બિલ્ડિંગનો વૉચમૅન ૯૦ ફૂટની ઊંચાઈથી પટકાયો છતાં હેમખેમ!

Published: 31st October, 2011 16:21 IST

લોઅર પરેલમાં આવેલા સત્ય કી નગરી બિલ્ડિંગના બારમે માળેથી એટલે કે ૯૦ ફૂટ જેટલી ઊંચાઈ પરથી નીચે પડેલા ૪૦ વર્ષના વૉચમૅન મલખાન સિંહનો ચમત્કારિક બચાવ થયો હતો. આયુષ્ય જ લાંબું લખાયું હતું એટલે આવા ગંભીર અકસ્માત છતાં તેને પગમાં થોડીક જ ઈજા થઈ છે અને અત્યારે તે કેઈએમ (કિંગ એડવર્ડ મેમોરિયલ) હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


 

પ્રિયંકા વોરા

મુંબઈ, તા. ૩૧

૨૬ ઑક્ટોબરે એટલે કે દિવાળીની રાત્રે જ મલખાન સિંહ પાણીનું સ્ટોરેજ ચેક કરવા માટે બિલ્ડિંગની અગાસી પર ચડ્યો હતો. કામ પતાવ્યા પછી નીચે ઊતરવા માટે તે લિફ્ટ પાસે ગયો અને એનું બટન દબાવ્યું. તેને લાગ્યું કે લિફ્ટ આવી ગઈ એટલે તેણે એની જાળી ખોલી અને અંદર જોયા વિના સીધો અંદર જવા ગયો અને નીચે પટકાયો. હકીકતમાં લિફ્ટ હજી બીજા માળ પર જ હતી એટલે મલખાન સિંહ સીધો નીચે ભભેલી લિફ્ટના ઉપરના ભાગ પર પડ્યો. પડ્યા પછી તે ગભરાઈ ગયો હતો એટલે ફાંફાં મારવા માંડ્યો અને એમ કરવા જતાં તે પાછો લિફ્ટની ટોચ પરથી નીચે ભોંયતળિયે પડ્યો.

આ પ્રકારના અકસ્માતમાં મોટે ભાગે માથામાં અને કરોડરજ્જુમાં મોટી ઈજા થતી હોય છે, પણ મલખાન સિંહને ફક્ત ઘૂંટીઓમાં જ ફ્રૅક્ચર થયું છે. કેઈએમ હૉસ્પિટલના ઑર્થોપેડિક વિભાગના વડા ડૉ. પ્રદીપ ભોસલેએ કહ્યું હતું કે ‘જો તેના માથા કે કરોડરજ્જુમાં ઈજા થઈ હોત તો તેને ધડના નીચેના ભાગમાં લકવો થઈ ગયો હોત. એકાદ વર્ષમાં તે ફરી પોતાના પગ પર ઊભો થઈ જશે.’

બારમા માળ પરથી પડવા છતાં મલખાન સિંહને આટલી જ ઈજા થઈ એનાથી ડૉક્ટરો પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. ‘મિડ-ડે’ના રિપોર્ટરે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે રહેવાસીઓએ કહ્યું હતું કે આમાં વાંક મલખાન સિંહનો જ હતો. બિલ્ડિંગના રહેવાસી અજિત જૈને કહ્યું હતું કે ‘ઘટના બની એ પછી અમે મેકૅનિકને બોલાવીને લિફ્ટ ચેક કરાવી હતી. તેણે કહ્યું કે લિફ્ટમાં કોઈ ખામી નથી, છતાં તે નસીબદાર છે અને હજી જીવિત છે. તેની બૂમો સાંભળીને તરત જ અમે ત્યાં દોડી ગયા હતા અને તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.’

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલો મલખાન સિંહ ખાસ બોલી શકે એવી સ્થિતિમાં નહોતો. તેણે કહ્યું હતું કે મારાં સારાં કર્મોને કારણે હું જીવિત છું.

મલખાન સિંહ પ્રાઇવેટ સિક્યૉરિટી એજન્સી શક્તિ સિક્યૉરિટી ર્ફોસમાં છેલ્લાં ૧૦ વર્ષથી કામ કરે છે. એજન્સીના માલિક જિતેન્દ્ર દુબેએ કહ્યું હતું કે અમે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ અને સારવારનો બધો ખર્ચ આપી રહ્યા છીએ.
મલખાન સિંહનો નાનો ભાઈ નેપાલ સિંહ પણ વૉચમૅન તરીકે કામ કરે છે. તેણે કહ્યું હતું કે ‘તેનો આખો પરિવાર ઉત્તર પ્રદેશમાં રહે છે. સિક્યૉરિટી કંપની અમને મદદ કરી રહી છે.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK