Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપકા સમય શુરુ હોતા હૈ અબ...

આપકા સમય શુરુ હોતા હૈ અબ...

31 December, 2020 03:09 PM IST | Mumbai
Jayesh Chitalia

આપકા સમય શુરુ હોતા હૈ અબ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી આશા, નવી ઉમંગ અને નવી અપેક્ષા સાથે ૨૦૨૧નો આરંભ થવા જઈ રહ્યો છે. ૨૦૨૦નું વર્ષ કેવું ગયું? શું કામ એવું ગયું? શું શીખવા મળ્યું? શું જીવનમાં બદલાયું? શું નવું ઉમેરાયું? આવા અનેકવિધ સવાલ આપણા માનસપટ પર ચાલતા હશે. આપણે વર્ષને સ્થાને સમયને મૂકીને વાત કરીએ, કારણ કે નવું વર્ષ તો દર વર્ષે આવશે પરંતુ સમય? હા, સમયની વાત વર્ષ કરતાં સાવ નિરાળી છે. સમય

આપણે નહોતા ત્યારે પણ હતો, આપણે છીએ ત્યારે પણ છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ હશે. આપણે નવો જન્મ લઈ જગતમાં પાછા આવીશું ત્યારે પણ હશે. જગતમાં કોઈ



શાશ્વત હોય તો એ સમય છે. સમયનો આકાર નથી, સમય છે છતાં દેખાતો નથી, સમય સમજાય છે છતાં સમજાતો નથી, સમયને પકડી શકાતો નથી, સમયને બાંધી શકાતો નથી તેમ છતાં આપણે એ કોશિશ સદા કરતા રહીએ છીએ. આપણે કહેતા હોઈએ છીએ, સમય પસાર થયો જ્યારે કે વાસ્તવમાં સમય ત્યાં જ હોય છે; આપણે પસાર થતા હોઈએ છીએ. સમયને પરમાત્મા જેવો કહી શકાય, કદાચ સમય જ પરમાત્મા છે.


 ખેર, સમયને સમજવો સહેલો નથી. સમય વિશે ધારણા બાંધવી અઘરી છે, સમય શૂન્ય છે, સમય અવકાશ છે, સમય ખાલી અને સમય ભરેલો પણ હોય છે. સમયનો એક મિજાજ હોય છે, સ્વભાવ હોય છે અને સમયનો પણ સમય હોય છે. નવાઈ લાગી? સમયનો સમય વાંચીને? હા, સમયનો પણ સમય હોય છે. સમજનેવાલે કો ઇશારા કાફી...

સમય સાથે વાત કરીએ


ચાલો, હવે આપણે આપણી પાસેના અને આપણી સાથેના સમયની વાત કરીએ. વર્ષ, તારીખ,  કલાક, મિનિટ અને પળ આપણા માટે હોય છે, સમયને પોતાને એવું કંઈ હોતું નથી પરંતુ આપણે સમયને સદીઓથી આ બધા સ્વરૂપે જોવા ટેવાયેલા છીએ. આપણે સમય વિશે આપણી જાત સાથે વાત કરીએ. હું મને પૂછતો હોઉં એમ તમને પૂછું કે કહું છું.

રોજ રાતે સૂતી વખતે પોતાને પૂછો કે શું હું મારું ગમતું જીવન જીવું છું? જે જીવન જીવવાની મારી ઇચ્છા છે એ જ જીવન હું જીવું છું? મારું જ જીવન હું જીવું છું? રોજ રાતે સૂતા પહેલાં

પોતાને એ પણ પૂછો, જે ગઈ કાલે પોતાને પૂછ્યું હતું એનો જવાબ મળ્યો? શું મળ્યો? એ જવાબથી સંતોષ છે? જવાબથી સંતોષ ન હોય તો જીવનમાં ફેરફાર કરશો? પોતાનું જીવન જીવવા જોર લગાવશો? દરેક જણ નક્કી કરે, જીવન પોતાનું છે, પોતાના માટે જીવવાનું છે, પોતાના સાચા આનંદ માટે જીવવાનું છે, સવાર-રાત પોતાની પાછળ પડી જાઓ. પોતાના જીવન માટે આટલું તો કરવું જ પડશે. અહીં પોતાના જીવનનો અર્થ સ્વાર્થી જીવનની

વાત નથી.

તમારી પાસે તમારા માટે સમય છે?

તમારી પાસે તમારા માટે કેટલો સમય છે? આ સવાલ પણ તમારે રોજ તમને જ પૂછવાનો છે! જવાબ રોજ જુદા-જુદા મળી શકે, ક્યારેક લાગે બહુ છે, ક્યારેક લાગે ઓછો છે, ક્યારેક તો એવી પણ ખબર પડે કે મારી પાસે મારા માટે જ સમય નથી. બસ, એ દિવસે જાગી જાઓ, કેમ કે ‍પછી તમારો સમય તમારો થઈ જશે. સમય તમારો થઈ જાય કે એની પાસે શ્રેષ્ઠતમ કામ કરાવો, એને એ જ ગમે છે. તમે એને વેડફો એ એને જરાય ગમતું નથી... પણ સમય આપણને સમયે-સમયે સબક જરૂર શીખવે છે.

કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં ચોક્કસ સવાલના જવાબ મેળવવા કન્ટેસ્ટન્ટની સહાય માટે વપરાતી લાઇફલાઇનનો લાભ લેવા અપાતા મર્યાદિત સમયનો ઉપયોગ કરવાની સુવિધા આપતી વખતે અમિતાભ બચ્ચન એક વિધાન બહુ ભારપૂર્વક કહેતા હોય છે, આપ કા સમય શુરુ હોતા હૈ અબ...

આપણા જીવનની લાઇફલાઇન

આપણા જીવનમાં આપણી લાઇફલાઇન આપણી પાસે જ હોય છે. આપણે એને અનેક વાર વાપરી શકીએ છીએ, પરંતુ જીવન કાયમ નવા સવાલો ઊભું કરતું જ રહે છે. એના સવાલો પણ અચાનક આવ્યા કરે છે. જવાબો પણ આપણે અચાનક શોધવા પડે છે, ક્યારેક ઘણો સમય મળે છે તો ક્યારેક સમય મળતો જ નથી. આમ તો આપણી અંતિમ અને અલ્ટિમેટ લાઇફલાઇન પરમાત્મા હોય છે જે આપણી શ્રદ્ધાનું-વિશ્વાસનું પ્રતીક છે. અલબત્ત, પરમ પોતે આપણને સતત સમયની તક અને તક માટે સમય આપતા રહે છે. આપણે મોટા ભાગે એને ઓળખવામાં-સમજવામાં માર ખાઈ જઈએ છીએ. એટલે જ આપણે ખુદને કહેતા રહેવું પડે કે જાગ્યા ત્યારથી સવાર. સ્વયંને કહેવું જોઈએ, આપ કા સમય શુરુ હોતા હૈ અબ...

સમય સાથે સાચી દોસ્તી કરો

છેલ્લે હવે સમયને દૃષ્ટા તરીકે જોતી વખતે આવેલા વિચાર તમારી સાથે વહેંચવાનું મન છે જે મારો જાત સાથેનો સંવાદ છે, મારો અનુભવ અને મારી અનુભૂતિ છે.

સમય સાથે આમ તો મારે બાળપણથી દોસ્તી

સમયની ઉંમર મારા કરતાં ઘણી મોટી, તેમ છતાં

અમે લંગોટિયા યાર, સાથે-સાથે જ રમ્યા,

ભણ્યા, ઝઘડ્યા, હર્યા-ફર્યા, ઊછર્યા, વિકસ્યા

પણ એક દિવસ અચાનક સમય દોડવા લાગ્યો,

મારા કરતાં ખૂબ ઝડપે

મેં તેને બહુ બૂમ પાડી, ઊભો રહે, ઊભો રહે,

કેમ જાણે તેણે સાંભળવાનું જ બંધ કરી દીધું

હવે મારા કરતાં બહુ જ આગળ નીકળી ગયો છે,

અમારી દોસ્તી હજી ખરી, પરંતુ તે બહુ આગળ

ને હું તેનાથી બહુ પાછળ

સમજાયું નહોતું મને કે સમયને શું થઈ ગયું?

હવે સમજાવા લાગ્યું છે ત્યારે સમય બહુ આગળ

અને દૂર નીકળી ગયો છે

અને હું સમયને સમજવામાં માર ખાઈ ગયો

કે તેનો તો સ્વભાવ જ સતત આગળ વધતા રહેવાનો છે,

હવે મારી પાસે તે કેટલો છે?

મને નથી ખબર!

ખેર, જેટલો છે તેને પણ સાચવી લઉં,

માની લઉં, માણી લઉં, જાણી લઉં,

તોય ઘણું–ઘણું...

નવો સમય પળ-પળ નવો જ હોય છે, કહે છે ઈશ્વર ઉર્ફે સમય એકસાથે આપણને બે પળ પણ નથી આપતો, એક-એક પળ જ આપે છે. તેથી જ કઈ બીજી પળે શું થવાનું છે એની આપણને ખબર હોતી નથી, સમજ પડતી નથી, આપણે એની કલ્પના કરી શકતા નથી. આથી જ આ ગીત કહે છે એ વાત સાવ સાચી છે, આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઈસમેં ઝિંદગી બિતા દો, પલ યે જો જાનેવાલા હૈ...

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2020 03:09 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK