કોવિડ ગાઇડલાઇન્સના પાલનમાં બેદરકારીને કારણે કેસ વધ્યા: નિષ્ણાતો

Published: 22nd February, 2021 11:38 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સાર્વજનિક વાહનવ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ ખોલ્યાં પછી મુંબઈના ઝૂંપડપટ્ટી સિવાયના વિસ્તારો અને ગામડાંમાં કોરોના ઇન્ફેક્શનના નવા કેસ વધતાં ફરી લૉકડાઉન લાગુ કરવાની શક્યતા પણ ઊભી થઈ છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિષ્ણાતોએ આ ચિંતાજનક સ્થિતિ માટે જનતાની કોવિડ ગાઇડલાઇન્સ પાળવામાં બેદરકારીને કારણભૂત ગણાવી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ માને છે કે ફેસ માસ્ક પહેરવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવા સહિતના નિયમોને અનુસરવામાં સામાન્ય નાગરિકોએ શિસ્તબદ્ધતા ન જાળવતાં સ્થિતિ વણસી રહી છે.

સાર્વજનિક વાહનવ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ ખોલ્યાં પછી મુંબઈના ઝૂંપડપટ્ટી સિવાયના વિસ્તારો અને ગામડાંમાં કોરોના ઇન્ફેક્શનના નવા કેસ વધતાં ફરી લૉકડાઉન લાગુ કરવાની શક્યતા પણ ઊભી થઈ છે. ૧૦ ફેબ્રુઆરીથી રાજ્યમાં નવા કેસ વધવાનો સિલસિલો ધીમે-ધીમે શરૂ થયો હતો. શનિવારે નોંધાયેલા ૬૨૮૧ કેસ ૮૫ દિવસનો સૌથી મોટો એકદિવસીય આંકડો હતો. રોગચાળામાં કેસનો કુલ આંકડો હવે ૨૦,૯૩,૯૧૩ અને કુલ મરણાંક ૫૧,૭૫૩ પર પહોંચ્યો છે. રોગચાળાનો મૃત્યુદર રાજ્ય સ્તરે ૨.૪૭ ટકા અને રાષ્ટ્રીય સ્તરે ૧.૪૨ ટકા છે.

ગયા વર્ષની ૧૩ એપ્રિલે સિનિયર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોના રચાયેલા કોરોના એપિડેમિક ટાસ્ક ફોર્સના વડા ડૉ. સંજય ઓકે જણાવ્યું હતું કે ‘છેલ્લા દસેક દિવસમાં કોરોના કેસમાં વૃદ્ધિને રોગચાળાનો બીજો જુવાળ-સેકન્ડ વેવ ન ગણી શકાય. લોકો કોવિડ-19થી દૂર રહેવા માટે ઉચિત વર્તન-વ્યવહાર અપનાવી શક્યા નથી. નાગરિકોએ સંયમ પાળવો જોઈએ.’

રાજ્યના આરોગ્ય ખાતાના અગ્રસચિવ પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે ‘જનતાના ગેરશિસ્ત અને બેદરકારીને કારણે રોગચાળો ફરી વકર્યો છે. રોગચાળા સંબંધી હેલ્થ પ્રોટોકોલ્સને અનુસરવામાં ઢીલ જોવા મળે છે. સત્તાતંત્રોએ લોકોને કહેવું પડે છે કે કોરોના રોગચાળાએ હજી વિદાય લીધી નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK