ચવાયેલી નોટની લાળ પરથી પકડાયો લાંચિયો પોલીસ

Published: 24th September, 2020 17:08 IST | Agencies | Mumbai

ભુજમાં દેશી-દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહીં કરવા માટે લાંચ માગી હતી, પણ એસીબી ટ્રેપની જાણ થતાં પોલીસ કૉન્સ્ટૅબલે રૂપિયા ચાવીને ગળી જવાનો પ્રયાસ કર્યો, પણ પકડાઈ ગયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભુજમાં દેશી-દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહીં કરવા માટે ૪૦૦૦ રૂપિયાની લાંચ માગીને સ્વીકારતા પોલીસ કૉન્સ્ટેબલને એસીબીની ટ્રેપની જાણ થતાં લાંચના રૂપિયા ચાવીને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડીએનએ પ્રોફાઇલ કરાવતા તેના રિપોર્ટમાં ચાવી ગયેલી ચલણી નોટો પરની લાળથી લાંચિયા પોલીસ કૉન્સ્ટેબલની ઓળખ થતાં ગઈ કાલે ભુજ એસીબી પોલીસે તેની ધરપકડ કરી હતી.
પશ્ચિમ કચ્છ ભુજમાં વાયોર પોલીસ સ્ટેશનના પોલીસ કૉન્સ્ટેબલ મયૂરસિંહ અજિતસિંહ સોઢાએ દેશી-દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહીં કરવા માટે ૪૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. આ મુદ્દે ભુજમાં આવેલા એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં ગુનો નોંધીને તા. ૨૧-૦૭-૨૦૨૦ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમ્યાન પોલીસ કૉન્સ્ટેબલ મયૂરસિંહ સોઢાએ લાંચનાં નાણાં સ્વીકાર્યા હતા પરંતુ એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતાં પુરાવાનો નાશ કરવા માટે રૂપિયા ૪૦૦૦ની ચલણી નોટો પોતાના મોઢામાં મૂકીને ચાવી જઈને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એસીબીની ટીમે સતર્કતા દર્શાવીને તબીબની હાજરીમાં ચવાઈ ગયેલી ચલણી નોટો રીકવર કરી હતી અને આ ચલણી નોટો સાથે પોલીસ કૉન્સ્ટેબલના ડીએનએ પ્રોફાઇલિંગની કાર્યવાહી હાથ ધરીને ગાંધીનગર એફએસએલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. ગઈ કાલે એફએસએલનો રિપોર્ટ આવ્યો હતો જેમાં એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું કે મોકલવામાં આવેલી કરન્સી નોટ પરની લાળ આરોપીના ડીએનએ પ્રોફાઇલ અંતર્ગત તેની જ હોવાની
સાબિતી મળી છે. જેથી લાંચ માગીને સ્વીકારતા ઝડપાઈ ગયેલા પોલીસ કૉન્સ્ટેબલની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK