એક દિવસમાં ગુજરાતી સહિત છ સિનિયર સિટિઝન મહિલા લૂંટાઈ

Published: 18th October, 2012 04:48 IST

ગુજરાતી સિનિયર સિટિઝન મહિલા સહિત કુલ છ મહિલાઓની ચેઇન આંચકી જવાના બનાવ મંગળવારે પોલીસમાં નોંધાયા હતા. પ્રથમ બનાવમાં ચારકોપમાં રહેતાં ૬૮ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન કાન્તિ સુરેન્દ્ર વલુચા વહેલી સવારે દૂધ લેવા બહાર નીકળ્યાં હતાં ત્યારે કેટલાક માણસોએ તેમના ગળામાં રહેલું મંગળસૂત્ર અને સોનાની બંગડીઓ સહિત કુલ બે લાખ રૂપિયાની માલમતા લૂંટી લીધી હતી.

બીજો બનાવ વિક્રોલીમાં બન્યો હતો, જેમાં ટાગોરનગરના બિલ્ડિંગ-નંબર ૧૮૯માં રહેતાં ૬૦ વર્ષનાં કલાવતી સ્વામી શૉપિંગ કરીને ઘરે પાછાં ફર્યા ત્યારે એક માણસ જબરદસ્તી તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમણે પહેરેલું સોનાનું ૧.૩૫ લાખ રૂપિયાનું મંગળસૂત્ર ખેંચીને બાઇક પર ભાગી છૂટ્યો હતો. ત્રીજો બનાવ મલાડમાં લિન્ક રોડ પર આવેલા લિન્ક પ્લાઝા નજીક અહિંસા અપાર્ટમેન્ટની સામે બન્યો હતો. એમાં ૬૭ વર્ષનાં સરલા પ્રભાકર ખૈરનાર શાકભાજી ખરીદીને ઘરે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે માણસો તેમના ગળામાં રહેલું અઢી તોલાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી છૂટ્યા હતા. ચોથો બનાવ વર્સોવામાં ચાર બંગલા પાસે ગુડ શેફર્ડ ચર્ચ પાસે બન્યો હતો. એમાં ૭૫ વર્ષનાં ઠક્કમબાઈ નારાયણ સ્વામી મંદિરમાં દર્શન કરીને ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મોટરબાઇક પર આવેલા માણસોએ તેમને ધક્કે ચડાવ્યાં હતાં અને તેમના ગળામાં રહેલી ૪૦ ગ્રામ વજનની ૧,૨૦,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ભાગી છૂટ્યા હતા. સિનિયર સિટિઝન મહિલાને ધક્કે ચડાવવાનો આવો જ બનાવ ગોવંડીમાં બન્યો હતો. એમાં સમ્રાટ અશોકનગરમાં રહેતી ૭૦ વર્ષની યમુના ગાંગુર્ડે નામની મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટરબાઇક પર આવેલા બે માણસોએ તેમને ધક્કે ચડાવ્યાં હતાં અને તેમની મારપીટ કરીને તેમના ગળામાં રહેલી ૮૦૦૦ રૂપિયાની ચેઇન આંચકીને ભાગી છૂટ્યા હતા. છઠ્ઠો બનાવ દહિસરમાં બન્યો હતો. એમાં  દહિસર (ઈસ્ટ)માં રહેતાં ૬૨ વર્ષનાં પ્રતિમા વર્તકર મંગળવારે સાંજે આચાર્ય વિનોબા ભાવે ગાર્ડનની પાસે ઊભાં હતાં ત્યારે બે માણસો તેમને ધક્કે ચડાવી તેમના ગળામાં રહેલું ૭૨,૦૦૦ રૂપિયાનું મંગળસૂત્ર અને સોનાની ચેઇન આંચકીને ભાગી છૂટ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK