Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રેકડાઉન આવકાર્ય, બ્રેકફેલ્યર જરાય નહીં

બ્રેકડાઉન આવકાર્ય, બ્રેકફેલ્યર જરાય નહીં

15 March, 2020 01:29 PM IST | Mumbai Desk
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

બ્રેકડાઉન આવકાર્ય, બ્રેકફેલ્યર જરાય નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારો એક ફ્રેન્ડ છે, નામ તેનું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તેની સાથે જે બન્યું એ મહત્ત્વનું છે એટલે આપણે એની વાત કરીએ. મારા એ ફ્રેન્ડનું હમણાં બ્રેકઅપ થયું. જ્યારથી તેનું બ્રેકઅપ થયું છે ત્યારથી બહુ વિચિત્ર બિહેવ કરે છે. કોઈ સાથે બોલે નહીં, ક્યાંય બહાર આવે નહીં, કોઈને મળે નહીં. બસ, આખો દિવસ પોતાની જાતને બંધ કરીને રાખે. એવું જ વર્તે જાણે દુનિયા છે જ નહીં. આખી દુનિયાથી, બધા સંબંધોથી તે કટઑફ થઈ ગયો. મજા તો તમને ત્યારે આવશે જ્યારે તમને ખબર પડશે કે એ ભાઈ બ્રેકઅપ પછી માંદલા અને ગરીબ કે પછી જેને બધા કહે છે એવા સેડ સૉન્ગ સાંભળ્યા કરે છે. શોધી-શોધીને એ સેડ સૉન્ગ વગાડે અને વધારે ને વધારે દુખી થયા કરે છે. એ ગીતોથી પોતાનું પેઇન ઓછું થશે એવું તેને લાગતું હશે પણ એવું છે નહીં. હકીકત તો એ છે કે એ ગીતોથી તે સતત એ જ ઘટના વચ્ચે રહે છે અને એને લીધે તેનું પેઇન વધી રહ્યું છે. 

આવું બિહેવિયર એકાદ દિવસ હોય તો સમજી શકાય, બેચાર દિવસ પણ ચલાવી શકાય, પણ ભાઈ તો એકાદ મહિનાથી આ જ કન્ડિશનમાં રહ્યા કરે છે. હવે તો તેના પેરન્ટ્સને પણ ટેન્શન છે કે દીકરો કોઈ ખોટા રસ્તે તો નથી ચડી ગયોને? તેમને બિચારાને ખબર પણ નથી કે દીકરો કયા ખોટે રસ્તે ચડી ગયો છે. પૂછે તો સાચો જવાબ મળે નહીં, ઇન્ક્વાયરી કરે તો ફ્રેન્ડ્સ પણ સાચું કહે નહીં. આવી પરિસ્થિતિમાં નૅચરલી પેરન્ટ્સ બિચારા પોતાનાથી વિચારી શકાય એવું અને એટલું જ વિચારવાના. મને પણ તેમનો ફોન હતો. તેના પપ્પાને તો ચિંતા એ વાતની હતી કે ક્યાંક તેનો દીકરો ડ્રગ્સ ન લેવા માંડ્યો હોય. મેં તેમને વાત કરી કે એવી જરાય બીક રાખવાની જરૂર નથી. તમારો દીકરો એવું વિચારતો પણ નથી અને તેના ગ્રુપમાં કોઈ એવું છે પણ નહીં જે તેને એવી ખોટી આદત પણ આપે. મને કહેવાનું મન થયું કે હું તેમને કહું કે તમારા દીકરાને ડ્રગ્સ કરતાં પણ વધારે ખરાબ લત લાગી છે, પ્રેમની. એ ઇમોશનલ બ્રેક થયો છે.
મને મારા એ ફ્રેન્ડની સાથે વાત કરવાની જવાબદારી આપવામાં આવી એટલે હું તેને મળ્યો. આવું કરવાનું કારણ મેં તેને પૂછ્યું એટલે તેણે મને કહ્યું કે હવે તેને કશું ગમતું નથી, ક્યાંય જવાનું મન નથી થતું. બહુ બધું બોલ્યો તે. મેં તેની વાત શાંતિથી સાંભળી અને પછી તેને એક જ સૉલ્યુશન આપ્યું જે મને મારી દૃષ્ટિએ સાચું લાગ્યું. મેં તેને કહ્યું કે તું આવ્યો ત્યારે એકલો હતો, તું જઈશ ત્યારે પણ મોટા ભાગે તું એકલો હોવાનો. બાકી બચ્યો આ વચ્ચેનો સમયગાળો, તો એ ગાળામાં કોઈ આવે અને જાય એ તો કુદરતે નક્કી કરેલો ઘટનાક્રમ છે, એને પાળતો રહેવાનો.



વાત ખોટી તો નથીને. ઇમોશનલ બ્રેકડાઉન તો બધાનાં થાય છે અને થતાં જ હોય. જરૂરી નથી કે દરેક વખતે પ્રેમપ્રકરણ અંતિમ સુધી પહોંચે. બને કે અમુક કિસ્સામાં ઇમોશનલ બ્રેકડાઉન પણ સહન કરવાનો આવે. એવા સમયે તમે એ જ ઘટના સાથે રહ્યા કરો કે પછી એ ઘટનાની આજુબાજુમાં પથારી પાથરીને બેસી જાઓ તો કેમ ચાલે? ઇમોશનલ બ્રેકડાઉન એ જીવનનો એક ભાગ છે. મોબાઇલ નવો ન મળે તો પણ મૂડ બગડી શકે અને અચાનક કે પછી અકાળે પેરન્ટ્સનો દેહાંત થાય તો પણ ઇમોશનલ બ્રેકડાઉન આવી શકે. નાપાસ થવું એ પણ ઇમોશનલ તોડી નાખે એવી પ્રક્રિયા છે અને યોગ્ય સમયે બ્રેક ન મળવો કે સક્સેસ ન મળવી એ પણ ઇમોશનલ બ્રેકડાઉનની જ વાત છે, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે ત્યાં જ ઊભા રહી જાઓ. હા, દુઃખ થાય, ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને તકલીફ પણ પડે, પરંતુ એ બધા પછી પણ એમાંથી બહાર આવવાની જવાબદારી આપણી પોતાની છે. જો એ જવાબદારી નિભાવવામાં પાછળ રહી ગયા કે પછી ઘટનાને તમારા પર હાવી થવા દીધી તો ક્યારેય એ દુઃખમાંથી, એ પીડામાંથી બહાર નહીં આવે. તમારે બહાર આવવું હોય તો એને માટે લડવું પડશે, મહેનત કરવી પડશે અને સંઘર્ષ કરવો પડશે. સેડ સૉન્ગ દિલાસો આપી શકે, પણ જે જગ્યાએ દિલ ચોંટ્યું હોય એ જગ્યાએથી એને ઉખાડવાનું કામ તો તમારે જ કરવું પડે. આ કામ બીજું કોઈ કરી ન શકે. માધ્યમ બની શકે, પણ એ કરવાની જવાબદારી તો તમારે જ લેવી પડે.


હકીકત એ છે કે આપણને આદત પડી ગઈ છે નાની વાતને મોટી બનાવવાની અને પછી એને પકડીને રડ્યા કરવાનો સ્વભાવ હવે કૉમન થઈ ગયો છે. દુનિયામાં બધાને બધું મળતું નથી અને મળવાનું નથી, પણ એની સામે એ પણ યાદ રાખવું કે તમને મળ્યું છે એ બધું બીજા અઢળક લોકોને મળ્યું નથી. બીજાની થાળીમાં પડેલી મીઠાઈ જોઈને આપણી થાળીને ધક્કો મારી દેવો કે પછી જમવાનું છોડી દેવું એ કોઈ માણસાઈ નથી. તમને જે મળ્યું છે એની કદર કરો. નાનપણથી બધા આ વાત સમજાવે છે, પણ કોઈ એ સમજવા રાજી નથી અને એટલે જ જે મળ્યું છે એની કદર નથી.

બહાર નીકળીને જોશો તો ખ્યાલ આવશે કે અનેક લોકો એવા છે જેમની પાસે તમારા જેવું સુખ, સુવિધા અને સગવડ નથી અને એ પછી પણ તે પ્રેમથી જીવન જીવી રહ્યા છે અને એ પણ કોઈ જાતની ફરિયાદ વિના. આપણી પાસે ઈશ્વરે આપેલું બધું છે અને આપણને એની જ ચિંતા છે જે આપણી પાસે નથી. છે તો એનાથી વધારે અને વધારે ન મળે ત્યાં સુધી રડવાનું. તમે કહેશો મને કે આ બ્રેકઅપ અને ઇમોશનલ બ્રેકડાઉન માટે કોણ જવાબદાર છે?


તમે પોતે. હા, બીજું કોઈ નહીં.

નાની વાતને એટલી મોટી કરી દેવામાં આવે છે કે એના સિવાયની કોઈ રિયલિટી દેખાતી જ નથી. બસ એ જ જોયા કરવાનું અને એના નામનું જ રડ્યા કરવાનું. વાસ્તવિકતાને જો સ્વીકારશો નહીં તો આમ પણ ભવિષ્યમાં રડવાનું બનશે જ એટલે જો આવતી કાલે રડવું ન હોય તો આજે આંસુ જાતે લૂંછવાં પડશે. કબૂલ કે માણસ ઇમોશનલ હોય છે, ભગવાને માણસમાં ભાવના ભરી છે અને એટલે જ તે ઇમોશનલ છે અને ઇમોશન્સ છે એટલે ક્યારેક તેને હર્ટ પણ થાય છે, પરંતુ એનો મતલબ એ તો નથી કે પછી એને પકડીને રડ્યા કરીએ. દેશની સરહદ પર જવાન શહીદ થાય છે ત્યારે ક્યારેય જોયું, સાંભળ્યું કે તેના પેરન્ટ્સ ઇમોશનલી ભાંગી પડ્યા કે તેમણે અઠવાડિયા સુધી જમવાનું મૂકી દીધું કે ઘરની એક રૂમ બંધ કરીને તેમણે પોતાની જાતને એમાં પૂરી દીધી? સાંભળ્યું છે ક્યારેય એવું? ના. એવું પણ નથી કે તેમને લાગણી નથી, તેમનામાં ઇમોશન્સ નથી. છે અને એ પણ તમારા કે મારા કરતાં વધારે અને એટલે જ તેમણે પોતાના દીકરાને, હસબન્ડને સેનામાં મોકલીને દેશની રક્ષા કરવાની જવાબદારી સોંપી છે. તમને જેટલો પ્રેમ કોઈ વ્યક્તિ માટે છે એટલો જ પ્રેમ તેમને પણ છે અને એટલું જ વહાલ તેમને પણ તેમના સંતાનો માટે છે, પણ એમ છતાં જવાબ છે ના. તેમણે મોટી વાતને નાની કરતાં શીખી લીધું છે અને આપણે, આપણે શીખ્યા છીએ કે કેમ નાની વાતને મોટું સ્વરૂપ આપીને રહીએ.

જેટલા ઇમોશનલ બ્રેકડાઉનની ફરિયાદ કરે છે એ બધાને મારે માત્ર એટલું જ કહેવું છે કે જે આવે છે એ જાય છે અને એમાં તમારો પણ ક્રમ લાગવાનો છે. બહેતર છે કે જનારાને જવા દઈને જે આજુબાજુમાં છે તેમને તકલીફ આપવાની પ્રક્રિયા ન કરીએ. ઇમોશન્સને આગળ ધરીને ગરીબડા થઈને ઊભા રહેવાને બદલે બહેતર છે કે જાતને મક્કમ બનાવવાનું કામ કરો અને એ માટે સક્ષમ થાઓ. જગત તમને રાજી રાખવા માટે નથી. ના, જરા પણ નહીં. દુનિયા તમને ખુશ કરવા માટે નથી અને એની સામે તમારે એ જવાબદારી નિભાવવાની છે. હા, તમારે બધાની ખુશીનો વિચાર કરવાનો છે. ગયું એને જવા દેવું એ પણ એક ફરજ છે અને ગયેલી વ્યક્તિ પાછળ અફસોસની હારમાળા ન ઊભી કરીને અન્યને તકલીફ ન આપવી એ પણ એક ફરજ છે. જો ફરજને જવાબદારીપૂર્વક નિભાવશો તો અને તો જ હૅપિનેસ તમને શોધતી આવશે. ઇમોશનલ બ્રેકડાઉનનાં ગીતો ગાવાને બદલે માત્ર એટલું કરો કે વધારે ને વધારે ખુશ રહો અને બીજાને ખુશ રાખો. તમારી આસપાસનું વાતાવરણ એવું જ હોય જેવી તમારી માનસિકતા હોય. જો તમે ખુશ તો આજુબાજુના બધા ખુશ અને જો આજુબાજુના બધા ખુશ હશે તો તમે ઑટોમૅટિકલી ખુશ રહેશો. બ્રેકડાઉન સ્વાભાવિક છે, પણ જીવનમાં ક્યારેય બ્રેકફેલ્યરને આવકાર નથી.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 01:29 PM IST | Mumbai Desk | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK