ગેરકાયદે બાંધકામની ત્રણ વર્ષ સુધી માહિતી ન આપનાર લાંચિયા અધિકારીને ૧૦,૦૦૦નો દંડ

Published: 20th February, 2021 10:16 IST | Prakash Bambhrolia | Mumbai

દંડના આદેશમાં અધિકારીના પગારમાંથી દંડની રકમ વસૂલ કરવાની સાથે માહિતી માગનારને ૫૦૦ પાનાં સુધીની માહિતી ફ્રી આપવાનું કહેવાયું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માહિતી અધિકારના કાયદામાં અરજી કરનારને ત્રણ વર્ષ સુધી જવાબ ન આપવા બદલ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના એક વૉર્ડ-ઑફિસરને સ્ટેટ ઇન્ફર્મેશન કમિશનના કોંકણ વિભાગના કમિશનરે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આઘાતજનક વાત તો એ છે કે આ અધિકારીની અગાઉ લાંચ લેવા બદલ ધરપકડ બાદ સજા થઈ હોવા છતાં તે અત્યારે આ પદ પર છે. દંડના આદેશમાં અધિકારીના પગારમાંથી દંડની રકમ વસૂલ કરવાની સાથે માહિતી માગનારને ૫૦૦ પાનાં સુધીની માહિતી ફ્રી આપવાનું કહેવાયું છે.

મીરા રોડમાં આવેલી પાંડુરંગવાડીમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ અને એને લગતા ડૉક્યુમેન્ટ્સ દયાનંદ પાલન નામના રહેવાસીએ પ્રભાગ-૬ના તત્કાલીન અધિકારી ચંદ્રકાન્ત બોરસેને ૨૦૧૭ની પહેલી માર્ચે આપ્યા હતા. વૉર્ડ-ઑફિસર ચંદ્રકાન્ત બોરસેએ કોઈ જવાબ ન આપતાં ૨૦૧૭ની ૨૧ માર્ચે અને ૧૫ એપ્રિલે તેણે અપીલ કરી હતી. આમ છતાં જવાબ ન મળતાં અરજી કરનારાએ સ્ટેટ ઇન્ફર્મેશન કમિશનના કોંકણ વિભાગમાં ફરિયાદ કરી હતી.

કોંકણ વિભાગના કમિશનરે બે વખત આદેશ આપ્યો હોવા છતાં ચંદ્રકાન્ત બોરસેએ એનું પાલન ન કર્યું હોવાની ફરિયાદ મળતાં તાજેતરમાં કોંકણ વિભાગના કમિશનર કે. એલ. બિશ્નોઈએ તેમને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, આદેશમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંભાજી વાઘમારેને પ્રભાગ-૬ના અધિકારી ચંદ્રકાન્ત બોરસેના પગારમાંથી દંડની રકમ કાપીને એની સ્લિપ કોંકણ વિભાગની ઑફિસમાં જમા કરાવવાનું કહેવાયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK