શિવડીની ટીબી હૉસ્પિટલમાં ૪૫ જેટલી બિલાડીઓનો ત્રાસ

Published: 24th November, 2011 10:21 IST

સુધરાઈ દ્વારા ચલાવવામાં આવતી શિવડીની ટીબી હૉસ્પિટલમાં દાખલ થયેલા ૮૫૦ જેટલા ટીબી (ટ્યુબરક્યુલોસિસ-ક્ષયરોગ)ના દરદીઓએ તેમની બીમારીની સાથે-સાથે હૉસ્પિટલમાં ૪૫ જેટલી બિલાડીઓના ત્રાસ સામે પણ લડત આપવી પડે છે.

 

ટીબીને કારણે અત્યંત નબળા થઈ ગયેલા દરદીઓના ખોરાક અને સૂવાની જગ્યા પર બિલાડીઓનું ટોળું કબજો લઈ લે છે અને એની સામે લડવાનું કામ અત્યંત દુષ્કર સાબિત થાય છે. વળી આ દરદીઓની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ થઈ ગઈ હોવાથી તેમને આ બિલાડીઓને કારણે અનેક રોગોનો ચેપ પણ લાગે છે. આ સમસ્યા વિશે વાત કરતાં હૉસ્ટિપલ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘આ બિલાડીઓ અત્યંત હૃષ્ટપુષ્ટ છે અને દરદીઓને આપવામાં આવતું પ્રોટીનસભર ભોજન ખાવાને કારણે તગડી થઈ ગઈ છે. આ બિલાડીઓ પાળેલી બિલાડી જેવી સીધીસાદી નથી અને અત્યંત આક્રમક છે. જો એનું ધાર્યું ન થાય તો નહોર મારતાં પણ અચકાતી નથી.’

હૉસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ હોવાની વાત સ્વીકારતાં હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડટ ડૉક્ટર રાજેન્દ્ર નાનાવરેએ કહ્યું હતું કે ‘આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા બિલાડીઓના વંધ્યીકરણનો વિકલ્પ વિચારવામાં આવ્યો હતો, પણ મહાનગરપાલિકા કૂતરાઓની જેમ બિલાડીઓના વંધ્યીકરણ માટે કોઈ અલગ બજેટ નથી આપતી. આ મર્યાદાને કારણે આ વિકલ્પ પડતો મૂકવામાં આવ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK