એપીએમસીમાં ધંધો પણ ડાઉન સાથે પ્રૉપર્ટી પ્રાઇઝ પણ ડાઉન

Published: 15th February, 2021 08:16 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ગોડાઉનના ભાવમાં વીસ ટકા જેટલો ઘટાડો થવા છતાં લેવાલ નથી: ભાડામાં પણ ત્રીસેક ટકાનો ઘટાડો નોંધાયો

એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરા
એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરા

કોરોનાને કારણે ધંધા પર અસર થવાથી મુંબઈની એપીએમસી માર્કેટમાં ગોડાઉનના ભાવમાં વીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલાં જે ગોડાઉન ૨.૫૦ કરોડ રૂપિયામાં વેચાતું હતું એનો ભાવ બે કરોડ થઈ ગયો છે અને એમ છતાં કોઈ લેવાલ નથી. વળી ભાવઘટાડાની સીધી અસર ભાડા પર પણ જોવા મળી છે. પહેલાં જે ગોડાઉનનું ભાડું મહિને એક લાખ હતું એ હવે ૭૦,૦૦૦ રૂપિયામાં આપવા પણ વેપારી તૈયાર છે. આમ કોરોનાને કારણે જે રીતે ધંધા પર અસર થઈ એ રીતે એપીએમસીની પ્રૉપર્ટી માર્કેટમાં પણ એની અસર જોવા મળી રહી છે.

આ વિશે માહિતી આપતાં એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે વેપારીઓને ધંધામાં માર પડ્યો હતો એથી પ્રૉપર્ટીના ભાવ ઘટ્યા છે અને ભાડામાં પણ ઘટાડો થયો છે. ત્યાર બાદ સરકારના કૃષિ બિલને કારણે પણ માર્કેટ ઓપન થઈ જતાં એની અસર પણ જોવા મળી હતી અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો ખેડૂતો ડાયરેક્ટ માલ વેચવા માંડે તો એપીએમસીમાં એની અસર દેખાય જ અને વૅલ્યુએશનમાં પણ ઘટાડો થાય. હવે એ બધો જ માલ રોકટોક ન હોવાને કારણે બલ્કમાં બહાર જ વેચાવા માંડ્યો એટલે ધંધા ઘટી ગયા અને એની સીધી અસર પ્રૉપર્ટીના વૅલ્યુએશન પર પડી અને એ જગ્યાના ભાવ ઘટ્યા.’

પોતાની વાતને આગળ વધારતાં તેમણે કહ્યું હતું કે ‘જે અંદરના વેપારીઓ છે એ હવે અહીં જગ્યા લેશે નહીં. વળી જે કોઈને લેવી જ હોય તે હવે માર્કેટ યાર્ડની બહાર લેવાનો પ્લાન કરે. વળી દાણાબંદરની ‘એ’ અને ‘બી’ ગલીઓમાં રીટેલનો બિઝનેસ છે ત્યાં ૩ કરોડનો ભાવ છે, પણ બાજુની જ ‘સી’ અને ‘ડી’ ગલીમાં બે કરોડનો જ ભાવ છે. આમ લોકેશનનો પણ ભાવ અલગ હોય છે. ‘એ’ અને ‘બી’ ગલીમાં ભાવ ઘટ્યા નથી, જ્યારે અન્ય ગલીઓમાં ભાવ તૂટ્યા છે. જોકે એમ છતાં સામાન્યપણે જગ્યાના ભાવમાં સેન્ટિમેન્ટ ૧૫થી વીસ ટકા ઘટ્યું છે એમ કહી શકાય. ભાડાનું પણ એવું જ છે. પ્રૉપર્ટીના ભાવ સાથે ભાડાના ભાવ કનેક્ટેડ છે એટલે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.’

વેપાર વધશે તો પ્રૉપર્ટીના ભાવ પણ વધશે

એપીએમસીની પ્રૉપર્ટી માર્કેટમાં ભાવ ધંધાની ડિમાન્ડ ઍન્ડ સપ્લાયની નીતિને કારણે છે અને જો વેપાર વધશે તો પ્રૉપર્ટીના ભાવ પણ વધશે એમ ગ્રોમાના પ્રેસિડન્ટ શરદ મારુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘કોરોનાને કારણે ઓવરઑલ મુંબઈમાં ૩૦ ટકાનું ટર્નઓવર ઘટી ગયું છે. એ પછી ત્રણ નોટિફેકેશન આવ્યાં છે એની પણ ઇફેક્ટ છે. હાલમાં કેટરિંગ અને રેસ્ટોરાંના ધંધા પણ ઓછા થઈ ગયા છે. કેટરિંગ અને રેસ્ટોરાંના ધંધા વધે તો ફરી પ્રૉપર્ટીના ભાવ ૧૫થી ૨૦ ટકા જેટલા ઊંચા આવી શકે, પણ એ પરિસ્થિતિ પર અવલંબે છે. પરિસ્થિતિ કેવી સુધરે એના પર એનો આધાર રહે છે. હવે કૃષિ બિલ પર હાલમાં સ્ટે આવે એવું લાગી રહ્યું છે અને ફરી એક વખત જૂના એપીએમસી ઍક્ટ મુજબ કામકાજ ચાલશે. એથી હવે ફરી માલ વેચાણ માટે એપીએમસી યાર્ડમાં (પ્રિન્સિપાલ માર્કેટમાં) આવવો જોઈએ. જો માલ અહીં વેચાવા આવે તો ધંધા વધે અને એની અસર પ્રૉપર્ટી માર્કેટમાં પણ જોવા મળે. બાકી અત્યારે તો જગ્યાના ભાવ નીચા ગયા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK