Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે રોજ થોડું-થોડું બદલાઈ શકો છો?

શું તમે રોજ થોડું-થોડું બદલાઈ શકો છો?

26 August, 2020 06:35 PM IST | Mumbai
Sejal Ponda

શું તમે રોજ થોડું-થોડું બદલાઈ શકો છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રોજ જાતનું નિરીક્ષણ કરવું આવશ્યક બની જાય છે. આપણને આપણા નેગેટિવ પાસાની જાણ થાય છે. આપણા વર્તનમાં આવેલા બદલાવ પર કામ કરીને આપણે ફરી આપણામાં બદલાવ લાવી શકીએ છીએ. બદલાવ જીવનનો બહુ મોટો મહામંત્ર છે. કુદરતની ગોઠવણી જ એવી છે કે ત્રણ મહિના પછી મોસમ આપોઆપ બદલાઈ જાય છે. કુદરતની ગોઠવણી એવી છે કે એણે સર્જેલા મનુષ્યનાં જીવન પણ બદલાયા કરે છે, પણ વાત જ્યારે ખુદને બદલવાની આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે હું જેવો છું કે જેવી છું એવી છું; મારે શા માટે બદલાવું જોઈએ. 

ખુદમાં અમુક બદલાવ બીજા માટે નહીં પણ ખુદ માટે લાવવાના હોય છે. જાતનું નિરીક્ષણ કરી ખુદમાં જો બદલાવ લઈ આવીએ તો જિંદગીમાં આપોઆપ બદલાવ આવી શકે છે.
આપણા દરેકના જીવનમાં અમુક સમય એવો આવે છે જ્યારે અકળામણ, ગુસ્સો, સ્ટ્રેસ મન-મગજ પર હાવી થઈ જાય છે. ધીરજ ખૂટી જાય છે, જેની સૌથી ખરાબ અસર મન પર પડે છે. મન પર આપણો કાબૂ રહેતો નથી. મન સતત નેગેટિવ વિચારોથી ઊભરાતું રહે છે. આવા સમયે મનને શાંત કરવું, બીજી દિશા તરફ વાળવું અઘરું બને છે.
પ્રેમમાં પડેલી વ્યક્તિને પોતાનામાં અજબ ફેરફાર અનુભવાય છે. દુનિયા વધારે સુંદર લાગવા લાગે છે. વર્તનમાં, ચાલમાં, આંખમાં, ચહેરા પર કંઈક જુદું તેજ વર્તાવા લાગે છે. એ વ્યક્તિ જો અરીસામાં જુએ તો તેને પોતાના વધુ સુંદર હોવાનો અહેસાસ થવા લાગે. પ્રેમને કારણે થતા આ બદલાવનો અહેસાસ જીવનભર રહેતો નથી. લગ્નનાં અમુક વર્ષમાં જ આ અદ્ભુત લાગણી ઓગળવા લાગે છે. અને આપણે ફરિયાદ કરીએ છીએ કે લગ્ન પછી જીવન જ બદલાઈ ગયું. અને આ બદલાવ અનુભવવાને લીધે મનમાં અકળામણ અને બેચેની વધે છે. અહીં પણ આપણે ભૂલી જઈએ છીએ કે લગ્ન પહેલાં મહેંકતો સંબંધ જીવનભર એકસરખો રહી શકે એ વિચાર મોટી ભ્રમણા છે. પરિસ્થિતિ, સ્થળ, સંજોગો બદલાય એટલે વર્તનમાં બદલાવ આવી જ જાય છે. આપણે ફરિયાદ કરીએ છીએ કે તું બહુ બદલાઈ ગયો છે કે તું બહુ બદલાઈ ગઈ છે. સાથે જીવતાં-જીવતાં સંબંધોમાં ફેરફાર ન આવે તો જ નવાઈ! પણ આપણે એ બદલાવને જીરવી નથી શકતા. આપણી અપેક્ષા પ્રમાણે ન જીવતી વ્યક્તિમાં દેખાતો બદલાવ અનુભવીને અફસોસ કર્યા કરીએ છીએ, પણ શું આપણે આપણામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? આપણી અંદર પણ કંઈક બદલાયું હોવું જોઈએને તો જ સામેવાળી વ્યક્તિમાં બદલાવ અનુભવ્યો હશે! અહીં જાતનું નિરીક્ષણ કરવું અગત્યનું બને છે.
આપણે કઈ રીતે વર્તીએ છીએ, ગુસ્સામાં આપણી જ વ્યક્તિના મનને ઠેસ પહોંચે એવું બોલીએ છીએ? એમનું અપમાન કરી નાખીએ છીએ? એમની સાથે સતત ઝઘડીએ છીએ? કટકટ કરીએ છીએ? માની લો કે અમુક બાબતે સામેની વ્યક્તિ ખોટી હોય, તેનું વર્તન ગેરવાજબી હોય, તેણે અજાણતાં અમુક ભૂલો કરી હોય એ સમયે આપણે તેમની સાથે કેવું વર્તીએ છીએ એનું નિરીક્ષણ બહુ અગત્યનું છે, કારણ કે આપણું વર્તન આપણી સાથે બીજાના મનને પણ ઠેસ પહોંચાડી શકે છે.
ઘરમાં સાથે રહેતા હોઈએ ત્યારે મા-બાપ સાથે, સાસુ-સસરા સાથે, પતિ-પત્ની, ભાઈ-બહેન સાથે ઘર્ષણ થાય એમાં ના નથી. પણ એ સમયે આપણું વર્તન, આપણી સમજદારી બહુ અગત્યની બની રહી છે. જો એ સમયે આપણે આપણી જાત પરનો કાબૂ ગુમાવી દઈ એલફેલ બોલી દઈએ તો એમાં જાતનું વધુ નુકસાન છે, કારણ કે આપણું જ મન ખાટું થઈ જાય છે. સંબંધોમાં કડવાશ ઉમેરાતી જાય છે.
આવા સમયે ગમતી વ્યક્તિ સાથે આપણે સાથે શું કામ રહીએ છીએ આ સવાલનો જવાબ આપણે ખુદને પૂછવાનો હોય છે. મોટા ભાગે આપણને સામેવાળામાં ફેરફાર તરત દેખાઈ જાય છે. એ બદલાવને આપણે પકડી શકીએ છીએ, પણ આપણે આપણી જાતમાં આવેલા બદલાવને જોવાનું ચૂકી જઈએ છીએ. આ બદલાવ એટલો ભયાનક હોય છે કે આપણી અંદર ગુસ્સો, અકળામણનો ભરાવો થવા લાગે છે. ધીરજની બાદબાકી થવા લાગે છે. આપણે ક્યારેક કોઈ સાથે વાત કરતાં કહીએ પણ છીએ કે કોણ જાણે કેમ મને હમણાંથી સખત ગુસ્સો આવવા લાગે છે. હું કન્ટ્રોલ બહાર થઈ જાઉં છું. જો આ અહેસાસ થઈ જાય અથવા કોઈ નજીકના વ્યક્તિ કે મિત્ર આપણને આ અહેસાસ કરાવે તો તરત ચેતી જવું જોઈએ.
રોજ જાતનું નિરીક્ષણ કરવું આવશ્યક બની જાય છે. આપણને આપણા નેગેટિવ પાસાની જાણ થાય છે. આપણા વર્તનમાં આવેલા બદલાવ પર કામ કરીને આપણે ફરી આપણામાં બદલાવ લાવી શકીએ છીએ.
એ માટે સૌથી પહેલાં આપણા નેગેટિવ પૉઇન્ટને લખી લેવા. એને વારંવાર વાંચી લેવા. જેમ કે મને સખત ગુસ્સો આવે છે. મારી ધીરજ ખૂટી ગઈ છે. મને હવે સંબંધોનો થાક લાગવા લાગ્યો છે. અમુકતમુક વ્યક્તિથી મને સખત અકળામણ થાય છે. મને સખત સ્ટ્રેસ અનુભવાય છે. મને ઘાતકી વિચારો આવે છે. મને જિંદગી જીવવા જેવી નથી લાગતી. લખતાં-લખતાં આવાં અનેક વાક્યો આપણી અંદરથી જ બહાર આવતાં જશે. અને એને વાંચતાં સમજાશે કે આપણી અંદર આવેલા આ બદલાવ આપણા માટે કેટલા નુકસાનકારક છે.
આ વિચારોમાંથી એક પછી એક વિચારો પર કામ કરવાની જરૂર હોય છે. એક વિચાર ઉપાડો. જેમ કે મને સખત ગુસ્સો આવે છે. તો હવે મનથી નક્કી કરો કે હું મારા ગુસ્સા પર કાબૂ રાખવાની પૂરેપૂરી કોશિશ કરીશ. પણ ગુસ્સાનું કોઈ બટન તો છે નહીં કે આપણે એ બટન દબાવીએ અને ગુસ્સો કન્ટ્રોલમાં આવી જાય. પણ જાતને સતત સમજાવવાની જરૂર છે કે આમ ગુસ્સો કરીને હું મારા જ મનની શાંતિને હણી રહ્યો છું. તો શું મારે મારા આ વર્તનમાં બદલાવ લાવવાની જરૂર નથી?
ખુદ પરના બદલાયેલા વર્તનનું નિરીક્ષણ કરી. નેગેટિવ પૉઇન્ટમાં બદલાવ લાવી આપણે જો રોજ થોડું-થોડું આપણું ખરાબ વર્તન બદલવાનો પ્રયાસ કરીએ તો એક સમય એવો આવશે કે કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ સાથે સંવાદ સાધતી વખતે એ વ્યક્તિ ખોટી હશે, પરિસ્થિતિ ખરાબ હશે તો પણ આપણે સંયમ જાળવી શકીશું.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2020 06:35 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK