Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિર્ડી પગપાળા યાત્રા કરી રહેલા યુવાનને કાર ઉડાવી દીધો

શિર્ડી પગપાળા યાત્રા કરી રહેલા યુવાનને કાર ઉડાવી દીધો

26 December, 2018 07:26 PM IST | Mumbai
Mamta Padia

શિર્ડી પગપાળા યાત્રા કરી રહેલા યુવાનને કાર ઉડાવી દીધો

સાંઈભક્ત: ભાઈંદરથી શિર્ડી જતી પાલખીયાત્રામાં પગપાળા જતી વખતે અકસ્માતમાં ઈજા પામેલો મહેશ વાઘેલા

સાંઈભક્ત: ભાઈંદરથી શિર્ડી જતી પાલખીયાત્રામાં પગપાળા જતી વખતે અકસ્માતમાં ઈજા પામેલો મહેશ વાઘેલા


છ વર્ષથી નિયમિત ભાઈંદરથી શિર્ડી સાંઈબાબાનાં દર્શન કરવા પગપાળા યાત્રા કરનાર યુવાનનો સિન્નર તાલુકામાં થયેલા ખતરનાક અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે. એક તરફ શનિવારે ઘરમાં કુળદેવીની પૂજા થઈ રહી હતી અને બીજી તરફ ૨૮ વર્ષનો મહેશ વાઘેલા સિન્નર તાલુકાના દેવપુર ફાટા પાસે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામ્યો હતો. મોબાઇલ પર મળેલા તેના ગંભીર ફોટો જોઈને પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત ખરેખર મહેશ વાઘેલાના કિસ્સામાં સાચી પુરવાર થઈ છે. શિર્ડીથી સોમવારે ઍમ્બ્યુલન્સમાં મહેશ વાઘેલાને મુંબઈમાં લાવવામાં આવ્યો છે અને હાલ તેની સારવાર KEM હૉસ્પિટલમાં ચાલી રહી છે. કાંદિવલીના સમતાનગરના સાંઈરામ મંડળની પાલખી શિર્ડી તરફ પગપાળા જઈ રહી હતી ત્યારે શનિવારે સાંજે ૭.૩૦ વાગ્યે સિન્નર તાલુકાના દેવપુર ફાટા પાસે પાછળથી પૂરપાટ વેગે આવતી કારે સાંઈભક્તને અડફેટે લીધા હતા. એમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને આઠથી વધુ લોકો ગંભીર ઈજા પામ્યા હતા. ભાઈંદરની પાલખી સાથે આ સંઘ સાથે જોડાયેલા મહેશ વાઘેલાને પણ કારે જોરદાર ઉડાવ્યો હતો અને તેના ગળા તેમ જ પગમાં ખૂબ માર લાગ્યો હતો.

વર્ષોથી કાંદિવલીના સમતાનગરના સાંઈરામ મંડળની પાલખી શિર્ડી જાય છે. આ મંડળ સાથે વધુ ચારથી પાંચ મંડળો જોડાયાં છે. એમાં ભાઈંદરના યુવા મંડળનો પણ સમાવેશ છે. છેલ્લાં છ વર્ષથી મહેશ વાઘેલા ભાઈંદરમાંથી યોજાતી પાલખીમાં જોડાઈને પગપાળા શિર્ડી જાય છે. પહેલી વખત મહેશ પગપાળા પાલખીયાત્રામાં જોડાયો ત્યારે ભાવુક થઈને રડી પડ્યો હતો એમ જણાવીને મહેશના ભાઈ રમેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે તેની પહેલી પદયાત્રાએથી પાછો ફરીને મને મળ્યો હતો. યાત્રા કરતાં તેની આંખમાંથી આંસુ આવી ગયાં હતાં એમ તેણે કહ્યું હતું. એ યાત્રા કરીને તેને મનની શાંતિ મળી હતી અને આહ્લાદક સંતોષ મેળવવા દર વર્ષે પગપાળા યાત્રા કરવા જશે એવા તેના શબ્દો સાંભળીને મારાં રૂંવાડાં પણ ઊભાં થઈ ગયાં હતાં. શનિવારે સાંજે અમારા વિસ્તારના કેટલાક યુવાનો ૨૩ ડિસેમ્બરે શિર્ડી જવા માટે બસની ટિકિટ બુક કરવા જઈ રહ્યા હતા, કારણ કે પાલખીમાં ગયેલા મિત્રો સાથે ૨૪ ડિસેમ્બરનાં દર્શનનું અમારું બુકિંગ હતું. દરમ્યાન સાંજે મહેશને અકસ્માત થયો હોવાનો મેસેજ ફોટો સાથે મળ્યો હતો. મહેશ કેવી અવસ્થામાં હશે અને તેને શું થયું હશે એની કંઈ જાણ નહોતી. અમે સાત-આઠ મિત્રો તરત જ એકઠા થયા હતા અને નજીકના લોકોની પૂછપરછ કરીને કારનો બંદોબસ્ત કરીને શનિવારે ત્યાંથી રવાના થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને જોઈને અમારા પગ નીચેથી જમીન સરકી હતી. ઈજાગ્રસ્તો વેદનાથી પીડાઈ રહ્યા હતા. ત્યાં યોગ્ય સમયે સારવાર ન મળતાં જખમમાં ઇન્ફેક્શન થયું હતું. અમે મહેશને અમારી જવાબદારી પર મુંબઈ લાવવાનો નિર્ણય લીધો હતો. સોમવારે રાતે અમે તેને અહીં લાવ્યા અને KEM હૉસ્પિટલમાં દાખલ કર્યો છે.’

મહેશને અકસ્માત નડ્યો ત્યારે તેના ઘરમાં માતાજીની પૂજા ચાલી રહી હતી એમ જણાવીને મહેશના ભાઈ રાજેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જમાઈ પણ આ ગ્રુપમાં સાથે ગયા હતા. જોકે તેઓ આગળપાછળ થતાં તેમને મિત્રોએ જાણ કરી અને તેમણે અકસ્માતના તેમ જ ઈજાગ્રસ્ત મહેશના ફોટો મોકલીને અમને માહિતી આપી હતી. અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને તે જોખમથી બહાર હોવાથી અમે નિરાંતના શ્વાસ લીધા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 07:26 PM IST | Mumbai | Mamta Padia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK