લોકલ ટ્રેનનાં ભાડાં પણ વધશે

Published: 2nd November, 2012 05:04 IST

સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજરે આપ્યો સંકેતમુંબઈમાં રિક્ષા, ટૅક્સી અને બેસ્ટની બસનાં ભાડાં વધ્યા પછી લોકલ ટ્રેનનાં ભાડાં પણ વધવાનાં છે. જોકે કેટલું ભાડું વધશે અને ક્યારથી વધશે એનો નિર્ણય રેલવે બોર્ડ કરશે. સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સુબોધ જૈને આ વિશેના સંકેત આપી દીધા છે. જ્યાં સુધી રેલવેનાં ભાડાં વધશે નહીં ત્યાં સુધી લોકલ ટ્રેનની સર્વિસમાં સુધારો કરવો શક્ય નથી એમ તેમનું કહેવું છે. નવા રેલવેપ્રધાન પવન બંસલે આ વિશે અગાઉ જ ભાડાવધારાની વાત કરી દીધી છે.

રેલવેએ છેલ્લાં આઠ વર્ષમાં સેકન્ડ ક્લાસના ભાડામાં વધારો કર્યો નથી. સેકન્ડ ક્લાસનું મિનિમમ ભાડું ૪ રૂપિયા છે. જોકે ફસ્ર્ટ ક્લાસના ભાડામાં ગત છ મહિનામાં બે વાર વધારો કરી દેવામાં આવ્યો છે. ગત વર્ષના રેલવે બજેટમાં તત્કાલીન રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ સેકન્ડ ક્લાસના પ્રવાસમાં પ્રતિ એક કિલોમીટરે બે પૈસાનો વધારો સૂચવ્યો હતો, પણ તેમની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસનાં ચીફ મમતા બૅનરજીએ આ વધારાને અમાન્ય કરીને તેમનું રાજીનામું લઈ લીધું હતું અને મુકુલ રૉયને નવા રેલવેપ્રધાન બનાવી દેવામાં આવ્યા હતા. તેમણે આ વધારાની દરખાસ્તને પાછી લઈ લીધી હતી અને માત્ર લાંબા અંતરની ટ્રેનોમાં એસી અને ફસ્ર્ટ ક્લાસ અને લોકલ ટ્રેનોમાં ફસ્ર્ટ ક્લાસનાં ભાડાં વધાર્યા હતાં.

જોકે રેલવે પૅસેન્જર અસોસિએશનો આવા કોઈ પણ પ્રકારના ભાડાવધારાના વિરોધમાં છે. એમનું કહેવું છે કે મુંબઈમાં જે નવી ટ્રેનો દોડી રહી છે એ મુંબઈ અર્બન ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટ એક અને બે હેઠળ આવી છે. રેલવેએ ભાડા વધારવાના બદલે એની પાસે રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારી રીતે વાપરતાં શીખવું જોઈએ.

સસ્તી છે રેલવે


રેલવેભાડું સૌથી સસ્તું છે એમ જણાવીને રેલવે આ ભાડાવધારાને અમલી બનાવશે. ચાર રૂપિયામાં જેટલો પ્રવાસ રેલવેમાં કરી શકાય છે એટલો પ્રવાસ બેસ્ટની બસમાં કરવા માટે ૧૦ રૂપિયા, રિક્ષામાં કરવા માટે ૫૦થી ૬૦ રૂપિયા, જ્યારે ટૅક્સીમાં ૮૦થી ૯૦ રૂપિયા થાય છે. આમ રેલવેભાડું સૌથી સસ્તું છે. આથી રેલવે બોર્ડ સેકન્ડ ક્લાસમાં બે રૂપિયાનો વધારો કરે એવી શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK