સ્ટુડન્ટનું મૃત્યુ : સ્કૂલસંચાલિત બસસર્વિસ શરૂ કરવા પેરન્ટ્સની માગણી

Published: 7th December, 2012 06:23 IST

પ્રાઇવેટ બસની અડફેટમાં આવીને બુધવારે કાંદિવલીની એસવીપી સ્કૂલના છ વર્ષના ગૌતમ નાયડુનો કરુણ અંજામ આવતાં હવે તેની જ શાળામાં ભણતા મોટા ભાઈની બારમા ધોરણ સુધીની ફી મૅનેજમેન્ટે માફ કરી

કાંદિવલી (વેસ્ટ)ની એસવીપી (સરદાર વલ્લભભાઈ પટેલ) સ્કૂલના છ વર્ષના સ્ટુડન્ટ ગૌતમ નાયડુનું બુધવારે બપોરે એ જ સ્કૂલમાં છોકરાઓને લાવતી-લઈ જતી એક પ્રાઇવેટ બસની અડફેટમાં આવી જતાં થયેલા મૃત્યુ બાદ આ સ્કૂલના પેરન્ટ્સ ટેન્શનમાં આવી ગયા છે. ગઈ કાલે અનેક પેરન્ટ્સ સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવને મળ્યા હતા અને સ્કૂલસંચાલિત બસસર્વિસ શરૂ કરવાની માગણી કરી હતી. આ અકસ્માતના પગલે એક તરફ સ્કૂલબસમાં પ્રવાસ કરતા સ્ટુડન્ટ્સની સલામતીનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે બીજી તરફ સ્કૂલના મૅનેજમેન્ટે માનવતાનાં દર્શન કરાવતાં આ જ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણી રહેલા ગૌતમના મોટા ભાઈની બારમા ધોરણ સુધીની ફી માફ કરી દીધી છે અને ઘાયલ થયેલી તેની માતા લતાના ઉપચારનો ખર્ચ ઉપાડવાની પણ જાહેરાત કરી છે. આ ઍક્સિડન્ટ કરનારા ડ્રાઇવર સામે કેસ લડવા માટે પણ સ્કૂલ-મૅનેજમેન્ટ તેને મદદ કરશે. બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરનારા બસના ૫૦ વર્ષના ડ્રાઇવર જોખનલાલ યાદવને કાંદિવલી પોલીસે ગઈ કાલે બોરીવલી ર્કોટમાં હાજર કરતાં તેને ૧૦ ડિસેમ્બર સુધીની જેલકસ્ટડી આપવામાં આવી હતી.


આ બની હતી ઘટના : બદલીમાં આવેલા ડ્રાઈવરે 6 વર્ષના છોકરાને કચડ્યો


શું બની હતી ઘટના?

મલાડ (વેસ્ટ)ના દારૂવાલા કમ્પાઉન્ડમાં આવેલી હરિશ્ચંદ્ર ચાલમાં રહેતો ગૌતમ નાયડુ આ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતો હતો અને એની સવારની સ્કૂલ હતી. બુધવારે બપોરે સાડાબાર વાગ્યે તેની માતા તેને લઈને પાછી ઘરે ફરી રહી હતી ત્યારે સ્કૂલમાં સ્ટુડન્ટ્સને લાવવા-લઈ જવાની કામગીરી કરતી મહેતા ટ્રાવેલ્સની એક પ્રાઇવેટ બસ જ્યાં નો-એન્ટ્રીનું ર્બોડ લાગ્યું છે એવા રોડ પર રિવર્સમાં યુ-ટર્ન લઈ રહી હતી. ગૌતમે એ સમયે તેની માતાનો હાથ છોડી દીધો હતો અને એટલે રિવર્સમાં આવી રહેલી બસ પર તેની નજર ન હોવાથી અને રિવર્સમાં પણ બસની સ્પીડ વધુ હોવાથી આગળના ટાયર નીચે આવી ગયો હતો. તેની માતા લતા તેને બચાવવાનો પ્રયાસ કરે એ પહેલાં તે પણ બસ નીચે આવી ગઈ હતી. ગૌતમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેની માતાના પગમાં ફ્રૅક્ચર થયું હતું. તેને તાત્કાલિક ભગવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ ગઈ કાલે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

ગઈ કાલે સ્ટુડન્ટ્સ પોતાની રીતે આવ્યા

એસવીપી સ્કૂલના સ્ટુડન્ટ્સને લાવતી-લઈ જતી મહેતા ટ્રાવેલ્સની બસસર્વિસ ગઈ કાલે બંધ હતી એથી સ્ટુડન્ટ્સ પોતાની રીતે જ રિક્ષા કે બેસ્ટની બસમાં સ્કૂલમાં આવ્યા હતા. જોકે આજથી આ બસો ચાલુ થઈ જશે એમ જણાવતાં મહેતા ટ્રાવેલ્સના જિગર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમે ર્કોટની કાર્યવાહીમાં હતા એટલે બસસર્વિસ બંધ હતી. જોકે આજથી એ શરૂ થઈ જશે. હાલમાં અમે ડ્રાઇવરને જામીન પર છોડાવવાની તથા પોલીસે જપ્ત કરેલી અમારી બસને છોડાવવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.’

સરકાર સ્પષ્ટ નીતિ લાવે : અસોસિએશન

સ્કૂલબસ ઓનર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અનિલ ગર્ગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ કે મહારાષ્ટ્રમાં સ્કૂલબસ દ્વારા ઍક્સિડન્ટ થાય એટલે લોકો અમારા માથા પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે, પણ અમારે કહેવું છે કે ખુદ રાજ્ય સરકારની સ્કૂલબસ બાબતે કોઈ સ્પષ્ટ નીતિ હજી સુધી આવી નથી. અમે પૉલિસી માટે માગણી કરી રહ્યા છીએ. છેલ્લા છ મહિનાથી સ્કૂલબસો ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડી રહી છે. કાંદિવલીમાં થયેલા ઍક્સિડન્ટમાં સંકળાયેલી બસ પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરની હતી અને એની પાસે બાળકોને સ્કૂલમાં લાવવા-લઈ જવાનું સર્ટિફિકેટ પણ નહોતું. મુંબઈમાં ૧૧,૦૦૦ રજિસ્ટર્ડ સ્કૂલબસ સામે આવી ૮૫૦ જેટલી બસ છે જેમાં મારુતિ વૅનનો પણ સમાવેશ છે. ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથેની મિલીભગતથી આવી સ્કૂલબસ બેધડક મુંબઈના રસ્તાઓ પર દોડી રહી છે અને બુધવારના અકસ્માત બાદ ફરી ટ્રાફિક વિભાગે રજિસ્ટર્ડ સ્કૂલબસનું ચેકિંગ શરૂ કરી દીધું છે. આવી રીતે દોડતી બસોને બંધ કરાવવા માટે પણ અમે લડત આદરી છે.’

અનિલ ગર્ગે કહ્યું હતું કે સ્કૂલબસ દ્વારા અકસ્માત થાય તો સત્તાવાળાઓ સ્કૂલના પ્રિન્સિપાલ અને મૅનેજમેન્ટ સામે ઍક્શન લેવા લાગ્યા છે એટલે હવે તેઓ પણ આ મુદ્દે અમારો સંપર્ક કરી રહ્યા છે અને ૧૨ ડિસેમ્બરે આ વિશે તેમની સાથે ચર્ચા થવાની છે.

ગૌતમનો બર્થ-ડે હોવાથી આજે સ્કૂલ બંધ

ગૌતમ નાયડુના મૃત્યુના પગલે અમે ગઈ કાલે સ્કૂલમાં શોકસભા રાખી હતી એમ જણાવીને સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘બુધવારે ઍક્સિડન્ટમાં માર્યા ગયેલા છ વર્ષના ગૌતમ નાયડુનો આજે સાતમો જન્મદિવસ હોવાથી તેની યાદમાં આજે સ્કૂલ બંધ રાખવામાં આવશે. આ સ્કૂલમાં પ્રી-પ્રાઇમરી સેક્શન (જુનિયર અને સિનિયર કે.જી.)માં ૭૦૦, પ્રાઇમરીમાં ૧૫૦૦ અને સેકન્ડરી સેક્શનમાં ૩૨૦૦ મળી આશરે ૫૪૦૦ સ્ટુડન્ટ્સ ભણે છે; પણ માત્ર પ્રી-પ્રાઇમરી સેક્શનમાં જ સ્કૂલસંચાલિત બસસર્વિસ છે જેનો લાભ માત્ર ૧૭૫ જેટલા સ્ટુડન્ટ્સ લે છે. અમારા ૮૦ ટકા સ્ટુડન્ટ્સ સ્કૂલની આસપાસ જ રહે છે. બાકીના ૨૦ ટકા સ્ટુડન્ટ્સ ચારકોપ કે મલાડથી આવે છે. અમે સ્કૂલસંચાલિત બસસર્વિસ શરૂ કરીએ તો સરકારે સૂચવેલી તમામ સલામતીની કલમોનું પાલન કરીએ, પણ એમાં પેરન્ટ્સે અમને સ્કૂલબસની વધુ ફી ચૂકવવી પડે. ઘણા પેરન્ટ્સ આ ફી ચૂકવી શકે એમ ન હોવાથી અમે આ સર્વિસ શરૂ કરી શકતા નથી. આથી ઘણા પેરન્ટ્સ તેમનાં બાળકોને આવી રીતે ચાલતી બસોમાં મોકલે છે જેમાં ફી ઓછી હોય છે. આવી બસમાં અનેક સ્કૂલનાં બાળકોને લેવામાં આવે છે અને જે સ્ટુડન્ટ્સના પેરન્ટ્સ વધુ ફી ચૂકવે તેમને સીટ પર બેસવા દેવામાં આવે છે, જ્યારે બાકીના સ્ટુડન્ટ્સે ઊભા રહેવું પડે છે. જોકે આ અકસ્માતને પગલે ઘણા પેરન્ટ્સે સ્કૂલને આવી સર્વિસ શરૂ કરવા વિનંતી કરી છે જે સ્કૂલ-મૅનેજમેન્ટ સમક્ષ મૂકવામાં આવશે. બીજી તરફ ગૌતમ નાયડુના પરિવારને પણ સ્કૂલે અનેક પ્રકારની સહાય જાહેર કરી છે જેથી એ પરિવાર પર આવેલી મુશ્કેલીમાં થોડી રાહત થાય.’ 

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ, કે. જી. = કિન્ડર ગાર્ટન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK