વ્યવસ્થાનો અભાવ એટલે અરાજકતા

Published: 5th December, 2012 07:35 IST

કુદરતે જે રીતે એની દરેક પ્રક્રિયામાં ચોક્કસ વ્યવસ્થાની ગોઠવણ કરી છે એવી જ રીતે આપણે જીવનમાં કરીએ તો એ શ્રેષ્ઠ બની જશે
(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

જીવનમાં વ્યવસ્થિતતા હોવી ખૂબ જરૂરી છે. જીવનમાં કશુંક કરવું હોય, કંઈ પામવું હોય તો વ્યવસ્થિતતાનો ગુણ બહુ કામ લાગે છે. જરા વિચારો, જો તમે વ્યવસ્થિત હોવ તો ઘરથી માંડીને ઑફિસ સુધીનાં બધાં કામો સુપેરે થાય છે. વ્યવસ્થિતતાનો પ્રભાવ અને અવ્યવસ્થિતતાથી થતાં ગરબડ-ગોટાળાની વાતો કરવી છે.

વ્યવસ્થિત ઘર

સલોનીનું વન રૂમ-કિચનનું નાનકડું સ્વચ્છ, સુઘડ, સુંદર ઘર છે. ખૂબ જ વ્યવસ્થિત ક્યાંય કોઈ વસ્તુ આડીઅવળી ન દેખાય. ચારે બાજુ સ્વચ્છતા અને સુંદરતાનો સુમેળ. તેનાં બન્ને બાળકોમાં પણ વ્યવસ્થિતતા અને ચોકસાઈ નજરે પડે. સ્કૂલમાંથી આવતા જ બૂટમોજાં કાઢી ચંપલ સ્ટૅન્ડમાં ગોઠવી દે. યુનિફૉર્મ કાઢી વૉશિંગ બૅગમાં રાખી દે. હાથ-પગ ધોઈ તૈયાર થઈ દૂધ-નાસ્તો કરી બન્ને રમવા ચાલી જાય. સલોનીને ક્યાંય પણ ટોકવું ન પડે. તેના એક જ કબાટમાં ચારે જણનાં કપડાં ઘડીબંધ ગોઠવાયેલાં રહે. ટિપૉય પર માત્ર આજનું અખબાર દેખાય. નાનકડું ઘર, પરંતુ એમાં સુખ, શાંતિ અને સુઘડતાની સુવાસ છલકાય. આ જ ગુણ તેના પતિમાં હોવાથી ઑફિસમાં બધાં કામ સુપેરે થાય.

અવ્યવસ્થિત ઘર

હવે બીજા ઘરનાં દર્શન કરીએ. ઉષ્માના વન બેડરૂમ-હૉલ-કિચનમાં અવ્યવસ્થાનું સામ્રાજ્ય નજરે ચડે. જ્યાં-ત્યાં જે-તે વસ્તુઓ વેરણછેરણ પડી હોય, કપડાં-છાપાં-ચંપલ-બૂટના પથારા સર્વત્ર દેખાય અને કબાટમાં પણ કપડાંના ડૂચા ઠાંસી-ઠાંસીને ભરેલા દેખાય. તેના ફ્રિજમાં પણ દહીં બે-ચાર તપેલીમાં હોય, રાંધેલાં શાકભાજી આગળ-પાછળનાં પડ્યાં હોય, બાળકોનાં રમકડાં, કપડાં, દફ્તર, ચોપડા જ્યાં-ત્યાં પડેલાં દેખાય અને બાળકો પણ સ્કૂલમાંથી આવીને સીધાં રમવા દોડી જાય. ચારે બાજુ પથારા અને અવ્યવસ્થિતતા નજરે ચડે અને આ અસર ઉષ્માના કામ પર પણ પડે. ઘરમાં માગેલી વસ્તુ મળે નહીં. પતિ બૂમબરાડા પાડે. મારાં રૂમાલ-મોજાં ક્યાં છે? ટેબલ પર રાખેલી ફાઇલ ક્યાં ગઈ? ચાર દિવસથી ધોયેલું મારું શર્ટ હજી ઇસ્ત્રી થયું નથી. ઉષ્મા ઘરમાં દોડતી રહે. એમાં તેનો વાંક જ દેખાય, કેમ કે તે પોતે જ અવ્યવસ્થિત એથી તેનાં બાળકો અને પતિ પર એવો જ પ્રભાવ પડે.

વન રૂમ કિચનમાં રહેતી સલોનીનું ઘર કેટલું વ્યવસ્થિત અને સુઘડ દેખાય, જ્યારે ઉષ્માના ઘરમાં અવ્યવસ્થિતતાનું સામ્રાજ્ય હોવાથી ગંદું-ગોબરું દેખાય. બેશક, સલોનીના નાનકડા ઘરમાં પણ મોકળાશનો અનુભવ થાય. આ વ્યવસ્થાનો જાદુ છે. મુંબઈ જેવા ગીચ શહેરમાં નાનકડી રૂમમાં સાત-આઠ માણસોનું કુટુંબ રહેતું હોય છે. વળી, આવી નાનકડી રૂમમાં પણ ફ્રિજ, ટીવી, વૉશિંગ મશીન અને બીજી અનેક નાની-મોટી ચીજો હોવા છતાં એવી સુંદર વ્યવસ્થા હોય છે કે જરાય ભીડભાડ ન લાગે. સાંકડમાંકડમાં સઘળું વ્યવસ્થિત રીતે સમાઈ જાય.

ગરબડ-ગોટાળા સર્જાય

ઘરમાં ગૃહિણી જો વ્યવસ્થા જાળવી ન શકે તો ઘર ચલાવવું તેના માટે માથાનો દુ:ખાવો બની જાય. રસોડામાં ચા-ખાંડના ડબ્બા ને મસાલાનો ડબ્બો યોગ્ય જગ્યાએ અને વ્યવસ્થિત ભરેલો ન હોય તો નાની-નાની કેવી હોનારતો સર્જાય એ તો અનુભવી ગૃહિણીને જ ખબર પડે. ક્યારેક દૂધ ઊભરાઈ જાય તો ક્યારેક વધારે બળી જાય તો ક્યારેક શાક દાઝી જાય અને ઉતાવળમાં કૂકરમાં પાણી ન નાખ્યું હોય તો કૂકર બળી જાય. રોહિણીના ઘરમાં બધા જ પાણીનો ઑર્ડર કરતા રહે અને જ્યાં બેઠા હોય ત્યાં જ ગ્લાસ પડ્યો રહે અને પછી છાજલી પર ગ્લાસનાં દર્શન દુર્લભ. ભૂલેચૂકે કોઈ પાણી પીવા આવે તો ગ્લાસ જ ન મળે અને પછી ગ્લાસની શોધાશોધ ચાલે.

કુદરત છે વ્યવસ્થિત

વ્યવસ્થાનો અભાવ એટલે અરાજકતા. જ્યાં વ્યવસ્થા ન હોય ત્યાં અંધાધૂંધી હોય. પછી એ ઘર હોય, ઑફિસ હોય, સમાજ વ્યવસ્થા હોય કે આપણું શરીર. સૃષ્ટિમાં નજર કરતાં જણાશે કે કુદરત પણ એની દરેક પ્રક્રિયામાં ચોક્કસ વ્યવસ્થાની ગોઠવણ કરી છે. પ્રાણીમાત્ર જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી ચોક્કસ વ્યવસ્થા ગોઠવાયેલી છે. કુદરતના ક્રમમાં ક્યાંય અવ્યવસ્થિતતા દેખાતી નથી. નિયમિત દિવસ-રાત, મહિના, •તુઓ થાય છે. હવે જો શિયાળામાં ગરમી ને ઉનાળામાં વરસાદ ને ચોમાસામાં ઠંડી પડે તો કેવી ગરબડ ઊભી થઈ જાય. •તુ, પર્વ, તહેવારના કાંઈ ઠેકાણા જ ન રહે.

અનાજ-ધાન્ય, વનસ્પતિ બધે એની અસર થાય. આખુંય જનજીવન ખોરવાઈ જાય. બસ, આ જ વાત વ્યવસ્થાને લાગુ પડે છે. જ્યાં વ્યવસ્થા છે ત્યાં લય છે, તાલ છે, સંગીત છે, સૂર છે અને જ્યાં અવ્યવસ્થા છે ત્યાં કેવળ ગરબડ-ગોટાળા ને અકળામણ.

વ્યવસ્થાના અભાવની અસરો

વ્યવસ્થાની ખરેખર જો આદત પાડવામાં આવે તો એ ચમત્કારિક પરિણામો લાવી શકે છે. વ્યવસ્થાના અભાવની અસરો એટલી વ્યાપક છે કે એ બધાં જ ક્ષેત્રોને સ્પર્શે છે. પછી ઘર હોય, ઑફિસ હોય, સમાજ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય. દરેક જગ્યાએ અવ્યવસ્થા ખાનાખરાબી સર્જે છે. નિષ્ફળતા માટેનું સૌથી મોટું કારણ હોય તો એ છે વ્યવસ્થાનો અભાવ.

ગૃહિણી અવ્યવસ્થિત હોય તો એની અસર આખા ઘર પર છવાયેલી દેખાય છે. અવ્યવસ્થિતતાનો પ્રભાવ ઑફિસમાં પણ પડે છે. નકુળની જ વાત કરું તો એ ભારે અવ્યવસ્થિત છે. ઑફિસમાં તેનું ટેબલ એટલે જાણે ઉકરડો... કોઈ જાતના ઢંગધડા ન મળે. પુસ્તકો, ચોપાનિયાં, ફાઇલો, અગત્યના કાગળો વગેરે ટેબલ પર ખડકાયેલા દેખાય. જરૂરી કાગળ કે ફાઇલ શોધતાં નાકે દમ આવે અને આની અસર નકુળના મન પર થાય. હંમેશાં તે ચિડાયેલો જ રહે અને મનની અસર તન પર પડે. અસ્વસ્થ તન, મન અને અવ્યવસ્થિતતાને કારણે દુનિયા આખીનો ભાર લઈને ફરતો દેખાય.

ધ્યાનમાં રાખો

ઘર અને ઑફિસ બન્ને ઠેકાણે વ્યવસ્થાની સ્થાપના કરવા માટે કેટલીક પાયાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

દરેક ચીજ એના ચોક્કસ સ્થાન પર મૂકવાની ટેવ પાડવી, જેથી એ તરત મળી જાય. સમય ન વેડફાય.

અમુક ચીજોની ક્યારેક જ જરૂર પડતી હોય એવી ચીજોને નજર સામે રાખવાને બદલે અલગ રાખવી. જેથી એ વારંવાર અથડાય નહીં.

જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં જ તે પાછી મૂકવી.

અગત્યના કાગળોની જુદી-જુદી ફાઇલ બનાવવી. જેમ કે ઘરના ભાડાની રસીદ, ગૅસ, ટેલિફોન, ઇલેક્ટ્રિક બિલ, સ્કૂલ-કૉલેજ ફીની રસીદ, અગત્યના દસ્તાવેજ, ટીવી, ફ્રિજ, એસી, વૉશિંગ મશીન, ઘરઘંટી વગેરેના

ગૅરન્ટી-વૉરન્ટી કાર્ડ, શૅર્સ, સર્ટિફિકેટ્સ, વીમા પૉલિસી વગેરે-વગેરે.

ઘરમાં દાળ, કઠોળ, લોટ, સાકર કે અન્ય ચીજવસ્તુઓ ખલાસ થાય એ પહેલાં લાવી મૂકવી. જેથી નથી-નથીની બુમરાણ ન મચે. ઘઉંનો લોટ ખલાસ થઈ ગયો હોય અને બીજે દિવસે સવારે રોટલી માટે લોટ બાંધવા જઈએ તો કેવી હાલત થાય.

સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે. ઘર અને ઑફિસમાં સ્વચ્છતા રાખવી અને જાળવવી, જેથી કામ કરવાની મજા આવે. માંદલું વાતાવરણ અવ્યવસ્થાની નિશાની છે.

ઘરમાં અને ઑફિસમાં કામોને પૂરાં કરી નિકાલ લાવવો. અધૂરાં કામો અવ્યવસ્થાની નિશાની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK