આ બધાં કામ પાછળ તેઓ આદું ખાઈને મંડી પડ્યા. પણ પરિણામે બજેટમાંના અંદાજ કરતાં મ્યુનિસિપાલ‌િટીનો ખરચ ઘણો વધી ગયો. એ અંગે તેમને ચેતવવામાં આવ્યા, પણ ક્રૉફર્ડ તો લગે રહો મુન્નાભાઈ! ૧૮૭૦માં આ અંગે ખૂબ ઊહાપોહ થયો ત્યારે ફિરોઝશાહ મહેતાએ તેમનો બચાવ કર્યો. પણ થોડા વખત પછી લોકમાન્ય ટિળક અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા માંધાતાઓએ ક્રૉફર્ડ પર લાંચ લેવાનો આરોપ મૂક્યો. કલકત્તા હાઈ કોર્ટના જજ સ્ટુઅર્ટ  વિલ્સનને એ અંગેની તપાસ સોંપાઈ. તેમણે ચુકાદો આપ્યો કે ક્રૉફર્ડે લાંચ લીધી નહોતી, પણ પોતાના હાથ નીચે કામ કરનારાઓ પાસેથી પૈસા ઊછીના લીધા હતા. છતાં તેમનું નામ સિવિલ સર્વિસ લિસ્ટમાંથી રદબાતલ કરવામાં આવ્યું અને સરકારે તેમને સ્વદેશ પાછા મોકલી દીધા. તેમણે લખેલું સંસ્મરણોનું પુસ્તક અવર ટ્રબલ્સ ઇન પૂના ઍન્ડ ધ ડેક્કન ૧૮૯૭માં પ્રગટ થયું હતું. ક્રૉફર્ડ મરાઠી બહુ ફાંકડું બોલી શકતા. એટલે તો ન. ચી. કેળકરે કહેલું કે જો ધોતિયું પહેરે તો ક્રૉફર્ડ ચિતપાવન બ્રાહ્મણ તરીકે સહેલાઈથી ખપી જાય. ક્રૉફર્ડ માર્કેટનું મકાન ૧૮૬૯માં બંધાઈને તૈયાર થયું હતું. એના બાંધકામનો બધો ખર્ચ સર કાવસજી જહાંગીરે આપ્યો હતો. આઝાદી પછી એનું નામ બદલીને મહાત્મા જ્યોતિબા ફુલે મંડઈ રાખવામાં આવ્યું, પણ લોકજીભે તો આજે પણ ક્રૉફર્ડ માર્કેટ નામ જ વસેલું છે.  

deepak-02

ક્વીન વિક્ટોરિયાનું પૂતળું અને ત્રિભુવનદાસ ગજ્જર

હવે નજર દોડાવીએ ક્રૂકશેન્ક રોડ પર. આજનું નામ મહાપાલિકા માર્ગ. થોડે દૂર જુઓ : સેન્ટ ઝેવિયર્સ કૉલેજનું મકાન દેખાશે. હવે તો એ ૧૫૦ વર્ષ જૂની કૉલેજ છે, પણ ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થઈ ત્યારે એ મુંબઈ શહેરમાંની ત્રીજી કૉલેજ હતી. સાતમી જાન્યુઆરીએ કૉલેજમાં વર્ગ શરૂ થયો ત્યારે એમાં કેટલા વિદ્યાર્થી હતા ખબર છે? રોકડા બે. એનાથી થોડા આગળ જઈએ તો આવે કામા ઍન્ડ આલબ્લેસ હૉસ્પિટલ. ૧૮૮૩ના નવેમ્બરની ૨૨ તારીખે ડ્યુક ઑફ કૉનોટને હાથે એના મકાનનો શિલાન્યાસ થયો અને ૧૯૮૬ના જુલાઈની ૩૦ તારીખે મકાન બંધાઈ રહ્યું અને હૉસ્પિટલ શરૂ થઈ. આ હૉસ્પિટલ માટે પેસ્તનજી હોરમસજી કામાએ એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. અને એના પછી આવે મુંબઈની મ્યુનિસિપાલિટીનું વડું મથક. ૧૮૬૫માં મુંબઈની મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ ત્યારે એનું મથક ગિરગામ રોડ પર હતું. પછી આજે જ્યાં આર્મી ઍન્ડ નેવી બિલ્ડિંગ છે ત્યાં આવેલા એક મકાનમાં એ ખસેડાયું. ૧૮૮૪ના ડિસેમ્બરની ૯મીએ વાઇસરૉય લૉર્ડ રિપનને હાથે હાલના વડા મથકના મકાનનો પાયો નખાયો. ૧૮૯૩માં એનું બાંધકામ પૂરું થયું.

આ બધાં મકાનોની સામેની બાજુએ આવેલું છે આઝાદ મેદાન. પહેલાં એ બૉમ્બે જિમખાના મેદાન તરીકે ઓળખાતું. અસલમાં તો આ મેદાન, ક્રૉસ મેદાન, ઓવલ મેદાન અને કુપરેજ ગ્રાઉન્ડનો આખો વિસ્તાર મળીને એસ્પ્લેનેડનું મેદાન બન્યું હતું. બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા આવ્યા ત્યારે મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિ તરફથી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૩૧ની ૨૮ ડિસેમ્બરે ગાંધીજીને આવકારવા એક સભાનું આયોજન કર્યું હતું. ત્યારે આખું આઝાદ મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. ત્યાર બાદ આઝાદીની લડત દરમ્યાન અહીં અવારનવાર નાની-મોટી સભાઓ યોજાતી રહી અને પહેલાં લોકજીભે અને પછી સત્તાવાર રીતે આ મેદાન બન્યું આઝાદ મેદાન.  

deepak-03

સેન્ટ ઝેવિયર્સ કૉલેજ

આઝાદ મેદાનની એક બાજુ ક્રૂકશેન્ક રોડ તો બીજી બાજુ એસ્પ્લેનેડ રોડ. આજનો મહાત્મા ગાંધી રોડ. આજે પણ એની બન્ને બાજુ મકાનો કરતાં નાનાં-મોટાં મેદાનો વધુ. એક જમાનામાં આ એસ્પ્લેનેડ રોડ નજીક, જ્યાં વિદેશ સંચાર નિગમ લિમિટેડનું બહુમાળી મકાન બંધાયું ત્યાં રાણી વિક્ટોરિયાનું સફેદ આરસનું ભવ્ય પૂતળું ઊભું હતું. ૧૮૭૨માં વડોદરાના મહારાજાએ એ ભેટ આપ્યું હતું. પહેલાં એને વિક્ટોરિયા ગાર્ડન ખાતે મૂકવામાં આવ્યું હતું, પણ પછીથી એને એસ્પ્લેનેડ રોડ નજીક ખસેડાયું હતું. આસનસ્થ રાણીને માથે આરસનું ભવ્ય છત્ર હતું. ૧૮૮૬ના ઓક્ટોબરમાં રાણીના આ પૂતળાના મોઢા પર રાતના વખતે કોઈ કાળો રંગ લગાડી ગયું. રાણીનું આવું અપમાન બ્રિટિશ સરકાર કેમ સાંખી શકે? દેશ-વિદેશ જ્યાંથી મળ્યા ત્યાંથી જાણકારોને બોલાવ્યા, પણ એમાંનું કોઈૈ એ કાળો રંગ દૂર ન કરી શક્યું. ત્યારે ત્રિભુવનદાસ ગજ્જર નામના એક ગુજરાતી રસાયણશાસ્ત્રના નિષ્ણાતે કહ્યું કે હું આ કામ કરી શકીશ. પણ વિદેશી જાણકારો પણ ફાવ્યા નહોતા એટલે સરકારને તેમની વાતમાં બહુ વિશ્વાસ પડ્યો નહીં. એટલે કહ્યું કે પહેલાં એક નાના ખૂણા પરથી રંગ કાઢી આપો તો પછી આખા મોઢા પર કામ કરવાની મંજૂરી આપીએ. અને સૌના આશ્ચર્ય વચ્ચે ગજ્જરે થોડા ભાગ પરથી કાળો રંગ કાઢી આપ્યો. એટલે સરકારે મંજૂરી આપી અને થોડા જ વખતમાં રાણીનો ચહેરો પહેલાંની જેમ ચમકતો થઈ ગયો. આ કામ માટે સરકારે તેમને બે હજાર રૂપિયાનું ઇનામ આપ્યું. ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મ ૧૮૬૩માં સુરત શહેરમાં. તબીબી વિદ્યા, ઔષધો, રસાયણોના અઠંગ જાણકાર. અંગ્રેજ સરકારે સિંધની કૉલેજમાં મહિને ૩૦૦ રૂપિયાના પગારે રસાયણશાસ્ત્રના પ્રોફેસરની જગ્યાની ઓફર કરી. એ જ વખતે વડોદરાના મહારાજાએ વડોદરા કૉલેજમાં જોડાવાની ઑફર કરી, પણ પગાર મહિને ૨૦૦ રૂપિયા. અને ત્રિભુવનદાસ વડોદરા કૉલેજમાં જોડાયા, કારણ કે વડોદરાના મહારાજા દેશી ઉદ્યોગો અને કારીગરીને પ્રોત્સાહન આપતા હતા. થોડા વખત પછી વડોદરા રાજ્યે વધુ અભ્યાસ માટે તેમને ગ્રેટ બ્રિટન મોકલવાનો વિચાર કર્યો, પણ ખુદ ત્રિભુવનદાસે જ અધિકારીઓને તેમ ન કરવા સમજાવ્યા! કારણ? દેશમાં રહીને દેશનાં કામ કરવાની ધગશ. ૧૮૯૦માં વડોદરામાં ‘કલા ભવન’ (આજની ભાષામાં પૉલિટેક્નિક) શરૂ થયું ત્યારે એની બધી જવાબદારી ગજ્જરને સોંપાઈ. થોડા જ વખતમાં ૮૦૦ વિદ્યાર્થીઓ સુતારકામ, કડિયાકામ, લુહારકામ, બાંધકામ જેવા વ્યવસાયલક્ષી વિષયોનો અભ્યાસ કરવા લાગ્યા. વળી આ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ માટે આવા બધા વિષયો પરનાં પુસ્તકો મરાઠી અને ગુજરાતીમાં તૈયાર કરી પ્રગટ કરવાની યોજના તેમણે ઘડી અને એ પ્રમાણે મોટી સંખ્યામાં પુસ્તકો પ્રગટ કર્યાં. પણ ૧૮૯૬માં કેટલાક વિરોધીઓના પ્રચારને કારણે તેમણે રાજીનામું આપ્યું અને મુંબઈ આવી વિલ્સન કૉલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયા. એ વખતે પ્લેગનો રોગ મુંબઈમાં અવારનવાર દેખાતો અને એની કોઈ અસરકારક દવા નહોતી. ત્રિભુવનદાસે જાતમહેનતે દવા બનાવી, જે ખૂબ જ અકસીર નીવડી. આ દવા માટે તેમણે ‘પેટન્ટ’ લીશ્ધી હોત તો એ જમાનામાં પણ લાખો રૂપિયા કમાઈ શક્યા હોત. પણ તેમણે એમ ન કર્યું. પછી પીળાં પડી ગયેલાં મોતીને સાફ કરી ફરી સફેદ બનાવવા માટેનું રસાયણ અને એ અંગેની પ્રક્રિયા તેમણે શોધ્યાં અને એની પેટન્ટ લીધી અને એમાંથી લાખો રૂપિયા કમાયા. પોતાના એક વિદ્યાર્થીની મદદથી વડોદરામાં ઍલેમ્બિક કેમિકલ્સ વર્ક્સની સ્થાપના કરી. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ ગજ્જરે વાંચી અને એમાંની કલ્યાણગ્રામની યોજનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને ગોવર્ધનરામને મળ્યા. થોડા જ વખતમાં બન્ને ગાઢ મિત્રો બની ગયા. અંધેરી નજીક એક કલ્યાણગ્રામ ઊભું કરવાની યોજના પણ ગજ્જરે બનાવી હતી. પૈસા વધતા હતા એની સાથે કુટુંબમાં વિખવાદ પણ વધતો હતો. કેટલીક બાબતોમાં કુટુંબીજનો જ અદાલતમાં ગયા. ગજ્જર કેસ જીત્યા, પણ હતાશ થઈ ગયા. ૧૯૨૦ના જુલાઈની ૧૬ તારીખે તેમનું અવસાન થયું.

એસ્પ્લેનેડ રોડ પર ચાલતાં-ચાલતાં ફરી જઈએ ધોબી તળાવ તરફ. અહીં રસ્તાને છેવાડે મેટ્રો થિયેટર ઊભું છે! ૧૯૨૪ના એપ્રિલની ૧૭ તારીખે અમેરિકામાં મેટ્રો ગોલ્ડવિન મેયર સ્ટુડિયોની શરૂઆત થઈ. ટૂંકું નામ એમજીએમ. ડણકતો સિંહ એ એની ઓળખ. આ કંપનીએ પોતાની ફિલ્મો બતાવવા માટે દુનિયાના જુદા-જુદા દેશોમાં થિયેટર બાંધ્યાં. એમાં મુંબઈમાં બાંધ્યું મેટ્રો થિયેટર. ૧૯૩૮ના જૂનની પાંચમી તારીખે એનો શુભારંભ થયો. શરૂઆતનાં કેટલાંક વર્ષો એમાં માત્ર એમજીએમની ફિલ્મો જ બતાવાતી. પછી બીજા સ્ટુડિયોની ફિલ્મો પણ શરૂ થઈ. રવિવારે સવારે બાળકો માટે ખાસ વૉલ્ટ ડિઝનીની ફિલ્મોના શો થતા. એનું મકાન ‘આર્ટ ડેકો’ શૈલીનું છે. મુંબઈનાં બીજાં કેટલાંક થિયેટર અને મરીન ડ્રાઇવ પરનાં મકાનો પણ આ શૈલીમાં બંધાયાં છે. મેટ્રોમાં ફર્શ, દીવાલો, છત, ફર્નિચર બધું લાલ કે ગુલાબી રંગનું. પોચી અને મુલાયમ લાલ કાર્પેટ પર ચાલીને ઉપર બાલ્કનીમાં જવું એ તો એક લહાવો. દાદર ચડીને ઉપર આવો એટલે વિશાળ ભીંતચિત્રો – મ્યુરલ્સ – તમારી નજરને બાંધી લે. ચાર્લ્સ ગેરાર્ડની દેખરેખ નીચે જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના વિદ્યાર્થીઓએ એ બનાવેલાં. ‘દેશી’ થિયેટરો કરતાં મેટ્રો જેવાં અંગ્રેજી ફિલ્મો બતાવતાં થિયેટર થોડાં મોંઘાં. પણ આપણે તો બાલ્કનીની ટિકિટ જ લેવી છે.

ભલે અડધીપડધી સમજાઈ હોય તોય મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોવાની મજા આવીને? ભૂખ લાગી છે? ચાલો જઈએ સામે આવેલી કયાની રેસ્ટોરાંમાં. એ જમાનો મુંબઈમાં ઈરાની હોટેલોની જાહોજલાલીનો. આખા શહેરમાં ૩૫૦ કરતાં વધારે ઈરાની હોટેલો. એ બધીમાં ફર્નિચર લગભગ એકસરખું. લાકડાની કાળી ખુરસીઓ, કાચ મઢેલાં ગોળ કે ચોરસ ટેબલ. કાચની નીચે પાથરેલા રંગબેરંગી ટેબલક્લોથ. ટેબલો પર કાચની મોટી બરણીઓ. એમાં મૂકેલાં બિસ્કિટ, કેક વગેરે. માથે ચાર પાંખવાળા પંખા ધીમે-ધીમે ફરે. ઈરાનના શહેનશાહ અને ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણીના ફોટો ભીંત પર લટકે. દીવાલો પર બે-ત્રણ જગ્યાએ ગ્રાહકોને સૂચનાઓ આપતાં પાટિયાં લટકતાં હોય : લાંબો વખત બેસવું નહીં, મોટે-મોટેથી વાતો કરવી નહીં, વૉશબેસિન આગળ ઊભા રહી વાળ ઓળવા નહીં, વગેરે. કાઉન્ટર પર મોટી ઉંમરના ઈરાની માલિક કે પછી તેમનો દીકરો બેઠા હોય. નૉન-વેજિટેરિયન વાનગીઓ પણ મળે એટલે ચુસ્ત શાકાહારીઓ ત્યાં જવાનું પસંદ ન કરે અને જાય તો બીજું કોઈ ઓળખીતું જોતું તો નથીને એની ખાતરી કરીને જાય. તમે હૉટ પુડિંગ કે ચા અને બન મસ્કાનો ઑર્ડર આપો કે બીજી ઘડીએ હાજર. બીજે બધે મળતી ચા કરતાં ઈરાની ચાનો સ્વાદ જુદો, ફાંકડો. ઘણી ઈરાની હોટેલો મકાનના ખૂણા (કૉર્નર)ની જગ્યાએ આવેલી હોય. કારણ? કારણ કે હિન્દુઓ કૉર્નરની જગ્યાને અપશુકનિયાળ માને એટલે ભાડે લેવાનું ટાળે. ઈરાનીઓને એવો કોઈ બાધ નહીં અને વળી લેવાલ ઓછા એટલે આવી જગ્યા સસ્તે ભાડે મળે. છેક ૧૯૦૪માં શરૂ થયેલી કયાનીમાં જઠરાગ્નિ ઠાર્યા પછી હવે વખત થયો છે ઘરે જવાનો. આવતા શનિવારે ફરી નીકળીશું મુંબઈમાં લટાર મારવા. પણ ક્યાં? કહ્યું છેને કે ધીરજનાં ફળ મીઠાં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK