વસઈ-વિરારમાં બસ મફતમાં?

Published: Nov 10, 2011, 20:22 IST

ટૅક્સપેયર્સ-મહિલાઓ-બાળકો અને સિનિયર સિટિઝનોને માટે ફ્રી પાસની વિચારણા : પરિવહન સર્વિસ માટે ૩૮૦ બસને મંજૂરી. રિક્ષાનાં વધુપડતાં ભાડાં અને રિક્ષાવાળાઓની દાદાગીરીથી ત્રાસી ગયેલા વસઈ-વિરારવાસીઓને ટૂંક સમયમાં મહાનગરપાલિકા તરફથી બસસર્વિસની મફત સુવિધા મળે એવી શક્યતા છે.

 

સુધરાઈ મફતમાં બસસર્વિસ ઉપલબ્ધ કરાવવા પર વિચારણા કરી રહી છે. વસઈ તાલુકાની વસ્તી સાડાબાર લાખનો આંક વટાવી ગઈ છે. શહેરના દૂર-દૂરના વિસ્તારના લોકોને કામ પર જવા કે શહેરમાં જ ક્યાંક જવું હોય તો રિક્ષા સિવાય બીજો કોઈ પર્યાય નહોતો, પણ હવે મહાનગરપાલિકા લોકોની સુવિધા માટે પોતાની પરિવહનસર્વિસ ટૂંક સમયમાં શરૂ કરી રહી છે.

આમ તો વસઈ તાલુકાનાં ગામો તેમ જ શહેરના અમુક વિસ્તારોમાં અત્યારે રાજ્ય સરકારસંચાલિત પરિવહનસર્વિસની બસો ચલાવાઈ રહી છે, પરંતુ એસટી પાસે સ્ટાફ અને બસ પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે એસટી પ્રશાસન પણ મહાનગરપાલિકા વહેલી તકે પરિવહનસર્વિસ શરૂ કરે એવો આગ્રહ સેવી રહ્યું છે.

પરિવહનસર્વિસ વિશે માહિતી આપતાં સ્થાયી સમિતિના અધ્યક્ષ જિતુભાઈ શાહે જણાવ્યું હતું કે ‘વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાની પરિવહનસર્વિસ માટે ૩૮૦ બસના કાફલાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ચાલનારી આ સેવાનું અંદાજિત બજેટ ૧૪૦ કરોડ રૂપિયા છે.’

આ વિશે વધુ માહિતી આપતાં પરિવહનસર્વિસનો હવાલો સંભાળતા નગરસેવક ભરત ગુપ્તાએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને જણાવ્યું હતું કે ‘શહેરના કુલ ૪૮ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાંના મોટા ભાગના રિંગ રૂટ હશે. ઉપરાંત મુલુંડ, થાણે, મુંબઈ સુધીની પણ બસસર્વિસ શરૂ કરવામાં આવશે. ૧૪૦ કરોડના આ પ્રોજેક્ટમાં ત્રણેક પાર્ટીઓએ રસ બતાવ્યો છે અને અત્યારે સરકારની ગાઇડલાઇન્સ મુજબ દરેક કામ થઈ રહ્યાં છે. અત્યારે ઘણી મહાનગરપાલિકાની પરિવહનસર્વિસ ખોટમાં ચાલી રહી છે. આના કારણે બધો ખર્ચ મહાનગરપાલિકા ભોગવે છે, જ્યારે કૉન્ટ્રૅક્ટરને પ્રત્યેક કિલોમીટરના હિસાબે રૉયલ્ટી મળે છે. જ્યારે અહીં ખર્ચની બધી જવાબદારી કૉન્ટ્રૅક્ટ મેળવનાર પાર્ટીને શિરે રહેશે અને રોજ થતી આવકના અમુક ટકા મહાનગરપાલિકાને મળશે.’

મહાનગરપાલિકા પરિવહનસર્વિસ વહેલી તકે શરૂ કરવાની કવાયત કરી રહી છે એ સાથે એને લોકભોગ્ય બનાવવાની યોજનાઓ વિશે પણ નિષ્ણાતો સાથે વિચારવિમર્શ કરી રહી છે. બસસર્વિસ શરૂ થાય ત્યારે ટૅક્સ-પેયરને મફત મુસાફરી, મહિલાઓ-બાળકો-સિનિયર સિટિઝન માટે ફ્રી પાસ જેવા અનેક વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે. આને માટે રેવન્યુ જનરેશન માટે બસ સ્ટોપ પર જાહેરાતો, બસની અંદર જાહેરાતો, વગેરે માર્ગો અપનાવવા પર વિચાર થઈ રહ્યા છે.

અત્યારે પરિવહનસર્વિસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી, ડેપો માટે પ્લૉટનું આરક્ષણ વગેરેનું કામ થઈ રહ્યું છે. પરિવહનસર્વિસમાં ત્રણ સાઇઝની બસ હશે. જ્યાં રસ્તા સાંકડા હશે એ રૂટ પર મિની બસ દોડાવાશે. ઉપરાંત અમુક રૂટ પર એસી બસ દોડાવવાની પણ યોજના છે. અંતમાં ભરત ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘પરિવહનસર્વિસ શરૂ કરવાની તડામારી તૈયારીઓ ચાલી રહી છે અને આગામી છએક મહિનામાં સેવા શરૂ થઈ જશે એવી અપેક્ષા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK