Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નિયમો તોડવા દરેક તબક્કે જરૂરી નથી

નિયમો તોડવા દરેક તબક્કે જરૂરી નથી

31 May, 2020 09:58 PM IST | Mumbai Desk
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

નિયમો તોડવા દરેક તબક્કે જરૂરી નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સિસ્ટમ. જગતમાં એક સિસ્ટમ છે, જે સમાજે બનાવી છે અને સમાજે જ એ સિસ્ટમ એટલે કે નીતિનિયમો બનાવ્યા છે, જે મુજબ સૌકોઈએ જીવવાનું હોય છે. સાચું કહું તો મને તો એ નથી ગમતું. હું શું કામ મારા મનનું, મને ગમતું ન કરી શકું, બીજાને ન ગમતું હોય પણ મને ખૂબ ગમતું હોય તો પણ હું શું કામ એ દિશામાં આગળ ન વધી શકું, મને શું કામ બધા પાસેથી બધી પરમિશન લેવાની? શું મારી કોઈ આઇડેન્ટિટી નથી અને ધારો કે ન પણ હોય તો પણ મારે શું કામ દરેકના કહેવા મુજબ જ ચાલવાનું અને મારી ઇચ્છાને મારે મારી નાખવાની અને કાં તો એ ઇચ્છા પૂરી કરવા માટે મારે પહેલાં દુનિયાની, સમાજની ઇચ્છા પૂરી કરવાની. ના, હું એવું નહીં કરુ, હું મારી ઇચ્છા પૂરી કરીશ અને મને ગમશે એમ જ કરીશ અને દુનિયાને દેખાડી દઈશ.
આવું આજકાલ બધા યંગસ્ટર્સના મનમાં ચાલતું હોય છે, બધા એટલે બધાના મગજમાં કે પછી હૈયામાં આ એક જ ફરિયાદ ચાલતી હોય છે કે શા માટે તેમના મનનું ધાર્યું નથી થતું અને શું કામ બીજા કહે એમ જ તેમણે કરવું પડે છે. બધાને એ વાતની પણ ફરિયાદ છે કે તેમના પૉઇન્ટ ઑફ વ્યુની પણ કોઈને કદર નથી અને પોતાનામાં કેટલી ટૅલન્ટ ભરી છે એ પછી પણ લોકો એ જોઈ નથી શકતા, એને સમજી નથી શકતા. બધાને એમ જ છે કે સમાજે અને પરિવારે એટલાબધા નિયમો બનાવ્યા છે કે એ નિયમો થકી તેમની બધી ઇચ્છા મારી નાખવામાં આવે છે, ઇચ્છાઓ મરી જવાની છે એ પ્રકારનો ડર પણ આ નિયમો સતત ઊભા કર્યા કરે છે. હું અંગત રીતે એટલું કહીશ કે જો બધાને એવું જ લાગતું હોય તો આ કહેવાતો ડર જરૂરી છે.
ફ્રેન્ડ્સ યાદ રાખજો કે તમને તમારી ઇચ્છા વિરુદ્ધ જતાં કોઈ રોકતું નથી, પણ એની સાથે તમારામાં એ વાતનો થોડો ડર હોવો પણ જોઈએ કે તમને સમાજ કે પરિવાર શું કહેશે, જો તમે કંઈ ખોટું કરી બેસશો તો. એવું બને ત્યારે તમારા પર જ નહીં, તમારી આખી ફૅમિલી પર એની અસર થાય છે. એવી પરિસ્થિતિ આવશે એ સમયે તમે શું કરશો અને તમે એ સમયે કઈ રીતે સામેવાળાનો સામનો કરશો. ધારો કે આજે તમને મન થયું કે તમે રસ્તા પર સોફા મૂકીને મૅચ જુઓ. અત્યારે લૉકડાઉનમાં તો આમ પણ બહાર નીકળવાની મનાઈ છે, પણ ધારો કે લૉકડાઉન ન હોય તો પણ આવું કરી શકાય ખરું?
શક્ય છે એવું?
ના. જવાબ આ એક જ છે અને એ પછી પણ તમારા મનમાં પ્રશ્ન છે, શું કામ?
જવાબ બહુ ક્લિયર છે કે એક તો એ નિયમ વિરુદ્ધ છે અને બીજું એ કે એમાં જોખમ પણ છે. નિયમો ક્યારેય અર્થહીન નથી હોતા, વાહિયાત નથી હોતા. હવે ધારો કે તમે ઑફિસમાં મોડા પહોંચ્યા અને તમારા બૉસે તમારા પર ગુસ્સો કર્યો તો તમે શું કરશો? મોડા પહોંચવાનું કામ તમારું દરરોજનું છે એટલે તમને નૅચરલી બૉસ ખરાબ જ લાગવાનો છે, પણ તમે એવું શું ઉકાળ્યું છે કે બૉસે તમને ખિજાવું ન પડે. નીતિનિયમ કે પછી જેકોઈ રૂલ્સ છે એ જરૂરી હોય છે અને એ છે એટલે જ આપણે સામાજિક પ્રાણી કહેવાઈએ છીએ. જો આપણે આ સમાજના નિયમો ન પાળતા હોત તો આપણે પ્રાણી જ કહેવાતા હોત. તમે કૂતરાઓના કોઈ નિયમ જોયા છે, ઘોડાને પણ નિયમ પાળતા જોયા છે? ના, જો એ પાલતુ હોય તો એ પણ અડધાં સામાજિક બની જાય છે અને પોતાને માટે બનાવેલા નિયમોનું પાલન કરવા માંડે છે જ્યારે આપણે તો પૂરેપૂરા સામાજિક છીએ એટલે નિયમોનું પાલન આપણી બાજુએથી તો થવું જ જોઈએ. હા, માન્યું કે કહેવાની રીત હોય, ટોકવાની પણ રીત હોય, પણ જો તમે કોઈ ભૂલ વારંવાર કરતા હો તો તમને જાહેરમાં પણ કહેવું પડે અને ન ગમે એવી રીતે પણ તમને ટોકવા પડે. જે ખરેખર તો તમારા લાભમાં, તમારા હિતમાં અને તમારા બેટરમેન્ટ માટે છે. યાદ રાખજો કે તમારા બેટરમેન્ટ માટે તમને કંઈ પણ કહેવામાં આવે તો તમને એની ફરિયાદ ન હોવી જોઈએ, ઊલટું તમારે એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે તેણે તમને સાચી દિશા દેખાડવા માટે આટલી મહેનત કરી. તમારે તમારી મનમાની નથી કરવાની, પણ તમારે તમારી મનની મરજી પ્રમાણે ચાલવાનું છે અને એ પણ નિયમોને ધ્યાનમાં રાખીને, નિયમોના સર્કલમાં રહીને. લાઇફમાં નિયમો ખૂબ જરૂરી હોય છે. જરા વિચારો કે આપણે બધા આપણી ઇચ્છા મુજબ જ રહેતા હોત તો આજે કેવી પરિસ્થિતિ હોત, કેવી ખરાબ હાલત થઈ હોત. દુનિયામાં ખરા અર્થમાં અંધાધૂંધી મચી ગઈ હોત અને સમાજ એક જ મિનિટમાં જમીનદોસ્ત થઈ જાત.
નિયમો, સમાજ અને સિસ્ટમ એ આપણા જ બેટરમેન્ટ માટે છે અને એ ફૉલો કરવાની ખરેખર જરૂર છે. તમે કોઈ જાતની ફરિયાદ વગર માત્ર એક દિવસ બધા નિયમો પાળીને જુઓ. ઘરના નિયમો, ઑફિસના નિયમો અને સમાજે આપણી સામે જેકોઈ નિયમો મૂક્યા છે એ બધા જ નિયમો. એક પણ નિયમ તોડવાનો નહીં. તમને ખરેખર તમારા પર ગર્વ થશે અને જે નિયમો પાળતા નથી તેમના પર એટલો જ ગુસ્સો આવશે. આ ઉપરાંત જેમણે આ નિયમ બનાવ્યા છે તેમના પર તમને માન થઈ આવશે. નાનું બાળક ચાલતાં શીખતું હોય ત્યારે તેને દૂરથી ખાડો દેખાતો હોય તો તેને એ ખાડા પાસે જવાનું મન થતું હોય છે, પણ નાના બાળકની ઇચ્છા આપણે પૂરી કરવા દઈએ છીએ ખરા? ના, કારણ કે આપણે જાણીએ છીએ કે એમાં અહિત છે. જ્યાં અહિત છે ત્યાં જ આપણને રોકવામાં આવે છે. રોકવાનું આ કામ જેકોઈ કરે છે એની કદર કરતાં શીખીશું તો ખરેખર આ નિયમોનો ભાર નહીં લાગે. જો બૉસને સાચી રીતે જોતા થઈશું તો બૉસ ખરાબ નહીં લાગે અને જો પેરન્ટ્સને સાચી રીતે જોઈશું તો એની સારપ પણ આપણને દેખાશે. જરૂર છે તો માત્ર એક વખત શાંતિથી બધા નિયમો અને સમાજની સિસ્ટમને એક વાર સમજવાની, આપણા માટે કેટલું એ ફાયદાકારક છે એ જોવાનું શરૂ કરશો તો યાદ રાખજો કે કાર ઑટોમૅટિકલી સિગ્નલ પર ઊભી રહી જશે અને ક્યારેય ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ કરવાનો મોકો નહીં મળે અને બીજો લાભ એ થશે કે જો તમે કોઈ નિયમ તોડતા નહીં હો તો તમે બીજાને પણ હકપૂર્વક અને પૂરી સભાનતા સાથે રોકી શકશો, પણ એ માટે પહેલાં તમારે તૈયારી કરવી પડશે અને સમાજના નીતિનિયમોનું પાલન કરવું પડશે.
નાનો હતો ત્યારે મમ્મી પાસે સાંભળેલી એક વાર્તા મને યાદ આવે છે.
એક સૉલ્જર હતો અને તેનું પોસ્ટિંગ એક રણમાં થયું હતું, પાણીની તંગી હતી એટલે ગામઆખું ખાલી કરાવવાનું હતું. સૉલ્જરને આદેશ હતો કે આ ચેકપોસ્ટ પરથી તારે એક કદમ પણ દૂર હટવાનું નથી. બીજા બધા ઑફિશિયલ્સ ગામને ખાલી કરવામાં અને બીજી વ્યવસ્થામાં લાગ્યા. બે દિવસ નીકળી ગયા. સૉલ્જર પાસે પાણી અને બીજો ખોરાકનો જે જથ્થો હતો એ પૂરો થવા માંડ્યો. ત્રીજો અને ચોથો અને પાંચમો દિવસ. બધું ખાલી. હવે પેલા સૉલ્જરને તરસ લાગવી શરૂ થઈ. ભૂખ સામે તો તે ટકવા તૈયાર હતો, પણ રણ અને એમાં પણ ગરમી, પાણી વિના એનાથી રહેવાય નહીં. જોકે એ પછી પણ તે પોતાની પોસ્ટ પરથી બે કદમ પણ મૂવ ન થયો. કોઈ તેની મદદ કરવા આવી શકે એમ પણ નહોતું. સૉલ્જરે એક દિવસ વિચાર્યું કે ૮૦૦ મીટર દૂર એક ઢાબો છે, જેનો માલિક દરરોજ સાંજે એક વાર ત્યાં આવે છે. સાંજે ઢાબાવાળો આવ્યો ત્યારે આ સૉલ્જરે એ પોસ્ટ પર લગાડેલો માઇલસ્ટોન ઉખાડી લીધો અને તેની પાછળ ચાલવા લાગ્યો અને ત્યાં જઈને તેણે ફટાફટ પાણી પીધું અને પાછો ફટાફટ આવીને માઇલસ્ટોન પોતાની જગ્યાએ રાખીને ઊભો રહી ગયો. તેણે જે હુકમ કરવામાં આવ્યો હતો એનું પાલન કર્યું હતું, માઇલસ્ટોનથી તે બે ડગલાં પણ મૂવ નહોતો થયો. સિનિયર્સને ખબર પડી એટલે ઇન્ક્વાયરી થઈ. ઇન્ક્વાયરીમાં પેલા સૉલ્જરે કહ્યું કે હું માઇલસ્ટોનથી જરા પણ હટ્યો નથી અને વાત રહી પાણીની, તો એ સાચું જ છે, મેં પાણી પીધું જ છે. જો મેં પાણી ન પીધું હોત તો હું જીવતો ન રહ્યો હોત એટલે પોસ્ટ પર અડગ રહેવા માટે પાણી પીવું જરૂરી હતું, જે હું આ રીતે પીને આવ્યો હતો.
યાદ રાખજો કે નિયમો સાથે જળોની જેમ વળગી નથી રહેવાનું પણ જરૂર લાગે ત્યારે એને જરા બદલીને પણ આગળ વધવાનું છે, પણ જરૂર લાગે તો, બાકી કોઈ નિયમ તોડવાની જરૂર નથી. નિયમ તોડ્યા વિના જે સપનાં પૂરાં કરે તેને જ સાચો હોશિયાર અને બહાદુર કહેવાય અને આવી બહાદુરી આપણી યંગ જનેરશનમાં છે જ.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 09:58 PM IST | Mumbai Desk | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK