થાણેમાં સીસીટીવી કૅમેરા બેસાડવામાં વિલંબ

Published: 8th November, 2011 20:00 IST

ભંડોળ ફાળવી દેવામાં આવ્યું હોવા છતાં પણ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં સીસીટીવી કૅમેરા ક્યારે લગાવવામાં આવશે એ હજી સુધી નક્કી થઈ શક્યું નથી. થાણે મહાનગરપાલિકા હજી સુધી સીસીટીવી કૅમેરા લગાવવા માટે જરૂરી યોગ્ય પદ્ધતિ નિર્ધારિત કરી શકી ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે ત્યારે શું કોઈ ઘટના બને એની રાહ મહાનગરપાલિકા જોઈ રહી છે એવો સવાલ થાણેવાસીઓ કરી રહ્યા છે?મુંબઈમાં આતંકવાદી હુમલા પછી રાજ્યના મહત્વનાં શહેરોમાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી (સીસીટીવી) કૅમેરા બેસાડવાના રાજ્ય સરકારના નિર્ણય પછી થાણે મહાનગરપાલિકાએ પણ થાણેનાં મહત્વનાં સ્થળો પર સીસીટીવી કૅમેરા બેસાડવા માટેનો નિર્ણય લીધો હતો, જેમાં થાણે રેલવેસ્ટેશન, રેલવેબ્રિજ તેમ જ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં કેમેરા બેસાડી અહીં થતી ગેરકાયદે પ્રવૃત્તિ, અતિક્રમણ પર નજર રાખી શકાય એ એક આશય પણ હતો. આ માટે જુલાઈ મહિનામાં થયેલી થાણે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે મંજૂર થયો હતો અને તેના માટે ખાસ પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી હતી, પણ હજી સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

મહત્વનાં સ્થળો પર સીસીટીવી કૅમેરા બેસાડવામાં થઈ રહેલા વિલંબ બાબતે થાણે મહાનગરપાલિકાના પબ્લિક રિલેશન ઑફિસર સંદીપ માલવીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘થાણેનાં મહત્વનાં સ્થળોએ સીસીટીવી કૅમેરા બેસાડવા બાબતે રકમ મંજૂર થઈ હતી, પણ આ  પ્રસ્તાવ  પર કમિશનર આર. એ. રાજીવ હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લઈ શક્યા નથી. ખાનગી ધોરણે કૅમેરા બેસાડવા કે પછી પ્રશાસન જ કરે એવા અમુક પ્રશ્નો પર કમિશનર હજી વિચાર કરી રહ્યા છે, પણ ટૂંક સમયમાં જ એનો નિર્ણય લઈને કૅમેરા બેસાડી દેવામાં આવશે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK