Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારની બેવડી નીતિને કારણે કેટરિંગ ઇન્ડસ્ટ્રી સંકટમાં

સરકારની બેવડી નીતિને કારણે કેટરિંગ ઇન્ડસ્ટ્રી સંકટમાં

26 February, 2021 12:51 PM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

સરકારની બેવડી નીતિને કારણે કેટરિંગ ઇન્ડસ્ટ્રી સંકટમાં

વિનેશ મહેતા

વિનેશ મહેતા


કોવિડ-19ની સૌથી મોટી અસર કેટરિંગ ઇન્ડસ્ટ્રી પર થઈ છે. એને કારણે આ ઇન્ડસ્ટ્રી પર નભી રહેલા લાખો લોકો અત્યારે બેકાર થઈ ગયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આ ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત કરવા માટે વહેલી તકે નવી માર્ગદર્શિકા જાહેર કરવાની જરૂર છે એવી માગણી બૉમ્બે કેટરર્સ અસો‌સિએશન તરફથી કરવામાં આવી છે. આ માગણી અત્યાર સુધીમાં રાજ્ય અને કેન્દ્રના અનેક મિનિસ્ટરો પાસે કરવામાં આવી હોવા છતાં આ બાબત પર કોઈ જ નિર્ણય લેવાતો નથી. એનાથી આ ઇન્ડસ્ટ્રીનો મોટો ફટકો પડશે એવા નિર્દેશ અસોસિએશન તરફથી આપવામાં આવ્યા હતા. સરકારની બેવડી નીતિને કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.

આ બાબતની માહિતી આપતાં અસોસિએશનના પ્રવક્તા લલિત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો આ ઇન્ડસ્ટ્રીને કારણે અનએજ્યુકેટેડ, અનસ્કિલ્ડ અને સૌથી વધારે તો આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતી મહિલાઓ અને એમાં પણ વિશેષરૂપે જે મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા છે તેમની રોજીરોટી ચાલી રહી છે. તેમનો જીવનનિર્વાહ આ ઇન્ડસ્ટ્રી પર નભેલો છે. તેઓ છેલ્લા બાર મહિનાથી ઑલમોસ્ટ બેકારી ભોગવી રહી છે. એવી જ રીતે સરકારે લગ્ન અને પાર્ટીના પ્રસંગો પર મૂકેલાં નિયંત્રણોને કારણે કેટરિંગની સાથે ડેકોરેશન, બૅન્ક્વેટ, ફ્લોરિસ્ટ્સ, બ્યુટિશ્યનો, ઇવેન્ટ મૅનેજરો, જ્વેલરો, બૅન્ડ્સ ઍન્ડ મ્યુઝિક પાર્ટી ઑર્ગેનાઇઝરો, ફોટોગ્રાફરો, ઇન્વિટેશન કાર્ડ અને વેડિંગ કાર્ડના મૅન્યુફૅક્ચરરો, ક્લોધિંગ, સ્વીટ શૉપ્સ, ફાસ્ટ ફૂડના સપ્લાયરો જેવા અનેક ઉદ્યોગો અત્યારે ભયંકર આર્થિક મંદી ભોગવી રહ્યા છે. ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ પર પણ એની માઠી અસર થઈ છે.’



લોકોના મનમાં એવો ભય પેસી ગયો છે કે લગ્નપ્રસંગોમાંથી કોરોના ફેલાય છે એવી જાણકારી આપતાં અસોસિએશનના પ્રેસિડન્ટ યોગેશ ચંદારાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક ગેરમાન્યતા પ્રસરી છે. અમે પ્રસંગો હંમેશાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ મૅનેજ કરતા હોઈએ છીએ. આ પ્રસંગોની તૈયારી લોકો હંમેશાં ૧૨ મહિનાથી કરતા હોય છે જે જીવનમાં એક જ વાર આવે છે. આની પણ એક સીઝન હોય છે. જો એ સીઝન જતી રહી તો મહિનાઓ સુધી રોજગારી માટે રાહ જોવી પડે છે. આથી સરકારે એના માટે વહેલામાં વહેલી તકે ગાઇડલાઇન્સ જાહેર કરવી જોઈએ. અમે કોવિડના બધા જ નિયમોનું કડક પાલન કરીએ છીએ અને કરીશું. અમે સામાજિક ધોરણે પણ લૉકડાઉનના સમયમાં સરકારની સાથે ઊભા હતા. અમારી ઇન્ડસ્ટ્રીની સહાયથી અનેક રસોડાં ચાલતાં હતાં જે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ભોજનનો પ્રબંધ કરી આપતાં હતાં. આમ છતાં અત્યારે અમને જ સરકારનો સાથ મળતો નથી. અમને સરકાર પાસેથી આર્થિક પૅકેજ જોઈતું નથી. અમને અત્યારના કડક નિયમોમાંથી અને ઇન્સ્પેક્ટર-રાજમાંથી છુટકારો જોઈએ છે.’


ટ્રેન અને બસ સામે વાંધો નથી?

શહેરમાં બસો અને ટ્રેનોમાં ભીડ હોય છે એની સામે સરકારને વાંધો નથી, જ્યારે મૅરેજ હૉલમાં પબ્લિક જમા થાય એની સામે સમસ્યા છે એમ જણાવતાં અસો‌િસ‌એશનના સક્રિય કમિટી મેમ્બર સમીર પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે રેસ્ટોરાં, મૉલ્સ અને દુકાનો ધમધમી રહ્યાં છે. એમાંથી કોઈ વાઇરસ ફેલાતો નથી અને ફક્ત મૅરેજ હૉલમાંથી વાઇરસ ફેલાય છે એ અમારી ઇન્ડસ્ટ્રી માટે મોટો ઝટકો છે. સરકારની બેવડી નીતિને કારણે અમારી ઇન્ડસ્ટ્રી સંકટમાં મુકાઈ ગઈ છે.’


ઇન્ડસ્ટ્રીને ડૂબતી બચાવવાની જરૂર

આજે ૯૦ ટકા ઇન્ડસ્ટ્રીઓ કાર્યરત થઈ ગઈ છે ત્યારે સરકારે આ ઇન્ડસ્ટ્રીને પણ રાહત આપવાની જરૂર છે એમ જણાવતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક સૌથી સુરક્ષિત ઇન્ડસ્ટ્રી છે જ્યાં કોવિડના નિયમોનું કડક રીતે પાલન થાય છે અને થઈ શકે એમ છે. એટલે સરકારે આ ઇન્ડસ્ટ્રીને છૂટછાટો આપીને ડૂબતી બચાવવાની જરૂર છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 12:51 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK