ટેક્નૉલૉજી ખૂબ આગળ વધી રહી છે. છેલ્લા લગભગ ૬ મહિનાથી ટીનેજર્સ કમ્પ્લીટલી ઑનલાઇન ભણતર લઈ રહ્યા છે ત્યારે મોટા ભાગનું રીડિંગ પણ હવે ડિજિટલ થવા લાગ્યું છે. શું યંગસ્ટર્સને આ નવી સ્ટાઇલના રીડિંગથી જ્ઞાન મેળવવામાં મજા આવે છે કે મુશ્કેલી પડે છે? આવો જાણીએ તેમની પાસેથી...
જીવનમાં આવતા તમામ બદલાવ પહેલી જ વારમાં બધાને ફાવી જાય એવું સંભવ નથી હોતું. એ જ કારણસર અત્યારે તમામ એજના સ્ટુડન્ટ્સ પ્રિન્ટ-રીડિંગના સ્થાને ડિજિટલ કે સ્ક્રીન-રીડિંગથી કમ્ફર્ટેબલ થવા માટે લિટરલી મહેનત કરી રહ્યા છે. કોવિડ-કાળ દરમ્યાન જ પ્રિન્ટ મટીરિયલ અને ડિજિટલ ટેક્સ્ટ લર્નિંગ એ બેમાંથી સમજીને માહિતી આત્મસાત્ કરવામાં કઈ પદ્ધતિ ખરી ઊતરે છે એના પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું અને એમાં સાબિત થયું કે કે સ્ક્રીન પરથી વાંચવા કરતાં પણ જો કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિ પ્રિન્ટેડ પુસ્તક અથવા ચોપડીઓમાંથી વાંચે તો તે ખૂબ ઝડપથી અને વધુમાં વધુ જ્ઞાન ગ્રહણ કરી શકે છે. આવો જાણીએ આજે આ બાળકો પાસેથી કે તેઓને ડિજિટલ રીડિંગમાં કે ઈ-રીડિંગમાં કેવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. નિષ્ણાત પાસેથી સમજીએ કે એક તરફ જ્યાં કિન્ડલ, નેટબુક, આઇ પૅડ દ્વારા ઈ-બુક્સને પ્રોત્સાહન મળી રહ્યું છે તો આજની પેઢીને પણ કેમ આ પરિવર્તન સ્વીકારવામાં વાસ્તવિક બાધાઓ નડી રહી છે.
મને પુસ્તકો વાંચવાનું ગમે છે, પણ ઈ-બુક્સ રૂપે નહીં : ઝલક શાહ
માટુંગામાં રહેતી શિશુવન સ્કૂલની સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણતી ઝલક શાહ કહે છે, ‘પહેલી વાત તો એ કે સ્ક્રીન પર વાંચવામાં મારી આંખોમાં ખૂબ ખેંચાણ અનુભવાય છે. લૉકડાઉનથી મને એવું થાય છે કે આંખોને રાહતનો સમય ખૂબ ઓછો થઈ ગયો છે. મને એવું લાગે છે કે હું જ્યારે ઑનલાઇન કોઈ પણ વિષય વાંચું છું તો એને સમજવામાં કોણ જાણે કેમ, પણ તકલીફ થાય છે. મગજ પર થોડું ટેન્સ હોય છે. સાથે જ એક જ ડિવાઇસમાં અનેક ઍપ્લિકેશન્સ હોય છે, એમાં નોટિફિકેશન્સ આવતાં હોય ત્યારે એમાં એક ખલેલ આવે છે. મને પુસ્તકો વાંચવાનું ગમે છે, પણ ઈ-બુક્સ રૂપે નહીં.’
હું ટેક્સ્ટ-બુકમાં વાંચતી વખતે લખું છું, પણ ઑનલાઇન બુકમાં લખી નથી શકાતું : હેમ દોશી
મુલુંડમાં રહેતા શ્રી શ્રી રવિશંકર સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા હેમ દોશીને ઑનલાઇન રીડિંગમાં ખૂબ મુશ્કેલી પડે છે. તે કહે છે કે ‘હું જ્યારે કોઈ પણ વર્કશીટ ઑનલાઇન વાંચું તો ઘડી-ઘડી સ્ક્રૉલ કરવાની જરૂર પડે છે અને એમાં પણ સહેલાઈથી કંઈક લખવું હોય તો ચોપડીમાં જે રીતે નોટ્સ બનાવીએ એવું અહીં હું નથી કરી શકતો. ઑનલાઇન સ્કૂલમાં સ્ક્રીન પર જો મારી સામે કોઈ સ્લાઇડ હોય અને મને ટીચર સમજાવે ત્યારે અને સ્લાઇડના લખાણ એ બન્ને પર ધ્યાન આપવાનું હોય તો બેમાંથી એક પર જ ધ્યાન આપી શકાય છે, પણ જો આ જ વસ્તુ સામે ટેક્સ્ટ-બુક રાખીને કરવાની હોય તો વાંચવા પર અને ટીચર જે સમજાવતા હોય એ બન્ને પર ધ્યાન આપી શકાય અને હું બન્ને વસ્તુ એકસાથે સહેલાઈથી સમજી પણ શકું છું. મને આદત છે કે હું ટેક્સ્ટ-બુકમાં વાંચતી વખતે લખું પણ છું, પણ ઑનલાઇન બુકમાં હાથથી તો લખી પણ નથી શકતો.’
ઑનલાઇન વાંચતો હોઉં ત્યારે હાથમાં ટેક્સ્ટ-બુક લઈ લેવાની ઇચ્છા થાય : ધ્રુવ દોશી
વિલે પાર્લેમાં રહેતો જમનાબાઈ નરસી સ્કૂલનો ૬ઠ્ઠા ધોરણમાં ભણતો સ્ટુડન્ટ ધ્રુવ દોશી કહે છે, ‘મને ઘણી વાર ઑનલાઇન વાંચતો કે ભણતો હોઉં ત્યારે હાથમાં ટેક્સ્ટ-બુક લઈ લેવાની ઇચ્છા થાય છે અને એથી જ હું ક્યારેય કોઈ પણ પુસ્તકને ઈ-બુક વર્ઝનમાં પસંદ નથી કરતો. ઑનલાઇન બુક અથવા નોટ્સ વાંચવી પડે ત્યારે મારે તેને સમજવા અલગ-અલગ રીતે એટલે કે ઉપર-નીચેના સંદર્ભ સાથે વારેઘડીએ વાંચવું પડે છે અને સતત એવું લાગે છે કે વાંચન ખૂબ જ ધીમું થઈ રહ્યું છે. જો ઝડપથી વાંચું તો કાં તો સમજાય જ નહીં અને જો સમજાય નહીં તો લાંબા સમય સુધી વાંચેલું યાદ ન રહે. ધ્યાન પણ ભટકી જાય.’
ટેક્સ્ટ-બુકમાંથી વાંચવાથી મને અઘરો વિષય પણ સમજવામાં સહેલો પડે છે : પાર્થ મોદી
બોરીવલીમાં રહેતો અને રુસ્તમજી કૅમ્બ્રિજ ઇન્ટરનૅશનલ સ્કૂલ, દહિસરનો સાતમા ધોરણમાં ભણતો પાર્થ મોદી પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘મારી પહેલી પસંદગગી ચોપડીમાંથી વાંચવાની જ છે, કારણ કે એ ખૂબ સહેલું પડે છે. ટેક્સ્ટ-બુકમાંથી વાંચવાથી મને અઘરો વિષય પણ સમજવામાં સહેલો પડે છે અને લગભગ ઘણી વાર એવું થાય કે ઑનલાઇન વાંચતી વખતે મારે કોઈ પણ સામાન્ય કન્સેપ્ટ સમજવા માટે પણ ધ્યાનપૂર્વક ત્રણ-ચાર વાર વાંચવું પડે. સ્ક્રીન પર વાંચતી વખતે મારી આંખોને ખૂબ ત્રાસ થાય છે. ઑનલાઇન ક્લાસસરૂમમાં અમુક લાઇન્સ વાંચીને સમજવામાં સમય ઓછો પડે છે, આવું ક્લાસમાં બોર્ડ પર વાંચવામાં નથી થતું.’
સ્ક્રીન પર વાંચું ત્યારે જાણે વાંચેલું મગજમાં ગ્રહણ જ નથી થતું : હિમી ઉદેશી
દહિસરમાં રહેતી રુસ્તમજી ઇન્ટરનૅશનલ સ્કૂલની સાતમા ધોરણની હિમી ઉદેશીને ટેક્સ્ટ-બુક રીડિંગ બહુ ગમે છે. તે કહે છે, ‘જ્યારે પણ સ્ક્રીન પર વાંચું અને બીજી કોઈ સ્ક્રીન ખૂલે તો હું એ વાંચવામાં લાગી જાઉં છું અને મૂળ વિષય ભુલાઈ જાય છે. એવું પણ લાગે છે કે વાંચેલું મગજમાં ગ્રહણ નથી થતું અથવા તરત ભૂલી જવાય છે. કોઈક વાર પાછું વાંચ્યા જ કરવું પડે છે. મને ટેક્સ્ટ-બુકમાં લખવાની આદત છે, જે ઑનલાઇનમાં મુશ્કેલ થાય છે.’
ડિજિટલ રીડિંગમાં મારું મન નથી લાગતું : કાવ્યા સોની
મુલુંડમાં રહેતી અને ઐરોલીની યુરો સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી કાવ્યા સોની આ વિશે માહિતી આપતાં કહે છે, ‘મને ગણિત વિષય અઘરો લાગે છે અને જ્યારે એ ઑનલાઇન સ્લાઇડ પરથી સમજવાનો સમય આવ્યો ત્યારથી મને સમજાયું કે સ્ક્રીન પરથી કોઈ અઘરો વિષય સમજવો વધુ મુશ્કેલ થઈ જાય છે. સ્ક્રીન સામે કોઈ પણ વિષય વાંચવાનો સંતાપ જણાય છે, કારણ કે જ્યારે પણ એક પાના પરથી બીજા પાને જઈને પાછું પહેલા પાનાની એ જ લાઇન વાંચવી હોય તો થોડો સમય તો શોધવામાં જ જતો રહે છે. બુકમાં હું ક્યારેક એક લાઇન પર સ્કેલ મૂકીને બીજા પાને જઈને એ પણ વાંચી શકું છું. ડિજિટલ રીડિંગમાં મારું મન પણ નથી લાગતું.’
લર્નિંગ પદ્ધતિની દૃષ્ટિએ પ્રિન્ટ-રીડિંગ કેમ વધુ અસરકારક છે?
ભાંડુપમાં રહેતાં VPM’s બી. આર. ટોલ ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં કાઉન્સેલર તરીકે કામ કરતાં સાઇકોલૉજિસ્ટ હેતા શાહ ઑનલાઇન રીડિંગમાં આવતી સમસ્યાઓનાં કારણો સમજાવતાં કહે છે, ‘કિન્ડલ, ઈ-બુક્સ અને અમુક ટ્રેડિંગ વેબસાઇટ્સની ઍપ્લિકેશન પર ઈ-બુક્સ અમુક વર્ષોથી આવી ગઈ છે, પણ કોવિડને કારણે હવે બાળકોને ઑનલાઇન વાંચનની ફરજ પડી છે. આ રિસર્ચ, બાળકોના અનુભવ અને લર્નિંગ પદ્ધતિઓ પરથી એક વાત સ્વાભાવિક છે કે સ્ક્રીનની તુલનામાં પ્રિન્ટ-રીડિંગ જ વધુ સારું છે, કારણ કે કોઈ પણ બાળક કે પ્રૌઢ વ્યક્તિ જ્યારે ભણતી હોય ત્યારે શીખવાની પ્રક્રિયા વિવિધ સંવેદનાત્મક અવયવો (સેન્સરી ઑર્ગન્સ)થી થાય છે. જેમ કે ઘણા લોકો જોઈને યાદ રાખે છે, ઘણા સાંભળીને ઝડપથી શીખે છે, કોઈ પુસ્તકને અડીને તો કોઈ મહેસૂસ કરીને શીખે છે. આને માટે ફ્લૅમિંગ અને મિલ્સ નામના બે સાઇકિયાટ્રિસ્ટે ૧૯૯૨માં એક VARK નામની લર્નિંગ-પદ્ધતિનું સંશોધન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે શીખવાની ચાર પદ્ધતિ બતાવી હતી. કોઈ એક પદ્ધતિથી, તો કોઈ બહુવિધ-પદ્ધતિથી નવી માહિતી ગ્રહણ કરે છે. VARKમાં વિઝ્યુઅલ લર્નિંગ, ઑડિટરી લર્નિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ તથા કિનસ્થેટિક લર્નિંગ આ ચાર લર્નિંગ પદ્ધતિઓનો સમાવેશ છે. પ્રિન્ટ-રીડિંગમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉદાહરણ માટે સ્કૂલમાં પ્રિન્ટ-રીડિંગમાં બ્લૅક-બોર્ડ પર વિઝ્યુઅલનો લર્નિંગ ટીચર સમજાવે ત્યારે ઑડિટરી લર્નિંગ, ગુરુત્વાકર્ષણ જેવો વિષય સમજાવવા કિનસ્થટિક લર્નિંગ, જેમાં ટીચર પ્રયોગ કરીને બતાવે છે એ સમયે વિદ્યાર્થીઓ નોટ્સ બનાવીને રીડિંગ અને રાઇટિંગ પદ્ધતિ પણ ઉપયોગમાં લે છે. આ બધાને કારણે દરેક સેન્સરી ઑર્ગન પણ આમાં સામેલ થાય છે અને વ્યક્તિ ઝડપથી માહિતીને ગ્રહણ કરી લે છે. એક વાત સમજવી જોઈએ કે લર્નિંગ એ અનુભવો સાથે અને સંદર્ભ સાથે સંકળાયેલું છે. તમે સાંભળ્યું હશે કે બાળક કોઈ વાર કહે છે કે ‘આ સવાલનો જવાબ પેલા દિવસે મારા આ મિત્રને ત્યાં મેં વાંચ્યો હતો’ અથવા ‘એ દિવસે અંધારામાં મોબાઇલની બૅટરી મારીને જવાબ વાંચ્યો હતો.’ એ સિવાય બુક્સની એક વિશિષ્ટ પ્રકારની સુગંધ હોય છે અને ઘણાં બાળકો એનાથી પણ નવી માહિતી યાદ રાખે છે. ચિત્ર, ડાયાગ્રામ, ગ્રાફ દ્વારા વ્યક્તિ ગ્રહણ કરેલી માહિતીનો સારાંશ પોતાના શબ્દોમાં લખે છે, આનાથી સમજણ પાક્કી થાય છે અને માહિતી લૉન્ગ ટર્મ યાદશક્તિમાં જાય છે. સ્ક્રીન-રીડિંગમાં સુગંધ, મહેસૂસ કરવાની તક, સદર્ભ કંઈ જ નથી એથી ખૂબ ઓછા સેન્સરી ઑર્ગનનો આમાં સમાવેશ થાય છે એથી જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ મંદ થઈ જાય છે.’
એક વાત ચોક્કસ છે કે ઑનલાઇન અથવા સ્ક્રીન-રીડિંગમાં તમામ પડકારો છે, પણ પ્રિન્ટ રીડિંગ ઉત્તમ છે અને એનું અસ્તિત્વ કાલે હતું, આજે છે અને હજી રહેશે એ ચોક્કસ છે.
લૉકડાઉન, ભવિષ્ય અને વાસ્તવિકતા: હવે વધતા આંકડાઓ મુંબઈની આવતી કાલ નક્કી કરશે
28th February, 2021 10:07 ISTજાનામિ ધર્મમ્: ખરેખર જાણો છો ધર્મને?
28th February, 2021 07:53 ISTભાષાપુરાણ: ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે
27th February, 2021 09:40 ISTછેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 IST